AAP સરકારે ‘ની રિપ્લેસમેન્ટ’ના ‘લાભાર્થી’ બતાવી ભગવંત માન સામે 5 લોકોને ભાંગડા કરાવ્યા, એકે કહ્યું- મારી તો ઘૂંટણની સર્જરી જ નથી થઈ

પંજાબના ફિરોઝપુરમાં મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં 15 ઑગસ્ટના રોજ યોજાયેલા સ્વાતંત્ર્ય દિવસના કાર્યક્રમમાં ‘ની રિપ્લેસમેન્ટ’ કરાવનારા લાભાર્થીઓ તરીકે પાંચ વૃદ્ધોને રજૂ કરવામાં આવ્યા હતા. આ લોકોનો ‘ભાંગડા કરતો’ વિડીયો સામે આવ્યા બાદ હવે સમગ્ર મામલે મોટો વિવાદ સર્જાયો છે. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે જેમને ઘૂંટણની સર્જરીના લાભાર્થી તરીકે રજૂ કરવામાં આવ્યા, તેઓ વાસ્તવમાં પંજાબના સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ હતા.

આ વિવાદ વચ્ચે IANS સાથેની વાતચીતમાં સુરેન્દ્ર કુમાર નામના એક વ્યક્તિએ પોતે જ કહ્યું છે કે તેની કોઈ ઘૂંટણની સર્જરી થઈ નથી. તેણે જણાવ્યું કે 15 ઑગસ્ટે મુખ્યમંત્રીના આગમન માટે સ્વાસ્થ્ય વિભાગની ઝાંખી તૈયાર કરવાની સૂચના તેમને વિભાગ તરફથી આપવામાં આવી હતી અને તેમાં પાંચ લોકોએ ભાગ લીધો હતો. એટલે જે વ્યક્તિને કાર્યક્રમમાં ઘૂંટણની સર્જરી કરાવનાર લાભાર્થી તરીકે રજૂ કરવામાં આવી હતી, તે પોતે જ કહી રહ્યો છે કે તેની આવી કોઈ સર્જરી થઈ નથી.

આ મામલે ભાજપના પંજાબ પ્રદેશ ઉપાધ્યક્ષ ફતેહ જંગ બાજવાએ AAP સરકાર પર ‘મિસઇન્ફોર્મેશન’ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમના કહેવા પ્રમાણે 15 ઑગસ્ટે દેશ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે ભગવંત માન સરકાર પાંચ લોકોને ઘૂંટણ બદલાવની સર્જરી કરાવનારા લાભાર્થી તરીકે રજૂ કરી રહી હતી, જ્યારે તેઓ સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ હતા.

બીજી તરફ AAP તરફથી આ રજૂઆતનો બચાવ કરવામાં આવ્યો છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે કાર્યક્રમમાં વૃદ્ધોએ કરે નૃત્ય સરકારની આરોગ્ય યોજનાથી મળેલા લાભ અને ખુશીનું પ્રતીક હતું. અહેવાલો અનુસાર સરકારના પક્ષે આને વાસ્તવિક લાભાર્થીઓની સફળતાને દર્શાવતી રજૂઆત તરીકે જોવામાં આવી છે.

જોકે, સુરેન્દ્ર કુમારના નિવેદન બાદ હવે વિવાદનો મુખ્ય સવાલ એ છે કે જો આ લોકો ખરેખર માત્ર સ્વાસ્થ્ય વિભાગની ઝાંખી માટે મોકલાયેલા કર્મચારીઓ હતા અને તેમાં પ્રતીકાત્મક રજૂઆત કરવામાં આવી હતી તો તેમને ઘૂંટણની સર્જરી કરાવનારા લાભાર્થીઓ તરીકે કેવી રીતે રજૂ કરવામાં આવ્યા? 15 ઑગસ્ટના સરકારી કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સામે થયેલી આ રજૂઆત હવે પંજાબની AAP સરકાર માટે રાજકીય વિવાદનું કારણ બની છે.