1 નવેમ્બરના રોજ છત્તીસગઢ રાજ્યનો સ્થાપના દિવસ હતો. આ પ્રસંગે વડા પ્રધાન મોદી પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. દાયકાઓથી નક્સલવાદ અને હિંસાનો ભોગ રહેલા છત્તીસગઢમાં વધતાં વિકાસકાર્યો અને રોજગારને લઈને તેમણે ખુશી વ્યક્ત કરી અને તે સાથે નક્સલવાદના અંત પર સરકારનું વલણ પણ સ્પષ્ટ કર્યું. રાયપુરમાં ‘છત્તીસગઢ રજત મહોત્સવ’માં ભાગ લેતાં તેમણે કહ્યું કે ભારતમાં નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા પહેલાં 125 હતી, જે હવે એક દાયકામાં માત્ર ત્રણ પર આવીને અટકી ગઈ છે. વડા પ્રધાન મોદીએ આ યાત્રાને સશસ્ત્રદળો અને વિકાસનો વિજય ગણાવ્યો હતો.
વડા પ્રધાનની આ જાહેરાત નક્સલવાદના અંતની દિશામાં મોદી સરકારની અટલ નીતિનું પ્રતિક છે. વામપંથી આતંકવાદને ડામવા માટે છેલ્લા એક દાયકામાં મોદી સરકાર હેઠળ જે કામો, કાર્યવાહી અને મિશનો થયાં, તેવા પહેલાં ક્યારેય ન તો થયાં હતાં અને ન તો કરવામાં આવ્યાં હતાં. યુદ્ધના ધોરણે લાલ આતંકને ધરબી દેવા માટે સરકાર મક્કમ રહી હતી અને તેનું પરિણામ આજે દેશની સામે છે. જે છત્તીસગઢમાં વિકાસકાર્ય કરવું અશક્ય ગણાતું હતું, ત્યાંથી વડા પ્રધાન મોદીએ કરોડોનાં વિકાસકાર્યોની ભેટ આપી છે.
છત્તીસગઢ જેવા રાજ્યોમાં નક્સલવાદે દાયકાઓ સુધી વિકાસને રોકી રાખ્યો હતો. આજે તે વિસ્તારોમાં વીજળી, શાળાઓ, રસ્તાઓ પહોંચી ગયા છે. જે વિસ્તારમાં માત્ર ગોળીઓના અવાજો સંભળાતા હતા, ત્યાં આજે રાષ્ટ્રગીત અને ‘બસ્તર ઓલિમ્પિક’ની કિલકારીઓ ગુંજી રહી છે. આ પરિવર્તન માત્ર સુરક્ષાદળોની કાર્યવાહીનું નહીં, પરંતુ વ્યાપક રણનીતિનું પરિણામ છે. આપણે એ સમજવા પ્રયાસ કરીશું કે એક દાયકામાં મોદી સરકાર નક્સલવાદને નાબૂદ કરવાની દિશામાં કેવી રીતે સફળ રહી છે અને તેણે શું રણનીતિ અપનાવી.
વામપંથી આતંકવાદનો ઇતિહાસ
ડાબેરી કટ્ટરપંથી વિચારધારા, વામપંથી આતંકવાદ, માઓવાદી આતંક અને લાલ આતંકવાદ તરીકે ઓળખાતા નક્સલવાદની શરૂઆતમાં ભારતમાં 1967માં બંગાળના નક્સલબારીથી થઈ હતી. નક્સલબારીના કારણે તેને નક્સલવાદનું નવું નામ મળ્યું હતું. માઓવાદી વિચારધારા પર આધારિત આ આતંકવાદ ગરીબી, જમીન વિતરણ અને આદિવાસીઓના અધિકારોના મુદ્દા પર શરૂ થયો હતો. જોકે, નક્સલબારીમાં થયેલા હિંસક વિદ્રોહો પહેલાં પણ વામપંથી કટ્ટરપંથીઓ આવી હિંસા આચરી રહ્યા હતા, પરંતુ ‘નક્સલવાદ’ તરીકેનું નામ તેને નક્સલબારીની ઘટના દ્વારા મળ્યું છે.
