સ્વતંત્રતા દિવસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે ‘દિમાગી નક્સલ’ શબ્દનો ઉલ્લેખ કરીને દેશની સુરક્ષા સામે ઊભા થયેલા આંતરિક ખતરા અંગે ચેતવણી આપી હતી. પીએમ મોદીનો સ્પષ્ટ ઈશારો એવા લોકો તરફ હતો જેઓ સત્તા અને બંધારણીય વ્યવસ્થાના કોરિડોરમાં બેસીને સશસ્ત્ર નક્સલવાદને વૈચારિક, કાનૂની અને સામાજિક કવચ પૂરું પાડે છે. પરંતુ પીએમ મોદીના આ નિવેદનથી સૌથી વધુ પેટમાં બળતરા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમને થઈ. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ખુલ્લેઆમ લખ્યું કે, ‘I am proud to be a dimagi naxal!’ (મને દિમાગી નક્સલ હોવા પર ગર્વ છે).
પી. ચિદમ્બરમની આ કબૂલાતે દેશવાસીઓને કોઈ આશ્ચર્ય નથી આપ્યું, પરંતુ કોંગ્રેસ પક્ષની મૂળ વિચારસણી અને તેમની રાષ્ટ્રવિરોધી તત્વો પ્રત્યેની સહાનુભૂતિને ફરી એકવાર દેશ સામે નગ્ન કરી દીધી છે. જે માણસ દેશનો ગૃહમંત્રી રહી ચૂક્યો હોય, જેની જવાબદારી દેશની દેશની સરહદો અને આંતરિક સુરક્ષાનું રક્ષણ કરવાની હતી, તે જ માણસ આજે દેશને તોડવા માંગતી હિંસક માઓવાદી વિચારધારા સાથે પોતાને જોડીને ગર્વ અનુભવી રહ્યો છે. આ નિવેદન કોઈ ભૂલથી થયેલી પોસ્ટ નથી, પરંતુ કોંગ્રેસના તે ઇતિહાસનું સત્ય છે જે હંમેશા ભારતવિરોધી શક્તિઓની સાથે ઊભું રહ્યું છે.
I am proud to be a dimagi naxal !
— P. Chidambaram (@PChidambaram_IN) August 16, 2026
JNUના મંચ પરથી નક્સલવાદને છાવરવાનો પ્રયાસ
ચિદમ્બરમની આ માનસિકતાને સમજવા માટે વર્ષ 2010ની ઘટનાઓ તરફ નજર કરવી જરૂરી છે. એ સમયે દેશમાં યુપીએ-2ની કોંગ્રેસ સરકાર હતી અને ચિદમ્બરમ કેન્દ્રીય ગૃહમંત્રી હતા. દેશના ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં નક્સલી હિંસા ચરમસીમા પર હતી. નિર્દોષ આદિવાસીઓ અને સુરક્ષાદળોના જવાનોની હત્યાઓ થઈ રહી હતી. તે સમયે મે 2010માં ચિદમ્બરમ દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) પહોંચ્યા હતા. JNU હંમેશાથી દેશવિરોધી, ડાબેરી અને ટુકડે-ટુકડે ગ્રેંગનો ગઢ રહ્યું છે અને ત્યાં જઈને દેશના ગૃહમંત્રીએ જે કહ્યું તે આઘાતજનક હતું.
JNUના મંચ પરથી ગૃહમંત્રી તરીકે પી. ચિદમ્બરમે કહ્યું હતું કે, “અમે નક્સલવાદીઓને હથિયારો હેઠાં મૂકવાનું નથી કહી રહ્યા, કારણ કે અમે જાણીએ છીએ કે તેઓ સશસ્ત્ર સંઘર્ષમાં વિશ્વાસ ધરાવે છે. છતાં સરકાર તેમની સાથે વાતચીત કરવા તૈયાર છે.” આ વિડીયો આજે પણ ઉપલબ્ધ છે. દેશના ગૃહમંત્રી સશસ્ત્ર આતંકવાદીઓ સામે ઘૂંટણ ટેકવી રહ્યા હતા અને તેમને કહી રહ્યા હતા કે તમારે હથિયારો છોડવાની પણ જરૂર નથી, અમે તમારી શરતો પર વાત કરીશું. આટલું જ નહીં, તેમણે માઓવાદીઓના આતંકને વાજબી ઠેરવવા માટે માઇનિંગ કોન્ટ્રાક્ટ્સ અને સામાજિક-આર્થિક કારણોની નવી વાર્તા ઘડી કાઢી હતી.
