હોમપેજગુજરાતકંડલામાં દેશના પ્રથમ પોર્ટ-બેઝ્ડ ઈ-મિથેનોલ પ્લાન્ટની આધારશિલા: શું છે આ ગ્રીન ફ્યુઅલ...

કંડલામાં દેશના પ્રથમ પોર્ટ-બેઝ્ડ ઈ-મિથેનોલ પ્લાન્ટની આધારશિલા: શું છે આ ગ્રીન ફ્યુઅલ અને કેમ બદલાઈ શકે છે જહાજોનું ઈંધણ?

કંડલાનો આ ₹2,300 કરોડનો ઈ-મિથેનોલ પ્લાન્ટ માત્ર એક સાધારણ ફેક્ટરી કે કેમિકલ પ્લાન્ટ નથી, પણ રીન્યુએબલ એનર્જીને ક્લીન મરીન ફ્યુઅલમાં ફેરવીને બંદર પર જ જહાજોમાં ઈંધણ પૂરવા માટેના એક આખા નવા બિઝનેસ મોડેલની શરૂઆત છે. ભવિષ્યમાં જ્યારે વૈશ્વિક શિપિંગ ક્ષેત્રમાં સ્વચ્છ અને પર્યાવરણાનુકૂળ ઈંધણ તરફ પરિવર્તન આવશે ત્યારે કંડલા આ વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ભારતનું એક અત્યંત મહત્વનું હબ બનીને ઊભરી શકે છે.

- Advertisement -

ગુજરાતના કંડલામાં દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA) ખાતે દેશના પ્રથમ પોર્ટ-બેઝ્ડ ઈ-મિથેનોલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ DPA અને આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડની (APCL) સંયુક્ત પહેલથી સાકાર થઈ રહ્યો છે. 26 સપ્ટેમ્બર 2026ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય બંદરો અને શિપિંગ મંત્રી સર્વાનંદ સોનોવાલ તથા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સાથે મળીને આ પ્લાન્ટની આધારશિલા મૂકી હતી.

આ પ્રોજેક્ટ માટે ₹2,300 કરોડના રોકાણને મંજૂરી મળી હતી. આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા દરરોજ 150 ટન (TPD) ઈ-મિથેનોલ બનાવવાની રહેશે. આ ઈંધણ સામાન્ય ફોસિલ ઈંધણને બદલે ગ્રીન હાઈડ્રોજન અને કેપ્ચર કાર્બન ડાયોક્સાઈડમાંથી બનાવવામાં આવશે.

ઈ-મિથેનોલ એટલે શું?

ઈ-મિથેનોલનું પૂરું નામ ઇલેક્ટ્રો-મિથેનોલ છે. આ ઈંધણ કોલસા કે પેટ્રોલિયમ જેવા ફોસિલ ફ્યુઅલમાંથી નહીં, પરંતુ સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે. તેને બનાવવા માટે સૌપ્રથમ સૌર કે પવન ઊર્જા જેવી રીન્યુએબલ ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીને પાણીનું ઈલેક્ટ્રોલિસિસ કરવામાં આવે છે, જેનાથી ગ્રીન હાઈડ્રોજન મળે છે. ત્યારબાદ આ ગ્રીન હાઈડ્રોજનને વાતાવરણ અથવા ઉદ્યોગોમાંથી કેપ્ચર કરેલા કાર્બન ડાયોક્સાઈડ (CO2) સાથે કેમિકલ પ્રોસેસથી ભેગો કરવામાં આવે છે અને આ પ્રોસેસથી ઈ-મિથેનોલ બને છે.

- Advertisement -

ટૂંકમાં કહીએ તો ઈ-મિથેનોલ એ કોઈ નવું કેમિકલ નથી, પરંતુ રીન્યુએબલ એનર્જીને લિક્વિડ ફ્યુઅલમાં બદલવાનો એક સુરક્ષિત રસ્તો છે, જેને મોટાં જહાજોમાં ઈંધણ તરીકે સરળતાથી સ્ટોર કરી શકાય છે. પરંપરાગત ઈંધણની સરખામણીએ ઈ-મિથેનોલના ઉપયોગથી ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં મોટો ઘટાડો થાય છે, જે દરિયાઈ પરિવહનમાં પ્રદૂષણ ઘટાડવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સામાન્ય મિથેનોલ અને ઈ-મિથેનોલમાં શું તફાવત?

