હોમપેજસ્પેશ્યલએક દેશ, ટૂ નેશન થિયરી અને દાયકાઓનું રાજકારણ: હિંદુ બાહુલ્ય ભારત 1947માં...

એક દેશ, ટૂ નેશન થિયરી અને દાયકાઓનું રાજકારણ: હિંદુ બાહુલ્ય ભારત 1947માં કેવી રીતે ખંડિત થયું?

રાષ્ટ્રો ઘણી વખત એક જ દિવસે તૂટતાં નથી. પહેલાં તેમના વિશેના વિચારો બદલાય છે. પછી રાજકીય ઓળખો અલગ પાડવામાં આવે છે. પછી સત્તાના હિસ્સા અલગ માંગવામાં આવે છે અને સૌથી અંતે નકશા પર રેખા ખેંચાય છે. 1947માં એ રેખા ખેંચાઈ હતી. પરંતુ તેની વાર્તા ઘણાં દાયકા પહેલાં શરૂ થઈ ગઈ હતી.

- Advertisement -

1947નું વર્ષ યાદ કરીએ એટલે આંખ સામે માત્ર સ્વતંત્રતાનો ઉત્સવ નથી આવતો. એક તરફ સદીઓની ગુલામી પછી ભારત અંગ્રેજી શાસનમાંથી મુક્ત થવા જઈ રહ્યું હતું તો બીજી તરફ પશ્ચિમ પંજાબ, સિંધ, બંગાળ અને સરહદના અનેક વિસ્તારોમાં હિંદુઓ અને શીખો માટે કાળ ઊતર્યો હતો. ઘરો સળગ્યાં, પરિવારો વિખૂટા પડ્યા, લોકો પોતાની જમીન-મિલકત છોડીને અજાણ્યા રસ્તે નીકળી પડ્યા અને શરણાર્થીઓથી ભરેલી ટ્રેનો ભારત તરફ આવવા લાગી. ટ્રેનોમાં માણસો નહીં પરંતુ લાશો આવી રહી હતી. ક્યાંક આખાં ગામો ખાલી થઈ ગયાં તો ક્યાંક પેઢીઓથી વસેલા પરિવારોને પોતાની જ ધરતી પર પરાયા બનાવી દેવામાં આવ્યા.

પરંતુ અહીં એક સવાલ થોભીને પૂછવો જોઈએ કે શું આ બધું 1947માં જ અચાનક શરૂ થયું હતું?

શું એક સવારે અંગ્રેજોએ નકશા પર એક રેખા દોરી અને હિંદુ બાહુલ્ય ભારત બે ભાગમાં વહેંચાઈ ગયું? ના.

- Advertisement -

1947 તો એક લાંબી રાજકીય યાત્રાનો અંતિમ પડાવ હતો. તેની શરૂઆતમાં એક વિચાર હતો. પછી એ વિચારને સંસ્થાઓ મળી. સંસ્થાઓને રાજકીય પ્રતિનિધિત્વ મળ્યું. રાજકીય પ્રતિનિધિત્વમાંથી અલગ હકોની માગ ઊભી થઈ અને અંતે વાત અલગ રાષ્ટ્ર સુધી પહોંચી. આ વિચાર હતો– હિંદુ અને મુસ્લિમ માત્ર બે સમુદાયો નથી, પરંતુ બે અલગ રાષ્ટ્ર છે. જેને પછી ઇતિહાસે ‘ટૂ-નેશન થિયરી’ના નામે ઓળખી.

બીજ અહીં વાવવામાં આવ્યાં હતાં

આ વાર્તાને સમજવા માટે 1940ના લાહોર અધિવેશનથી શરૂઆત કરવી એ વાર્તાના અંતથી શરૂઆત કરવા જેવું છે. તેના મૂળ ઘણાં પહેલાં જઈને મળે છે. 19મી સદીના ઉત્તરાર્ધમાં સર સૈયદ અહમદ ખાને હિંદુ અને મુસ્લિમોને અલગ રાજકીય રાષ્ટ્ર તરીકે જોતી વિચારસરણીનાં બીજ વાવી દીધાં હતાં. 1876માં તેણે કહ્યું હતું કે હિંદુ અને મુસ્લિમ, બંનેની જીવનપદ્ધતિ અલગ હોવાથી એક રાષ્ટ્ર બની શકે નહીં. આગળ 1888ના મેરઠ ભાષણમાં તેણે અંગ્રેજો ભારત છોડે તો હિંદુ અને મુસ્લિમો એક જ સિંહાસન પર સમાન સત્તા સાથે બેસી શકે કે નહીં એવો સવાલ ઉઠાવ્યો હતો અને બંનેને બે રાષ્ટ્ર તરીકે જોતી દલીલ આગળ ધપાવી હતી.