સૌથી વધુ દુઃખદ બાબત એ હતી કે ચિદમ્બરમનું આ નિવેદન દંતેવાડામાં થયેલા ભયાનક માઓવાદી હુમલાના બરાબર એક મહિના પછી આવ્યું હતું. દંતેવાડામાં નક્સલીઓએ CRPFના 76 નિર્દોષ જવાનોની બર્બરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. આખા દેશમાં આક્રોશ હતો, હુતાત્માના ઘરોમાં માતમ હતો, પરંતુ કોંગ્રેસ સરકારના ગૃહમંત્રી JNUમાં જઈને નક્સલીઓની હિંસાનો બચાવ કરી રહ્યા હતા અને તેમને હથિયાર ન મૂકવાની છૂટ આપી રહ્યા હતા. આનાથી વધુ શરમજનક બાબત લોકશાહીમાં બીજી કઈ હોઈ શકે?
કોંગ્રેસની નીતિઓના કારણે જ ‘રેડ કોરિડોર’નો વિસ્ફોટ
યુપીએ શાસનકાળ દરમિયાન કોંગ્રેસની આ જ ‘સોફ્ટ ઓન ટેરર’ નીતિઓને કારણે દેશમાં ‘રેડ કોરિડોર’નો વિસ્ફોટ થયો હતો. 126 જિલ્લાઓમાં નક્સલીઓ ખુલ્લેઆમ સમાંતર સરકારો ચલાવતા હતા. 2010માં જ 1,936થી વધુ નક્સલી હિંસાની ઘટનાઓ બની હતી. એક તરફ સશસ્ત્ર નક્સલીઓ જંગલોમાં ભારતીય સૈનિકોનું લોહી વહાવતા હતા તો બીજી તરફ દિલ્હી અને JNUમાં બેઠેલા ‘દિમાગી નક્સલો’ એસી રૂમમાં બેસીને આ આતંકવાદીઓને માનવાધિકારના નામે વૈચારિક અને કાનૂની સંરક્ષણ પૂરું પાડતા હતા.
મોદી સરકાર દરમિયાન નક્સલવિરોધી અભિયાનો
2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર આવ્યા બાદ નક્સલવાદ સામેની લડાઈનો દ્રષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ ગયો. વર્તમાન ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ની સ્પષ્ટ નીતિ જાહેર કરી. સરકારે કોઈ પણ જાતના વાટાઘાટો કે દયાદાન વગર માઓવાદીઓને સ્પષ્ટ ચેતવણી આપી કે, “કાં તો હથિયારો હેઠાં મૂકીને મુખ્યધારામાં જોડાઓ અથવા સુરક્ષાદળોની ગોળીઓનો સામનો કરવા તૈયાર રહો.”
મોદી સરકારે નક્સલવાદને જડમૂળથી ઉખાડવા માટે SAMADHAN (સ્માર્ટ લીડરશિપ, એગ્રેસિવ સ્ટ્રેટેજી, મોટિવેશન, એક્શનેબલ ઇન્ટેલિજન્સ, ડેશબોર્ડ કેપીઆઇ, હાર્નેસિંગ ટેકનોલોજી, એક્શન પ્લાન, નો ફાઇનાન્સિંગ) મોડેલ અમલમાં મૂક્યું હતું. CRPF અને CoBRA દળોના 70,000થી વધુ જવાનોને ડ્રોન, UAV, સ્માર્ટ ગન્સ અને MI-17V5 હેલિકોપ્ટરોથી સજ્જ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ‘ટ્રેસ, ટાર્ગેટ અને ન્યૂટ્રલાઈઝ’ની નીતિ હેઠળ સીધા નક્સલી કમાન્ડરોને જ નિશાન બનાવવામાં આવ્યા હતા.
2016ની નોટબંધીથી નક્સલીઓના કાળાં નાણાંના ભંડારો રાતોરાત પસ્તી બની ગયા. ઓનલાઈન પેમેન્ટ ટ્રેકિંગ અને એક્સટોર્શન પર કડક પ્રતિબંધોથી નક્સલવાદનું ફંડિંગ 80% સુધી ઘટી ગયું. આ સાથે NIA અને UAPAનો ઉપયોગ કરીને શહેરોમાં બેસીને ફંડિંગ અને કાનૂની મદદ પૂરી પાડતા અર્બન નક્સલોના નેટવર્કને તોડી પાડવામાં આવ્યું, જેનાથી જંગલમાં લડતા આતંકીઓ અનાથ થઈ ગયા.