સામાન્ય મિથેનોલ અને ઈ-મિથેનોલ વચ્ચેનો મુખ્ય તફાવત તે બનાવવાની રીત અને તેના માટે વપરાતા સ્ત્રોતમાં છે. સામાન્ય મિથેનોલ કોલસા કે કુદરતી ગેસ જેવા પરંપરાગત બળતણમાંથી બને છે જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, જ્યારે ઈ-મિથેનોલ પવન કે સૂર્ય ઊર્જા જેવી સ્વચ્છ વીજળીથી મેળવેલા હાઈડ્રોજન અને વાતાવરણમાંથી એકઠા કરેલા કાર્બન ડાયોક્સાઈડમાંથી બનાવવામાં આવે છે. આમ, બંનેનું અંતિમ રસાયણ એક સરખું જ હોવા છતાં ઈ-મિથેનોલ પર્યાવરણ માટે સંપૂર્ણપણે સુરક્ષિત અને પ્રદૂષણમુક્ત હોવાથી સામાન્ય મિથેનોલ કરતાં સાવ અલગ અને શ્રેષ્ઠ સાબિત થાય છે.

અહીં એ સમજવું ખૂબ મહત્વપૂર્ણ છે કે દરેક મિથેનોલ આપમેળે ગ્રીન બની જતું નથી. જો મિથેનોલ બનાવવા માટે વપરાતી વીજળી જ કોલસા જેવા ફોસિલ ઈંધણમાંથી આવતી હોય તો તેનો પર્યાવરણીય ફાયદો સાવ ઘટી જાય છે. ઈ-મિથેનોલનો સાચો અને શ્રેષ્ઠ ગ્રીન લાભ ત્યારે જ મળે છે જ્યારે તેને બનાવવામાં 100 ટકા લો-કાર્બન રીન્યુએબલ એનર્જી અને યોગ્ય CO2 ફીડસ્ટોકનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.

જહાજો માટે મિથેનોલ કેમ યોગ્ય?

હાલમાં મોટાભાગનાં વેપારી જહાજો પ્રદૂષણ ફેલાવતા પરંપરાગત તેલ અને પેટ્રોલિયમ આધારિત ઈંધણ પર ચાલે છે, જે મજબૂત સપ્લાય સિસ્ટમ ધરાવે છે પરંતુ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. દરિયાઈ પ્રદૂષણને અટકાવવા માટે ઈન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશને (IMO) આગામી સમયમાં જહાજો દ્વારા થતું ઉત્સર્જન ઘટાડીને સાવ નેટ-ઝીરો કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે, જેથી પર્યાવરણાનુકૂળ અને સ્વચ્છ ઈંધણનો ઉપયોગ વધારી શકાય.

આ જ કારણસર હવે LNG, મિથેનોલ, એમોનિયા અને હાઈડ્રોજન જેવા અલ્ટરનેટિવ મરીન ફ્યુઅલ્સનું મહત્વ ઝડપથી વધી રહ્યું છે. આ બધામાં મિથેનોલનો મોટો ફાયદો એ છે કે તે સાધારણ તાપમાને પણ લિક્વિડ સ્વરૂપે જ રહે છે. જેથી LNGની જેમ તેને સ્ટોર કરવા માટે નીચા તાપમાનવાળા ક્રાયોજેનિક સ્ટોરેજની જરૂર પડતી નથી અને જહાજોમાં તેનો ઉપયોગ કરવો પ્રમાણમાં સરળ રહે છે.

