
નક્સલવાદ ખતમ કરવાની કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અંતિમ તબક્કામાં છે ત્યારે સુરક્ષાબળોએ અંતિમ પ્રહાર માટે કમર કસી છે. જાણકારી અનુસાર હાલમાં લગભગ 300 માઓવાદીઓ જ બાકી રહ્યા છે, જેમાંથી CPI-માઓવાદીના કેન્દ્રીય સમિતિના ચાર સભ્યો ખાસ નિશાના પર છે. આ ચારમાં મિસિર બેસરા ઉર્ફે ભાસ્કર અથવા સાગર, દેવજી ઉર્ફે કુંભા દાદા અથવા ચેતન, રમ્મન્ના ઉર્ફે ગણપતિ અથવા મુપ્પલા લક્ષ્મણ રાવ અને મલ્લા રાજા રેડ્ડી ઉર્ફે સાગરનો સમાવેશ થાય છે.
આમાંથી મલ્લા રાજા રેડ્ડી મુખ્યત્વે ઓડિશામાં સક્રિય છે, જ્યારે અન્ય ત્રણ છત્તીસગઢ-તેલંગાણા સરહદના જંગલના વિસ્તારોમાં છુપાયા છે. સુરક્ષા દળો આ અંતિમ 300 માઓવાદીઓને નિષ્ક્રિય કરવા માટે તીવ્ર કાર્યવાહી કરી રહ્યા છે. અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે આ લોકોને આત્મસમર્પણ કરવું પડશે અન્યથા કાર્યવાહી દરમિયાન તેમને ઠાર કરવામાં આવશે. આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે CRPFના નેતૃત્વમાં વિવિધ ઑપરેશનો ચાલુ છે.
તાજેતરનાં મોટા ઑપરેશનો અને તેમની પ્રગતિ
છત્તીસગઢ અને તેલંગાણા સરહદ પર કરેગુટ્ટાલુ હિલ્સ (KGH) વિસ્તારમાં 18 ફેબ્રુઆરી 2026થી ‘ઑપરેશન KGH-2′ શરૂ કરવામાં આવ્યું છે. આ ઑપરેશનમાં લગભગ 2,000 જવાનો તહેનાત કરાયા છે, જેમાં CRPF, તેની એલીટ કમાન્ડો યુનિટ CoBRA, છત્તીસગઢ પોલીસ અને અન્ય દળો સામેલ છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય માઓવાદીઓના ટોચના નેતા દેવજી (ચેતન) અને તેના સહયોગી કેસા સોઢી સહિત અન્ય મહત્વના માઓવાદીઓને નિશાન બનાવવાનો છે. માહિતી મળી છે કે આ નેતાઓ આ વિસ્તારમાં હાજર છે અને તેમની હલનચલન પર નજર રાખવામાં આવી રહી છે.
આ ઉપરાંત, ‘ઑપરેશન બ્લેક ફોરેસ્ટ 2’ કરેગુટ્ટાલુ હિલ્સમાં પણ ચાલુ છે. આ ઑપરેશન અગાઉના ‘ઑપરેશન બ્લેક ફોરેસ્ટ’ની આગળની કડી છે, જેમાં 31 માઓવાદીઓને ઠાર કરાયા હતા અને મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો જપ્ત કરાયાં હતાં. હાલનાં ઑપરેશનોમાં પણ જંગલી વિસ્તારોમાં તપાસ, ઘેરાબંધી અને ઇન્ટેલિજન્સ આધારિત કાર્યવાહી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં નક્સલવાદ વિરુદ્ધની લડાઈમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. 2025માં જ સુરક્ષા દળોએ 364 માઓવાદીઓને ઠાર કર્યા, 1,022ની અટકાયત કરી અને 2,337ને આત્મસમર્પણ કરાવ્યું હતું. કેન્દ્રીય સમિતિના સભ્યોની સંખ્યા 20-22માંથી ઘટીને માત્ર 4 રહી ગઈ છે. નક્સલ પ્રભાવિત જિલ્લાઓમાં પણ ઘટાડો થયો છે. અત્યંત પ્રભાવિત જિલ્લાઓમાં છત્તીસગઢના માત્ર ત્રણ જિલ્લા બીજાપુર, સુકમા, નારાયણપુર જ બાકી રહ્યા છે અને LWE પ્રભાવિત જિલ્લાઓ 18માંથી 11 થઈ ગયા છે.
2010થી 2025 સુધીમાં LWE હિંસા 88% ઘટી છે, અને નાગરિકો તથા સુરક્ષા જવાનોના મોતમાં 90% ઘટાડો થયો છે. નોંધનીય છે કે મધ્યપ્રદેશને ડિસેમ્બર 2025માં નક્સલ-મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું. તાજેતરમાં બિહારમાં પણ છેલ્લા સક્રિય માઓવાદીના આત્મસમર્પણ સાથે રાજ્યને નક્સલ-મુક્ત જાહેર કરાયું છે. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં 44 માઓવાદી મેમોરિયલ્સ તોડી પાડવામાં આવ્યા છે.
સરકારની વ્યૂહરચના અને ભવિષ્ય
સુરક્ષા કાર્યવાહી ઉપરાંત સરકાર વિકાસ, કલ્યાણ અને જનસંપર્ક પર પણ ધ્યાન આપી રહી છે. આત્મસમર્પણ કરનારાઓને પુનર્વસન, રોજગાર અને સુરક્ષા આપવામાં આવે છે. નક્સલવાદીઓનાં છુપાં ઠેકાણાઓ અને મેમોરિયલ્સને નાશ કરીને તેમના પ્રભાવને નબળો પાડવામાં આવી રહ્યો છે.
અમિત શાહે કહ્યું છે કે નક્સલવાદ હવે તેના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે અને તેના કારણે દાયકાઓથી વિકાસ અટકી ગયો હતો. નરેન્દ્ર મોદી સરકારની આ પ્રતિબદ્ધતા અનુસાર, માર્ચ 31, 2026 સુધીમાં દેશને નક્સલ-મુક્ત બનાવીને આંતરિક સુરક્ષા અને વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરવામાં આવશે. આ અંતિમ તબક્કો ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે, જે દેશની આંતરિક શાંતિ અને એકતાને મજબૂત બનાવશે.