સૈયદ અહમદ ખાન (ફોટો: TOI)

અલીગઢ આંદોલન, સર સૈયદના વિચારો અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની પોતાની એક લાંબી વાર્તા છે. એટલું સમજવું પૂરતું છે કે 1875માં તેના દ્વારા સ્થાપવામાં આવેલ મોહમ્મડન એન્ગ્લો-ઓરિએન્ટલ કૉલેજ આગળ જઈને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી બની અને અલીગઢની આસપાસ ઊભું થયેલું આ બૌદ્ધિક-સામાજિક વાતાવરણ પછીના મુસ્લિમ અલગાવવાદી રાજકારણ માટે મહત્વનું કેન્દ્ર બન્યું. પાકિસ્તાન ચળવળના અનેક નેતાઓ અલીગઢની આ પરંપરામાંથી આગળ આવ્યા હતા.

એટલે કે પાકિસ્તાનનો વિચાર 1940માં કોઈ એક બેઠકમાં અચાનક જન્મ્યો નહોતો. તેનાં બીજ પહેલેથી જમીનમાં હતાં. હવે એ બીજમાંથી રાજકીય છોડ ઊગવાનો હતો.

અલગ ઓળખથી અલગ રાજકારણ સુધી

1906માં ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગની સ્થાપના થઈ. હવે મુસ્લિમોની અલગ રાજકીય ઓળખ માત્ર વિચાર કે ચર્ચાનો વિષય રહી નહીં. તેને સંગઠન મળ્યું. થોડાં જ વર્ષોમાં 1909ના મોર્લે-મિન્ટો સુધારાઓ દ્વારા મુસ્લિમો માટે અલગ મતદાર મંડળની વ્યવસ્થા પણ ઊભી થઈ. તેનો અર્થ માત્ર એટલો નહોતો કે કેટલાક લોકોને અલગ મત આપવાનો અધિકાર મળ્યો. તેની પાછળ એક મોટો રાજકીય સંદેશ હતો કે ભારતીય રાજકારણમાં મજહબી સમુદાયને એક અલગ રાજકીય એકમ તરીકે માન્યતા મળી રહી હતી.

પછી 1916નો લખનૌ કરાર આવ્યો. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે થયેલા આ કરારમાં મુસ્લિમો માટે અલગ મતદાર મંડળની વ્યવસ્થાને કોંગ્રેસે સ્વીકારી. તે સમયના રાજકારણમાં આને હિંદુ-મુસ્લિમ એકતાની મોટી ઘટના તરીકે જોવામાં આવ્યું, પરંતુ પાછળથી જોતાં અહીં એક બીજું દૃશ્ય પણ દેખાય છે. જે રાજકીય અલગાવને એક સમયે તાત્કાલિક સમાધાન માનીને સ્વીકારવામાં આવ્યો હતો, તે આગળ જતાં વધુ મોટી રાજકીય માગ માટે આધાર બનવાનો હતો.

અહીંથી પ્રશ્ન માત્ર ‘મુસ્લિમોને પ્રતિનિધિત્વ કેટલું?’નો રહ્યો નહીં. પ્રશ્ન ધીમે-ધીમે ‘મુસ્લિમો એક અલગ રાજકીય રાષ્ટ્ર છે તો સત્તામાં તેમનું સ્થાન શું?’ તરફ જતો ગયો.

ખિલાફત: ભારત માટે નહીં, ખલીફા માટે

આ આખી યાત્રામાં ખિલાફત આંદોલન એક વિચિત્ર પરંતુ મહત્વનો પડાવ છે. આજે ભારતીય સ્વતંત્રતા આંદોલનનો ઇતિહાસ વાંચતાં ખિલાફતનું નામ ઘણી વખત અસહકાર આંદોલન અને અંગ્રેજો સામેની લડત સાથે એક જ શ્વાસમાં લેવામાં આવે છે. પરંતુ ખિલાફતનો મૂળ પ્રશ્ન શું હતો એ ભૂલવું નહીં.

