3 જુલાઈના રોજ ગુજરાત ATSની ટીમે પડોશી રાજ્ય મધ્ય પ્રદેશ અને ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં દરોડા પાડીને આતંકી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ (JeM) સાથે સંકળાયેલા 8 આતંકવાદીઓની ધરપકડ કરી લીધી છે. આ શખ્સો પાકિસ્તાની આકાઓના ઇશારે ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે મોટાપાયે કામગીરી કરી રહ્યા હતા.
આ ભયાનક ષડયંત્રનો પર્દાફાશ ગુજરાત ATSના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને મળેલ ચોક્કસ ગુપ્ત બાતમીના આધારે થયો છે. બાતમીમાં સામે આવ્યું હતું કે કેટલાક શખ્સો ભારતના નાગરિકોનો સંપર્ક સાધી, તેમને કટ્ટરપંથી વિચારધારા તરફ વાળીને ગુજરાતમાં જૈશ-એ-મોહમ્મદનું સક્રિય નેટવર્ક ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓએ એક હાઈ-લેવલ ટીમ બનાવી હતી, જેમાં પીઆઈ ડી.વી. રાઠોડ, પીઆઈ કે.પી. ગોલેતર, પીઆઈ એમ.એન. શાહ, પીઆઈ એમ.પી. ઝાલા અને પીએસઆઈ મનિષ પટેલ તથા ડી.વી. રબારી જેવા અધિકારીઓ સામેલ હતા.
પાકિસ્તાની હેન્ડલર્સના ઇશારે કરતા હતા કામ
ATSની તપાસમાં ખુલાસો થયો છે કે પકડાયેલા આ તમામ આતંકવાદીઓ પાકિસ્તાની હેન્ડલર્સ ‘અબ્દુલ્લાહ સાહબ’ અને ‘મોહમ્મદ ઉમર’ના સીધા આદેશો માનતા હતા. પાકિસ્તાનથી તેમને અલગ-અલગ ટાસ્ક મળતા હતા. આ આતંકીઓએ ગુજરાતમાં પોતાની પ્રવૃત્તિઓ ચલાવવા માટે ખાસ ‘દારૂલે ઇસ્લામ ગુજરાત જૈશ-એ-મોહમ્મદ’ નામની એક નવી તન્જીમ (સંગઠન) પણ બનાવી લીધી હતી. આ સંગઠન હેઠળ તેઓ વધુમાં વધુ સ્થાનિક યુવકોને પોતાની સાથે જોડવાનું કામ કરી રહ્યા હતા.
ગુજરાત ATS દ્વારા પકડાયેલા આ આતંકી નેટવર્કમાં બે મુખ્ય સૂત્રધારો સામેલ છે, જેઓ મહેસાણા જિલ્લાના નંદાસણ ગામના રહેવાસી છે. જેમાં 19 વર્ષીય અહમદ ગાજીવાલા અને 30 વર્ષીય ઇબ્રાહિમ મોહમ્મદ ઘઘા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતા.
અન્ય 6 આરોપીઓની ધરપકડ
આ મુખ્ય સૂત્રધારો ઉપરાંત સંગઠનના અન્ય છ સક્રિય સભ્યોની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠાના પાલનપુરથી મુદસ્સિર ગાજીવાલા (22 વર્ષ), પાટણના સિદ્ધપુરથી ત્રણ શખ્સો- ઝકરિયા દુરાની ઘઘા (21 વર્ષ), મુફ્તી ફૌજાન દઉવા (40 વર્ષ) અને મોહમ્મદ અમીન શેરા (21 વર્ષ), નવસારીના ચીખલીથી મોહમ્મદ અબ્દુલ સાવદી (22 વર્ષ) તેમજ મધ્ય પ્રદેશના દેવાસથી ઝડપાયેલા 18 વર્ષીય બિલાલ દુરાની ઘઘાનો સમાવેશ થાય છે.
આ આંતરરાજ્ય નેટવર્કનો સફાયો કરવા માટે ગુજરાત ATSના ઉચ્ચ અધિકારીઓના આદેશથી જુદી-જુદી કુલ 5 ટીમો બનાવવામાં આવી હતી. ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ પોલીસ તેમજ મધ્ય પ્રદેશની દેવાસ પોલીસ સાથે સંકલન સાધીને એક મોટું જોઈન્ટ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શરૂઆતમાં માત્ર બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમના ટેકનિકલ ડેટા અને પૂછપરછના આધારે બાકીના 6 આતંકીઓને જુદા-જુદા સ્થળોએથી દબોચી લેવાયા હતા. પકડાયેલા તમામ આરોપીઓને વધુ તપાસ અને ગુનાહિત કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે તાત્કાલિક અમદાવાદ સ્થિત ATS કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા.
