
તાજેતરમાં ગુજરાત ATSએ રાજ્યમાં સક્રિય જૈશ-એ-મોહમ્મદના આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ કેસની તપાસ NIAને સોંપી દીધી છે. NIAએ આ કેસ દાખલ કરીને આ મોડ્યુલની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે ગુજરાત ATSએ ગુજરાત અને મધ્યપ્રદેશમાં દરોડા પાડીને કુલ 13 આતંકીઓની ધરપકડ કરી હતી.
NIAએ અહેમદ અબ્દુલ્લાહ ગાજીવાલા, ઈબ્રાહીમ મોહમ્મદ હુસૈન, મુદાસસીર અબ્દુલ્લાહ ગાજીવાલા, ઝકારીઆ મહોમ્મદ અમ્મર, મોહમ્મદ આઇન શેરા, ફૌઝાન ઈસ્માઈલ દૌઆ, મહોમ્મદ અબ્દુલ રહેમાન સાવદી, બિલાલ મહોમ્મદ અમ્મર, એક સોશિયલ મડિયા યુઝર મહોમ્મદ ‘શાયરી બઝ’ અને એક અજાણ્યા કાશ્મીરી વિરુદ્ધ BNSની કલમ 61 અને 148 તથા UAPAની કલમ 13,17,18,38 અને 39 હેઠળ કેસ નોંધ્યો છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે પાકિસ્તાન સ્થિત આતંકી હેન્ડલર્સના ઈશારે દેશમાં કટ્ટરપંથી વિચારધારા ફેલાવવા, સ્થાનિક મુસ્લિમ યુવાનોને ભટકાવીને સંગઠનમાં ભરતી કરવા અને દેશવિરોધી પ્રવૃત્તિઓ ચલાવવાનું મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. હવે સ્થાનિક સ્તરે ઊભું કરવામાં આવી રહેલું સ્લીપર સેલ નેટવર્ક ખુલ્લું પડી ગયું છે.
ગેરકાયદે આતંકી સંગઠનની સ્થાપના
આરોપીઓએ ગુજરાતમાં ‘દારુલ ઇસ્લામ ગુજરાત જૈશ-એ-મોહમ્મદ’ નામના ગેરકાયદેસર સંગઠનની સ્થાપના કરી હતી. કટ્ટરપંથ અને જેહાદી વિચારધારાનો વ્યાપ વધારવા માટે જૈશ-એ-મોહમ્મદના સ્થાપક આતંકી મસૂદ અઝહરના ઉર્દૂ પુસ્તક દર્સ-એ-જિહાદનો ગુજરાતીમાં અનુવાદ થઈ રહ્યો હતો, જેથી સ્થાનિક સ્તરે યુવાનોનું બ્રેઈનવોશ કરીને તેમને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં ધકેલી શકાય.
આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા ડિજિટલ ઉપકરણોમાંથી જેહાદી સાહિત્ય, ઉશ્કેરણીજનક ભાષણો અને વિડીયો સહિત 254 જેટલી શંકાસ્પદ ડિજિટલ ફાઈલો મળી આવી હતી. આ ઉપરાંત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને મસૂદ અઝહર પ્રત્યે પોતાની નિષ્ઠા દર્શાવતા પત્રો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
અહેવાલ મુજબ ‘અબ્દુલ્લા’ નામના પાકિસ્તાની હેન્ડલર સાથે આ મોડ્યુલ સતત સંપર્કમાં હતું. દેશવિરોધી પ્રવૃત્તિઓ અને લોજિસ્ટિક્સ પૂરું પાડવા માટે ‘ડેડ-ડ્રોપ’ પદ્ધતિથી આશરે ₹3 લાખનું આતંકી ફંડિંગ થયું હતું. આ નાણાંનો ઉપયોગ ગુપ્ત રીતે વાહનો ખરીદવા અને આતંકી પ્રવૃત્તિઓના અડ્ડાઓ ઊભા કરવા માટે કરવામાં આવી રહ્યો હતો.
અલગ-અલગ 8 જગ્યાએ ટેસ્ટ બ્લાસ્ટ કર્યા હોવાનો ખુલાસો
આ ઉપરાંત આરોપીઓએ બૉમ્બ બનાવવાની સામગ્રી સાથે અલગ-અલગ જગ્યાએ આશરે આઠ વખત ટેસ્ટ બ્લાસ્ટ કર્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, મોડ્યુલના કેટલાક સભ્યોએ જમ્મુ-કાશ્મીર જઈને AK-47 જેવાં ઘાતક હથિયારો ચલાવવાની તાલીમ પણ લીધી હતી.
તપાસમાં એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે કટ્ટરપંથીઓએ અમદાવાદ જેવા ગીચ અને મહત્વનાં શહેરમાં સ્થિત ગાર્ડન-ટાઇપ હોટેલની રેકી કરી હતી. આ સમગ્ર મામલામાં કેટલાક મદરેસાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની સંડોવણી પણ સામે આવી છે.
ભારતીય સુરક્ષા એજન્સીઓ અને ગુજરાત ATSની સતર્કતાને કારણે આ મોટું આતંકી ષડયંત્ર સમયસર નિષ્ફળ બનાવી દેવાયું છે, અને હવે NIA આંતરરાષ્ટ્રીય કડીઓ અને ફંડિંગ ટ્રેઇલને વિગતવાર તપાસી રહી છે.

