
દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણોના કેસના જેલબંધ આરોપી શરજીલ ઇમામે તાજેતરમાં કોર્ટમાં અરજી કરીને જેલમાં પીએચડી કરવા માટે રિસર્ચ માટેની સામગ્રી પેન ડ્રાઇવમાં લાવવા માટે અને જેલનાં કમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે પરવાનગી માગી છે. હાઇકોર્ટે આ અરજી પર દિલ્હી પોલીસ અને તિહાડ જેલ પ્રશાસનને નોટિસ મોકલીને તેમનો જવાબ માગ્યો છે.
ફેબ્રુઆરી 2020નાં દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણો બાદ શરજીલ ઇમામ જેલમાં બંધ છે. ગત વર્ષે સુપ્રીમ કોર્ટે તેની અને ઉમર ખાલિદની જમીન અરજી ફગાવી હતી. ત્યારબાદ બંનેએ ફરી કોર્ટમાં અરજી દાખલ કરી છે. દરમ્યાન શરજીલે તાજેતરમાં પિતરાઈ ભાઈઓના નિકાહનું કારણ આપીને વચગાળાના જામીન પણ માગ્યા હતા, જે કોર્ટે મંજૂર કર્યા હતા. ઈમામને કોર્ટે 4થી 10 ઑક્ટોબર સુધીના જામીન મંજૂર કર્યા હતા.
હવે શરજીલ ઈમામના વકીલ અહમદ ઈબ્રાહિમે કોર્ટમાં એક અરજી કરીને કહ્યું કે ઇમામ જાન્યુઆરી 2020થી જેલમાં બંધ છે અને ધરપકડ થઈ ત્યારે તે પીએચડીના ફાઇનલ યરમાં હતો. તેના સિનોપ્સિસને (રિસર્ચ પ્રોજેક્ટની આઉટલાઇન, જેને મંજૂરી બાદ આગળ રિસર્ચ કરી શકાય) યુનિવર્સિટી (JNU) તરફથી મંજૂરી આપી દેવામાં આવી હતી. જેથી હવે તેને રિસર્ચ મટિરિયલ પૂરું પાડવામાં આવે.
સાથે એ પણ માંગણી કરવામાં આવી છે કે શરજીલ ઈમામને જેલમાં ઉપલબ્ધ કમ્પ્યુટરનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવે. કોર્ટે જ્યારે પૂછ્યું કે સામગ્રી પેન ડ્રાઇવમાં કેમ જોઈએ છે અને ફિઝિકલ કૉપી કેમ નહીં ત્યારે વકીલે જવાબ આપ્યો કે તેનાથી કાગળો બહુ વધી જશે.
આ પહેલાં જુલાઈ મહિનામાં ટ્રાયલ કોર્ટે શરજીલ ઇમામની આ વિનંતી ફગાવી દીધી હતી અને કોર્ટે જેલ સુપ્રિટેન્ડેન્ટ પર નિર્ણય છોડ્યો હતો. પછીથી જેલ પ્રશાસને પણ વિનંતી ફગાવીને કહ્યું કે કોર્ટના આદેશ વગર આ પ્રકારે જેલમાં કંઈ પણ ન પૂરું પાડી શકાય. ત્યારબાદ હવે શરજીલ ઇમામ હાઇકોર્ટ પહોંચ્યો છે.
કોર્ટે આ મુદ્દે દિલ્હી પોલીસ અને તિહાડ જેલ પ્રશાસન બંને પાસેથી જવાબ માગ્યો છે અને જવાબ દાખલ કરવા માટે 4 સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે.

