ISIS સાથે સંકળાયેલા ‘વોઇસ ઑફ હિન્દ’ મોડ્યુલના 4 આતંકવાદીઓને NIA સ્પેશિયલ કોર્ટે ફટકારી સજા

દિલ્હીની સ્પેશિયલ NIA કોર્ટે તાજેતરમાં વર્ષ 2021ના એક ISIS સંબંધિત ‘વોઇસ ઑફ હિન્દ’ ટેરર કોન્સ્પિરસી કેસમાં ચાર આતંકવાદીઓને સજા સંભળાવી છે. કોર્ટે ઉમર નિસાર, રમીઝ અહમદ લોન અને તનવીર અહમદ ભટને 6-6 વર્ષની કેદ જ્યારે અફશાન પરવેઝ જરાબીને 5 વર્ષની કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે ચારેય પર અનુક્રમે ₹36,000, ₹31,000, ₹23,000 અને ₹9,000નો દંડ પણ લગાવ્યો છે.

આ કેસમાં કોર્ટે ચારેય આતંકીઓને 17 સપ્ટેમ્બર 2026ના રોજ દોષિત ઠેરવ્યા હતા અને 28 સપ્ટેમ્બરે સજા પર સુનાવણી કરી હતી. આરોપીઓએ કેસમાં ચાર્જ ફ્રેમ કરતી વખતે જ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આ તમામ લગભગ છેલ્લા પાંચ વર્ષથી કસ્ટડીમાં હતા. અદાલતે તેમને UAPA અને IPCની વિવિધ કલમો હેઠળ ગુનાહિત કાવતરું રચવા, ISISનો પ્રચાર કરવા, યુવાનોને ભટકાવવા અને સંગઠનમાં ભરતી કરવાના આરોપોમાં દોષિત ઠેરવ્યા છે.

શું હતો સમગ્ર મામલો

NIAએ વર્ષ 2021માં આ આતંકી નેટવર્ક અંગે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ISIS સાથે જોડાયેલા આ લોકો ભારત અને અન્ય સ્થળોએથી નકલી ઓનલાઈન ઓળખ બનાવીને કામ કરતા હતા. તેઓ ‘Sawt-al-Hind’ એટલે કે ‘વોઇસ ઑફ હિન્દ’ નામના ભારત-કેન્દ્રિત ડિજિટલ મેગેઝિનથી ઓનલાઈન પ્રોપગેન્ડા ફેલાવીને ભારતીય યુવાનોને ISISની વિચારધારા તરફ આકર્ષવાનો પ્રયાસ કરતા હતા.

NIAની તપાસ મુજબ આ મોડ્યુલનું કામ માત્ર ઓનલાઈન પ્રચાર પૂરતું સીમિત નહોતું. તેઓ મુસ્લિમ યુવાનોને કટ્ટરપંથી બનાવીને સીરિયા, ઈરાક અને અફઘાનિસ્તાન જેવા સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં ‘હિજરત’ એટલે કે સ્થળાંતર કરવા માટે પ્રેરિત કરતા હતા. આ ઉપરાંત, આ નેટવર્ક ભારતમાંથી યુવાનોની ભરતી કરવાની સાથે ઓનલાઈન અને જમીની સ્તરે રૂપિયા ઉઘરવવાનું કામ પણ કરતું હતું.

ISISનાં ટીશર્ટ્સ અને જેહાદી સાહિત્ય કર્યું હતું જપ્ત

કેસની તપાસ દરમિયાન NIAએ મોટી માત્રામાં વિવાદિત અને ડિજિટલ સામગ્રી જપ્ત કરી હતી. એજન્સીને ‘વોઇસ ઑફ હિન્દ’ મેગેઝિનની PDF, આતંકવાદીઓનાં પોસ્ટરો, કટ્ટરપંથી સાહિત્ય, ISIS ધ્વજવાળા ટી-શર્ટ અને ઓનલાઈન ચેટ્સ મળી આવી હતી. સાથોસાથ હથિયારોની ખરીદી અંગેના ઓડિયો રેકોર્ડિંગ્સ, પ્રચાર માટેનાં બેનરો અને મેન્ટલ વૉરને લગતી સામગ્રી પણ જપ્ત કરાઈ હતી.

અદાલતે ચારેય દોષિતોની અલગ-અલગ ભૂમિકા પણ સ્પષ્ટ કરી છે. કોર્ટના જણાવ્યા મુજબ ઉમર નિસાર ટેલિગ્રામ અને અન્ય ઓનલાઈન માધ્યમોથી મેગેઝિનનું વિતરણ કરવા અને યુવાનોની ભરતી કરતો હતો. રમીઝ અહમદ લોન અને તનવીર અહમદ ભટ ISISની વિચારધારા ફેલાવી યુવાનોને ભટકાવતા હતા, જ્યારે અફશાન પરવેઝ જરાબી મેગેઝિન માટે લેખો પ્રકાશિત કરવા અને તેના પ્રસારનું કામ કરતી હતી.

આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરવા માટે NIAએ ચાર્જશીટ ઉપરાંત ચાર પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં કુલ આઠ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. હાલ ચાર આરોપીઓને ગુનો સાબિત થતાં સજા ફટકારવામાં આવી છે, જ્યારે બાકીના આરોપીઓ સામે કોર્ટમાં ટ્રાયલ હજુ પણ ચાલુ જ છે. સંપૂર્ણ કાર્યવાહી હજુ બાકી હોવાથી આગળ વધુ ઘટસ્ફોટ થઈ શકે છે.