
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં 28 સપ્ટેમ્બરે શાહી મસ્જિદના એક ભાગને હટાવવાની કાર્યવાહી દરમિયાન વાતાવરણ તંગ બની ગયું હતું. સિંહસ્થ કુંભ મેળા પહેલાં રોડ પહોળો કરવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે રસ્તાની લાઇનમાં આવતા મસ્જિદના ભાગને દૂર કરતી વખતે પોલીસ અને મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન પથ્થરમારો થતાં પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.
આ આખી ઘટનામાં સામે આવ્યું છે કે સોશિયલ મીડિયા પર AI જનરેટેડ ફેક વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા. આ વિડીયોમાં એવું દેખાડવામાં આવ્યું હતું કે આખી શાહી મસ્જિદ તોડી પાડવામાં આવી છે. આ ભ્રામક અને બનાવટી વિડીયોના કારણે લોકોમાં ભારે અફવા ફેલાઈ હતી અને મુસ્લિમોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું, જેના કારણે હિંસા ભડકી હતી.
વાસ્તવિકતા એ છે કે ઉજ્જૈનમાં આખી શાહી મસ્જિદ નથી તોડવામાં આવી, પરંતુ માત્ર રસ્તા વચ્ચે આવતો તેનો ચોક્કસ ભાગ જ હટાવવામાં આવી રહ્યો છે. ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશન માસ્ટર પ્લાન હેઠળ આ કાર્યવાહી કરી રહ્યું છે. વર્ષ 2028માં યોજાનારા પ્રતિષ્ઠિત સિંહસ્થ કુંભ મેળા પહેલાં શહેરના ટ્રાફિકને સુચારૂ બનાવવા આ રોડ પહોળો કરવો જરૂરી છે.
હાઇકોર્ટ પણ કામગીરીને આપી ચૂકી છે લીલી ઝંડી
આ કાર્યવાહી સામે શાહી મસ્જિદ સાથે જોડાયેલા લોકોએ હાઇકોર્ટના દરવાજા પણ ખખડાવ્યા હતા. જોકે, 9 સપ્ટેમ્બર 2026ના રોજ મધ્ય પ્રદેશ હાઇકોર્ટની ઇન્દોર બેન્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી સામેની અરજીઓ ફગાવી દીધી હતી. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ કાયદાકીય પ્રક્રિયાઓનું સંપૂર્ણ પાલન કર્યું છે.
કોર્પોરેશને અદાલતમાં વિગત આપી હતી કે 15 મીટર પહોળા થનારા આ રસ્તામાં કુલ 80 જેટલા ધાર્મિક માળખાં આવે છે. શહેરના વિકાસ અને રોડ વાઇડનિંગ માટે અગાઉ 10 મંદિરો અને એક અન્ય મસ્જિદના ભાગો પણ હટાવવામાં આવ્યા છે. અદાલતે એ પણ નોંધ્યું હતું કે સરકારી તંત્ર કોઈ એક ધાર્મિક સ્થળ સાથે ભેદભાવ નથી કરી રહ્યું, પરંતુ કાયદા મુજબ જ રસ્તાનું કામ આગળ વધારી રહ્યું છે.
છતાં, 28 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર AIથી બનેલા બનાવટી વિડીયોના આધારે અફવા ફેલાવવામાં આવી. વાસ્તવિક પરિસ્થિતિ અને સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલી અફવાઓ વચ્ચે જમીન-આસમાનનો ફરક હતો. આ ઝેરી પ્રોપગેન્ડાના કારણે મુસ્લિમો ઉશ્કેરાયા અને સ્થળ પર પહોંચીને પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
ઉજ્જૈન પોલીસે હવે પથ્થરમારો કરનારા તત્વોની સાથે સોશિયલ મીડિયા પર અફવા અને ભ્રામક સામગ્રી ફેલાવનારા કટ્ટરપંથીઓ સામે પણ કાર્યવાહી કરી રહી છે. તાજેતરની માહિતી મુજબ, ત્રણ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 8 FIR નોંધવામાં આવી છે અને 20 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે, જેમાં 5 કન્ટેન્ટ ક્રિએટર્સનો પણ સમાવેશ થાય છે.
15 લોકોની અટકાયત
આ સિવાય, તણાવ ફેલાવવાના આરોપસર અગાઉ 15 લોકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ AI વિડીયો સૌથી પહેલા કોણે બનાવ્યો, ક્યાંથી અપલોડ થયો અને કઈ રીતે ફેલાવવામાં આવ્યો. અફવા ફેલાવનારા નેટવર્કને પકડી પાડવા માટે સાયબર સેલ સક્રિય બન્યો છે.
આ કેસની વધુ એક મહત્વની બાબત એ છે કે હાઇકોર્ટના ચુકાદા બાદ મસ્જિદ પક્ષ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે પરસ્પર સમજૂતી પણ થઈ ગઈ હતી. 28 સપ્ટેમ્બરે હાઇકોર્ટે આ અંગેની અપીલોનો નિકાલ કર્યો હતો. સ્થાનિક પ્રશાસન અને પોલીસે સામાન્ય નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફરતા કોઈ પણ બિનસત્તાવાર કે ભ્રામક મેસેજ પર વિશ્વાસ ન કરે અને તેને આગળ ફોરવર્ડ ન કરે.

