દિલ્હીના હિંસક રમખાણોના લગભગ 6 વર્ષ પછી અંકિત શર્માની હત્યાના કેસમાં કડકડડૂમા કોર્ટે આમ આદમી પાર્ટીના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન સહિત 5 લોકોને દોષિત જાહેર કર્યા છે. આ ચુકાદા બાદ ‘ઑપઇન્ડિયા’ની ટીમ દિલ્હીના ચાંદ બાગ વિસ્તારમાં આવેલી એ ગલીમાં પહોંચી હતી, જ્યાં અંકિત શર્માનો પરિવાર રહેતો હતો. 60 ફૂટ રોડની અંદર જઈને અંકિતના ઘર તરફ આગળ વધતી વખતે ટીમની મુલાકાત એક ઘરના દરવાજે બેઠેલા વડીલ સાથે થઈ હતી.
શરૂઆતમાં તે વડીલે અંકિત શર્માના ઘરનું સરનામું તો બતાવ્યું, પરંતુ જ્યારે ટીમે અંકિત અને તેના પરિવાર વિશે વધુ પૂછપરછ કરી, ત્યારે તેઓ થોડીવાર માટે શાંત થઈ ગયા અને સામો સવાલ કર્યો કે ‘તમારે શું કામ છે?’ જોકે, કોર્ટના ચુકાદા અંગે વાત કરતા તેમણે સંતોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે આ નિર્ણય ખૂબ સારો આવ્યો છે. એક નિર્દોષ વ્યક્તિની હત્યા થઈ હોવાથી આ ગુનેગારોને તો ત્યારે જ ફાંસીની સજા થઈ જવી જોઈતી હતી.
તેમણે એ ભયાનક રમખાણોના દિવસોને યાદ કરતા જણાવ્યું કે મોટી ઉંમરના હોવાને કારણે તેઓ પોતે તો ઘરની બહાર નીકળ્યા નહોતા, પરંતુ વાતાવરણ ખૂબ જ ડરામણું હતું. એ સમયે સામે તરફથી મુસ્લિમ સમુદાયના લોકો ધસી આવી રહ્યા હતા અને લોકો માટે પોતાનો જીવ બચાવવો પણ મુશ્કેલ બની ગયો હતો. સદનસીબે સામે પક્ષેથી ગુર્જર સમાજના લોકો મોટી સંખ્યામાં ત્યાં આવી પહોંચ્યા, જેના કારણે હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા. જો તેઓ સમયસર ન આવ્યા હોત તો એ ઘટનામાં કેટલાય નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડ્યો હોત.
અંકિત શર્માના ઘરે 5 વર્ષથી રહી રહ્યા છે ભાડૂઆત
તે વડીલ સાથે વાતચીત કર્યા પછી ટીમ એક સાંકડી ગલીમાં થઈને આગળ વધી અને અંકિત શર્માના ઘરવાળી ગલીમાં પહોંચી. ત્યાં એક ઘરના દરવાજા પાસે પોતું કરી રહેલી મહિલાને અંકિતના ઘર વિશે પૂછતાં તેણે બોલ્યા વગર જ ઇશારાથી બાજુનું ઘર બતાવી દીધું અને કંઈ પણ વધુ પૂછતા પહેલાં જ પોતાના ઘરનો દરવાજો બંધ કરી દીધો. અંકિત શર્માના ઘરનો દરવાજો પણ બંધ હતો. ટીમે ત્યાં હાજર એક અન્ય વ્યક્તિ સાથે તાહિર હુસૈનને દોષિત જાહેર કરવા અંગે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે વ્યક્તિ પણ શાંત જ રહ્યો.
ત્યારબાદ ટીમે અંકિત શર્માના ઘરની ડોરબેલ વગાડી તો અંદરથી એક બાળક અને એક મહિલા સામે આવ્યાં. જોકે, કેમેરો જોતાં જ મહિલાએ પોતાનો ચહેરો દરવાજા પાછળ છુપાવી દીધો અને કોઈપણ પ્રકારની વાતચીત કરવાનો સાફ ઇનકાર કરી દીધો. ટીમના પૂછવા પર તેમણે માત્ર એટલું જ જણાવ્યું કે અંકિતનો પરિવાર હવે અહીં રહેતો નથી અને તેઓ પોતે છેલ્લાં 5 વર્ષથી અહીં ભાડૂઆત તરીકે રહે છે.
