
કેન્દ્ર સરકાર ‘વંદે માતરમ્’ને પણ રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ જેવી જ કાયદાકીય સુરક્ષા આપવાની તૈયારી કરી રહી છે. આ માટે કેન્દ્રીય કેબિનેટે ‘પ્રિવેન્શન ઑફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971’માં (રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ) સુધારો કરવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. આ સુધારા બિલને 20 જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.
હાલના કાયદા હેઠળ રાષ્ટ્રધ્વજ, બંધારણ અને રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ અથવા તેના ગાનમાં જાણીજોઈને ખલેલ પહોંચાડવા બદલ 3 વર્ષ સુધીની જેલની સજા, દંડ અથવા બંને થઈ શકે છે. નવા સુધારા દ્વારા આ તમામ જોગવાઈઓ હવે ‘વંદે માતરમ્’ માટે પણ લાગુ કરવામાં આવશે. એટલે કે જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રીય ગીતનું અપમાન કરશે અથવા તેને ગાવામાં અવરોધ ઊભો કરશે તો તેને પણ આ જ કડક સજાનો સામનો કરવો પડશે.
સરકાર આ નવો કાયદો એવા સમયે લાવી રહી છે જ્યારે દેશભરમાં ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સ્વતંત્રતાની લડતમાં આ ગીતના મહત્વપૂર્ણ યોગદાનને યાદ કરવા માટે તમામ મંત્રાલયો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ ઉજવણીના ભાગરૂપે જ આ ગીતને કાયદાકીય ગૌરવ અને રક્ષણ આપવાનો નિર્ણય લેવાયો છે.
નોંધનીય છે કે આ પ્રસ્તાવિત બિલનો મુખ્ય હેતુ વંદે માતરમ્ ફરજિયાત કરવાનો નહીં, પરંતુ તેનો અનાદર કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો છે. સંસદના બંને ગૃહોમાં આ બિલ પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી જ તે કાયદો બનશે.

