બુધવારે (30 સપ્ટેમ્બર) વધુ એક ગમખ્વાર વિમાન દુર્ઘટના બનતાં-બનતાં રહી ગઈ. દુબઈથી ઇઝરાયેલ સ્થિત તેલ અવીવ જતી એક ફ્લાયદુબઈની ફ્લાઇટ ઇઝરાયેલના પાડોશી દેશ જોર્ડનમાંથી પરત વળી અને આખરે સાઉદી અરબના એક એરપોર્ટ પર લેન્ડ થઈ ગઈ. શરૂઆતમાં ફ્લાઇટમાંથી હાઇજેકિંગનું એલર્ટ મોકલાયું હતું પણ પછીથી જાણવા મળ્યું કે બે પાયલટ વચ્ચે કોઈ વાતે વિવાદ થયો હતો એટલે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. પરંતુ પછીથી જેમ-જેમ જાણકારી આવતી ગઈ એમ ખબર પડી કે આ બે પાયલટ વચ્ચેનો ‘વિવાદ’ સામાન્ય વિવાદ ન હતો અને વાત લોહીલુહાણ કરવા સુધી પહોંચી હતી.
પ્રબળ સંભાવનાઓ છે કે બેમાંથી એક પાયલટ લગભગ 200 માણસોને લઈ જતું વિમાન ક્રેશ કરવા માગતો હતો અને તેના કારણે જ તેણે સાથી પાયલટ પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો. પછીથી ક્રૂ અને પેસેન્જરોમાંથી અમુકે કોકપિટમાં ઘૂસીને હસ્તક્ષેપ કર્યો એમાં ઘણાને ઈજા પણ પહોંચી છે. ત્યારબાદ વિમાન સુરક્ષિત લેન્ડ કરાવવામાં આવ્યું. ઇઝરાયેલ ઘટનાને ટેરર એન્ગલથી જોઈ રહ્યું છે અને તપાસ ચાલી રહી છે. પાયલટ એક ઓમાનનો અને એક યુએઈનો હોવાનું કહેવાય છે. હજુ જોકે ઘણી બધી બાબતોની સ્પષ્ટતા બાકી છે.
ક્યારે-શું બન્યું?
ભારતીય સમયના સંદર્ભે જોઈએ તો સવારે લગભગ 8:35 વાગ્યે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ‘ફ્લાયદુબઈ’નું બોઇંગ 737 વિમાન ઇઝરાયેલના તેલ અવીવ જવા માટે નીકળ્યું. લગભગ અઢી કલાક પછી ફ્લાઇટ હવામાં હતી ત્યારે 7500 ઇમરજન્સી કોડ ટ્રાન્સમિટ કરવામાં આવ્યો. તેનો અર્થ થાય કે વિમાનમાં જનરલ ઇમરજન્સીની સ્થિતિ સર્જાઈ છે.
શું ઇમરજન્સી છે અને શું સ્થિતિ છે એ ગ્રાઉન્ડ પર ATC સમજી રહે એ પહેલાં સાત જ મિનિટમાં કોડ બદલીને 7500 થઈ ગયો. એવિએશનમાં આ ઇમરજન્સી કોડ ગેરકાયદેસર હસ્તક્ષેપ માટે વપરાય છે. સામાન્ય ભાષામાં આ કોડનો અર્થ થાય કે ફ્લાઇટ હાઇજેક થઈ ગઈ છે.
હાઇજેકિંગ કોડ ટ્રાન્સમિટ થતાં ઇઝરાયેલમાં એટીસીથી માંડીને સરકારના શ્વાસ અધ્ધર થઈ ગયા. તાત્કાલિક વડા પ્રધાન નેતન્યાહુ અને અન્ય સિનિયર અધિકારીઓને જાણ કરવામાં આવી. આ તરફ ફાઈટર જેટ તૈયાર કરવા માટેના આદેશો આપવામાં આવ્યા, જેથી ફ્લાઇટને મદદ મોકલી શકાય. બીજી તરફ વિમાનનો કોઈ સંપર્ક થઈ રહ્યો ન હતો.
શ્વાસ વિમાનમાં બેઠેલા મુસાફરોના પણ અધ્ધર હતા. વિમાને ઉડાન ભરીને લગભગ 35000 ફિટની ઊંચાઈ પકડી હતી પરંતુ પછીથી થોડી જ ક્ષણોમાં અચાનક 18,000 ફિટ પર આવી ગયું. માત્ર 29 સેકન્ડમાં વિમાન 14000 ફિટ નીચે આવી ગયું હતું. પછીથી વિમાન જોર્ડન તરફ આગળ વધીને 15000 ફિટની ઊંચાઈ જાળવી રાખીને પરત સાઉદી અરબ ફર્યું અને તાબુક એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ થઈ ગયું.