મિથેનોલના ફાયદા

આ ઉપરાંત મિથેનોલ એક લિક્વિડ ફ્યુઅલ હોવાથી તેને જહાજની સામાન્ય ટાંકીઓમાં સરળતાથી સ્ટોર કરી શકાય છે. બંદર પર જહાજમાં સીધું ઈંધણ પૂરવા માટે બંકરિંગ પ્રોસેસ કરવી પણ સરળ રહે છે. હાલમાં મિથેનોલ અને ડ્યુઅલ-ફ્યુઅલથી ચાલતા સ્પેશિયલ એન્જિનોની ટેક્નોલોજી સંપૂર્ણપણે વિકસી ચૂકી છે. ડેટા અનુસાર વર્ષ 2025 સુધીમાં સેંકડો મિથેનોલ-કેપેબલ વેસલ્સ ઑપરેશનમાં આવી ચૂક્યા છે અથવા ઓર્ડર પર છે. આ દર્શાવે છે કે આ ટેક્નોલોજી હવે માત્ર લેબોરેટરી સુધી સીમિત નથી.

ઈ-મિથેનોલનો સૌથી મોટો ફાયદો એ છે કે તેના ઉપયોગથી વાતાવરણમાં નવો કાર્બન ઉમેરાતો નથી. જ્યારે જહાજના એન્જિનમાં મિથેનોલ બળે છે ત્યારે કાર્બન ડાયોક્સાઈડ તો ઉત્પન્ન થાય છે, પરંતુ આ ઈ-મિથેનોલ બનાવતી વખતે વાતાવરણમાંથી તેટલો જ કાર્બન ડાયોક્સાઈડ અગાઉથી શોષી લેવામાં આવ્યો હોય છે. આ સિવાય હાઈડ્રોજન પણ સ્વચ્છ ગ્રીન એનર્જીથી બનાવવામાં આવે છે. આમ, આખી પ્રક્રિયામાં પરંપરાગત ફોસિલ ઈંધણ પરની નિર્ભરતા ખૂબ જ ઘટી જાય છે અને પર્યાવરણને મોટો ફાયદો થાય છે.

આ ઉપરાંત મિથેનોલમાં સલ્ફર હોતું નથી. પરંપરાગત ફ્યુઅલ ઓઈલની સરખામણીએ મિથેનોલ બળવાથી ધુમાડો, રાખ અને અન્ય સ્થાનિક પ્રદૂષકો ઘટે છે. આથી, જે મોટાં જહાજોમાં સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક પાવરનો ઉપયોગ કરવો શક્ય નથી, તેમના માટે ઈ-મિથેનોલ એક ઉત્તમ, સ્વચ્છ અને પર્યાવરણાનુકૂળ વિકલ્પ સાબિત થઈ રહ્યો છે.

ફાયદા હોવા છતાં મિથેનોલની કેટલીક મર્યાદા પણ છે. પરંપરાગત હેવી ફ્યુઅલ ઓઈલની સરખામણીએ મિથેનોલની એનર્જી ડેન્સિટી ઓછી હોવાથી જહાજમાં સમાન ઊર્જા મેળવવા માટે અંદાજે 2.5 ગણી મોટી ટાંકીની જરૂર પડે છે. આ ઉપરાંત મિથેનોલ જ્વલનશીલ અને ઝેરી હોવાથી તેના સ્ટોરેજ, લીક ડિટેક્શન અને સેફ્ટી સિસ્ટમ્સનું ખાસ ધ્યાન રાખવું પડે છે.

કેમ કરવામાં આવી કંડલાની પસંદગી?

અહીં આપણે પ્રશ્ન થાય કે ભારત પાસે ઘણા બંદરો છે છતાં કંડલાની જ પસંદગી કેમ કરવામાં આવી.

તો કંડલાની પસંદગી કરવાનું સૌથી મોટું કારણ એ છે કે અહીં બંદર અને ઈંધણ સપ્લાય બંને એક જ જગ્યાએ ઉપલબ્ધ થાય છે. આ ઉપરાંત DPA ભારતના મહત્વના કાર્ગો પોર્ટમાંથી એક છે. આ પોર્ટ પાસે મિથેનોલ કાર્ગો સંભાળવાનો પહેલેથી જ લાંબો અનુભવ છે. એપ્રિલ 2026માં કંડલામાં શોર-ટુ-શિપ મિથેનોલ બંકરિંગનું સફળ ટ્રાયલ પણ કરવામાં આવ્યું હતું અને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે રેડીનેસ લેવલ 6નું ઊંચું રેટિંગ પણ મળ્યું હતું.