મોદી સરકારે નક્સલ વિસ્તારોમાં 612થી વધુ ફોર્ટિફાઈડ પોલીસ સ્ટેશનો બનાવ્યા હતા જે યુપીએ સરકાર દરમિયાન માત્ર 66 જ હતા. આ ઉપરાંત અંતરિયાળ ગામડાઓ સુધી 6,500 કરોડથી વધુના ખર્ચે રસ્તા, મોબાઈલ ટાવર, એકલવ્ય મોડેલ સ્કૂલો અને બેંકિંગ સુવિધાઓ પહોંચાડી. જે બસ્તરમાં ગોળીઓનો અવાજ ગુંજતો હતો ત્યાં આજે ‘બસ્તર ઓલિમ્પિક’ રમાઈ રહી છે. આ સાથે જ લાવવામાં આવેલી આત્મસમર્પણ નીતિના કારણે ઢગલો ભટકેલા નક્સલીઓએ હથિયારો મૂકી ચૂક્યા છે.
નક્સલવાદ સામે મોદી સરકારની મક્કમતાનું પરિણામ એ આવ્યું કે સુરક્ષાદળોએ જંગલોના ઊંડાણ સુધી ઘૂસીને અભિયાનો ચલાવ્યાં. ‘ઑપરેશન KGH-2’ અને ‘ઑપરેશન બ્લેક ફોરેસ્ટ’ હેઠળ કરેગુટ્ટાની પહાડીઓ પર 20,000થી વધુ જવાનોને હેલિકોપ્ટરોથી ઉતારીને નક્સલીઓના વર્ષો જુદા કબ્જામાંથી વિસ્તાર મુક્ત કરાવ્યો. માત્ર 2025માં જ 364 માઓવાદીઓને ઠાર કરવામાં આવ્યા, 1,022ની અટકાયત કરાઈ અને 2,337 માઓવાદીઓએ શરણાગતિ સ્વીકારી હતી.
2025ના આંકડા અનુસાર 2010થી સરખામણીએ નક્સલી હિંસામાં 88%નો ઘટાડો થયો હતો અને નાગરિકો તથા જવાનોનાં મોતમાં 90%નો ઘટાડો થયો હતો. એક સમયે દેશના 126 જિલ્લાઓ નક્સલ પ્રભાવિત હતા, જે હવે નહીંવત થઈ ચૂક્યા છે. મધ્ય પ્રદેશ અને બિહાર સંપૂર્ણપણે નક્સલ-મુક્ત જાહેર થઈ ચૂક્યા છે.
ચિદમ્બરમ-કોંગ્રેસની ભારતવિરોધી માનસિકતા
અહીંયા આપણે એ પણ યાદ કરવાની જરૂર છે કે પી. ચિદમ્બરમ અને કોંગ્રેસની ભારતવિરોધી માનસિકતા માત્ર નક્સલવાદ સુધી સીમિત નથી. આ એ જ પી. ચિદમ્બરમ છે જેમણે દેશના બહુમતી હિંદુ સમુદાયને બદનામ કરવા માટે અને મુસ્લિમ વૉટબેન્કને ખુશ કરવા માટે ‘સેફ્રન ટેરર’ (ભગવા આતંકવાદ) અને ‘હિંદુ ટેરર’ જેવા ખોટા શબ્દો ઘડ્યા હતા. 2010માં ગૃહમંત્રી તરીકે તેમણે જ દેશની એજન્સીઓને ‘ભગવા આતંકવાદ’ સામે તપાસ કરવાના નિર્દેશ આપ્યા હતા!
કોંગ્રેસે આયોજનબદ્ધ રીતે સાધ્વી પ્રજ્ઞા સિંઘ ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત જેવા નિર્દોષ હિંદુઓને વર્ષો સુધી જેલમાં ધકેલીને યાતનાઓ આપી હતી જેથી ‘હિંદુ આતંકવાદ’નો નરેટિવ ઊભો કરી શકાય. પરંતુ આખરે અદાલતોમાં આ તમામ ષડયંત્રોનો પર્દાફાશ થયો અને કોંગ્રેસનો હિંદુવિરોધી ચહેરો ખુલ્લો પડી ગયો. ચિદમ્બરમ જેવા નેતાઓ માટે ઇસ્લામી આતંકવાદ અને નક્સલવાદ પ્રત્યે પ્રેમ છે, પરંતુ દેશના હિંદુઓ પ્રત્યે નફરત છે.