‘હવે મુસ્લિમઓ પર નથી રહ્યો વિશ્વાસ’
આ દરમિયાન ગલીમાંથી પસાર થઈ રહેલા રાજવતી નામના એક મહિલા સાથે ટીમની મુલાકાત થઈ. રમખાણો વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે તે સમયે તેઓ પોતાના ઘરે જ હતાં અને તેમનું ઘર તાહિર હુસૈનના ઘરની બરાબર પાછળ છે. તેમણે આપવીતી સંભળાવતા કહ્યું કે, “તાહિરના ઘરના ધાબા પરથી પેટ્રોલ બૉમ્બ ફેંકવામાં આવી રહ્યા હતા અને નીચે ગાડીઓ સળગી રહી હતી. અમને ડર હતો કે જો ગીચ વસ્તીવાળા અમારા વિસ્તાર તરફ આગ ફેંકવામાં આવશે તો બધું જ બરબાદ થઈ જશે. મુસ્લિમ સમુદાયના લોકો ભેગા થઈને પથ્થરમારો કરી રહ્યા હતા. તોફાનીઓની ભીડ એટલી વધારે હતી કે હિંદુઓ ઈચ્છવા છતાં કંઈ કરી શકતા નહોતા.”
અંકિત શર્મા વિશે વાત કરતા રાજવતીએ જણાવ્યું કે તે તેમનો પાડોશી જ હતો. તે એ જ સમયે નોકરી પરથી પાછો આવ્યો હતો અને ઘરે બેગ મૂકીને તરત જ બહાર નીકળી ગયો હતો. તેમણે વધુમાં કહ્યું કે, “અંકિતે તેમની માતાના કહેવા છતાં ચા પણ નહોતી પીધી. એટલામાં જ સામેની મોટી ઇમારત પાસે મુસ્લિમોની ભીડે તેને ઘેરી લીધો અને ત્યારબાદ તે ક્યારેય જીવતો ઘરે પાછો ન ફર્યો. અમારે તેના ઘરે ખૂબ જ આવવા-જવાનું હતું અને તે ખૂબ જ સારો છોકરો હતો.”
રાજવતીએ આગળ જણાવ્યું કે એ રમખાણો પછી આ વિસ્તારના લોકોમાં એટલો બધો ડર પેસી ગયો છે કે લોકો પોતાના મકાન અને દુકાનો વેચીને અહીંથી જઈ રહ્યા છે. હવે સામે રોડની પેલે પારનો આખો વિસ્તાર સંપૂર્ણપણે મુસ્લિમ વસ્તીવાળો થઈ ગયો છે.
તેમણે પોતાના વ્યક્તિગત વિચારો વ્યક્ત કરતા આગળ કહ્યું કે આ લોકોના ઘરોમાં જે પ્રકારનું વાતાવરણ હોય છે, તેના કારણે તેમના બાળકો પણ એવા જ માનસિકતાવાળા બને છે. તેઓ સૌથી પહેલાં પોતાના મિત્રને જ નુકસાન પહોંચાડે છે, જ્યારે હિંદુઓમાં જો અજાણતા પણ કોઈ જીવની હત્યા થઈ જાય તો તેના પ્રાયશ્ચિત માટે એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે હવે મુસ્લિમો સાથે મિત્રતા કરવી બિલકુલ યોગ્ય નથી. તેઓ પોતે અને પોતાનાં બાળકોને પણ તેમનાથી દૂર રાખે છે, કારણ કે તેમના મતે હવે તેઓ ભરોસાને લાયક રહ્યા નથી.
