
અમરેલી જિલ્લાના લીલીયા પંથકમાં સિંહના હુમલામાં યુવકનાં મોતના મામલે વન વિભાગે કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. મેટિંગ દરમિયાન સિંહ યુગલને પજવવાનો પ્રયાસ કરનાર રહેમાનખાન પઠાણ અને યશરાજસિંહ વાજાની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ ઘટના લીલીયા તાલુકાના અંટાળિયા ગામ નજીક બની હતી. પ્રાથમિક માહિતી મુજબ સોહેલ મુજાવર, રહેમાનખાન પઠાણ અને યશરાજસિંહ વાજા સિંહ યુગલને નજીકથી જોવા અને તેનો વિડીયો બનાવવા માટે પહોંચ્યા હતા. તે દરમિયાન સિંહ મેટિંગની પ્રક્રિયામાં હતો. ત્રણેયે સિંહની અત્યંત નજીક જઈ તેની પજવણી કરતાં ઉશ્કેરાયેલા સિંહે હુમલો કર્યો હતો.
હુમલામાં સોહેલ મુજાવરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં સિંહની નજીક જઈને તેને પજવવાનો પ્રયાસ થતો હોવાનું જોવા મળ્યું હતું.
ઘટના બાદ વન વિભાગે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી હતી. તપાસમાં વન્યજીવોને પજવવા અને વન્યજીવ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન થયાનું સામે આવતાં મૃતક સોહેલ મુજાવર સહિત રહેમાનખાન પઠાણ અને યશરાજસિંહ વાજા સામે વાઇલ્ડ લાઇફ (પ્રોટેક્શન) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
મૃતક સોહેલ મુજાવરનું અવસાન થઈ ચૂક્યું હોવાથી હવે રહેમાનખાન પઠાણ અને યશરાજસિંહ વાજાની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને વન વિભાગે વધુ પૂછપરછ માટે રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે અરજી સ્વીકારી બંનેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વન વિભાગ હવે તપાસ કરી રહ્યું છે કે આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ હતી કે નહીં, તેમજ આરોપીઓ અગાઉ પણ વન્યજીવોને પજવવા અથવા આવા કૃત્યોમાં સંડોવાયેલા હતા કે કેમ. અધિકારીઓએ લોકોને જંગલ વિસ્તારમાં વન્યજીવોથી સુરક્ષિત અંતર જાળવવા અને કોઈપણ પ્રકારની પજવણી કે ઉશ્કેરણી ન કરવા અપીલ પણ કરી છે.

