ગુજરાતમાં ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ક્રાઈમના વધતા જતા ગ્રાફ વચ્ચે પ્રશાસન અચાનક અત્યંત કડક એક્શન મોડમાં આવ્યું છે. રાજ્યના નાગરિકોને સાયબર સુરક્ષિત રાખવા અને ડિજિટલ ફ્રોડ કરનારા ગુનેગારોની કમર તોડી નાખવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારે તાજેતરમાં રાજ્યમાં ‘ઑપરેશન મ્યૂલ હન્ટ 2.0’ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે આ નિર્ણય લેવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાઈપ્રોફાઈલ વિડીયો કૉન્ફરન્સ યોજી હતી. આ બેઠકમાં ગુજરાત સરકારના સીધા આદેશ પર પોલીસે સમગ્ર રાજ્યમાં ‘ઑપરેશન મ્યૂલ હન્ટ 2.0’ (Operation Mule Hunt 2.0) લૉન્ચ કરીને સાયબર ગુનેગારો વિરૂદ્ધ એક વ્યાપક મોરચો ખોલી દીધો છે.
આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા (DGP) ડૉ. કે.એલ.એન.રાવ સહિતના તમામ ટોચના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત આ વિડીયો કોન્ફરન્સમાં રાજ્યના તમામ પોલીસ કમિશનરો (CP), રેન્જ આઈજી (IG), ડીઆઈજી (DIG) અને જિલ્લા પોલીસ વડાઓ (SP) મોડી રાત્રે લાઈવ જોડાયા હતા અને પોતપોતાના વિસ્તારની વર્તમાન સુરક્ષા સ્થિતિ તેમજ સાયબર ક્રાઈમના કેસોનો ચિતાર રજૂ કર્યો હતો.
શું છે ‘ઑપરેશન મ્યૂલ હન્ટ’?
હવે પ્રશ્ન એ થાય કે આ ‘ઑપરેશન મ્યૂલ હન્ટ’ શું છે? આ સમગ્ર ઑપરેશનનો મુખ્ય એજન્ડા ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવાનો અને સાયબર માફિયાઓના આખા નેટવર્કને નેસ્તનાબૂદ કરવાનો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સાયબર ઠગાઈ માટે ઉપયોગમાં લેવાતા શંકાસ્પદ બેંકિંગ ખાતાઓને શોધી કાઢવાનો અને તેની પાછળ કાર્યરત આંતરરાષ્ટ્રીય ગુનાહિત સાંકળને તોડી પાડવાનો છે.
સાયબર પરિભાષામાં ‘મ્યૂલ અકાઉન્ટ’ (Mule Account) એટલે એવા બેંક ખાતાઓ, જેનો ઉપયોગ સાયબર અપરાધીઓ પોતાના ગેરકાયદેસર નાણાં ટ્રાન્સફર કરવા માટે કરે છે. સામાન્ય રીતે સાયબર ગુનેગારો ગરીબ, અજાણ્યા કે લાલચુ લોકોના બેંક એકાઉન્ટ્સ કમિશનની લાલચ આપીને ભાડે રાખતા હોય છે. લોકો સાથે છેતરપિંડી, ફિશિંગ, હેકિંગ, ગેમ્બલિંગ કે ડ્રગ્સ દ્વારા મેળવેલા કરોડો રૂપિયા આ જ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
જે વ્યક્તિ આ એકાઉન્ટ ધરાવે છે તેને ‘મની મ્યૂલ’ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાતાઓની મદદથી સાયબર ગુનેગારો ખૂબ જ ટૂંકા સમયમાં એક ખાતામાંથી બીજા અસંખ્ય ખાતાઓમાં નાણાંના મલ્ટી-ટ્રાન્ઝેક્શન કરીને ફેરવી દે છે. આ કાંડ કરવા પાછળનો મુખ્ય હેતુ અસલી માસ્ટરમાઈન્ડની ઓળખ છુપાવવાનો હોય છે, જેથી જ્યારે તપાસ એજન્સીઓ ખાતેદાર સુધી પહોંચે ત્યારે અસલી ગુનેગારો સામે સીધો કોઈ આરોપ ન લગાવી શકાય.
₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
આ જોખમી નેટવર્કને તોડવા માટે અગાઉ ચલાવવામાં આવેલા પ્રથમ તબક્કામાં એટલે કે ‘ઑપરેશન મ્યૂલ હન્ટ 1.0’માં ગુજરાત પોલીસને અભૂતપૂર્વ સફળતા મળી હતી. ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઑફ એક્સલન્સ (CCOE) દ્વારા ચલાવવામાં આવેલા આ પ્રથમ તબક્કાના ઑપરેશનમાં મ્યૂલ અકાઉન્ટ્સ સામે કડક કાર્યવાહી કરીને અલગ-અલગ કેસમાં કુલ ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
ઑપરેશન મ્યૂલ હન્ટ 1.0ની મુખ્ય સિદ્ધિઓ પર નજર કરીએ તો પોલીસે ટૂંકાગાળામાં કુલ 565 FIR નોંધીને 638 સાયબર ગુનેગારોની ધરપકડ કરી હતી. આ સિવાય 913 જેટલા સક્રિય મ્યૂલ અકાઉન્ટ્સ પર સીધી કાર્યવાહી કરવામાં આવી હતી અને દેશભરના કુલ 4052 ગુનાઓની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી 491 ગુનાઓ માત્ર ગુજરાત રાજ્યના ઉકેલાયા હતા.
પ્રથમ તબક્કાના ઑપરેશનના લીધે બેંકિંગ વ્યવહારોમાં પણ ફેરફારો જોવા મળ્યા હતા. સાયબર ગુનેગારો દ્વારા મ્યૂલ અકાઉન્ટમાંથી ચેક દ્વારા થતા ઉપાડમાં 75%નો સીધો ઘટાડો થયો હતો. આંકડાકીય રીતે જોઈએ તો માસિક ચેક ઉપાડ ₹126 કરોડથી ઘટીને માત્ર ₹25 કરોડ થઈ ગયો હતો, જે આ કાળા કારોબારમાં 80% જેટલો મોટો ઘટાડો દર્શાવે છે.
આ ઉપરાંત પ્રથમ લેયરના મ્યૂલ અકાઉન્ટ એટલે કે જ્યાં સાયબર ફ્રોડના પૈસા સૌથી પહેલાં જમા થાય છે, તેવા અકાઉન્ટની સંખ્યામાં ઑગસ્ટથી ડિસેમ્બર સુધીમાં 30%નો ઘટાડો નોંધાયો હતો. તેમજ કડક પોલીસ વોચના કારણે સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન એટીએમ (ATM) દ્વારા થતા શંકાસ્પદ રોકડ ઉપાડમાં પણ 66% જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
તાજેતરની સ્થિતિ
પ્રથમ તબક્કાની આ ભવ્ય સફળતા બાદ હાલમાં જ 2 જૂનથી સમગ્ર રાજ્યમાં વધુ આક્રમક રીતે ‘ઑપરેશન મ્યૂલ હન્ટ 2.0’નો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ ઝુંબેશ હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓમાં ‘મ્યૂલ એકાઉન્ટ સર્જીકલ સ્ટ્રાઈક’ (Mule Account Surgical Strike) કરવા માટે પોલીસ વિભાગને સ્પષ્ટ આદેશો આપી દેવાયા છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાલમાં જ સ્વર્ણિમ સંકુલ-1 ખાતે આવેલી પોતાની કચેરીમાં જિલ્લા પોલીસ અધિક્ષકો (SP) સાથે મેરેથોન બેઠકોનો દોર શરૂ કર્યો છે. છેલ્લા 13 કલાકમાં જ કુલ 19 જિલ્લા પોલીસ વડાઓ સાથે રૂબરૂ બેઠક યોજીને કાયદો-વ્યવસ્થા, ગુનાખોરી નિયંત્રણ અને સાયબર ક્રાઇમ સામેની જિલ્લાવાર પોલીસ કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવી છે.
શું છે સરકારનો ધ્યેય?
વર્તમાન સમયમાં તંત્રનો ધ્યેય એ છે કે સાયબર ઠગાઈના પૈસા જે પણ બેંક ખાતામાં જમા થાય છે, તેવા તમામ શંકાસ્પદ ભાડે આપેલા એકાઉન્ટ્સને તાત્કાલિક ધોરણે ટ્રેક કરવામાં આવે. આ ખાતાઓ દ્વારા ગુના આચરનારા અસલી માસ્ટરમાઈન્ડ અને તેમની આંતરરાષ્ટ્રીય લિંક્સ સુધી પહોંચીને આખું નેટવર્ક તોડી પાડવામાં આવી રહ્યું છે, તેમજ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનારા તમામ તત્વો સામે કાયદાનું કડક શસ્ત્ર ઉગામાઈ રહ્યું છે.
આ કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવા માટે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના દિશાનિદર્શન હેઠળ ઇન્ડિયન ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન (IDPIC) દ્વારા AI ટેક્નોલોજીની મદદથી ‘રિસ્ક સ્કૉરિંગ પ્રણાલી’ અમલમાં મુકાઈ રહી છે. આ પ્રણાલી અંતર્ગત દરેક ટ્રાન્ઝેક્શનને લો રિસ્ક, મીડિયમ રિસ્ક અને હાઈ રિસ્ક તરીકે વર્ગીકૃત કરવામાં આવશે અને શંકાસ્પદ ખાતાઓની માહિતી બેંકો વચ્ચે શેર કરવા માટે mulehunter.ai નામની સેન્ટ્રલ રજીસ્ટ્રી પણ બનાવવામાં આવી છે.
સાયબર ક્રાઇમની વધી રહેલી ઘટનાઓ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સતત ચિંતા વ્યક્ત કરી છે અને ડિજિટલ અરેસ્ટ સહિતના ગુનાઓ સામે નાગરિકોને ડર્યા વિના વધુ જાગરૂકતા સાથે ડિજિટલ વ્યવહારો કરવા જણાવ્યું છે. ભારતમાં છેલ્લા 11 વર્ષોમાં ડિજિટલ ક્રાંતિના કારણે ઇન્ટરનેટ વપરાશકર્તાઓ 25 કરોડથી વધીને 100 કરોડથી વધુ થયા છે અને 2 લાખથી વધુ ગ્રામ પંચાયતો ‘ભારતનેટ’ થી જોડાઈ ચૂકી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જણાવ્યા અનુસાર સાયબર સુરક્ષા હવે માત્ર આર્થિક સુરક્ષાનો મુદ્દો રહ્યો નથી, પરંતુ તે સીધો રાષ્ટ્રીય સુરક્ષા (National Security) સાથે જોડાઈ ગયો છે. આથી અસામાજિક તત્વો, ડ્રગ્સ માફિયાઓ અને ડિજિટલ ઠગો સામે પોલીસને સંપૂર્ણ ‘ફ્રી-હેન્ડ’ આપીને આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય સુરક્ષાના આયામોને મજબૂત કરવા વહીવટીતંત્ર અત્યારે પૂરી તાકાતથી કામ કરી રહ્યું છે.
અંતમાં ‘ઑપરેશન મ્યૂલ હન્ટ 2.0’ એ માત્ર સાયબર ગુનેગારોને પકડવાનું કોઈ સામાન્ય પોલીસ સર્ચ ઑપરેશન નથી, પરંતુ તે ગુજરાતની આંતરિક અને ડિજિટલ સુરક્ષાને લોખંડી બનાવવા માટેનું એક અત્યંત દૂરોગામી કદમ છે. પ્રથમ તબક્કાની અભૂતપૂર્વ સફળતા બાદ આ બીજા તબક્કામાં જે રીતે વહીવટીતંત્ર મધરાતથી જ સક્રિય થઈને હાઈ-લેવલ એક્શન મોડમાં આવ્યું છે, તે દર્શાવે છે કે રાજ્ય સરકાર નાગરિકોની સુરક્ષા માટે કેટલી કટિબદ્ધ છે.
આ આક્રમક ઝુંબેશ અને બેંકો સાથે AIના ત્વરિત તકનીકી સંકલનના કારણે આગામી દિવસોમાં સાયબર માફિયાઓ માટે મની લોન્ડરિંગ કરવું અશક્ય બની જશે. જોકે આ ડિજિટલ ક્રાંતિમાં સામાન્ય નાગરિકોની જાગરૂકતા પણ એટલી જ અનિવાર્ય છે. લોકો જાગૃત બનીને લાલચથી દૂર રહે, પોતાના બેંક ખાતાઓ ભાડે ન આપે અને કોઈપણ છેતરપિંડીના કિસ્સામાં તુરંત જ 1930 કે cybercrime.gov.inનો આશરો લે, તો જ સાયબર ક્રાઈમ વિરોધી ઝુંબેશને વેગ મળશે અને આવા ગુનાઓને નાથવામાં સરકાર અને પ્રશાસનને ઘણી મદદ મળી રહેશે.


