એક સમય હતો જ્યારે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો મુખ્યત્વે ક્રિકેટ, શિક્ષણ અને મર્યાદિત વેપાર પૂરતા જ સીમિત માનવામાં આવતા હતા, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી આક્રમકતા, વૈશ્વિક સપ્લાય ચેઇનની અનિશ્ચિતતા, ઊર્જા સુરક્ષા અંગે ઊભા થયેલા પડકારો અને અદ્યતન ટેક્નોલોજી પર વધતી સ્પર્ધાએ બંને દેશોને પહેલાં કરતાં વધુ નજીક લાવી દીધા છે. એવા સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઑસ્ટ્રેલિયા મુલાકાતને માત્ર એક દ્વિપક્ષીય સમિટ તરીકે જોવી મોટી ભૂલ હશે. આ મુલાકાત એવી ભાગીદારી માટે મંચ બની રહી છે, જે આગામી દાયકામાં ભારતની સુરક્ષા, ઊર્જા જરૂરિયાતો, ટેક્નોલોજીકલ આત્મનિર્ભરતા અને ઇન્ડો-પેસિફિકમાં તેની વ્યૂહાત્મક સ્થિતિને સીધી અસર કરી શકે છે.
આ બેઠકમાં સંરક્ષણ સહયોગ, ઇન્ડો-પેસિફિકમાં સંયુક્ત દરિયાઈ વ્યૂહરચના, યુરેનિયમનો લાંબા ગાળાનો પુરવઠો, ક્રિટિકલ મિનરલ્સમાં ભાગીદારી, સાયબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન જેવા અનેક નિર્ણયો કેન્દ્રસ્થાને છે. પ્રથમ નજરે આ અલગ-અલગ ક્ષેત્રો લાગતા હોવા છતાં વાસ્તવમાં આ બધા એક જ વ્યૂહાત્મક લક્ષ્ય તરફ ઈશારો કરે છે– ભારત અને ઑસ્ટ્રેલિયા મળીને એવો વિશ્વસનીય આર્થિક અને સુરક્ષા આધાર ઊભો કરવા માગે છે જે ચીન પરની અતિનિર્ભરતા ઘટાડે અને સમગ્ર ઇન્ડો-પેસિફિકમાં સંતુલન જાળવવામાં મદદરૂપ બને.
વિશ્વમાં જો કોઈ દેશ પાસે લિથિયમ, યુરેનિયમ, આયર્ન ઓર, કોલસા અને અન્ય મહત્વપૂર્ણ ખનિજોની વિશાળ સંપત્તિ હોય અને સાથે લોકશાહી મૂલ્યો તથા કાયદા આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં વિશ્વાસ હોય તો તે દેશ ઑસ્ટ્રેલિયા છે. બીજી તરફ ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંનું એક છે, જ્યાં ઊર્જાની માંગ સતત વધી રહી છે, ઇલેક્ટ્રિક વાહનોનું બજાર ઝડપથી વિસ્તરી રહ્યું છે અને સેમિકન્ડક્ટરથી લઈને સંરક્ષણ ઉત્પાદન સુધી દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
અર્થાત્ ભારત પાસે વિશાળ બજાર અને ઉત્પાદન ક્ષમતા છે, જ્યારે ઑસ્ટ્રેલિયા પાસે કુદરતી સંસાધનો, અદ્યતન ટેક્નોલોજી અને મૂડી છે. બંને દેશોની આ પૂરક શક્તિઓ જ તેમને સ્વાભાવિક ભાગીદાર બનાવે છે. આ જ કારણ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં બંને દેશોએ પોતાના સંબંધોને ‘કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ સુધી પહોંચાડ્યા છે.
સંરક્ષણ ક્ષેત્રમાં નવી દિશા
સમિટ દરમિયાન સૌથી મહત્વપૂર્ણ જાહેરાતોમાં સંયુક્ત ડિફેન્સ એન્ડ સિક્યોરિટી ડિક્લેરેશનનો સમાવેશ થવાની શક્યતા છે. આ જાહેરાત બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવશે અને ભવિષ્યમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ, ટેક્નોલોજી શેરિંગ અને સંરક્ષણ ઉત્પાદનને વધુ વેગ આપશે.
ભારત અને ઑસ્ટ્રેલિયા સંરક્ષણ ક્ષેત્રે એક નવી ઇનોવેશન ફ્રેમવર્ક વિકસાવવા પર પણ ભાર મૂકી શકે છે. તેનો હેતુ સરકાર, સંરક્ષણ ઉદ્યોગ, સ્ટાર્ટઅપ્સ, યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓને એક મંચ પર લાવી આધુનિક સૈન્ય ટેક્નોલોજી વિકસાવવાનો રહેશે. આ સહયોગ ભારતના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ઑસ્ટ્રેલિયાના ‘ફ્યુચર મેડ ઇન ઑસ્ટ્રેલિયા’ અભિયાનને પણ નવી ગતિ આપશે.
