‘કોર્ટને ગેરમાર્ગે દોરી’: દિવ્યાંગોની મજાક મામલે સમય રૈના સહિત 5 કોમેડિયન પર સુપ્રીમનો ₹3 લાખનો દંડ, જાહેર માફી અને ચેરિટી શો યોજવાનો આદેશ

દિવ્યાંગ વ્યક્તિઓની મજાક ઉડાવવા સંબંધિત ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ વિવાદમાં સુપ્રીમ કોર્ટે કોમેડિયન સમય રૈના અને અન્ય ચાર કોમેડિયનો સામે કડક કાર્યવાહી કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે સમય રૈના સહિત પાંચ પર ₹3-3 લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે સમય રૈનાએ ‘કોર્ટને ગેરમાર્ગે દોરી’ (took the court for a ride) છે, કારણ કે તેણે અગાઉ કોર્ટ સમક્ષ આપવામાં આવેલી ખાતરીઓનું પાલન કર્યું નથી.

સુનાવણી દરમિયાન Cure SMA Foundation તરફથી હાજર એમિકસ ક્યુરી અપારાજિતા સિંઘે કોર્ટને જણાવ્યું હતું કે અગાઉ સમય રૈનાએ SMA ફાઉન્ડેશન અને આ રોગથી પીડાતા લોકો સાથે સંપર્ક કરવા તથા જાગૃતિ માટે કામ કરવાની ખાતરી આપી હતી. જોકે, ત્યારબાદ તેણે ફાઉન્ડેશન કે દર્દીઓનો કોઈ સંપર્ક કર્યો નથી. તેમણે કોર્ટ સમક્ષ કહ્યું કે, “સમય રૈના શો કરી રહ્યો છે, પરંતુ કોર્ટના આદેશ છતાં તેણે SMA ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો નથી. તે કેવા પ્રકારનો યુથ આઇકોન છે, એ વિચારીને જ મને ચિંતા થાય છે.” આ રજૂઆત બાદ ચીફ જસ્ટિસે પણ સમય રૈનાના વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી અને મોડા જવાબ અંગે અસંતોષ દર્શાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે પાંચેય કોમેડિયનને બે અઠવાડિયામાં દંડની રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. સાથે જ જાહેરમાં માફી માંગવા, કોર્ટ સમક્ષ પાલનનું એફિડેવિટ દાખલ કરવા અને દર મહિને બે વિશેષ કોમેડી શો યોજીને તેમાંથી મળતી આવક સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીયજોથી (SMA) પીડાતાં બાળકોની સારવાર માટે ફાળવવાનો પણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આદેશનું પાલન કરવામાં નહીં આવે તો દંડમાં વધારો કરવામાં આવશે. ચીફ જસ્ટિસે ટિપ્પણી કરતા કહ્યું કે, “એક શૂન્ય વધુ ઉમેરી શકાય”, એટલે કે ₹3 લાખનો દંડ વધારીને ₹30 લાખ પણ કરી શકાય છે.

આ સમગ્ર વિવાદ 2025માં યુટ્યુબ પર પ્રસારિત થયેલા ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ના બે એપિસોડ બાદ શરૂ થયો હતો. આ શોમાં સમય રૈના અને અન્ય કોમેડિયનોએ દિવ્યાંગ વ્યક્તિઓ, સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીથી પીડાતાં બાળકો, દ્રષ્ટિબાધિત લોકો અને અન્ય શારીરિક અક્ષમતા ધરાવતા લોકો અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. આ ટિપ્પણીઓ સામે ભારે વિરોધ થયો હતો, ત્યારબાદ Cure SMA Foundation સહિત વિવિધ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી.

અગાઉની સુનાવણીઓ દરમિયાન પણ સુપ્રીમ કોર્ટે તમામ કોમેડિયનોને જાહેર માફી માંગવાનો આદેશ આપ્યો હતો. સાથે જ ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સૂચન કર્યું હતું કે દિવ્યાંગ લોકોની મજાક ઉડાવવી એ ગંભીર બાબત છે અને સંસદે અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમની (SC/ST Act) તર્જ પર એવો કાયદો બનાવવાનો વિચાર કરવો જોઈએ, જેમાં દિવ્યાંગો અંગે અપમાનજનક ટિપ્પણીઓને દંડનીય ગુનો બનાવવામાં આવે. હવે તાજેતરના આદેશમાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોર્ટ સમક્ષ આપવામાં આવેલી ખાતરીઓનું પાલન ન કરનારાઓ સામે કડક વલણ અપનાવવામાં આવશે.