
સોમનાથમાં સોમનાથ મંદિરના દિગ્વિજય ગેટ નજીક મોડી રાત્રે વહીવટીતંત્રે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી હતી. બુધવારે (19 ઑગસ્ટ) વહેલી સવારે આશરે 2:30 વાગ્યે શરૂ થયેલી કાર્યવાહીમાં ‘ગાઝી સુલ્તાન અહમદ કાદરી મસ્જિદ’ સહિત કુલ છ બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં. તેમાં ચાર દુકાનો, એક રહેણાક મકાન અને એક મજહબી સ્થળ એટલે કે મસ્જિદનો સમાવેશ થાય છે. કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને JCB સહિતનાં સાધનોની મદદથી બાંધકામો દૂર કરવામાં આવ્યાં હતાં.
મસ્જિદ સહિત 6 બાંધકામો પર બુલડોઝર
જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર દિગ્વિજય ગેટ નજીકની આ મિલકતો સોમનાથ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે રેવન્યુ વિભાગ દ્વારા અગાઉથી ખરીદવામાં આવી હતી. કોરિડોરના વિકાસ માટે આ બાંધકામો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. અધિકારીઓ અનુસાર કોરિડોર પ્રોજેક્ટ માટે અગાઉથી સંપાદિત કરવામાં આવેલી મિલકતો ખાલી કરાવવાના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે.
गुजरात-सोमनाथ मंदिर के पास प्रशासन का मेगा डिमोलिशन।
— Dixit Soni (@DixitGujarat) August 19, 2026
गाजी सुल्तान अहमद कादरी मस्जिद समेत दुकानों और मकानों पर बुलडोजर।
रात के ढाई बजे कड़े पुलिस बंदोबस्त के बीच कलेक्टर प्रशासन द्वारा डिमोलिशन।
प्रशासन का दावा है कि यह डिमोलिशन सोमनाथ कॉरिडोर के तहत राजस्व विभाग द्वारा खरीदी… pic.twitter.com/N3b7zIAqxk
મોડી રાત્રે શરૂ થયેલી કાર્યવાહીમાં ચાર દુકાનો, એક રહેણાક મકાન અને મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. ડિમોલિશન બાદ કાટમાળ હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારને પોલીસ કોર્ડન હેઠળ રાખવામાં આવ્યો હતો જેથી કાર્યવાહી દરમિયાન કોઈ કાયદો-વ્યવસ્થાની સમસ્યા ઊભી ન થાય.
85 પોલીસ જવાનોનો બંદોબસ્ત, LCB અને SOG પણ તહેનાત
કાર્યવાહી દરમિયાન સોમનાથ અને આસપાસના વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમાં એક DYSP, ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર, છ PSI અને આશરે 85 પોલીસ કર્મચારીઓનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે LCB અને સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ એટલે કે SOGની ટીમો પણ સ્થળ પર હાજર રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ડિમોલિશન કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો અને સમગ્ર વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય રહી હતી.
આ કાર્યવાહી વચ્ચે સ્થળ પર રહેલા એક ફારસી શિલાલેખને લઈને પણ સવાલ ઊભો થયો છે. અહેવાલ મુજબ આ શિલાલેખને ગુજરાતના પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત સ્મારક તરીકે ઓળખવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી હતી. જોકે, ડિમોલિશન પહેલાં આ શિલાલેખને સુરક્ષિત રીતે હટાવવામાં આવ્યો હતો કે નહીં અથવા બાંધકામ તોડતી વખતે તેને કોઈ નુકસાન થયું છે કે નહીં, તે અંગે હાલમાં સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી.
હાલની ડિમોલિશન કાર્યવાહી અંગે વહીવટીતંત્રનું સત્તાવાર કારણ સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ છે. મસ્જિદ સહિત છ બાંધકામો દૂર કર્યા બાદ હવે સ્થળ પરથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ, ફારસી શિલાલેખની સ્થિતિ અંગે સ્પષ્ટતા થવાની બાકી છે.