બંને દેશો સંરક્ષણ ઉદ્યોગ વચ્ચે સીધો સંપર્ક વધારવા માટે પણ પ્રયાસ કરશે. તેના પરિણામે ભવિષ્યમાં સંયુક્ત રીતે સંરક્ષણ સાધનોનું ઉત્પાદન, ટેક્નોલોજી ટ્રાન્સફર અને ડિફેન્સ સપ્લાય ચેઇન મજબૂત બનવાની શક્યતા છે. આ ભારતને વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન હબ બનાવવાના લક્ષ્યને પણ મદદરૂપ થશે.
આ સમિટનું એક ઓછું ચર્ચાતું પરંતુ અત્યંત મહત્વપૂર્ણ પરિણામ એ છે કે ભારતના સૈન્ય અધિકારીને ઑસ્ટ્રેલિયન ડિફેન્સ કોલેજમાં વિઝિટિંગ મિલિટરી ઇન્સ્ટ્રક્ટર તરીકે મોકલવાની યોજના પર બંને દેશોએ સહમતિ વ્યક્ત કરી છે. આ માત્ર એક અધિકારીની નિમણૂક નથી પરંતુ બંને દેશો વચ્ચે વિશ્વાસ અને વ્યૂહાત્મક સહયોગના ઊંડા સ્તરનું પ્રતીક છે.
આ પહેલ દ્વારા બંને દેશોના અધિકારીઓ વચ્ચે યુદ્ધની આધુનિક વ્યૂહરચના, લીડરશિપ, મિલિટરી ડોક્ટ્રિન, વોરગેમિંગ અને પ્રોફેશનલ મિલિટરી એજ્યુકેશનમાં સહયોગ વધશે. ભવિષ્યમાં સંયુક્ત ઑપરેશન્સ દરમિયાન બંને સૈન્ય વચ્ચે વધુ સારી સમજ અને ઇન્ટરઓપરેબિલિટી વિકસાવવામાં પણ આ પગલું મદદરૂપ બનશે.
હિંદ મહાસાગરથી મલાક્કા સુધી: દરિયામાં કેમ વધી રહ્યું છે ભારત-ઑસ્ટ્રેલિયાનું મહત્ત્વ?
આ સમિટનું બીજું સૌથી મોટું પાસું છે દરિયાઈ સુરક્ષા. ભારત અને ઑસ્ટ્રેલિયા બંને એવા દેશો છે જેમની આર્થિક સમૃદ્ધિનો મોટો આધાર સમુદ્રી વ્યાપાર પર છે. હિંદ મહાસાગર અને મલાક્કા સ્ટ્રેટમાંથી દર વર્ષે અબજો ડોલરનો વેપાર પસાર થાય છે. આ માર્ગો સુરક્ષિત રહે તે માત્ર બંને દેશો માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે પણ જરૂરી છે. તેથી બંને દેશો હવે માત્ર નૌકાદળની કવાયતો સુધી મર્યાદિત રહેવાને બદલે લાંબા ગાળાના મેરિટાઇમ સિક્યોરિટી રોડમેપ પર કામ કરી રહ્યા છે.
આ રોડમેપ હેઠળ મેરિટાઇમ ડોમેન અવેરનેસ, કોસ્ટલ સર્વેલન્સ, માહિતીની આપ-લે, સંયુક્ત પેટ્રોલિંગ, ક્ષમતા નિર્માણ અને ઑપરેશનલ કોઓર્ડિનેશન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવામાં આવશે. સરળ ભાષામાં કહીએ તો ભારત અને ઑસ્ટ્રેલિયા હવે દરિયામાં શું ચાલી રહ્યું છે તેની વધુ સચોટ અને ઝડપી માહિતી એકબીજા સાથે વહેંચી શકશે, જેના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દરિયાઈ આતંકવાદ અને સુરક્ષા સંબંધિત જોખમો સામે ઝડપી કાર્યવાહી શક્ય બનશે.
આતંકવાદ સામે બંને દેશો હવે વધુ આક્રમક વલણ અપનાવશે
ભારત વર્ષોથી સરહદપારના આતંકવાદનો સામનો કરી રહ્યું છે, જ્યારે ઑસ્ટ્રેલિયા પણ વૈશ્વિક આતંકવાદી નેટવર્ક, ઓનલાઈન કટ્ટરવાદ અને હિંસક ઉગ્રવાદને ગંભીર સુરક્ષા પડકાર તરીકે જુએ છે. તેથી આ સમિટમાં આતંકવાદ વિરોધી સહયોગને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.