ગૃહ મંત્રાલય અનુસાર, 1967માં નક્સલબારીમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના (માર્ક્સવાદી) કેટલાક યુવા નેતાઓ, ખાસ કરીને ચરૂ મજુમદાર, કનાઈ ચટર્જી અને જુગલ કિશોર મિશ્રાએ ભૂમિ સુધારણા અને જમીન વિતરણ માટે હિંસક વિદ્રોહ શરૂ કર્યો હતો. આ વિદ્રોહ બાદમાં ‘નક્સલબાડી વિદ્રોહ’ તરીકે ઓળખાયો અને તેના પરથી ‘નક્સલવાદ’ શબ્દ પ્રચલિત થયો.
વામપંથી કટ્ટરવાદીઓએ રણનીતિના ભાગરૂપે પહેલાં સ્થાનિક આદિવાસીઓના મુદ્દા ઉઠાવ્યા અને તેમને વિશ્વાસમાં લીધા. ત્યારબાદ ધીમે-ધીમે તેમને વામપંથી વિચારધારા તરફ વાળીને સરકાર સામે શસ્ત્રો ઉઠાવવા સાબદા કર્યા. 2000ના દાયકામાં આ વામપંથી આતંક ‘રેડ કોરિડોર’ તરીકે ઓળખાવવા લાગ્યો, જેમાં છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, મહારાષ્ટ્ર અને બિહાર જેવા રાજ્યોના 126 જિલ્લાઓ પ્રભાવિત હતા. ભારતના નકશા પર આ રાજ્યોના અસરગ્રસ્ત જિલ્લાઓને લાલ રંગે રંગી દેવામાં આવ્યા હતા અને તેને ‘રેડ કોરિડોર’ નામ આપવામાં આવ્યું હતું.
2000ના દાયકા બાદ દેશભરમાં વામપંથી આતંકવાદ ચરમ પર પહોંચી ગયો હતો. ત્યાં સુધી કે મુખ્યમંત્રી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની પણ સુરક્ષા કરી શકતા નહોતા. નક્સલવાદીઓ પોતાની સરકાર બનાવતા હતા અને મંત્રીમંડળ પણ રચતાં હતા. માત્ર 2010માં જ 1,936 વામપંથી ઘટનાઓ બની હતી અને તેમાં હજારો લોકો માર્યા ગયા હતા. અગાઉની કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારોમાં નક્સલવાદને ‘સામાજિક અન્યાય’ ગણવામાં આવ્યો, પરંતુ તેને ડામવાનું ન તો કોઈએ વિચાર્યું અને ન તો તેના પર કામ થયું.
તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંઘે નક્સલવાદને ‘દેશનું સૌથી મોટું આંતરિક જોખમ’ ગણાવ્યું હતું, પણ કાર્યવાહી ન થઈ. જો શરૂઆતમાં જ નક્સલવાદને ગંભીરતાથી લઈને તેને ડામી દેવામાં આવ્યો હોત તો પરિસ્થિતિ જુદી હોત. પણ તેવું ન થયું. જોકે, 2009માં સફાળી જાગેલી કોંગ્રેસ સરકારે ‘ઑપરેશન ગ્રીન હન્ટ’ શરૂ કર્યું હતું, પણ તે ધાર્યું પરિણામ ન લાવી શક્યું. દિવસે-દિવસે આ લાલ આતંકવાદ વધતો ગયો અને સરકારી પ્રયાસો ઘટતા ગયા. પરંતુ 2014માં મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ વામપંથી આતંકીઓનો અવળો સમય શરૂ થયો.
મોદી સરકારની મજબૂત રાણીનીતિ
2014માં સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે નક્સલવાદને ‘આતંકવાદ’ ગણાવ્યો અને તેના વિરુદ્ધ આતંકવાદ જેવી આક્રમકતાએ કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું. જોકે, નક્સલવાદમાં જોડાયેલા ઘણા લોકો સ્થાનિક આદિવાસીઓ હતા, જે બ્રેનવોશ થયા બાદ વામપંથ તરફ વળ્યા હતા. આવા લોકોને બચાવવા માટે પણ મોદી સરકારે પ્રયાસો હાથ ધર્યા. મોદી સરકારે નક્સલવાદને ડામવા માટે એક વ્યાપક રણનીતિ અપનાવી, જેને નામ આપવામાં આવ્યું- SAMADHAN. સમાધાન સિદ્ધાંતનો અર્થ નીચે મુજબ થાય છે.
S- Smart Leadership (સમજદાર નેતૃત્વ)
A- Aggressive strategy (આક્રમક રણનીતિ)
M- Motivation and training (પ્રેરણા અને તાલીમ)
A- Actionable intelligence (ઉપયોગી ગુપ્તચર માહિતી)
D- Dashboard based KPIs (ડેશબોર્ડ આધારીક કામગીરી)
H- Harnessing technology (ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ)
A- Action plan for each theatre (દરેક વિસ્તારમાં અલગ એક્શન પ્લાન)
N- No access to financing (નાણાકીય સ્ત્રોતો સુધીની પહોંચ અટકાવવી)
આ આખી રણનીતિ મુખ્ય ચાર મુદ્દાઓ પર આધારિત હતી. આપણે તેને મુદ્દાસર સમજવા પ્રયાસ કરીએ.
1- આક્રમક કાર્યવાહી અને આધુનિક ટેકનોલોજી
મોદી સરકારે CRPF અને CoBRA જેવા સશસ્ત્રદળોના જૂથોને મજબૂત કર્યાં. આ જૂથોમાં 70,000થી વધુ જવાનો તહેનાત કરાયા. તેમને આધુનિક હથિયારો, જેમ કે ડ્રોન, UAV, સ્માર્ટ ગન્સ અને ‘ટ્રેસ, ટાર્ગેટ, ન્યૂટ્રલાઇઝ’ નીતિનો ઉપયોગ જેવી સુવિધાઓ આપવામાં આવી. પહેલાં સશસ્ત્રદળોને આટલા આધુનિક હથિયારો પૂરા પાડવામાં નહોતાં આવતાં અને તેના કારણે નક્સલવાદ વિરુદ્ધ આક્રમક કાર્યવાહી થઈ શકતી નહોતી. આ તમામ હથિયારો સાથે રણનીતિને અનુરૂપ સશસ્ત્રદળો સીધા નક્સલી લીડરને ટાર્ગેટ કરતા હતા અને તેના આધારે આખી ગેંગનો ખાતમો કરતા હતા.
તે સિવાય હવે સશસ્ત્રદળો આધુનિક હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરતાં થઈ ગયાં છે. અગાઉની સરકારો માત્ર બંદૂકના જોરે નક્સલવાદ વિરુદ્ધ લડવાની ઈચ્છા દર્શાવી રહી હતી. હવે સૈનિકોને MI-17V5 હેલિકોપ્ટરો પણ આપવામાં આવે છે. આ હેલિકોપ્ટર ભારતીય વાયુસેનાના આધુનિક હેલિકોપ્ટરો છે, જે નાઈટ વિઝન અને મેડિકલ ઇવેક્યુશન માટે વપરાય છે. આ આધુનિક હેલિકોપ્ટર દ્વારા જવાનો નક્સલીઓ સુધી સરળતાથી પહોંચી શકતા હતા. તાજેતરમાં જ કરીગુટ્ટા હિલ્સમાં હમણાં સુધીનું સૌથી મોટું નક્સલવિરોધી અભિયાન હાથ ધરાયું હતું, જેમાં લગભગ 20,000 જવાનોને હેલિકોપ્ટર સાથે ઉતારવામાં આવ્યા હતા. હિલ્સ પર જઈને તેમણે 1,000થી વધુ નક્સલીઓને ઘેરી લીધા હતા.
કરીગુટ્ટા વિસ્તારની મોટાભાગની પહાડીઓ પર સ્વતંત્રતા બાદથી નક્સલીઓનો કબજો હતો, પરંતુ મોદી સરકારની આક્રમક નીતિ હેઠળ તાજેતરમાં જ આ તમામ હિલ્સને મુક્ત કરવામાં આવ્યા છે અને ઘણા આતંકીઓને મારીને બાકીને જીવતા પકડવામાં આવ્યા છે. મોદી સરકાર નક્સલવાદ સામે તો લડી જ રહી છે, પરંતુ દેશની ગુપ્તચર એજન્સીઓને પણ કામે લગાડવામાં આવી છે.
NIA અને સોશિયલ મીડિયા મોનિટરિંગ દ્વારા અર્બન નક્સલવાદને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. અર્બન નક્સલવાદમાં એવા લોકોનો સમાવેશ થાય છે, જે આ વામપંથી આતંકવાદને સમર્થન, સહકાર કે મદદ પૂરી પાડી રહ્યા હોય. આ લોકો સમાજના મુખ્ય પ્રવાહમાં રહીને નક્સલવાદને મદદ પહોંચાડતા હોય છે, જેમ કે ફંડિંગ પહોંચાડવું, માહિતી આપવી અને ઘણી વાર તો નક્સલીઓને કાયદાકીય સહાયો પણ આપવી. મોદી સરકારે UAPA હેઠળ CPI (માઓવાદી) પર પ્રતિબંધ સતત ચાલુ રાખીને નાણાકીય નેટવર્કને તોડી નાખ્યું હતું, જેથી નક્સલીઓ નબળા પડવા લાગ્યા હતા.
2- વિકાસ અને પુનર્વસન
નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં વિકાસની અછત હતી અને રોજગારી પણ એટલી હતી નહીં. આ મુદ્દાને બહાનું બનાવીને કાયમ એવું કહેવાતું રહેતું કે વિકાસ અને રોજગારી ન હોવાના કારણે યુવાનો નક્સલવાદ તરફ વળી રહ્યા છે. પરંતુ વિકાસ કે રોજગાર ઊભા ન થવા પાછળનું કારણ પણ નક્સલવાદ હતો. મોદી સરકારે આ મુદ્દાને જ ઉખાડી ફેંક્યો. સરકારે આવા વિસ્તારોમાં સુરક્ષાની સાથે વિકાસને જોડી દીધો અને નક્સલવાદને નબળો પાડ્યો. 2014થી આ વિસ્તારોમાં 10,000થી વધુ પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ચૂક્યા છે અને વડા પ્રધાને છત્તીસગઢમાં જે ભેટ આપી એ તો અલગ.
612 ફોર્ટિફાઇડ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે, જે 2014માં માત્ર 66 હતા. રસ્તાઓ, મોબાઈલ ટાવર્સ, એકલવ્ય મોડલ, રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને બેન્કો માટે 6,500 કરોડથી વધુની રકમ પણ વાપરવામાં આવી છે. આ ઉપરાંત મોદી સરકાર નક્સલીઓ માટે સરેન્ડર પોલિસી પણ લઈને આવી છે. જેના કારણે રસ્તો ભટકેલા આદિવાસી યુવાનોને બચાવી શકાય. હમણાં સુધીમાં 8000થી વધુ નક્સલીઓને હથિયારો હેઠાં મૂકી દીધાં છે. હવે તો આ આંકડો લગભગ 10000ને પાર કરી ગયો હશે.
3- નાણાં અને હથિયારોની સપ્લાય પર અંકુશ
મોદી સરકાર 2016માં નોટબંધી લાવી. ડિમોનેટાઈઝેશન થયું ત્યારથી લઈને હમણાં સુધી એક સવાલ વિરોધીઓ કાયમ પૂછતા રહ્યા છે કે તેનાથી લાભ શું થયો? તેનો જવાબ પણ અહીં જ છે. તેનાથી સૌથી મોટો લાભ એ થયો કે નક્સલવાદીઓને ફન્ડિંગમાં મદદ કરતી આખેઆખી ચેઇન તૂટી ગઈ. નક્સલીઓ રોકડ નાણાંમાં વ્યવહાર કરતા હતા અને તેના કારણે મોટું ફંડ પણ ભેગું કરી રાખ્યું હતું. નોટબંદીના કારણે તે તમામ નાણાં નકામા થઈ ગયા અને નક્સલવાદ નબળો પડવા લાગ્યો. ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ અને એક્સટોર્શન પર પ્રતિબંધથી નક્સલવાદની આવક 80% સુધી ઘટી ગઈ.
નાણાંની અછતના કારણે આર્મ્સ સપ્લાય પર પણ અસર પડી અને હથિયારો આવતા પણ બંધ થઈ ગયા. આ ઉપરાંત NIA જેવી એજન્સીઓએ હથિયારો પૂરા પાડતા અર્બન નક્સલને પણ ડામી દીધો. આ વિશાળ પ્લાન હેઠળ નક્સલવાદને સંપૂર્ણપણે ડામવાનો રોડમેપ તૈયાર થઈ ચૂક્યો હતો.
4- કૉ-ઓર્ડિનેશન અને મોનિટરિંગ
આ ઉપરાંત સશસ્ત્રદળોએ કૉ-ઓર્ડિનેશન પણ વધારી દીધું. ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ ત્રણ-સ્તરીય કૉ-ઓર્ડિનેશન શરૂ થયું. ડિસ્ટ્રિક્ટ-સ્ટેટ અને સેન્ટર. એટલે કે જિલ્લાની માહિતી રાજ્ય સરકારો સુધી પહોંચતી થઈ અને ત્યાંથી સીધી કેન્દ્રમાં આવતી થઈ. ગૃહમંત્રી અમિત શાહ પોતે આ માહિતીઓ મેળવતા હતા અને તેના કામની વિગતો તપાસતા હતા.
પરિણામો
મોદી સરકારની આ રણનીતિના કારણે આજે નક્સલવાદ અંતિમ શ્વાસ ગણી રહ્યો છે. એક સમયે રાજ્યોની સરકારોને બદલવાની ક્ષમતા ધરાવતો લાલ આતંક આજે હથિયારો બદલી શકે તેમ નથી. આ જ કારણ છે કે દરરોજ લગભગ હજારોની સંખ્યામાં નક્સલવાદીઓ હથિયારો ફેંકીને મુખ્ય પ્રવાહમાં ભળી રહ્યા છે. નક્સલ હિંસા પણ 53% ઘટી ગઈ છે. નક્સલ પ્રભાવિત જિલ્લા પણ 126 હતા, ત્યારબાદ 125 થયા અને હવે માત્ર 3 પર આવીને અટકી ગયા છે. 2026 સુધીમાં આ ત્રણ જિલ્લાઓને પણ નક્સલમુક્ત જાહેર કરવાનું લક્ષ્ય છે.
ગૃહમંત્રી અમિત શાહ અને હવે વડા પ્રધાન મોદી પણ વારંવાર જાહેર કાર્યક્રમોમાં આત્મવિશ્વાસથી દાવો કરે છે કે 2026 સુધીમાં લાલ આતંકને જળમૂળમાંથી ઉખેડી ફેંકાશે. આ આત્મવિશ્વાસ પાછળનું કારણ છે મજબૂત મનોબળ અને અસરકારક રણનીતિ. આ રણનીતિના કારણે નક્સલવાદ નબળો પડ્યો છે અને આવનારા સમયમાં સંપૂર્ણપણે ખતમ થઈ જશે.


