ઈરાની બોટ, પાકિસ્તાની ક્રૂ અને ₹3,000 કરોડનું ડ્રગ્સ: અરબી સમુદ્રમાં કોસ્ટ ગાર્ડ-ગુજરાત ATSનું મોટું ઑપરેશન

અરબી સમુદ્રમાં ભારતીય સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સ સ્મગલિંગ સામે એક મોટી સફળતા મેળવી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડના (ATS) સંયુક્ત ઑપરેશનમાં એક ઈરાની બોટમાંથી અંદાજે 526 કિલોગ્રામ જેટલું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે, જેની કિંમત લગભગ હજારો કરોડોમાં છે.

આંતરરાષ્ટ્રીય બજાર મુજબ જપ્ત કરાયેલા આ ડ્રગ્સની કિંમત ₹3,000 કરોડથી પણ વધુ આંકવામાં આવી રહી છે. આટલો મોટો જથ્થો પકડાવાથી દરિયાઈ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર મોટો પ્રહાર થયો છે. આ કાર્યવાહી દરમિયાન બોટમાં સવાર પાંચ પાકિસ્તાની નાગરિકોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

આ સમગ્ર ઑપરેશન અરબી સમુદ્રમાં લક્ષદ્વીપથી પશ્ચિમ તરફના વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલી બોટ ઈરાનની હતી, પરંતુ તેના પર સવાર તમામ ક્રૂ મેમ્બર્સ પાકિસ્તાની હતા. ઈરાની બોટ અને પાકિસ્તાની ક્રૂ હોવાના કારણે શંકા વધુ ઘેરી બની અને બોટની તપાસ કરવામાં આવી હતી.

જપ્ત કરવામાં આવેલા 526 કિલોગ્રામ નશીલા પદાર્થોમાં મુખ્યત્વે હેરોઇન અને મેથામ્ફેટામાઇન જેવા ડ્રગ્સ છે. આ બંને પદાર્થો આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ જ મોંઘા વેચાય છે. અહેવાલ અનુસાર આ ડ્રગ્સ ₹3000 કરોડનું હોય શકે છે. જોકે, આ એક અંદાજ છે અને સત્તાવાર મૂલ્યાંકન તથા લેબોરેટરી તપાસ બાદ ડ્રગ્સની ચોક્કસ ગુણવત્તા અને કિંમતનો આંકડો સ્પષ્ટ થશે.

કેવી રીતે પાર પડ્યું આખું ઑપરેશન?

ગુજરાત ATSની સચોટ ઇન્ટેલિજન્સ અને ભારતીય કોસ્ટ ગાર્ડની સતર્કતાએ આ ઑપરેશનને શક્ય બનાવી બતાવ્યું. ગુજરાત ATSને ઇન્ટેલિજેન્સ પાસેથી આ શંકાસ્પદ બોટની ગુપ્ત બાતમી મળી હતી. ત્યારબાદ અરબી સમુદ્રમાં શંકાસ્પદ ઈરાની બોટની હિલચાલ પર નજર રાખવા માટે ‘સી-એર સર્વેલન્સ’ ગોઠવવામાં આવ્યું. સુરક્ષાદળો સતત આ બોટ પર નજર રાખી રહ્યા હતા.

જ્યારે બોટની શંકાસ્પદ પ્રવૃત્તિ અને તેનો ચોક્કસ માર્ગ નિશ્ચિત થઈ ગયો, ત્યારે 25 સપ્ટેમ્બર 2026ના રોજ કોસ્ટ ગાર્ડે દરિયાની વચ્ચે જ ‘હોટ પર્સ્યુટ’ એટલે કે બોટનો સતત પીછો કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ સુરક્ષાદળોએ શંકાસ્પદ બોટને ચારેય તરફથી ઘેરી લીધી અને જવાનો તલાશી લેવા બોટમાં ઉતર્યા.

બોટ પર કબ્જો મેળવ્યા બાદ જ્યારે તપાસ શરૂ કરી, ત્યારે બોટમાંથી ₹3,000 કરોડથી પણ વધુની આંતરરાષ્ટ્રીય કિંમત ધરાવતો 526 કિલોગ્રામ જેટલો ભારે માત્રામાં હેરોઇન અને મેથામ્ફેટામાઇન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર ઑપરેશન માત્ર એક અચાનક મળેલી સફળતા નહોતી, પરંતુ ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડ વચ્ચેના સંકલન, ટ્રેકિંગ અને ઇન્ટરસેપ્શનનું પરિણામ હતું. આટલું મોટું ડ્રગ્સ કન્સાઇનમેન્ટ ભારતીય કિનારે પહોંચે તે પહેલાં જ દરિયામાં જ અટકાવી દેવાયું.

હાલમાં પકડાયેલી ઈરાની બોટ, પાકિસ્તાની ક્રૂ અને આ કરોડો રૂપિયાનું ડ્રગ્સ મુંબઈ લઈ જવામાં આવ્યું છે. હવે બહુવિધ એજન્સીઓ એ તપાસ કરી રહી છે કે આટલું બધુ ડ્રગ્સ ક્યાંથી આવ્યું, તેને કોણ લાવ્યું, કયા પહોંચાડવાનું હતું અને કોને પહોંચાડવાનું હતું. પાકિસ્તાની ક્રૂની સંડોવણીના કારણે આતંકી કનેક્શનની શંકાઓ પણ સેવાઇ રહી છે.

નોંધનીય છે કે ભારત છેલ્લા કેટલાક સમયથી દરિયાઈ માર્ગે થતા ડ્રગ્સ સ્મગલિંગ સામે સતત આકરાં પગલાં લઈ રહ્યું છે. આ અગાઉ 2024માં ચલાવવામાં આવેલા મોટા ‘સાગર મંથન’ ઑપરેશનમાં ગુજરાત ATS, NCB અને ભારતીય નૌકાદળે સંયુક્ત રીતે આશરે 3,300 કિલોગ્રામ જેટલો ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. હવે આ ₹3,000 કરોડના નવા ડ્રગ્સ કેસમાં મુંબઈ ખાતે વિવિધ તપાસ એજન્સીઓ સંયુક્ત પૂછપરછ કરશે.