ઉપરાંત પ્લાન્ટ કંડલામાં સ્થપાવાથી ઉત્પાદન, સ્ટોરેજ, પાઈપલાઈન કનેક્ટિવિટી અને બંકરિંગ જેવી તમામ કડીઓ એક જ જગ્યાએ જોડાઈ જશે. DPA પાઈપલાઈન, સ્ટોરેજ અને ઈંધણ હેન્ડલિંગનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે. જ્યારે APCL કંપની પોર્ટ વિસ્તારની અંદર જ ગ્રીન મિથેનોલ પ્રોડક્શન ફેસિલિટી તૈયાર કરશે, જેથી જહાજોમાં ઈંધણ પૂરવાનું કામ ખૂબ સરળ બનશે.

અન્ય કારણ એ છે કે કંડલા ભારત દેશના પશ્ચિમ કિનારે આવેલું હોવાથી તે એશિયા અને યુરોપ વચ્ચેના દરિયાઈ વેપાર માર્ગ સાથે સીધું જોડાયેલું છે. સિંગાપોરથી રોટરડમ જેવા આંતરરાષ્ટ્રીય રૂટ પર ચાલતાં જહાજો માટે કંડલા એક ઉત્તમ ગ્રીન ફ્યુઅલ સપ્લાય પોઈન્ટ બની શકે છે. ભવિષ્યમાં વર્ષ 2028-29 સુધીમાં કંડલાને મોટાપાયે ગ્રીન-ફ્યુઅલ બંકરિંગ હબ તરીકે વિકસાવવાનું ભારત સરકારનું લક્ષ્ય છે. તેથી આ પ્રોજેક્ટ પણ આ લક્ષ્ય સાથે જ જોડાયેલો છે.

સમગ્ર પ્રોજેક્ટનો પ્લાન

આ સમગ્ર પ્રોજેક્ટને કુલ બે તબક્કામાં વિકસાવવાનો વિગતવાર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં ₹1,200 કરોડના રોકાણથી 50 TDP ક્ષમતા ઉમેરવામાં આવશે, જે જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. ત્યારબાદ બીજા તબક્કામાં ₹1,100 કરોડના રોકાણથી વધુ 100 TDP ક્ષમતા ઉમેરાશે, જે માર્ચ 2027 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આમ બંને તબક્કા મળીને પ્લાન્ટની કુલ ક્ષમતા 150 TDP અને કુલ રોકાણ ₹2,300 કરોડ થશે.

દિવસે 150 ટનની આ સંપૂર્ણ ક્ષમતા મુજબ ગણતરી કરીએ તો પ્લાન્ટમાંથી વાર્ષિક અંદાજે 54,750 ટન ઈ-મિથેનોલનું ઉત્પાદન થઈ શકે છે. જોકે વાસ્તવિક ઉત્પાદન પ્લાન્ટની મેન્ટેનન્સ અને ઑપરેશનલ બાબતો પર આધાર રાખશે. આ વિશાળ પ્રોજેક્ટમાં દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA) અને આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડ (APCL) વચ્ચે કેપિટલ પાર્ટનરશિપનું પ્રમાણ 76:24 રાખવામાં આવ્યું છે.

આ ભાગીદારી હેઠળ DPA ₹567.32 કરોડની ઈક્વિટી કેપિટલ આપવાની સાથે 75 એકર જમીન પણ આપશે. આ ઉપરાંત પોર્ટ ઓથોરિટી ડીસેલિનેટેડ વોટર તથા ગ્રીન હાઈડ્રોજન અને રીન્યુએબલ એનર્જી સંબંધિત તમામ જરૂરી સહાય પૂરી પાડશે. આ સુવિધાઓ મળવાથી ઈ-મિથેનોલનું ઉત્પાદન અને સપ્લાય ક્ષમતા વધુ ઝડપી અને મજબૂત બનશે.

ગુજરાત અને દેશને થનારા લાભ

આ પ્રોજેક્ટથી ગુજરાતમાં માત્ર ₹2,300 કરોડના રોકાણ ઉપરાંત એક આખી નવી ઈકોસિસ્ટમ તૈયાર થઈ રહી છે. તેનાથી ગ્રીન હાઈડ્રોજન, રીન્યુએબલ ઈલેક્ટ્રિસિટી, કાર્બન કેપ્ચર, મિથેનોલ પ્રોડક્શન, સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશન અને બંકરિંગ જેવી તમામ પ્રવૃત્તિઓનો વિકાસ થશે. આ પ્રોજેક્ટથી એન્જિનિયરિંગ, સપ્લાય ચેઈન અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે 3,500થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે.

