‘મત-મજહબના નામે દુનિયાએ અનેક અથડામણો જોઈ, પણ પરંપરાઓનું સહઅસ્તિત્વ ભારતમાં શક્ય’: પીએમ મોદી, કોબામાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ

પીએમ મોદી એક મહિનામાં જ બીજી વખત ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે 31 માર્ચના રોજ ગાંધીનગરના કોબા ખાતે મહાવીર જયંતીને લઈને ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું છે. પીએમ મોદીએ દેશવાસીઓને અભિનંદન આપતાં કહ્યું કે આ મ્યુઝિયમ જૈન દર્શન અને ભારતીય સંસ્કૃતિનું એક એવું કેન્દ્ર છે, જે આપણી પ્રાચીન વિરાસતને નવી પેઢી સુધી આધુનિક સ્વરૂપમાં પહોંચાડશે.

સમ્રાટ અશોકના પૌત્ર સમ્રાટ સંપ્રતિને યાદ કરતા પીએમે કહ્યું કે જ્યાં વિશ્વમાં અનેક શાસકોએ હિંસાને હથિયાર બનાવ્યું, ત્યાં સમ્રાટ સંપ્રતિએ રાજસિંહાસન પર બેસીને પણ અહિંસા અને સત્યનો વિસ્તાર કર્યો. પીએમ મોદીએ અગાઉની સરકારો પર નિશાન સાધતાં કહ્યું કે પહેલાંની સરકારોએ પ્રાચીન પાંડુલિપિઓને (મેન્યુસ્ક્રિપ્ટ્સ) સાચવવામાં બેદરકારી બતાવી. આને સુધારવા માટે હવે ‘જ્ઞાન ભારતમ મિશન’ શરૂ કરવામાં આવ્યું છે.

આધુનિક ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓથી જૂની પાંડુલિપિઓને ડિજિટલ બનાવવામાં આવી રહી છે, જેથી આવનારી પેઢીઓ પોતાનાં મૂળ સાથે જોડાયેલી રહે. પીએમે કહ્યું કે ભારતમાં જ્ઞાનનો પ્રવાહ હંમેશા મુક્ત રહ્યો છે અને તેને સાચવવું આપણી ફરજ છે.

આગળ તેમણે એવું પણ કહ્યું હતું કે ભારતની વિવિધતા અને એકતા જ તેની તાકાત છે. મત, મજહબ અને આસ્થાના નામે દુનિયાએ ઘણી અથડામણો જોઈ છે. વેદ, પુરાણ, આયુર્વેદ, યોગ જેવી વિવિધ પરંપરાનો રંગ એક સાથે ઇંદ્રધનુષની જેમ ઉપસ્થિત હોય એ ભારતમાં જ શક્ય છે.

પીએમ મોદીના 10 સંકલ્પ

આ ખાસ પ્રસંગે વડા પ્રધાને દેશવાસીઓ સમક્ષ 10 સંકલ્પ રજૂ કર્યા, જેમાં પાણી બચાવવું, ‘એક વૃક્ષ માંના નામે’ વાવવું, સ્વચ્છતા, વોકલ ફોર લોકલ, દેશ દર્શન (પર્યટન), પ્રાકૃતિક ખેતી, સ્વસ્થ જીવનશૈલી, યોગ/ખેલ, ગરીબોની મદદ અને ભારતની વિરાસતને સાચવવાનો સમાવેશ થાય છે.

આ અવસરે જૈનાચાર્ય શ્રીપદ્મસાગર સૂરીશ્વરજી મહારાજે વડા પ્રધાનની પ્રશંસા કરતાં કહ્યું કે કોરોના કાળથી લઈને યુદ્ધના સમય સુધી, પીએમ મોદીએ હંમેશા દેશવાસીઓની ચિંતા કરી છે. તેમણે કહ્યું કે દિલ્હીની ગાદી પર અનેક લોકોએ રાજ કર્યું, પરંતુ પીએમ મોદીની કાર્યશૈલી સૌથી અલગ છે.