તાહિર હુસૈન જ છે દોષી: વિષ્ણુ શર્મા
તે જ ગલીમાં રહેતા વિષ્ણુ શર્માએ કોર્ટના ચુકાદા અંગે વાત કરતા જણાવ્યું કે તાહિર હુસૈન જ અસલી ગુનેગાર છે અને તેણે જ આ રમખાણો કરાવ્યા હતા. એ ભયાનક દિવસને યાદ કરતા તેમણે કહ્યું કે, “તે સમયે બહુ ખરાબ સ્થિતિ હતી. ચારેય તરફ પેટ્રોલ બૉમ્બ ફેંકવામાં આવી રહ્યા હતા. અમારા ભાઈ જેવા અંકિત શર્માને તેઓ ઘરની અંદર ખેંચી ગયા, ત્યાં તેની હત્યા કરી નાખી અને પછી તેના શવને નાળામાં ફેંકી દીધું. અંકિત ખૂબ જ સારો માણસ હતો. ભગવાનની દયા છે કે અમે એ રમખાણોમાં જીવતા બચી ગયા, બાકી એ સમયે અમે મોતને બહુ નજીકથી જોયું હતું.”
ત્યારબાદ ટીમ એ નાળા પાસે પણ પહોંચી જ્યાંથી અંકિત શર્માનો મૃતદેહ મળી આવ્યો હતો, જે નાળું આજે પણ ગંદકીથી ભરેલું છે. ત્યાં રોડની પેલે પાર મૂંગા નગરમાં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું કે તેઓ તાહિર હુસૈન વિશે કંઈ કહી શકે તેમ નથી. અંકિત શર્મા વિશે પણ તેમને પછીથી ખબર પડી હતી, પરંતુ એ રમખાણોમાં અંકિત જેવા કેટલાય નિર્દોષ લોકો માર્યા ગયા હતા. સત્તાવાર રીતે ભલે 56 લોકોનાં મોતના આંકડા કહેવાતા હોય, પરંતુ વાસ્તવમાં અહીં સેંકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
હિંદુઓના ઘરમાં હવે રહે છે મુસ્લિમો
કોર્ટના ચુકાદા અંગે વાત કરતા કપાળમાં તિલક લગાવેલા એક અન્ય યુવકે જણાવ્યું કે તાહિર હુસૈને જે કર્યું છે તેની સજા તેણે ભોગવવી જ પડશે, પરંતુ નવાઈની વાત એ છે કે તેને દોષિત સાબિત કરવામાં કોર્ટને 6 વર્ષ જેટલો લાંબો સમય લાગી ગયો. તેણે વિસ્તારની ચિંતાજનક સ્થિતિ વિશે કહ્યું કે, “એ રમખાણો પછી અહીં એવો ડર પેસી ગયો છે કે આજે પણ ઘણાં મકાનો પર સીતા નિવાસ, શ્રીરામ નિવાસ કે મુન્ની નિવાસ જેવી હિંદુ નામની નેમ પ્લેટો લાગેલી છે, પરંતુ તેની અંદર હવે કોઈ અબ્દુલ કે સલીમ રહે છે. દિલ્હીમાં ભાજપની સરકાર આવી ત્યારથી સુરક્ષા તો વધી છે, પરંતુ હિંદુઓનું પલાયન હજુ પણ અટક્યું નથી.”
બીજી તરફ તાહિર હુસૈનનાં ઘરની સામે પાન-સિગારેટની નાની દુકાન ચલાવતા સરસ્વતીબહેને જણાવ્યું કે તેઓ છેલ્લા 15 વર્ષથી ત્યાં દુકાન ચલાવે છે અને રમખાણોના દિવસે તેઓ ત્યાં જ હાજર હતાં. તેમણે તે સમયની સ્થિતિ વર્ણવતા કહ્યું કે, “અચાનક જ ચાર નંબરની ગલીમાંથી પથ્થરમારો શરૂ થઈ ગયો. અમે ગમે તેમ કરીને અમારો જીવ બચાવીને ત્યાંથી ભાગ્યાં, પણ પછીથી ખબર પડી કે તોફાનીઓએ અમારી દુકાન પણ સળગાવી દીધી હતી.”
તેમણે તાહિર હુસૈનનાં ઘર તરફ ઇશારો કરીને જણાવ્યું કે તોફાનીઓએ અંકિત શર્માને પકડીને આ જ મકાનની અંદર ખેંચી લીધો હતો અને તેની હત્યા કરી નાખી હતી. અંકિતને યાદ કરતા તેમણે ભાવુક થઈને કહ્યું કે, “તે અમારી દુકાને અવારનવાર આવતો હતો. તે એટલો સુંદર અને સરળ છોકરો હતો કે તેનો ચહેરો આજે પણ મારી આંખો સામેથી હટતો નથી.”
ચાંદ બાગમાં આજે પણ વરતાય છે રમખાણોનો ખોફ, પીડિતોએ વર્ણવી આપવીતી
દિલ્હીના ચાંદ બાગ વિસ્તારમાં થયેલા હિંસક રમખાણોના વર્ષો પછી પણ સ્થાનિક હિંદુઓમાં તેનો ભય સાફ જોવા મળી રહ્યો છે. ‘ઑપઇન્ડિયા’ની ટીમ જ્યારે તપાસ માટે એ ગલીમાં પહોંચી જ્યાં રમખાણો દરમિયાન તોફાનીઓએ એક શિવ મંદિરને નિશાન બનાવ્યું હતું, ત્યારે ત્યાંના પૂજારીએ સુરક્ષાના ડરથી કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે, મંદિરની બરાબર બાજુમાં રહેતા વીરેન્દ્ર શર્મા નામના નાગરિકે તે સમયના ભયાનક મંજરને યાદ કરતા જણાવ્યું કે તેમણે પોતાની આંખો સામે લોહીની નદીઓ વહેતી, ગોળીઓ ચાલતી અને પેટ્રોલ બૉમ્બ ફેંકાતા જોયા હતા. રમખાણોના કારણે સતત ચાર દિવસ સુધી ગલીમાં વીજળી ગુલ રહી હતી અને લોકોને ખાવાના ફાંફા પડી ગયા હતા.
વીરેન્દ્ર શર્માએ વધુમાં જણાવ્યું કે એ દિવસોમાં રોજ બપોરે બે વાગ્યા પછી અચાનક હિંસા ફાટી નીકળતી હતી, કારણ કે મસ્જિદમાંથી નમાજ પઢીને મોટી સંખ્યામાં લોકો બહાર આવતા હતા. તોફાનીઓએ તેમની બે ગાડીઓ સળગાવી દીધી હતી અને તેઓ મંદિરની છત પર પણ ચઢી ગયા હતા. પોતાના પરિવારનો જીવ બચાવવા માટે તેમણે રાતોરાત ઘરના સભ્યોને સગા-સંબંધીઓને ત્યાં મોકલી આપ્યા હતા. એ ભયાનક ઘટનાને લીધે લોકો આજે પણ એટલા ડરેલા છે કે આ વિસ્તારમાંથી પોતાના મકાનો વેચીને સતત પલાયન કરી રહ્યા છે.
આ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ પરથી સ્પષ્ટ થાય છે કે ચાંદ બાગના હિંદુઓના મનમાં રમખાણોનો ખોફ આજે પણ એવો ને એવો જ છે. આ ડર એટલો વધારે છે કે કોર્ટે આમ આદમી પાર્ટીના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને દોષિત જાહેર કર્યો હોવા છતાં સ્થાનિક લોકો તેના વિશે કેમેરા સામે ખુલીને બોલતા ગભરાય છે. હિંદુઓનું પલાયન એ વાતની સાબિતી છે કે કાયદાકીય ચુકાદાઓ પછી પણ સામાન્ય લોકોના મનમાંથી અસુરક્ષાની ભાવના દૂર થઈ શકી નથી.
આ સમગ્ર અહેવાલમાં એક મોટો વિરોધાભાસ પણ સામે આવ્યો છે. જે તાહિર હુસૈનની બહુમાળી ઇમારત રમખાણોના સમયે તોફાનીઓનું મુખ્ય કેન્દ્ર હતી અને જ્યાંથી અંકિત શર્માની હત્યાની સાજીશ ઘડાઈ હતી, તે ઇમારત આજે પણ સુરક્ષિત ઊભી છે. એટલું જ નહીં, તેમાં નાની-મોટી ફેક્ટરીઓ અને ભાડૂઆતો પણ રહી રહ્યા છે. આ પરિસ્થિતિ ઉત્તર પ્રદેશ (UP) કરતાં બિલકુલ વિપરીત છે, જ્યાં તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરીને તેમની મિલકતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે અને ગુનેગારોને ઘૂંટણિયે લાવી દેવાય છે.