Between 05:22:07 and 05:22:36 flight #FZ1073 dropped from 30,875 feet to 16,750 feet (-14,125 feet in just 29 seconds) pic.twitter.com/hHfnX7cKWI
— Flightradar24 (@flightradar24) September 30, 2026
શરૂઆતમાં બે પાયલટ વચ્ચે વિવાદના સમાચાર આવ્યા
હાઇજેકિંગ કોડ મોકલ્યો હોવાથી શરૂઆતમાં સમાચાર એવા મળ્યા કે ફ્લાઇટ હાઇજેક કરવાનો પ્રયાસ થયો હતો, પણ પછીથી વિમાન સુરક્ષિત લેન્ડ થયું ત્યારે જણાવાયું કે બે પાયલટ વચ્ચેના વિવાદના કારણે વિમાનને અચાનક ઉતારવું પડ્યું. પણ પછીથી જેમ-જેમ સોશિયલ મીડિયા પર જાણકારી આવતી ગઈ અને વિમાનના મુસાફરોની આપવીતી જાણી એમ ખબર પડી કે આ સાવ સામાન્ય ઘટના ન હતી.
હમણાં સુધી મળેલી જાણકારીઓ અનુસાર વિમાનમાં બે પાયલટ વચ્ચે ઝઘડો થયો હતો અને એકે બીજાને ચાકુ મારી દીધું હતું. બંને વચ્ચેના આ ઝઘડાના કારણે પછીથી ઇમરજન્સી કોડ મોકલી દેવાયો. મુસાફરોનું કહેવું છે કે તેમણે કોકપિટમાંથી લોહી બહાર આવતું જોયું હતું.
સંભવતઃ આ જોઈને અમુક મુસાફરો અને ક્રૂ મેમ્બરો કોકપિટમાં ઘૂસી ગયા અને હુમલાખોર પાયલટને કાબૂમાં લીધો હતો. આ માથાકૂટમાં અમુક મુસાફરોને એને ક્રૂ મેમ્બરોને ઈજા પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે.
On the plane https://t.co/Fr79rrbwAL pic.twitter.com/jpBfproQkM
— Amit Segal (@AmitSegal) September 30, 2026
હજુ ઘણા પ્રશ્નોના જવાબ બાકી
વિમાન સુરક્ષિત કોણે ઉતાર્યું એ પણ એક પ્રશ્ન છે. અમુક ઠેકાણે જણાવવામાં આવી રહ્યું છે કે વિમાનમાં બે પાયલટ ઓફ ડ્યુટી પણ હતા, તેમાંથી કોઈએ મદદ કરી હોવી જોઈએ. જોકે આ બાબતની હજુ પુષ્ટિ થઈ નથી.
વિડીયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે, જેમાં કોકપિટની બહાર અમુક માણસો એકઠા થયેલા જોવા મળે છે. એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં પડી છે. અન્ય એક વ્યક્તિ તેમને સતત સાંત્વના આપતી જોવા મળે છે અને કહે છે કે તેમણે બધાને બચાવી લીધા.
આ ઘટનામાં હજુ ઘણા પ્રશ્નોના જવાબ બાકી છે. કહેવાય રહ્યું છે કે ઇમરજન્સી કોડ ટ્રાન્સમિટ થયો તેની થોડી જ સેકન્ડો પહેલાં વિમાન અચાનક નીચે આવવા માંડ્યું હતું. આ પરિસ્થિતિમાં શક્ય છે કે એક પાયલટે પ્લેનને ક્રેશ કરાવવાનો પ્રયાસ કર્યો હોય અને બીજાએ અટકાવવા જતાં બંને વચ્ચે મારામારી થઈ હોય. જોકે કોકપિટમાં ક્યારે શું થયું અને ચોક્કસ કયા સંજોગોમાં ઘટનાઓ બની એ હજુ તપાસનો વિષય છે.
તપાસનો વિષય એ પણ છે કે કોકપિટમાં ચાકુ ક્યાંથી આવ્યું. પેસેન્જરોને ક્યારે ખબર પડી હતી અને કોકપિટમાં પ્રવેશ કઈ રીતે કર્યો. કોને અને કેટલાને ઈજા પહોંચી છે.
સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે શું પાયલટ વિમાન ક્રેશ કરાવવા માગતો હતો? યાદ રહે, વિમાનમાં મોટાભાગના ઇઝરાયેલીઓ હતા. જો તેમ હોય તો તે પાછળનો મકસદ શું હતો?– આ બધું જ હવે તપાસ થશે તેમ જાણવા મળશે.
ઇઝરાયેલનું કહેવું છે કે આ ‘હાઇજેકિંગ’નો પ્રયાસ ન હોય તોપણ ટેરર અટેક જણાય છે, જ્યાં પાયલટે જાણીજોઈને વિમાન ક્રેશ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. તેને જ્યારે સાથી પાયલટે અટકાવ્યો તો ચાકુ મારી દીધું અને ત્યારબાદ ક્રૂએ જઈને નિયંત્રણ મેળવ્યું હતું.
હાલ મુસાફરો સાઉદીના તાબુક એરપોર્ટ પર છે, જેમને ઇઝરાયેલ લઈ જવા માટે તેલ અવીવથી એક ફ્લાઇટ મોકલવામાં આવી છે. બાકીની ફ્લાઈટો તેના સમયે દોડી રહી છે. પરંતુ આ ઘટનામાં હજુ અનેક સવાલોના જવાબો મેળવવાના બાકી છે.


