
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) રાજ્યભરમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી વધુ સઘન બનાવી રહી છે. આ જ અભિયાનના ભાગરૂપે પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાંથી વધુ 5 શંકાસ્પદ ઇસમોને ડિટેન કરીને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર આ કાર્યવાહી પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંભવિત કનેક્શન અને રાજ્યમાં કોઈ આતંકી નેટવર્ક ફરી સક્રિય કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે કેમ તેની તપાસના ભાગરૂપે કરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર 13 જુલાઈના રોજ ATSએ સિદ્ધપુરના ઝાંપલીપોળ વિસ્તારમાં ગુપ્ત ઑપરેશન હાથ ધર્યું હતું. ટીમે એક કટલરી વેપારીની દુકાનમાં કલાકો સુધી તપાસ અને પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી હતી કે કોઈ શંકાસ્પદ વ્યક્તિએ આ દુકાનમાંથી નાના રમકડાંમાં ઉપયોગમાં લેવાતી બેટરીઓની ખરીદી કરી હતી. ત્યારબાદ ઝાંપલીપોળ સ્થિત ‘નૂરાની ટેલર્સ’માંથી એક શંકાસ્પદ વ્યક્તિને ડિટેન કરીને વધુ પૂછપરછ માટે અજ્ઞાત સ્થળે લઈ જવાયો હતો.
ત્યારબાદ મંગળવારે (14 જુલાઈ) સ્થાનિક પોલીસની મદદથી સિદ્ધપુરના વિવિધ વિસ્તારોમાં ફરી સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં વધુ 5 શંકાસ્પદ ઇસમોને ડિટેન કરવામાં આવ્યા છે. ATS હાલ તમામની સઘન પૂછપરછ કરી રહી છે. તપાસ દરમિયાન સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામમાં જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આરોપી મોહમ્મદ અમીન શેરાના ઘરે પણ સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેના પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી છે. તપાસ એજન્સીઓ હવે મોહમ્મદ અમીન શેરાએ સિદ્ધપુરમાંથી ખરીદેલા શંકાસ્પદ સામાન અને સ્થાનિક સંપર્કોની માહિતી એકત્ર કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ ગુજરાત ATSએ ગુજરાત અને મધ્ય પ્રદેશમાં સંયુક્ત ઑપરેશન ચલાવી જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શખ્સોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓ બનાસકાંઠા, મહેસાણા, પાટણ, નવસારી અને મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાંથી ઝડપાયા હતા. ATSના જણાવ્યા અનુસાર તેઓ પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતા અને ગુજરાતમાં પ્રતિબંધિત આતંકી સંગઠનને ફરી સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું હતું કે આરોપીઓ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી સાહિત્યનું ગુજરાતીમાં ભાષાંતર કરીને સ્થાનિક સ્તરે તેની વિચારધારાનો પ્રચાર કરી રહ્યા હતા તેમજ નવા લોકોને સંગઠન સાથે જોડવાનો પ્રયાસ કરતા હતા. આ સમગ્ર નેટવર્કના વધુ તાર સિદ્ધપુર સાથે જોડાયેલા હોવાની આશંકાને આધારે ATSએ ત્યાં તપાસ વધુ તેજ બનાવી છે.
અમદાવાદની રથયાત્રા પહેલાં રાજ્યમાં કોઈ પણ પ્રકારની આતંકી પ્રવૃત્તિ કે સુરક્ષાને ખતરો ઊભો ન થાય તે માટે ATS દ્વારા સતત સર્ચ, પૂછપરછ અને ટેક્નિકલ સર્વેલન્સ ચલાવવામાં આવી રહ્યું છે. અધિકારીઓનું માનવું છે કે હાલની તપાસમાં આગામી દિવસોમાં વધુ મહત્વના ખુલાસા થઈ શકે છે.