આ ઉપરાંત, દેશના આર્થિક અને તકનીકી વિકાસનો વિરોધ કરવો એ પણ આ ‘દિમાગી નક્સલો’ની જૂની આદત રહી છે. જ્યારે મોદી સરકારે ડિજિટલ પેમેન્ટ, UPI અને નોટબંધી જેવા ક્રાંતિકારી નિર્ણયો લીધા ત્યારે ચિદમ્બરમે સંસદથી લઈને સોશિયલ મીડિયા સુધી તેનો ભારે વિરોધ કર્યો હતો. વાસ્તવમાં નોટબંધી અને ડિજિટલ પેમેન્ટે નક્સલીઓ અને આતંકવાદીઓનું હજારો કરોડનું કેશ-ફંડિંગ રાતોરાત બરબાદ કરી નાખ્યું હતું. ચિદમ્બરમનો વિરોધ માત્ર આર્થિક નહોતો, પરંતુ તે નક્સલી ફંડિંગ સિન્ડિકેટને બચાવવાનો અપ્રત્યક્ષ પ્રયાસ હતો.
પોખરણ-2 પરમાણુ પરીક્ષણનો પણ વિરોધ
એટલું જ નહીં, 1998માં જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકારે પોખરણ-2 પરમાણુ પરીક્ષણ કરીને ભારતને પરમાણુ મહાસત્તા બનાવ્યું, ત્યારે પણ ચિદમ્બરમે સંસદમાં ઊભા થઈને તેનો સખત વિરોધ કર્યો હતો. તેમણે ભારતના સૈન્ય સામર્થ્ય વધારવાનો વિરોધ કરતા કાગારોળ કરી હતી કે આનાથી ભારતની ‘નૈતિકતા’ ખતમ થઈ જશે. ચીન અને પાકિસ્તાન જેવા દગાબાજ પાડોશીઓથી ઘેરાયેલા ભારતને અણુશક્તિથી વંચિત રાખવાનો આ વિચાર જ સાબિત કરે છે કે તેઓ કઈ વિચારધારાથી પ્રેરિત હતા.
આજે જ્યારે પી. ચિદમ્બરમ ગર્વથી કહે છે કે તેઓ ‘પ્રાઉડ દિમાગી નક્સલ’ છે ત્યારે તેઓ માત્ર પોતાના મનની વાત નથી કરી રહ્યા, પરંતુ તેઓ આખી કોંગ્રેસ પાર્ટીનો હિડન એજેન્ડા રજૂ કરી રહ્યા છે. રાહુલ ગાંધીથી લઈને ચિદમ્બરમ સુધીના કોંગ્રેસી નેતાઓ આજે દેશમાં અરાજકતા ફેલાવવા માંગતા, જાતિવાદના નામે દેશને તોડવા માંગતા અને આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતને બદનામ કરતા તત્વો સાથે હાથ મિલાવી ચૂક્યા છે.
આ જ લોકો છે ‘દિમાગી નક્સલો’
પીએમ મોદીએ જે ‘દિમાગી નક્સલો’ વિશે ચેતવણી આપી હતી તે આ જ લોકો છે. આ લોકો બંધારણનું પુસ્તક હાથમાં લઈને ફરે છે પરંતુ દેશના બંધારણ અને સાર્વભૌમત્વને અંદરથી પોલું કરવાનું કામ કરે છે. તેઓ યુવાનોના મગજમાં દેશવિરોધી ઝેર ઘોળે છે અને દેશના ટુકડા કરવા માંગતા આતંકવાદીઓને માનવાધિકારના નામે રક્ષણ આપે છે.
દેશના નાગરિકોએ હવે આ તફાવત સ્પષ્ટપણે સમજવાની જરૂર છે. એક તરફ કોંગ્રેસની નીતિ છે જે સશસ્ત્ર નક્સલીઓને હથિયાર ન મૂકવાની છૂટ આપે છે, હુતાત્મા જવાનોના લોહી પર રાજકારણ કરે છે અને પોતાને ‘દિમાગી નક્સલ’ કહેવામાં ગર્વ અનુભવે છે. બીજી તરફ ભાજપ અને મોદી સરકારની નીતિ છે જે રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે દેશના દુશ્મનોને તેમના ઘરમા ઘૂસીને મારે છે અને નક્સલવાદને જડમૂળથી ઉખાડી ફેંકવા કટિબદ્ધ છે.
ચિદમ્બરમની આ સોશિયલ મીડિયા પોસ્ટે 2010ના તેમના શરમજનક ઇતિહાસને ફરીથી દેશની સામે લાવીને મૂકી દીધો છે. પ્રશ્ન એ નથી કે ચિદમ્બરમ શું વિચારે છે, પ્રશ્ન એ છે કે દેશની જનતા આવા ‘દિમાગી નક્સલો’ અને દેશવિરોધી વિચારધારા ધરાવતા નેતાઓને ક્યારેય માફ કરશે કે નહીં? ભારતની જનતા હવે જાગૃત છે અને આવા રાષ્ટ્રવિરોધી ચહેરાઓને ઓળખી ચૂકી છે.