ખિલાફત આંદોલનનો ધ્યેય ભારતની સ્વતંત્રતા નહોતો. તેનું કેન્દ્ર ઓટોમન સામ્રાજ્યના ખલીફા અને ખિલાફતને બચાવવાનો હતું. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ તૂર્કી સાથેની શરતો અને ખલીફાની સ્થિતિ અંગે ભારતીય મુસ્લિમ નેતાઓમાં અસંતોષ હતો. આ અસંતોષમાંથી ખિલાફત ચળવળ ઊભી થઈ. ભારત સરકારના ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના સત્તાવાર વર્ણનમાં પણ તેને તૂર્કીના ખલીફાના બચાવ માટેનું આંદોલન તરીકે જ વર્ણવવામાં આવ્યું છે.

ખિલાફત (ફોટો: Medium)

પરંતુ અહીં ગાંધીની રાજકીય પસંદગી મહત્વની બની. તેમણે ખિલાફતના આ મજહબી મુદ્દાને કોંગ્રેસના અસહકાર આંદોલન સાથે જોડી દીધો. 1920માં કોંગ્રેસે ખિલાફત નેતાઓની માંગને સમર્થન આપ્યું. આમ, જે મુદ્દાનો જન્મ ભારતની સ્વતંત્રતા માટે થયો જ નહોતો, તે ભારતીય રાષ્ટ્રીય રાજકારણની મુખ્યધારામાં આવી ગયો. પણ આ જોડાણને આગળના હિંદુ-મુસ્લિમ રાજકારણ અને મુસ્લિમ અલગાવવાદના સંદર્ભમાં મહત્વપૂર્ણ વળાંક તરીકે જોવામાં આવે છે.

આ પ્રયોગનું પરિણામ શું આવ્યું? થોડા સમય માટે હિંદુ-મુસ્લિમ એકતાનો રાજકીય નારો જરૂર ઊભો થયો, પરંતુ તેની કિંમત એ પણ હતી કે મજહબી ઓળખ આધારિત એક આંતરરાષ્ટ્રીય મુદ્દાને ભારતના રાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રમાં સ્થાન મળ્યું. 1924માં તૂર્કીમાં જ ખિલાફત સમાપ્ત થઈ ગઈ અને જે ખલીફાને બચાવવા માટે ભારતમાં રાજકીય આંદોલન ઊભું કરવામાં આવ્યું હતું, તે સંસ્થા જ તૂર્કીમાં ખતમ થઈ ગઈ.

હવે વાત અલગ દેશ સુધી પહોંચી રહી હતી

1930ના દાયકામાં મુસ્લિમ અલગાવવાદી રાજકારણને વધુ સ્પષ્ટ દિશા મળી. 1930માં અલ્લામા ઇકબાલે મુસ્લિમ લીગના અધિવેશનમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક સંકલિત મુસ્લિમ રાજ્યની સંકલ્પના રજૂ કરી. પંજાબ, ઉત્તર-પશ્ચિમ સરહદી પ્રાંત, સિંધ અને બલૂચિસ્તાનને એક રાજ્યમાં ભેગાં કરવાની તેની માગ હતી. એટલે હવે અલગ રાજકીય ઓળખનો વિચાર માત્ર ચૂંટણીમાં પ્રતિનિધિત્વ સુધી અટકેલો નહોતો. તે ભૂમિ અને રાજ્યની કલ્પના સુધી પહોંચી ગયો હતો.

અલ્લામા ઇકબાલ

આગળ 1937ની પ્રાંતીય ચૂંટણીઓ આવી. ચૂંટણીનાં પરિણામો બાદ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચેનો રાજકીય સંઘર્ષ વધુ ઘેરો બન્યો. મુસ્લિમ લીગે પોતાને ભારતીય મુસ્લિમોના એકમાત્ર રાજકીય પ્રતિનિધિ તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ તેજ કર્યો. આગામી થોડાં વર્ષોમાં આ દાવાને જ પાકિસ્તાનની માગ માટેની રાજકીય જમીન બનાવવામાં આવી.

23 માર્ચ 1940નું લાહોર અધિવેશન આ યાત્રાનો નિર્ણાયક પડાવ હતો. મુસ્લિમ લીગે મુસ્લિમ બહુમતી ધરાવતા ઉત્તર-પશ્ચિમ અને પૂર્વીય વિસ્તારોને અલગ રાજકીય એકમો તરીકે ગોઠવવાની માગ કરી. થોડાં વર્ષો પહેલાં જે વિચાર અલગ મતદાર મંડળ સુધી હતો, હવે તે આખા પ્રદેશને અલગ રાજકીય સત્તામાં ફેરવવાની માગ બની ગયો હતો. સર સૈયદથી શરૂ થયેલી આ વિચારધારાત્મક કડી આગળ ઇકબાલ અને પછી ઝીણા સુધી પહોંચી હતી.