બંને દેશો આતંકવાદી સંગઠનો, તેમના નાણાકીય સ્ત્રોતો, ઓનલાઈન રેડિકલાઇઝેશન અને નવી ટેક્નોલોજીનો આતંકવાદ માટે થતા ઉપયોગ સામે સંયુક્ત કાર્યવાહી વધારશે. સાથે જ ગુપ્તચર માહિતીની આપ-લે અને ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા માટે પણ સહયોગ મજબૂત કરવામાં આવશે.
ઊર્જા સુરક્ષામાં નવી ભાગીદારી
આ મુલાકાતનો બીજો સૌથી મોટો મુદ્દો ઊર્જા સુરક્ષા રહેશે. વૈશ્વિક સ્તરે વધી રહેલા ઊર્જા સંકટ વચ્ચે ભારત અને ઑસ્ટ્રેલિયા લાંબા ગાળાની ઊર્જા ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. બંને દેશો વિશ્વસનીય, સસ્તી અને ટકાઉ ઊર્જા પુરવઠા માટે સંયુક્ત રીતે કામ કરવાની દિશામાં આગળ વધશે.
ભારત માટે ઑસ્ટ્રેલિયા LNG, કોલસા અને અન્ય ઊર્જા સંસાધનોનો વિશ્વસનીય સ્ત્રોત બની શકે છે. બીજી તરફ ભારતનું વિશાળ બજાર ઑસ્ટ્રેલિયા માટે નવી આર્થિક તકો ઊભી કરશે. ઊર્જા ક્ષેત્રમાં આ સહયોગ બંને દેશોની આર્થિક સુરક્ષા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
યુરેનિયમ કરાર બની શકે ઐતિહાસિક સિદ્ધિ, ક્રિટિકલ મિનરલ્સમાં બનશે મજબૂત ભાગીદારી
આ સમિટની સૌથી મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓમાંની એક ઑસ્ટ્રેલિયાથી ભારતને લાંબા ગાળે યુરેનિયમ પુરવઠા માટેની વહીવટી વ્યવસ્થાને અંતિમ સ્વરૂપ આપવાની છે. વર્ષ 2014માં બંને દેશો વચ્ચે નાગરિક પરમાણુ સહયોગ કરાર થયો હતો, પરંતુ હવે આ વ્યવસ્થા વધુ અસરકારક રીતે અમલમાં આવશે. તેના કારણે ભારતને માત્ર શાંતિપૂર્ણ હેતુઓ માટે સંચાલિત પરમાણુ વીજ પ્રોજેક્ટ્સ માટે ઑસ્ટ્રેલિયન યુરેનિયમનો સ્થિર પુરવઠો મળી શકશે.
ભારતે વર્ષ 2047 સુધીમાં પરમાણુ ઊર્જા ઉત્પાદન ક્ષમતામાં મોટો વધારો કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. કોલસા પરની નિર્ભરતા ઘટાડવી, કાર્બન ઉત્સર્જન નિયંત્રિત કરવું અને સતત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવો હોય તો પરમાણુ ઊર્જા મહત્વપૂર્ણ બનશે. આવા સમયે વિશ્વના સૌથી મોટા યુરેનિયમ ભંડાર ધરાવતા દેશોમાંના એક ઑસ્ટ્રેલિયા સાથેનો સહયોગ ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે.
એક સમય હતો જ્યારે ક્રૂડ ઓઇલને વિશ્વની સૌથી મૂલ્યવાન વ્યૂહાત્મક સંપત્તિ માનવામાં આવતું હતું. હવે ધીમે-ધીમે એ સ્થાન લિથિયમ, કોબાલ્ટ, નિકલ, ગ્રેફાઇટ અને રેર અર્થ જેવા ક્રિટિકલ મિનરલ્સ લઈ રહ્યાં છે. ઇલેક્ટ્રિક વાહનોથી લઈને સેમિકન્ડક્ટર, બેટરી, ડ્રોન, મિસાઇલ અને આધુનિક સંરક્ષણ સાધનો સુધી લગભગ દરેક અદ્યતન ટેક્નોલોજી આ ખનિજો પર આધારિત છે.
ઑસ્ટ્રેલિયા પાસે આ ખનિજોના વિશાળ ભંડાર છે, જ્યારે ભારત તેની ઉત્પાદન ક્ષમતાને ઝડપથી વિસ્તારી રહ્યું છે. સમિટમાં બંને દેશોએ ક્રિટિકલ મિનરલ્સ ક્ષેત્રમાં રોકાણ, પ્રોસેસિંગ, સપ્લાય ચેઇન અને સંશોધન ક્ષેત્રે સહયોગ વધારવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેનો સૌથી મોટો લાભ એ થશે કે ભારતને લાંબાગાળે વિશ્વસનીય સપ્લાય મળશે અને અદ્યતન ઉત્પાદન ક્ષેત્રે તેની આત્મનિર્ભરતા મજબૂત બનશે.
PACTS કરારથી ટેક્નોલોજી સહયોગને મળશે વેગ
21મી સદીમાં યુદ્ધનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. હવે સાયબર હુમલા, ડેટા ચોરી, કૃત્રિમ બુદ્ધિમત્તા અને સપ્લાય ચેઇન પર નિયંત્રણ પણ રાષ્ટ્રીય સુરક્ષાનો ભાગ બની ગયા છે. આ જ કારણ છે કે ભારત અને ઑસ્ટ્રેલિયાએ ‘ઑસ્ટ્રેલિયા-ઇન્ડિયા પાર્ટનરશિપ ઓન સાયબર, ક્રિટિકલ ટેક્નોલોજીઝ એન્ડ સપ્લાય ચેઇન્સ’ (PACTS) શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
આ ભાગીદારી હેઠળ બંને દેશો સાયબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્રિટિકલ ટેક્નોલોજી, સંરક્ષણ સંશોધન અને સુરક્ષિત સપ્લાય ચેઇન જેવા ક્ષેત્રોમાં સાથે કામ કરશે. વૈશ્વિક ટેક્નોલોજી સ્પર્ધાના સમયમાં આ કરાર માત્ર ટેક્નિકલ સહયોગ નથી પરંતુ ભવિષ્યની આર્થિક અને વ્યૂહાત્મક સુરક્ષામાં એક મોટું રોકાણ છે.
AI અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી તકો, શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં પણ સહયોગ
વડાપ્રધાન મોદી ઑસ્ટ્રેલિયાના ઉદ્યોગપતિઓને ભારતના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર, ફિનટેક, ડિજિટલ અર્થવ્યવસ્થા, મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં રોકાણ કરવા માટે પણ આમંત્રણ આપશે. બંને દેશોનું માનવું છે કે ભારતનું વિશાળ બજાર અને ઑસ્ટ્રેલિયાની ટેક્નોલોજીકલ ક્ષમતા મળીને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં નવી તકો ઊભી કરી શકે છે.
વેપાર ક્ષેત્રમાં બંને દેશો કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઑપરેશન એગ્રીમેન્ટને (CECA) વહેલી તકે પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. વર્ષ 2022માં અમલમાં આવેલા ECTA કરાર પછી દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. હવે CECA અમલમાં આવ્યા બાદ વેપાર અને રોકાણ બંનેમાં વધુ તેજી આવવાની અપેક્ષા છે.
સમિટમાં ઉચ્ચ શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટને પણ મહત્વ આપવામાં આવશે. વધુ ઑસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ ભારતમાં કેમ્પસ શરૂ કરશે તેમજ સંશોધન, ડ્યુઅલ ડિગ્રી અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રે સહયોગ વધશે. આથી ભારતીય વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું શિક્ષણ દેશમાં જ ઉપલબ્ધ બનશે.
ઑસ્ટ્રેલિયામાં વસતા ભારતીય મૂળના લોકો બંને દેશોના સંબંધોમાં એક મજબૂત કડી તરીકે કામ કરી રહ્યા છે. એક મિલિયનથી વધુ ભારતીયો ઑસ્ટ્રેલિયાની અર્થવ્યવસ્થા અને સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન લોકો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પણ અનેક પહેલોની જાહેરાત થઈ શકે છે.
ભારત અને ઑસ્ટ્રેલિયા બંને ખુલ્લા, સુરક્ષિત અને નિયમ આધારિત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના સમર્થક છે. તેથી બંને દેશો ક્વાડ, હિંદ મહાસાગર ક્ષેત્ર અને અન્ય બહુપક્ષીય મંચો પર વધુ સક્રિય સહયોગ વધારશે. મેરિટાઇમ સુરક્ષા, દરિયાઈ માર્ગોની સલામતી અને પ્રાદેશિક સ્થિરતા માટે આ ભાગીદારીનું મહત્વ આગામી વર્ષોમાં વધુ વધશે.
વૈશ્વિક રાજકારણમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ વચ્ચે ભારત અને ઑસ્ટ્રેલિયાની આ બેઠક માત્ર દ્વિપક્ષીય સંબંધો પૂરતી મર્યાદિત નથી. આ બેઠક એ સંદેશ પણ આપશે કે લોકશાહી મૂલ્યોમાં વિશ્વાસ ધરાવતા દેશો વેપાર, સુરક્ષા અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં એકબીજાના વિશ્વસનીય ભાગીદાર બની શકે છે.


