ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નીકળ્યા નગરચર્યાએ: 4 વાગ્યે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં મંગળા આરતી બાદ શરૂ થઈ રથયાત્રા, સુરક્ષામાં 13,000 જવાનો અને 100થી વધુ ડ્રોન તૈનાત

જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ગણાતી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ, ગુરૂવારના રોજ અમદાવાદના જમાલપુર સ્થિત નિજ મંદિરથી અત્યંત ભક્તિસભર માહોલમાં શરૂ થઈ છે. વહેલી સવારે 4:00 વાગ્યે ભગવાન જગન્નાથની પરંપરાગત મંગળા આરતી વિધિપૂર્વક સંપન્ન થઈ હતી.

મંગળા આરતી દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સપરિવાર ઉપસ્થિત રહીને ભગવાનના આશીર્વાદ લીધા હતા. મંગળા આરતીના પાવન અવસર બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો મહાભોગ ધરાવવામાં આવ્યો હતો અને સમગ્ર મંદિર પરિસર ‘જય રણછોડ, માખણ ચોર’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને સંપૂર્ણ વૈદિક મંત્રોચ્ચાર સાથે રથોમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી રસ્તો સાફ કરવાની પરંપરાગત ‘પહિંદ’ વિધિ કરી હતી અને પ્રથમ રથને ખેંચીને રથયાત્રાનું વિધિવત પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ હાજર રહ્યા હતા.

ભગવાન જગન્નાથજી ‘નંદીઘોષ’, ભાઈ બલભદ્રજી ‘તાલધ્વજ’ અને બહેન સુભદ્રાજી ‘દર્પદલન’ રથમાં બિરાજીને નગરચર્યાએ નીકળ્યા છે અને પોતાના ભક્તોને દર્શન આપવા તેમના દ્વારે પહોંચી રહ્યા છે. જમાલપુરથી ખાડિયા, રાયપુર, સારંગપુર અને કાલુપુર થઈ ભગવાન બપોર સુધીમાં તેમના મોસાળ સરસપુર ખાતે પહોંચશે.

સુરક્ષા વ્યવસ્થા અને ખાસ બંદોબસ્ત

આ વર્ષે 16 કિલોમીટર લાંબા પરંપરાગત રૂટ પર ભક્તિ અને ભવ્યતાનો અનોખો રંગ જોવા મળી રહ્યો છે. રથયાત્રાના કાફલામાં મુખ્ય 3 રથોની સાથે 18 સુશોભિત ગજરાજ, 103 આકર્ષક ટ્રકો, 30 અખાડા અને અનેક ભજન મંડળીઓ જોડાઈ છે.

રથયાત્રા શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે અમદાવાદ પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓએ અભેદ કિલ્લા જેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. સમગ્ર રૂટને 26 રેન્જ, 53 એરિયા અને 1,397 પોઇન્ટમાં વહેંચીને 31,000થી વધુ પોલીસ જવાનો, 10 IG-DIG કક્ષાના અધિકારીઓ, SRP અને પેરામિલિટરી ફોર્સની 15 કંપનીઓ સહિત RAF અને BSFના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત સમગ્ર રથયાત્રા પર આકાશમાંથી નજર રાખવા 100થી વધુ અદ્યતન ડ્રોન્સ અને અનધિકૃત ડ્રોનને રોકવા એન્ટી-ડ્રોન ગન કાર્યરત છે. ભીડમાં શંકાસ્પદ ચહેરાઓ ઓળખવા AI ફેસ રેકોગ્નિશન કેમેરા, AI વોઇસ બોટ અને દરેક હાથી પર GPS તથા CCTV કેમેરા લગાવીને કંટ્રોલ રૂમ પળેપળનું લાઈવ નિરીક્ષણ કરી રહ્યો છે.

નોંધનીય છે કે દર વર્ષે લગભગ બપોરે 1થી દોઢની વચ્ચે ભગવાન સરસપુરના રણછોડ રાયજી મંદિર ખાતે પહોંચે છે. જોકે ભગવાન પહેલાં ગજરાજ, ટ્રક અને અખાડા સરસપુર પહોંચતા હોય છે. હાલમાં રથયાત્રાના 16 કિલોમીટરના આ રૂટમાં ભક્તોના મહેરામણ ઉમટી પડ્યા છે.