પાકિસ્તાનની માગ હવે માત્ર કાગળ પર નહોતી

1940 પછીના વર્ષોમાં વાટાઘાટો ચાલતી રહી. પરંતુ 1946 સુધી પહોંચતાં રાજકીય સંઘર્ષનું સ્વરૂપ બદલાઈ ગયું. મુસ્લિમ લીગે પાકિસ્તાનની માગ માટે ‘ડાયરેક્ટ એક્શન’ની જાહેરાત કરી. 16 ઑગસ્ટ 1946નો દિવસ ‘ડાયરેક્ટ એક્શન ડે’ તરીકે નક્કી કરવામાં આવ્યો.

અને પછી કલકત્તામાં જે બન્યું તેને માત્ર ‘સામુદાયિક હિંસા’ કહી દેવી એ આખી ઘટના સાથે અન્યાય છે.

મુસ્લિમ લીગના આહ્વાન બાદ કલકત્તામાં હિંદુઓનો ભયાનક નરસંહાર થયો. ગણતરીના કલાકોમાં હજારો હિંદુઓની કત્લેઆમ શરૂ થઈ હતી. ‘ધ ગ્રેટ કલકત્તા કિલિંગ’ દરમિયાન કેટલા હિંદુઓ માર્યા ગયા તેનો ચોક્કસ આંકડો પણ આજે નિશ્ચિત રીતે કહી શકાય તેમ નથી. મકાનો અને દુકાનો સળગાવવામાં આવ્યાં, હત્યાઓ થઈ અને હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા. તે સમયે બંગાળમાં મુસ્લિમ લીગની સરકાર હતી અને સુહરાવર્દી પ્રીમિયર હતો.

ડાયરેક્ટ એક્શન ડે પર હિંદુઓનો નરસંહાર

આ ઘટનાને સમજવાની સૌથી મહત્વની બાબત એ છે કે પાકિસ્તાનની માગ હવે માત્ર ઠરાવમાં નહોતી રહી. તેની પાછળ રાજકીય દબાણ હતું અને એ દબાણે હિંદુઓનું લોહી વહાવ્યું હતું. કલકત્તા પછી નોઆખલી અને અન્ય વિસ્તારોમાં પણ હિંદુઓ સામે ભયાનક અત્યાચાર થયા. એટલે 1947ના ભાગલાને માત્ર અંગ્રેજોની નકશા દોરવાની કાર્યવાહી તરીકે જોવી મુશ્કેલ છે. તેના થોડા મહિના પહેલાં જ ભારતના એક મોટા શહેરમાં પાકિસ્તાનની માગ માટે હિંદુઓનો નરસંહાર થઈ ચૂક્યો હતો.

જ્યારે અખંડ ભારતની સામે ભાગલાનો વિકલ્પ ઊભો કરાયો

આ સમય સુધી મુસ્લિમ લીગની માગ એટલી આગળ વધી ગઈ હતી કે ભારતના રાજકીય નેતૃત્વ સામે સવાલ હવે માત્ર ‘ભાગલો જોઈએ કે નહીં?’નો રહ્યો નહોતો. સવાલ એ પણ હતો કે જો ભાગલા ન થાય તો આગળ શું?

અહીં સરદાર પટેલની ભૂમિકા સમજવી જરૂરી છે. અખંડ ભારતના હિમાયતી તરીકે ઊભેલા પટેલ માટે વિભાજન કોઈ સ્વપ્ન કે મનગમતો વિકલ્પ નહોતો. પરંતુ 1946-47 સુધીમાં મુસ્લિમ લીગની રાજકીય અડગતા, ડાયરેક્ટ એક્શન અને સતત વધતી હિંસાએ પરિસ્થિતિ એવી બનાવી દીધી હતી કે અખંડ ભારત જાળવવાનો અર્થ શું હશે એ પણ ગંભીર પ્રશ્ન બની ગયો.

બીજી તરફ કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વે પણ ભાગલાની યોજના સ્વીકારી. 3 જૂન 1947ની માઉન્ટબેટન યોજના હેઠળ ભારતના વિભાજનનો માર્ગ ખુલ્યો અને કોંગ્રેસ તથા મુસ્લિમ લીગ બંનેએ તેને સ્વીકાર્યો. ભારતના વિભાજનની યોજના કોંગ્રેસે મંજૂર કરી અને તેના પરિણામે ભારતમાંથી પાકિસ્તાન બનાવવાનો રસ્તો સાફ થયો.

