
સુરતમાં નાસિરનગરમાં થયેલા ડિમોલિશનનો કેસ હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ અમુક એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સસ્પેન્ડ થયેલા એક એન્જિનિયરે મ્યુનિસિપલ કમિશનર સાથે વોટ્સએપ પર થયેલી વાતચીતની ચેટ જ હાઇકોર્ટમાં રજૂ કરી દીધી છે અને દાવો કર્યો છે કે તેમને ઉચ્ચ અધિકારીઓએ આદેશ આપ્યા હતા, જેનું માત્ર પોતે પાલન કર્યું હતું.
મીડિયામાં આ ચેટ વાયરલ થવા માંડી છે. કથિત ચેટમાં કોન્ટેક્ટ નેમ ‘મ્યુનિસિપલ કમિશનર’નું જોવા મળે છે. તારીખ 21 મે, 2026ની છે, જ્યારે ડિમોલિશન મેના અંતમાં થયું હતું.
સુરત નાસિરનગર ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો..! કમિશનર અને સસ્પેન્ડેડ ઈજનેરની ચેટ વાયરલ
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) July 15, 2026
જુઓ ચેટમાં છુપાયેલું રહસ્ય શું?#NasirNagar | #DemolitionCase | #SMC | #HighCourt | #WhatsAppChat | @MySuratMySMC | @CommissionerSMC
Reporter : @JournoJayesh
Anchor : @ModhwadiyaRonak pic.twitter.com/2oYhmIvHgS
કમિશનર તરફથી એક મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો હોવાનું દેખાય છે, જે ફોરવર્ડેડ મેસેજ છે. જેમાં વોર્ડ નંબર 7માં ચંદ્રશેખર આઝાદ બ્રિજની બાજુની જગ્યામાં દબાણ હટાવવા માટે સૂચના આપવી એમ લખવામાં આવ્યું હતું. આ ફોરવર્ડેડ મેસેજની નીચે લખવામાં આવ્યું છે– ‘વહેલી તકે આ પૂરું કરો.’ જેના જવાબમાં આ તરફથી ‘જી સર’ જેવા જવાબો અપાયા છે.
29 મે અને 30 મેની પણ ચેટ સામે આવી છે, જેમાં કમિશનર અને એન્જિનિયર વચ્ચે વાતચીત થઈ હતી અને 30 મેના દિવસે એન્જિનિયરે કામ પૂર્ણ થયા પછીના પણ વિડીયો કમિશનરને મોકલ્યા હતા. જેનો જવાબ પણ આપવામાં આવ્યો હતો. ડિમોલિશન મુદ્દે વિવાદ થયા બાદ બંને પક્ષોએ અમુક સમાચાર અહેવાલોની આપ-લે પણ થઈ હતી એવું પણ ચેટ દર્શાવે છે.
એન્જિનિયર સુજલ પ્રજાપતિએ એફિડેવિટમાં કહ્યું છે કે ડિમોલિશન પહેલાં અને પછી પણ ઉપરના સ્તરેથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ મામલો હાઇકોર્ટમાં ગયો અને અધિકારીઓ પર તવાઈ આવી પછી અચાનક ઉચ્ચ અધિકારીઓએ અંતર જાળવવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ પણ સુજલ પ્રજાપતિએ કમિશનરને ઘણા ફોન કર્યા પણ અમુક ફોન કૉલ પછી કોલ ઉપાડવાના બંધ કરી દેવાયા હતા.
1 જુલાઈએ આખરે સુરત મહાનગરપાલિકાએ પાંચ એન્જિનિયરોને સસ્પેન્ડ કરી દીધા હતા, જેમાંથી એક સુજલ પણ છે. પોતે સસ્પેન્ડ થઈ ગયા બાદ તેમણે હાઇકોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરીને દાવો કર્યો છે કે સમગ્ર વિષય પાલિકાના ધ્યાનમાં હતો જ અને પોતે માત્ર ઉપરીઓના આદેશનું પાલન કર્યું હતું. હવે બોલ ઉચ્ચ ન્યાયાલયની કોર્ટમાં છે.
શું છે વિવાદ
સમગ્ર વિવાદ 30 મેના રોજ સુરતના નાસિરનગર નામના વિસ્તારમાં હાથ ધરવામાં આવેલી એક ડિમોલિશન કાર્યવાહીનો છે. ડિમોલિશનમાં સોએક બાંધકામો હટાવવામાં આવ્યાં હતાં, પણ પછીથી વિવાદ શરૂ થઈ ગયો કારણ કે કોઈએ તેની જવાબદારી લીધી ન હતી. મહાનગરપાલિકાએ શરૂઆતમાં કહ્યું કે તેમણે કાર્યવાહી કરી નથી, ત્યારબાદ એક સમિતિની રચના કરીને તપાસ શરૂ કરી હતી. બીજી તરફ મામલો હાઇકોર્ટમાં પહોંચી ગયો હતો. હાલ હાઇકોર્ટ સુનાવણી કરી રહી છે.