આરોપીઓ પાસેથી મળ્યું જેહાદી સાહિત્ય
આરોપીઓ પાસેથી મોટા પ્રમાણમાં વાંધાજનક ડિજિટલ જેહાદી સાહિત્ય મળી આવ્યું છે. મુખ્ય આરોપી ઇબ્રાહિમ ઘઘાના મોબાઇલની ‘નોર્ડ લોકર’ એપમાંથી જૈશ-એ-મોહમ્મદના ઝંડા, જેહાદી પુસ્તકો, ઓડિયો-વિડીયો અને ફોટોગ્રાફ્સ સહિત કુલ 254 પ્રતિબંધિત ફાઇલો મળી આવી છે. આ ઉપરાંત જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરે લખેલા અને પાકિસ્તાનમાં છપાયેલા જેહાદના 2 પુસ્તકો તેમજ સંગઠનમાં જોડાવા માટે મસુદ અઝહરને સંબોધીને ઉર્દૂમાં ટાઇપ કરેલા 8 પત્રો અને ઉર્દૂ હસ્તાક્ષરવાળા પેજના ફોટા પણ જપ્ત કરાયા છે.
પાકિસ્તાન તરફથી મળ્યું હતું 3 લાખનું ફન્ડિંગ
ATSના ઘટસ્ફોટ મુજબ આ આતંકી ષડયંત્રને ઑપરેટ કરવા માટે પાકિસ્તાન અને અન્ય સ્ત્રોતો તરફથી અંદાજે ₹3 લાખનું આતંકી ફન્ડિંગ પૂરું પાડવામાં આવ્યું હતું. આ ફંડના નાણાંમાંથી આતંકીઓએ અવરજવર કરવા અને ગુપ્ત મીટિંગો યોજવા માટે એક સેકન્ડ હેન્ડ જૂની કાર ખરીદી હતી, જેને પકડાવાના ડરથી હજુ સુધી પોતાના નામે ટ્રાન્સફર કરાવી નહોતી. આ ઉપરાંત તપાસમાં એક મોટું કાશ્મીર કનેક્શન પણ સામે આવ્યું છે, જેમાં 2થી 3 મહિના પહેલાં જૈશ-એ-મોહમ્મદના આ સભ્યોએ વડોદરા ખાતે કાશ્મીરથી આવેલા એક અજ્ઞાત વ્યક્તિ સાથે ખૂબ જ ગુપ્ત મીટિંગ કરી હોવાની પુષ્ટિ થઈ છે.
આ સમગ્ર કેસમાં સૌથી ચિંતાજનક બાબત એ સામે આવી છે કે પકડાયેલા 8 આતંકીઓમાંથી 3 શખ્સો પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામમાં આવેલા એક મદરેસા સાથે સીધા જોડાયેલા હતા. મદરેસાના ટ્રસ્ટી જુનેદના જણાવ્યા અનુસાર પકડાયેલો આરોપી મુફ્તી ફોજાન દઉવા છેલ્લા ચાર વર્ષથી આ મદરેસામાં મૌલવી તરીકે ફરજ બજાવતો હતો, જ્યારે મોહમ્મદ અમીન શેર સાત વર્ષથી અને ઝકરિયા દુરાની છેલ્લા ચાર વર્ષથી ત્યાં વિદ્યાર્થી તરીકે રહેતા હતા. મદરેસાના નિયમ મુજબ વિદ્યાર્થીઓને મોબાઈલ રાખવાની મંજૂરી ન હોવાથી આ વિદ્યાર્થીઓ મુફ્તી ફોજાનના મોબાઈલનો ઉપયોગ કરીને પાકિસ્તાની હેન્ડલર્સ સાથે આતંકી સંવાદ સાધતા હતા. હાલ આ મદરેસામાં 380 વિદ્યાર્થીઓ હોવાથી એજન્સી ત્યાં પણ ઝીણવટભરી તપાસ કરી રહી છે.
મસુદ અઝહરના જેહાદી ભાષણો જોતાં
ગુજરાત ATSના ડીઆઈજી સુનિલ જોશીએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આ આતંકીઓ મસુદ અઝહરના જેહાદી ભાષણો અને તેના વિડીયો નિયમિત જોતા હતા અને તેનાથી ભારે પ્રભાવિત હતા. સુરક્ષા એજન્સીઓ કે સામાન્ય લોકોની નજરમાં ન આવવા માટે તેઓ એક ખાસ રણનીતિ અપનાવતા હતા. તેઓ કોઈ સામાન્ય કે અજાણ્યા વ્યક્તિ પર ક્યારેય ભરોસો નહોતા મૂકતા. તેઓ માત્ર એવા જ લોકો સાથે સંપર્ક રાખતા અને સંગઠનમાં જોડતા જેઓ સંપૂર્ણપણે કટ્ટર જેહાદી વિચારધારામાં માનતા હોય. જોકે, પ્રાથમિક ટેકનિકલ તપાસ અને પૂછપરછમાં આગામી રથયાત્રાને લઈને કોઈ ચોક્કસ લોકેશનની રેકી કે હુમલાના પ્લાનિંગના પુરાવા મળ્યા નથી, તેમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સંગઠનને મજબૂત કરવાનો જ હતો.
પકડાયેલા તમામ 8 આરોપીઓ વિરુદ્ધ પ્રતિબંધિત પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમની કલમ 13, 17, 18, 38 અને 39 તથા ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 61 અને 148 હેઠળ ગંભીર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. તમામ આરોપીઓને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે દેશની સુરક્ષા અને ઊંડાણપૂર્વકની તપાસ માટે આરોપીઓના 14 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.