આ ઉપરાંત કંડલા અને સમગ્ર કચ્છ વિસ્તાર માટે આ પ્રોજેક્ટ એક નવી ઔદ્યોગિક વેલ્યુ ચેઈન બનાવશે. કચ્છમાં સૌર અને પવન ઊર્જાની વિપુલ શક્યતાઓ હોવાથી રીન્યુએબલ એનર્જીને પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવાનું શ્રેષ્ઠ મોડેલ બનશે. ભવિષ્યમાં ગુજરાત માત્ર રીન્યુએબલ વીજળી ઉત્પન્ન કરતું રાજ્ય જ નહીં, પરંતુ ગ્રીન ફ્યુઅલની નિકાસ કરતું મોટું વૈશ્વિક મરીન બંકરિંગ હબ પણ બની શકે છે.

રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો દેશ માટે આ પ્રોજેક્ટનું બેવડું મહત્વ છે. પ્રથમ, દેશના શિપિંગ સેક્ટરને ગ્લોબલ ડીકાર્બોનાઈઝેશન અને આઈએમઓ 2050ના નેટ-ઝીરો ટાર્ગેટ મુજબ તૈયાર કરવાનો આ રસ્તો છે. બીજું, ભારત હવે માત્ર બીજા દેશો પાસેથી ક્લીન ફ્યુઅલ ખરીદનાર નહીં, પરંતુ પોતે ગ્રીન મરીન ફ્યુઅલ બનાવીને દુનિયાને સપ્લાય કરવાની આત્મનિર્ભર ક્ષમતા વિકસાવી રહ્યું છે.

જોકે, આ પ્રોજેક્ટ સામે કેટલાક ટેકનિકલ અને આર્થિક સવાલો તથા ચેલેન્જીસ પણ છે. ઈ-મિથેનોલ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ એનર્જી-ઈન્ટેન્સિવ હોવાથી વીજળીનો ખર્ચ ઘણો મહત્વનો બની જાય છે. આથી કંડલા પ્રોજેક્ટની વાસ્તવિક સફળતાનો આધાર લાંબાગાળે સસ્તી રીન્યુએબલ ઈલેક્ટ્રિસિટી, ગ્રીન હાઈડ્રોજન અને યોગ્ય CO2 સોર્સની સતત ઉપલબ્ધતા પર રહેશે.

આ બધુ જોતાં કંડલાનો આ ₹2,300 કરોડનો ઈ-મિથેનોલ પ્લાન્ટ માત્ર એક સાધારણ ફેક્ટરી કે કેમિકલ પ્લાન્ટ નથી, પણ રીન્યુએબલ એનર્જીને ક્લીન મરીન ફ્યુઅલમાં ફેરવીને બંદર પર જ જહાજોમાં ઈંધણ પૂરવા માટેના એક આખા નવા બિઝનેસ મોડેલની શરૂઆત છે. ભવિષ્યમાં જ્યારે વૈશ્વિક શિપિંગ ક્ષેત્રમાં સ્વચ્છ અને પર્યાવરણાનુકૂળ ઈંધણ તરફ પરિવર્તન આવશે ત્યારે કંડલા આ વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ભારતનું એક અત્યંત મહત્વનું હબ બનીને ઊભરી શકે છે.

જોકે, આ પ્રોજેક્ટની સાચી અને અંતિમ અસર એ વાતો પર આધાર રાખશે કે ઈ-મિથેનોલનું ઉત્પાદન કેટલી ઝડપથી વધે છે, તેની કિંમત પરંપરાગત ઈંધણ સામે કેટલી સ્પર્ધાત્મક બને છે અને ભવિષ્યમાં કેટલાં જહાજો ખરેખર મિથેનોલ કે ડ્યુઅલ-ફ્યુઅલ ટેક્નોલોજી અપનાવે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં