હોમપેજદેશ‘દિમાગી નક્સલવાદ’ શું છે? કેવી રીતે વામપંથી આતંક બંદૂક છોડીને નેરેટિવ, નેટવર્ક...

‘દિમાગી નક્સલવાદ’ શું છે? કેવી રીતે વામપંથી આતંક બંદૂક છોડીને નેરેટિવ, નેટવર્ક અને શહેરોમાં પહોંચ્યો

અર્થાત, જંગલ ખાલી થઈ ગયું એટલે ખતરો પૂરો થયો નથી. જંગલની બંદૂક સામેની લડાઈ કદાચ તેના અંતિમ તબક્કે પહોંચી છે, પરંતુ બંદૂકને વિચાર આપનાર વ્યવસ્થા જો સમાજમાં જીવતી રહે તો રમત પૂરી નથી થઈ. કારણ કે નક્સલવાદની સૌથી ખતરનાક વસ્તુ તેની બંદૂક નથી.

- Advertisement -

15 ઑગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નક્સલવાદની વાત કરી ત્યારે એક વાત ખાસ ધ્યાન ખેંચનારી હતી. તેમણે કહ્યું કે જંગલોમાં બંદૂક લઈને ફરતા નક્સલીઓ સામે દેશે મોટી સફળતા મેળવી છે, પરંતુ લડાઈ હજુ પૂરી થઈ નથી. કારણ કે ‘દિમાગી નક્સલ’ હજુ હાજર છે.

તેમના શબ્દોમાં, માઓવાદી વિચાર ધરાવતા લોકો વર્ષો સુધી સત્તાના ગલિયારાઓમાં રહ્યા અને સરકારી સમિતિઓમાં સલાહકારની ભૂમિકા ભજવીને નીતિઓને પણ પ્રભાવિત કરતા રહ્યા. હવે આવા તત્વો તકની રાહ જોઈ રહ્યા છે, હિંસા અને અશાંતિનો રસ્તો બનાવી રહ્યા છે અને સમાજને ખોટી દિશામાં લઈ જવા માટે જાતજાતના હથકંડા અપનાવી રહ્યા છે. અંતે પીએમ મોદીએ કહ્યું કે આવા ‘દિમાગી નક્સલીઓ’ને ઓળખવા અને તેમને અલગ-થલગ કરવાની જરૂર છે.

પીએમ મોદીએ કોઈનું નામ લીધું નહોતું. પરંતુ નામ ન લેવું અને નિશાન ન હોવું બંને અલગ વાત છે. કારણ કે દેશે છેલ્લા કેટલાક દિવસોમાં જંતર-મંતર પર એવું ઘણું જોયું છે, જે માત્ર વિદ્યાર્થીઓની પરીક્ષા કે શિક્ષણ વ્યવસ્થાની સમસ્યાઓથી ક્યાંય આગળ નીકળી ગયું હતું. વિદ્યાર્થી મુદ્દાના નામે શરૂ થયેલા મંચ પર ડાબેરી સંગઠનોની ડફલી ગેંગના માણસો ‘આઝાદી-આઝાદી’ના નારા લગાવતા જોવા મળ્યા, હિંદુવિરોધી ટિપ્પણીઓ થઈ, ભગવાન રામ અને માતા સીતાને લઈને અપમાનજનક ભાષા વપરાઈ અને વાત ઉમર ખાલિદ તથા શરજીલ ઇમામ જેવા બદમાશોના સમર્થન સુધી પહોંચી.

- Advertisement -

અહીંથી જ ‘દિમાગી નક્સલવાદ’ને સમજવાની જરૂર પડે છે.

કારણ કે બંદૂક લઈને જંગલમાં ફરતો નક્સલી તો દેખાઈ જાય છે. તેની ઓળખ માટે બહુ મોટું તર્કશાસ્ત્ર જોઈએ નહીં. પરંતુ જ્યારે એ જ વામપંથી હિંસક વિચારધારાને શહેરના રસ્તાઓ, કેમ્પસ, આંદોલનો, સંગઠનો, નેરેટિવ અને જાહેર ચર્ચાના માધ્યમથી જગ્યા મળે ત્યારે નક્સલવાદનું સ્વરૂપ બદલાઈ જાય છે.

બંદૂક ગાયબ થઈ જાય છે, પણ વિચાર ગાયબ થતો નથી.

દિમાગી નક્સલવાદ એટલે શું?

સૌથી પહેલાં એક વાત સમજવી પડે. નક્સલવાદ માત્ર કોઈ રાજકીય વિચાર નથી. નક્સલવાદ એટલે મૂળ માઓવાદ. ‘નક્સલ’ શબ્દ તો નક્સલબાડીથી આ બધું શરૂ થયું એટલે જોડાઈ ગયો. માઓવાદી વિચારધારાનું મૂળ જ તથાકથિત સશસ્ત્ર ક્રાંતિમાં છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય મુજબ નક્સલવાદનો ઉદ્દેશ હિંસાના માધ્યમથી હાલના લોકતાંત્રિક રાજ્ય માળખાને ઉખાડી નાખવાનો અને કહેવાતી ‘નવી ડેમોક્રેટિક ક્રાંતિ’ સ્થાપવાનો છે. ગૃહ મંત્રાલય એ પણ નોંધે છે કે આ વિચારધારામાં હિંસા સત્તા કબજે કરવાનું મુખ્ય સાધન છે.

અહીંથી ‘દિમાગી નક્સલ’નો અર્થ સમજાય છે. જંગલમાં રહેલી સશસ્ત્ર નક્સલી ટુકડી નક્સલવાદનું દેખાતું અને હિંસક સ્વરૂપ છે. તેની પાછળ એક વિચારધારા છે. એ વિચારધારાને જીવંત રાખવી, તેને સમાજમાં સ્વીકાર્ય બનાવવી, તેના માટે સહાનુભૂતિ ઊભી કરવી, તેના હિંસક ચહેરા પર પડદો નાખવો અને જરૂર પડે ત્યારે સશસ્ત્ર માળખાને મદદ પહોંચાડવી, આ બધું શહેરી નેટવર્કના સ્તરે થઈ રહ્યું છે.

ગૃહ મંત્રાલય પોતે ‘ફ્રન્ટ ઑર્ગેનાઇઝેશન’ વિશે કહે છે કે આ સંસ્થાઓ નક્સલવાદના ઉપાંગ તરીકે કામ કરે છે અને કાયદાકીય જવાબદારીથી બચવા માટે અલગ અસ્તિત્વ ધરાવતી દેખાય છે. આવાં સંગઠનો પ્રચાર-દુષ્પ્રચાર કરે છે, નક્સલી ચળવળ માટે ‘પ્રોફેશનલ રિવોલ્યુશનરી’ની ભરતીમાં મદદ કરે છે, ભંડોળ ઊભું કરે છે, ધરપકડ થયેલા કેડરોને કાયદાકીય સહાય આપે છે અને ભૂગર્ભ કેડરો માટે સલામત આશ્રયસ્થાનની વ્યવસ્થા કરે છે.

અટલે દિમાગી નક્સલવાદનો સૌથી સરળ અર્થ એવો કરી શકાય કે નક્સલવાદની બંદૂક સીધી હાથમાં લીધા વગર તેની પાછળની વિચારધારા, સંગઠન અને સપોર્ટ સિસ્ટમને શહેરો અને સમાજના મુખ્ય પ્રવાહમાં જગ્યા આપવી.

જંગલમાં બેઠેલો નક્સલી પોલીસને ગોળી મારે છે. શહેરમાં બેઠેલો તેને સહાનુભૂતિ આપનાર કદાચ ગોળી ચલાવતો નથી. પરંતુ તે નક્સલવાદી હિંસાને ક્રાંતિ તરીકે રોમેન્ટિસાઇઝ કરે, સશસ્ત્ર કેડરોને મદદ પહોંચાડે, તેમના માટે કાયદાકીય કે લોજિસ્ટિક સપોર્ટ ઊભો કરે, નક્સલવાદના હિંસક ચહેરાને છુપાવવા માટે પ્રચાર કરે અથવા નક્સલ એજન્ડાને આગળ ધપાવવા માટે ‘લોકશાહી’ના મંચોનો ઉપયોગ કરે છે. આમાં તેની ભૂમિકા અલગ પ્રકારની હોવા છતાં નેટવર્ક માટે ઉપયોગી બની રહે છે.

આ જ કારણ છે કે ‘અર્બન નક્સલ’ શબ્દ માત્ર કોઈ શહેરમાં રહેતા નક્સલી માટે વપરાતો શબ્દ નથી. અહીં ‘અર્બન’નો અર્થ નક્સલવાદના શહેરી વિસ્તરણ સાથે છે. નક્સલવાદ શહેરી વિસ્તારોમાં પોતાની પ્રવૃત્તિઓ વિસ્તારવા માટે ભૂગર્ભ માળખાથી અલગ દેખાતી ‘ઓવરગ્રાઉન્ડ ફ્રન્ટ ઑર્ગેનાઇઝેશન્સ’નો ઉપયોગ કરે છે. આવાં સંગઠનોના સભ્યો પોતાને સામાજિક કાર્યકર તરીકે રજૂ કરીને ભૂગર્ભ કેડરોની પ્રવૃત્તિઓને સીધી કે આડકતરી રીતે મદદ કરે છે.

અહીં આખો ખેલ સમજવા જેવો છે.

કોઈ એક દિવસ અચાનક પાંચ લોકો બેસે અને નક્કી કરે કે ‘ચાલો, હવે નક્સલવાદ ફેલાવીએ’ એવું નથી. વિચારધારા માટે જમીન તૈયાર થાય છે. કોઈ ચોક્કસ મુદ્દો પકડાય છે. લોકોની વાસ્તવિક ફરિયાદ હોય તો તેને કેન્દ્રમાં લાવવામાં આવે છે. પછી એ ફરિયાદ સાથે એવી ભાષા અને એવો નેરેટિવ જોડાય છે કે ધીમે-ધીમે મૂળ મુદ્દો પાછળ રહી જાય અને રાજ્યવ્યવસ્થા જ શત્રુ તરીકે દેખાવા લાગે. સરકારની દરેક કાર્યવાહી ‘દમન’ બની જાય, સુરક્ષાદળોની દરેક કામગીરી ‘અત્યાચાર’ બની જાય અને નક્સલી હિંસા ‘પ્રતિકાર’ અથવા ‘ક્રાંતિ’ તરીકે રજૂ થવા લાગે.

હવે યાદ કરો જંતર-મંતર પર શું થયું હતું.

ગૃહ મંત્રાલય અનુસાર ફ્રન્ટ સંગઠનો ‘આદિવાસીઓનું વિસ્થાપન’, ‘કોર્પોરેટ શોષણ’ અને ‘સુરક્ષા દળોના માનવાધિકાર ભંગ’ જેવા મુદ્દાઓ ઉઠાવે છે અને ક્યારેક આવા દાવાઓને એટલી તીવ્રતાથી પ્રસારિત કરે છે કે તે મુખ્ય પ્રવાહના માધ્યમોમાં પણ પહોંચે છે. આ સંગઠનો સરકારી અને કાયદાકીય પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને માઓવાદી એજન્ડાને આગળ ધપાવવા તથા અમલીકરણ તંત્રને નબળું કરવા પણ પ્રયત્ન કરે છે.

અહીંથી દિમાગી નક્સલવાદનો બીજો ચહેરો સામે આવે છે– નેરેટિવ.

બંદૂકથી ડર પેદા કરવો એક રીત છે. પરંતુ બંદૂક વગર સમાજના એક વર્ગને એ સમજાવવું કે બંદૂક ઉઠાવનાર જ ‘સાચા ક્રાંતિકારી’ છે અને રાજ્યવ્યવસ્થા જ મૂળ દુશ્મન છે, એ બીજી રીત છે. એકમાં માણસને ગોળીથી ચૂપ કરવામાં આવે છે, બીજામાં વિચારને એવી રીતે ઘડવામાં આવે છે કે ગોળી ચલાવનાર માટે સહાનુભૂતિ ઊભી થાય.

અને આ જ જગ્યાએ ‘દિમાગી’ શબ્દનું મહત્વ છે.

નક્સલવાદની બંદૂકથી પહેલાં તેનો વિચાર આવે છે

ભારતમાં નક્સલવાદના જંગલ આધારિત મોડેલને સમજવું હોય તો તેની વ્યૂહરચના પણ સમજવી પડે. માઓવાદી સંગઠનો પહેલાં સ્થાનિક શાસન માળખામાં ખાલીપો ઊભો કરવાનો પ્રયાસ કરે છે. સરકારી કર્મચારીઓ, પોલીસ, સ્થાનિક રાજકીય કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને નિશાન બનાવીને ભયનું વાતાવરણ ઊભું કરવું, પછી સ્થાનિક વસ્તીને પોતાની સાથે જોડવા માટે દબાણ કરવું અને રાજ્યવ્યવસ્થા સામે પ્રચાર કરવો, આ વ્યૂહરચનાનો ભાગ છે.

આ જ વિચારનો શહેરી અનુવાદ વધુ સૂક્ષ્મ હોય છે.

અહીં સરકારી કચેરી સળગાવવાની જરૂર નથી. અહીં પહેલાં વિશ્વાસ સળગાવવાનો હોય છે. રાજ્ય પરનો વિશ્વાસ. પોલીસ પરનો વિશ્વાસ. ચૂંટણી પરનો વિશ્વાસ. લોકશાહી સંસ્થાઓ પરનો વિશ્વાસ અને જ્યારે સતત એવું કહેવામાં આવે કે આખી વ્યવસ્થા જ ભ્રષ્ટ, દમનકારી અને અયોગ્ય છે, ત્યારે સમાજમાં અસંતોષ માટે એક તૈયાર માળખું ઊભું થાય છે.

આનો અર્થ એવો નથી કે સરકારની ટીકા કરવી નક્સલવાદ છે. પરંતુ નક્સલવાદી વિચારધારા માટે જે પ્રકારનું વાતાવરણ ઉપયોગી બને છે, તેમાં રાજ્યવિરોધી નેરેટિવનું સતત નિર્માણ મહત્વનું હથિયાર બની રહે છે. ગૃહ મંત્રાલયે પણ ફ્રન્ટ સંગઠનોના સંદર્ભમાં ‘પ્રચાર અને દુષ્પ્રચાર’ તથા રાજ્ય અને સુરક્ષાદળોને બદનામ કરવાની કામગીરીનો ઉલ્લેખ કર્યો છે.

એટલે દિમાગી નક્સલવાદની લડાઈ માત્ર પોલીસ સ્ટેશનમાં નહીં, વિચારોના મેદાનમાં પણ ચાલે છે.

આ જ કારણ છે કે 15 ઑગસ્ટે પીએમ મોદીએ જંગલમાં રહેલા સશસ્ત્ર નક્સલીઓનો અંત આવ્યો હોવાની વાત કર્યા પછી તરત ‘દિમાગી નક્સલ’ની ચેતવણી આપી. તેમના ભાષણમાં બંને બાબતો વચ્ચે સ્પષ્ટ તફાવત છે. હથિયારવાળા ગયા, પરંતુ એ વિચાર ધરાવતા લોકો હજુ તક શોધી રહ્યા છે.

પ્રશ્ન અહીંથી શરૂ થાય છે કે બંદૂક વગરનો નક્સલવાદ આખરે કામ કેવી રીતે કરે છે?

દિમાગી નક્સલવાદ કામ કેવી રીતે કરે છે?

તેની શરૂઆત ઘણીવાર કોઈ એવા મુદ્દાથી થાય છે જેમાં સામાન્ય માણસની વાસ્તવિક ચિંતા હોય. શિક્ષણ, રોજગાર, આદિવાસીઓના અધિકારો, વિસ્થાપન, પર્યાવરણ, પોલીસ કાર્યવાહી… આમાંથી કોઈ પણ મુદ્દો પોતે નક્સલવાદી નથી. પરંતુ આવા મુદ્દાઓને કોણ પોતાના એજન્ડા માટે કેવી રીતે વાપરે છે, એ મહત્વનું બને છે.

એક આંદોલન ઊભું થાય છે. પછી તેમાં જુદાં-જુદાં જૂથો જોડાય છે. કોઈ વિદ્યાર્થી સંગઠન આવે, કોઈ કાર્યકર આવે, કોઈ રાજકીય નેતા આવે, કોઈ સોશિયલ મીડિયા ઇન્ફલ્યુએન્સર આવે. બહારથી બધું એક જ મુદ્દા માટેનું મોટું લોકઆંદોલન દેખાય. પરંતુ અંદરથી તેમાં અલગ-અલગ એજન્ડા જોડાતા જાય.

જ્યાં સુધી વાત માત્ર મૂળ મુદ્દાની છે ત્યાં સુધી વિરોધ સ્વાભાવિક છે. પરંતુ જ્યારે મૂળ મુદ્દાથી આગળ વધીને દેશવિરોધી નારા, હિંસક વિચારધારાનું મહિમામંડન, આતંકવાદી અથવા અલગાવવાદી તત્વો માટે સહાનુભૂતિ, સુરક્ષાદળો સામે દ્વેષ અને આખી લોકશાહી વ્યવસ્થાને જ ઉખાડી નાખવાની ભાષા પ્રવેશી જાય ત્યારે વાત માત્ર ‘વિરોધ’ની રહેતી નથી.

જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીનાં પ્રદર્શનોમાં આ આપણે પોતાની આંખે જોયું. શરૂઆતમાં વાત NEET અને વિદ્યાર્થીઓના પ્રશ્નોની હતી. પછી ડફલીઓ આવી, ‘આઝાદી-આઝાદી’ના નારા આવ્યા, ડાબેરી સંગઠનોના લોકો જોડાયા અને કેટલાક મંચો પરથી એવી ભાષા સાંભળવા મળી જેનો મૂળ વિદ્યાર્થી પ્રશ્ન સાથે કોઈ સીધો સંબંધ નહોતો. AISA સહિતનાં ડાબેરી સંગઠનોની હાજરી, ‘આઝાદી’ના નારા અને ઉમર ખાલિદ તથા શરજીલ ઇમામમુ સમર્થન, આ બધુ ત્યાં થઈ રહ્યું હતું જ્યાં વાત ‘વિદ્યાર્થીઓ’ની ચાલી રહી હતી!

આ જ દિમાગી નક્સલવાદ સમજવાની ચાવી છે.

મુદ્દો તમારો હોય શકે, પરંતુ મંચ પર આખરે કયો નેરેટિવ રાજ કરે છે એ જ બતાવે છે કે મંચની દિશા કઈ તરફ જઈ રહી છે.

ફ્રન્ટ સંગઠનોની કામગીરીમાં ‘માસ મોબિલાઇઝેશન’નું ખાસ મહત્વ હોય છે. એટલે લોકોની ફરિયાદો અને અસંતોષને સંગઠિત કરીને તેને વિશાળ રાજકીય દબાણમાં ફેરવવું આ પ્રકારના માળખાની વ્યૂહરચનાનો ભાગ હોય છે. આવાં સંગઠનો માટે અલગ-અલગ મુદ્દાઓ પર આંદોલન કરવું પણ ઉપયોગી હોય છે, કારણ કે દરેક મુદ્દો તેમને નવા લોકો સુધી પહોંચવાની તક આપે છે.

એટલે દિમાગી નક્સલવાદને સમજવો હોય તો ‘કોણ બંદૂક ચલાવે છે?’ એટલું પૂછવાથી કામ નહીં ચાલે. ‘કોણ બંદૂક ચલાવનાર માટે જમીન તૈયાર કરે છે?’, ‘કોણ તેની વિચારધારાને નરમ ભાષામાં વેચે છે?’, ‘કોણ તેના માટે નેરેટિવ બનાવે છે?’, ‘કોણ પૈસા, આશ્રય, કાયદાકીય મદદ કે સંગઠનાત્મક સહાય પહોંચાડે છે?’, આ આખી સાંકળ જોવી પડે.

અહીં એક બહુ રસપ્રદ બાબત છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયે વર્ષોથી આ શહેરી નેટવર્ક અંગે વાત કરી છે. 2013ના સંસદીય જવાબમાં પણ જણાવાયું હતું કે CPI (Maoist) શહેરી વિસ્તારોમાં ઓવરગ્રાઉન્ડ ફ્રન્ટ ઑર્ગેનાઇઝેશન્સ દ્વારા પોતાનું કામ વિસ્તારવાનો પ્રયાસ કરી રહી છે. આવાં સંગઠનો ‘એક્ટિવિસ્ટ’ તરીકે દેખાય છે, પણ તે ભૂગર્ભ કેડરો માટે સુરક્ષિત આશ્રય ઊભો કરે છે, પુરવઠો મેળવવામાં મદદ કરે છે, કાયદાકીય કાર્યવાહી શરૂ કરે છે અને રાજ્ય તથા સુરક્ષાદળો વિરુદ્ધ પ્રચાર-દુષ્પ્રચાર કરે છે.