અહીં જ આખી દાયકાઓ લાંબી વાર્તાનો સૌથી કડવો વળાંક છે. શરૂઆતમાં અલગ રાજકીય ઓળખની માગ હતી. પછી અલગ મતદાર મંડળ આવ્યું. પછી અલગ રાજકીય હકો. પછી અલગ રાજ્યની કલ્પના. પછી પાકિસ્તાનની ઔપચારિક માગ અને અંતે એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી કે દેશના વિભાજનને જ રાજકીય સમાધાન તરીકે સ્વીકારવામાં આવ્યું.

1947: અંતિમ રેખા, શરૂઆત નહીં

14 અને 15 ઑગસ્ટ 1947 આવ્યા ત્યારે નકશા પર એક રેખા દોરાઈ અને ભારતમાંથી એક ભૂભાગ અલગ થયો અને નામ અપાયું પાકિસ્તાન. પરંતુ એ રેખા 1947માં પહેલી વખત દોરાઈ નહોતી. નકશા પરની રેખા તો છેલ્લે આવી હતી. તેના પહેલાં મનમાં રેખા દોરાઈ હતી, રાજકારણમાં રેખા દોરાઈ હતી અને પછી સંસ્થાઓ તથા સત્તાની વ્યવસ્થામાં એ રેખા વધુ ને વધુ ઘાટી થતી ગઈ હતી.

આ આખી યાત્રા પર નજર કરીએ તો એક વાત સ્પષ્ટ દેખાય છે.

પાકિસ્તાનનો જન્મ માત્ર એક બ્રિટિશ યોજના, માત્ર એક વ્યક્તિની મહત્ત્વાકાંક્ષા કે માત્ર 1947ના થોડાક મહિનાઓનું પરિણામ નહોતો. સર સૈયદ અહમદ ખાનના સમયથી હિંદુ અને મુસ્લિમોને અલગ રાજકીય રાષ્ટ્ર તરીકે જોવાનો વિચાર આગળ વધ્યો. અલીગઢે તેને બૌદ્ધિક અને સંસ્થાકીય જમીન આપી.

મુસ્લિમ લીગે તેને સંગઠિત રાજકારણમાં ફેરવ્યો. અલગ મતદાર મંડળે તેને બંધારણીય સ્વરૂપ આપ્યું. ખિલાફતે મજહબી રાજકારણને ભારતીય રાષ્ટ્રીય રાજકારણની અંદર એક મોટું સ્થાન અપાવ્યું. ઇકબાલે અલગ મુસ્લિમ રાજ્યની કલ્પનાને દિશા આપી. ઝીણાએ તેને પાકિસ્તાનની રાજકીય માગમાં ફેરવી. 1946ના ડાયરેક્ટ એક્શન ડેએ આ માગની પાછળનું હિંસક દબાણ દુનિયા સામે મૂકી દીધું અને અંતે 1947માં ભારતનું વિભાજન થયું.

એટલે ભાગલાની વાત માત્ર એ નથી કે 1947માં કેટલા લોકો માર્યા ગયા. એ તો તેના સૌથી ભયાનક પરિણામોમાંનું એક છે. તેની પહેલાંની વાત વધુ લાંબી છે. એક વિચારની વાત, જે ધીમે-ધીમે રાજકીય માંગ બન્યો, એક રાજકીય માંગની વાત, જેને સંસ્થાઓ અને સત્તાનાં સમીકરણો મળ્યાં અને અંતે એવી પરિસ્થિતિની વાત, જેમાં હિંદુ બાહુલ્ય ભારતનો એક વિશાળ ભૂભાગ અલગ મુસ્લિમ રાષ્ટ્ર તરીકે કાપી કાઢવામાં આવ્યો.

રાષ્ટ્રો ઘણી વખત એક જ દિવસે તૂટતાં નથી. પહેલાં તેમના વિશેના વિચારો બદલાય છે. પછી રાજકીય ઓળખો અલગ પાડવામાં આવે છે. પછી સત્તાના હિસ્સા અલગ માંગવામાં આવે છે અને સૌથી અંતે નકશા પર રેખા ખેંચાય છે. 1947માં એ રેખા ખેંચાઈ હતી. પરંતુ તેની વાર્તા ઘણાં દાયકા પહેલાં શરૂ થઈ ગઈ હતી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં