
ભારતના ખાનગી સ્પેસ સેક્ટરમાં એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. હૈદરાબાદ સ્થિત ખાનગી સ્પેસ સ્ટાર્ટઅપ ‘સ્કાયરૂટ એરોસ્પેસ’ (Skyroot Aerospace) તેના પ્રથમ ઓર્બિટલ ટેસ્ટ વ્હીકલ ‘વિક્રમ-1’ને (Vikram-1) અંતરીક્ષમાં લૉન્ચ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ ઐતિહાસિક મિશનની સૌથી ખાસ વાત એ છે કે આ રોકેટ પોતાની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક ખાસ સંદેશ અંતરીક્ષમાં લઈ જશે, જેમાં પીએમ મોદીએ પોતાના હાથે ‘વંદે માતરમ્’ લખ્યું છે.
વડા પ્રધાન મોદીનું આ હસ્તલિખિત પોસ્ટકાર્ડ આ મિશનના ખાસ પેલોડનો એક ભાગ છે. કંપનીના જણાવ્યા અનુસાર પીએમ મોદીનો આ સંદેશ ભારતના સતત વધી રહેલી ખાનગી સ્પેસ ઇકોસિસ્ટમ માટેના સામૂહિક સમર્થનનું પ્રતીક છે. આ અનોખી પહેલને કંપનીએ ‘મિશન આગમન’ (Mission Aagaman) નામ આપ્યું છે, જે અંતરીક્ષ ક્ષેત્રે ભારતના ખાનગી ઉદ્યોગોના આગમનની ઉજવણી સમાન છે.
Among the payloads on Vikram-1 Test Flight-1 is something truly special—a handwritten postcard from Hon’ble Prime Minister Shri @narendramodi with the words, “Vande Mataram.” 🇮🇳🚀
— Skyroot Aerospace (@SkyrootA) July 17, 2026
It travels to space alongside handwritten messages from our team, investors, policymakers, and… pic.twitter.com/sJajN6NiVJ
આ ઐતિહાસિક મિશન અંગે ઉત્સાહ વ્યક્ત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, “આ ભારતના અંતરીક્ષ પ્રવાસની એક નવી શરૂઆત છે!” તેમણે ઉમેર્યું કે ઝડપી લૉન્ચિંગ સેવા આપવા માટે બનેલું આ ચાર તબક્કાવાળું રોકેટ આપણા દેશના યુવાનોની પ્રતિભા, મજબૂત મનોબળ અને સાહસિક ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ મિશન દર્શાવે છે કે સ્પેસ સેક્ટરમાં સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારા હવે દેશમાં નવીનતા અને વેપારની નવી તકો ખોલી રહ્યા છે.
A historic new frontier for India’s space journey!
— Narendra Modi (@narendramodi) July 18, 2026
At 11:30 AM today, Skyroot Aerospace will undertake the maiden orbital launch of Vikram-1, India’s first privately developed launch vehicle.
This four-stage rocket is designed to provide rapid and on-demand launch services.… pic.twitter.com/1qFVTwNOuZ
વડા પ્રધાને સ્કાયરૂટ એરોસ્પેસની આખી ટીમને મિશનની સફળતા માટે શુભકામનાઓ આપતા કહ્યું કે ‘વિક્રમ-1’ ખૂબ ઊંચી ઉડાન ભરીને નવો ઇતિહાસ રચે અને આપણી નવી પેઢીને પ્રેરણા આપે. આ સાથે જ તેમણે દેશના તમામ નાગરિકો અને ખાસ કરીને યુવાનોને આ ગૌરવશાળી મિશનને લાઈવ નિહાળવા તેમજ સોશિયલ મીડિયા પર #IndiaWithVikram1 હેશટેગનો ઉપયોગ કરીને ટીમનો ઉત્સાહ વધારવા અપીલ કરી છે.
ઇસરોના પૂર્વ અને વર્તમાન અધ્યક્ષોનાં પોસ્ટકાર્ડ પણ સામેલ
અંતરીક્ષમાં જનારા આ ગૌરવશાળી પેલોડમાં માત્ર પીએમ મોદી જ નહીં, પરંતુ ઇસરોના (ISRO) વર્તમાન અને ભૂતપૂર્વ અધ્યક્ષો તેમજ ભારતીય અંતરીક્ષ યાત્રીઓનાં હસ્તલિખિત પોસ્ટકાર્ડ પણ સામેલ છે. આ ઉપરાંત સ્કાયરૂટની ટીમ, રોકાણકારો અને વિશ્વભરના શુભેચ્છકોના સંદેશાઓ પણ રોકેટમાં મોકલવામાં આવી રહ્યા છે, જે ભારતના દાયકાઓ જૂના સરકારી સ્પેસ સેક્ટર અને નવી પેઢીના ખાનગી સેક્ટર વચ્ચેના મજબૂત જોડાણને દર્શાવે છે.
ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ આ મિશન ખૂબ મહત્વનું છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લૉન્ચ થનારું સાત માળ ઊંચું ‘વિક્રમ-1’ રોકેટ સંપૂર્ણપણે કાર્બન કમ્પોઝિટ મટીરિયલથી બનેલું છે, જે સ્ટીલ કરતાં હલકું અને મજબૂત છે. આ રોકેટમાં ઇન-હાઉસ વિકસિત 3D-પ્રિન્ટેડ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે 350 કિલો સુધીના સેટેલાઇટને પૃથ્વીની નીચલી કક્ષામાં (Low Earth Orbit) સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ મિશનમાં ભારત ઉપરાંત અન્ય સંસ્થાઓના ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન પેલોડ અને આર્ટવર્ક પણ મોકલવામાં આવી રહ્યા છે.
નવેમ્બર 2022માં ભારતના પ્રથમ ખાનગી સબ-ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-એસ’ના સફળ લોન્ચિંગ બાદ સ્કાયરૂટ એરોસ્પેસનું આ બીજું મોટું અને અત્યંત મહત્વપૂર્ણ મિશન છે. જો આ મિશન સફળ રહેશે તો ભારતની ધરતી પરથી કોઈ ખાનગી કંપનીનો ઓર્બિટ સુધી પહોંચવાનો આ પ્રથમ સફળ પ્રયાસ બનશે. આ મિશન દેશના વડાપ્રધાન, વૈજ્ઞાનિકો અને સામાન્ય નાગરિકોની અંતરીક્ષની આકાંક્ષાઓને એક નવી ઊંચાઈ પર લઈ જશે.