આ વાત હમણાં પણ માત્ર જૂની ફાઇલ બનીને રહી નથી. NIAની 2025ની એક કાર્યવાહીમાં છત્તીસગઢના CPI (Maoist) કેસમાં એક ફ્રન્ટ સંગઠન સાથે જોડાયેલા આરોપીઓ સામે ભંડોળ એકત્ર કરવા અને તે ભંડોળના વિતરણના આરોપોની તપાસ કરવામાં આવી હતી. NIA મુજબ આ નાણાંનો ઉપયોગ વિરોધ પ્રદર્શનો સહિત પ્રતિબંધિત સંગઠનની પ્રવૃત્તિઓ માટે થતો હતો.

અટલે ‘અર્બન નક્સલ’ની ચર્ચા માત્ર કોઈ સોશિયલ મીડિયા પર સરકારને ગાળો આપતા માણસની વાત નથી. અહીં વાત એક સંગઠિત વિચારધારા અને તેના સપોર્ટ માળખાની છે અને સૌથી મોટો ભ્રમ પણ અહીં જ છે.

નક્સલવાદી વિચારધારા જ્યારે પોતાની અસલી ઓળખ સાથે આવે ત્યારે સામાન્ય સમાજ તેને સ્વીકારતો નથી. કોણ પોતાના ઘરના દરવાજે બંદૂક લઈને ફરતા માણસને આવકારશે? કોણ ખુલ્લેઆમ કહેશે કે લોકશાહી ઉખાડી નાખવી જોઈએ? એટલે વિચારધારાને જીવંત રાખવા માટે તેની ભાષા બદલવી પડે છે. ‘ક્રાંતિ’, ‘પ્રતિકાર’, ‘દમન સામે લડાઈ’, ‘રાજ્ય હિંસા’, ‘લોકોના અધિકાર’ જેવા શબ્દો તેમાં જોડવામાં આવે છે અને લોકોને ગુમરાહ કરીને પોતાના એજન્ડા પાર પાડવામાં આવે છે.

ફ્રન્ટ સંગઠનો માઓવાદી વિચારધારાના હિંસક સ્વરૂપને છુપાવવા માટે એક પ્રકારના ‘મુખોટા’ તરીકે કામ કરે છે અને તેના માટે બૌદ્ધિક આવરણ ઊભું કરે છે. આ જ ‘દિમાગી નક્સલવાદ’નું અસલી જાળું છે. બંદૂક સામે બંદૂક નહીં, પરંતુ બંદૂક પાછળની વિચારસરણીને સમાજમાં સ્વીકાર્ય બનાવવાનો પ્રયાસ.

એટલે પીએમ મોદીએ ‘દિમાગી નક્સલ’ની વાત કરી ત્યારે તેને માત્ર એક રાજકીય ટિપ્પણી માનીને આગળ વધી જવું સરળ છે. પરંતુ તેમના ભાષણના શબ્દો થોડા ઊંડા છે. તેમણે કહ્યું કે આ લોકો હજુ તકની રાહ જોઈ રહ્યા છે, હિંસા અને અશાંતિનો રસ્તો બનાવી રહ્યા છે અને સમાજને ખોટી દિશામાં લઈ જવા માટે અલગ-અલગ હથકંડા અપનાવી રહ્યા છે. પછી તેમણે યુવાનોને મુખ્ય પ્રવાહ સાથે જોડવાની વાત કરી.

અર્થાત, જંગલ ખાલી થઈ ગયું એટલે ખતરો પૂરો થયો નથી. જંગલની બંદૂક સામેની લડાઈ કદાચ તેના અંતિમ તબક્કે પહોંચી છે, પરંતુ બંદૂકને વિચાર આપનાર વ્યવસ્થા જો સમાજમાં જીવતી રહે તો રમત પૂરી નથી થઈ. કારણ કે નક્સલવાદની સૌથી ખતરનાક વસ્તુ તેની બંદૂક નથી. તે બંદૂકને ન્યાયી ઠેરવતું દિમાગ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં