લુપ્તપ્રાય ઘોરાડના સંરક્ષણમાં સફળતા: કચ્છમાં ‘જમ્પસ્ટાર્ટ’ પ્રોગ્રામ હેઠળ જન્મેલું બીજું બચ્ચું 40 દિવસનો નાજુક તબક્કો પાર કરી ગયું, શું છે આ ટેકનિક?

કચ્છના નલિયામાં ‘જમ્પસ્ટાર્ટ’ કન્ઝર્વેશન પ્રોગ્રામ હેઠળ જન્મેલું ઘોરાડ (Great Indian Bustard) પક્ષીનું બીજું બચ્ચું જીવનના સૌથી નાજુક 40 દિવસ સફળતાપૂર્વક પાર કરી ચૂક્યું છે. ભારતના આ અત્યંત લુપ્તપ્રાય પક્ષીને બચાવવાના પ્રયાસોમાં આ એક ઐતિહાસિક માઇલસ્ટોન છે, જેના પર કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ ખુશી વ્યક્ત કરી છે.

વનમંત્રીના જણાવ્યા મુજબ બચ્ચાના જન્મ પછીના શરૂઆતના 40 દિવસ તેના અસ્તિત્વ માટે ખૂબ જ જોખમી હોય છે. આ જટિલ સમયગાળો સુરક્ષિત રીતે પસાર થતાં આ દુર્લભ પક્ષીના ઉજ્જવળ ભવિષ્યની નવી આશા જાગી છે. હાલમાં નલિયા ખાતે વન વિભાગ અને તજજ્ઞોની ટીમ વૈજ્ઞાનિક માર્ગદર્શન હેઠળ આ બચ્ચાની 24 કલાક કડક દેખરેખ રાખી રહી છે.

‘જમ્પસ્ટાર્ટ’ ટેકનિક શું છે?

આ એક અદભૂત વૈજ્ઞાનિક પદ્ધતિ છે, જેમાં કૃત્રિમ સંવર્ધન કેન્દ્રમાંથી (Captive Breeding Center) સુરક્ષિત અને ફર્ટાઇલ ઈંડાને લાવીને કુદરતી વાતાવરણમાં રહેતી જંગલી માદા ઘોરાડના પેટમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ તે જંગલી માદા પક્ષી જ ઈંડાને સેવે છે અને બચ્ચાનો ઉછેર કરે છે. આનાથી બચ્ચું શરૂઆતથી જ પ્રકૃતિના ખોળામાં ઉછરે છે અને તેના વન્યજીવનમાં ટકી રહેવાની શક્યતા વધી જાય છે.

કચ્છના ઘાસના મેદાનોમાં હવે માત્ર ત્રણ જ માદા ઘોરાડ બચી હોવાથી કુદરતી રીતે નર પક્ષી વિના તેમનો વંશવેલો આગળ વધવો અશક્ય હતો. આ કટોકટી નિવારવા માટે જ દેશની આ પ્રથમ આંતર-રાજ્ય પહેલ શરૂ કરાઈ, જેના હેઠળ રાજસ્થાનથી ફર્ટિલાઇઝ્ડ ઈંડાને અંદાજે 770 કિલોમીટર રોડ માર્ગે સુરક્ષિત રીતે ગુજરાતના નલિયા લાવવામાં આવ્યા હતા.

પ્રથમ બચ્ચું આ જ વર્ષે થયું હતું ગુમ

આ પ્રોજેક્ટમાં અગાઉ વન વિભાગને એક મોટો આંચકો પણ લાગ્યો હતો. આ જ વર્ષે 26 માર્ચે જન્મેલું પ્રથમ બચ્ચું એપ્રિલ મહિનામાં અચાનક ગુમ થઈ ગયું હતું, જે કદાચ જંગલી શિકારી પ્રાણીઓનો ભોગ બન્યું હોવાની આશંકા છે. જોકે, તે નુકસાનમાંથી પાઠ ભણીને વન વિભાગે સુરક્ષા વધુ કડક કરી દીધી હતી.

ત્યારબાદ 21 મે, 2026ના રોજ આ બીજું બચ્ચું જન્મ્યું હતું. વન વિભાગની રાત-દિવસની સખત મહેનત અને સમર્પણના કારણે આ બીજા બચ્ચાને શરૂઆતના સૌથી નાજુક 40 દિવસો દરમિયાન સંપૂર્ણ સુરક્ષિત રાખવામાં સફળતા મળી છે, જે વન્યજીવ પ્રેમીઓ માટે ગૌરવની ક્ષણ છે.

હવે આ પ્રોજેક્ટ તેના આગામી મહત્વના તબક્કા એટલે કે ‘રીવાઈલ્ડિંગ’ એટલે કે પક્ષીઓને ફરી પ્રકૃતિમાં મુક્ત કરવા તરફ આગળ વધી રહ્યો છે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (WII) અને ગુજરાત તથા રાજસ્થાનના વન વિભાગો સંયુક્ત રીતે આ પક્ષીઓને કુદરતી રહેઠાણમાં મુક્ત કરવા સજ્જ છે. રાજસ્થાનના કેન્દ્રોમાં અત્યાર સુધીમાં આવાં 98 બચ્ચાઓ સફળતાપૂર્વક ઉછેરવામાં આવ્યાં છે.