રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાની રાહત: બેનામી સંપત્તિના કેસમાં હાઇકોર્ટની કાર્યવાહી પર રોક, CBI-EDને રિપોર્ટ ન આપવા આદેશ

બેનામી અને આવક કરતાં વધુ સંપત્તિના ગંભીર આરોપોનો સામનો કરી રહેલા કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તરફથી વચગાળાની રાહત મળી છે. અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેંચ દ્વારા આપવામાં આવેલા તપાસના આદેશો સામે રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે હાઇકોર્ટની કાર્યવાહી પર હાલ પૂરતો સ્ટે આપી દીધો છે.

CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની પીઠે અલ્હાબાદ હાઇકોર્ટમાં ચાલી રહેલી તમામ પ્રક્રિયા પર રોક લગાવતા CBI તથા EDને નિર્દેશ આપ્યો છે કે તેઓ હાઇકોર્ટ સમક્ષ પોતાનો કોઈ પણ તપાસ રિપોર્ટ કે એફિડેવિટ જમા ન કરાવે.

હાઇકોર્ટે રાહુલ ગાંધીને કેમ ન સાંભળ્યા? – સુપ્રીમનો સવાલ

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટે અપનાવેલી પ્રક્રિયા અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. પીઠે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે રાહુલ ગાંધી સામે તપાસનો આદેશ કે આકરા વલણ અપનાવતા પહેલાં તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની કે સાંભળવાની તક કેમ ન આપવામાં આવી?

CJI સૂર્યકાંતે કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, અદાલતો પાસે આશા રાખવામાં આવે છે કે તેઓ કોઈ પણ નિર્દેશ આપતા પહેલાં બંને પક્ષોને પૂરતી તક આપે. જોકે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે જો કોઈ એજન્સી પાસે ગેરકાયદે સંપત્તિ અંગેના નક્કર પુરાવા હોય તો તે પોતાની રીતે કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે.

કોર્ટમાં જજો અને એજન્સીઓ વચ્ચેની ખેંચતાણ

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીઓની ભૂમિકા સામે પણ સવાલો કર્યા હતા. જસ્ટિસ જોયમાલ્ય બાગચીએ CBI તરફથી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ. વી. રાજુને પૂછ્યું હતું કે, “જો મામલો આટલો ગંભીર હતો તો તમારી એજન્સી અત્યાર સુધી શાંત કેમ રહી? શું તમારે સ્વતંત્ર તપાસ માટે પણ કોર્ટના ઈશારા કે આદેશની જરૂર છે?”

બચાવપક્ષની ‘વિચ હન્ટ’ની દલીલ અને અરજદારનો પલટવાર

રાહુલ ગાંધી વતી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે આ અરજી કાયદાકીય રીતે ટકી શકે તેમ નથી. તેમણે જણાવ્યું હતું કે અરજદારે પોતાના કોઈ ક્રેડિટ ક્વાલિફિકેશન કે સત્તાવાર આધાર સ્પષ્ટ કર્યા નથી.

સિબ્બલે આને રાજકીય રીતે પ્રેરિત ‘વિચ હન્ટ’ (Witch Hunt Process) ગણાવીને કહ્યું હતું કે સીલબંધ કવરની ગુપ્ત બાબતો અને કાનૂની પ્રક્રિયાઓ અખબારોમાં કેવી રીતે લીક થઈ રહી છે તે અંગે પણ હાઇકોર્ટે સવાલ ઉઠાવવા જોઈતા હતા.

બીજી તરફ હાઇકોર્ટમાં અરજી કરનાર ભાજપ કાર્યકર એસ. વિગ્નેશ શિશિરે દલીલ કરી હતી કે આ કેસ માત્ર ‘પ્રી-FIR’ સ્ટેજ પર છે અને આ તબક્કે આરોપીને સાંભળવો કાયદાકીય રીતે જરૂરી નથી.

શું છે રાહુલ ગાંધી અને ગાંધી પરિવારની સંપત્તિનો વિવાદ?

કર્ણાટકના ભાજપ કાર્યકર એસ. વિજ્ઞેશ શિશિરે અલ્હાબાદ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધી અને તેમના પરિવાર પાસે તેમની જાહેર કરાયેલી આવકના કાયદેસર સ્રોતો કરતાં ઘણી વધુ બેનામી સંપત્તિ છે. આ ગંભીર ફરિયાદોના આધારે મે મહિનામાં હાઇકોર્ટે CBI અને EDને તથ્યો તપાસવાના આદેશ આપ્યા હતા.

ત્યારબાદ 20 જુલાઈએ અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેંચે તપાસ એજન્સી CBIએ રજૂ કરેલ સોગંદનામા સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, CBIનું સોગંદનામું સંતોષકારક નથી અને તપાસમાં શું પ્રગતિ થઈ તે સ્પષ્ટ થતું નથી. આથી હાઇકોર્ટે CBIના વરિષ્ઠ અધિકારીને રૂબરૂમાં વિગતવાર નવું સોગંદનામું રજૂ કરવા આદેશ આપ્યો હતો.

અલ્હાબાદ હાઇકોર્ટના આ આદેશો સામે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. હાલ સુપ્રીમ કોર્ટે અંતરિમ સ્ટે આપીને હાઇકોર્ટની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે, જેનાથી રાહુલ ગાંધીને રાહત મળી છે.