વતનને પાછળ છોડીને વ્યવસાયાર્થે કે અન્ય કોઈપણ કારણોસર અજાણ્યા પ્રદેશો તરફ નીકળતો માણસ માત્ર સરનામું બદલતો નથી, ધીમે-ધીમે તેની ભાષા, રહેણીકરણી, જીવનશૈલી વગેરે પણ બદલાતાં જાય છે. માનવનો સ્વભાવ છે કે વહેલો-મોડો તે નવા દેશની હવા સાથે અનુકૂલન સાધી લે છે. પણ ગુજરાતીઓની એક આગવી ઓળખ રહી છે. તેઓ માત્ર પોતે પ્રવાસ કરતા નથી, પોતાની સાથે ધર્મ, સંસ્કૃતિ, પરંપરાઓ, માન્યતાઓનો વારસો લઈને નીકળે છે. જેને નવી ધરતી પર એટલી જ આત્મીયતાથી જીવંત રાખે છે.
દુનિયાભરમાં ફેલાઈ ગયેલા ગુજરાતીઓનો ઇતિહાસ જોઈએ તો સમજાય છે કે ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ એ માત્ર કાવ્યપંક્તિ બનીને રહી નથી, પણ ગુજરાત અને ગુજરાતીઓની તાસીરને આબેહૂબ પ્રતિબિંબિત કરે છે. એ જ કારણ છે કે રચનાના દાયકાઓ પછી પણ પંક્તિ એટલી જ પ્રાસંગિક લાગે છે.
અમેરિકા, આફ્રિકા અને યુરોપના દેશોમાં જઈને પરિશ્રમથી ઊભી કરેલી ઓળખ આજે નવી વાત નથી. વેપાર-ઉદ્યોગો, સામાજિક સંસ્થાઓ થકી ગુજરાતીઓએ અનેક દેશોમાં ‘નવાં ગુજરાત’ ઊભાં કરી દીધાં છે. પણ ગુજરાતીઓની આ યાત્રા માત્ર પશ્ચિમમાં જ આગળ વધી હોય એમ નથી, પૂર્વના સમુદ્રો પારના દેશોમાં પણ સાંસ્કૃતિક પડઘા આજેય સંભળાય છે.
ઈન્ડોનેશિયાની મુલાકાતે હમણાં વડા પ્રધાન મોદી ગયા. બે દિવસની આ યાત્રા દરમ્યાન આર્થિક સહયોગ અને રાજદ્વારી સંબંધોની ઘણી ચર્ચા થઈ. પણ આ જ મુલાકાતે એવા એક ઐતિહાસિક સંબંધ તરફ પ્રકાશ પાડ્યો જેનાં મૂળ સદીઓ જૂનાં છે. ઈન્ડોનેશિયાની સંસદને સંબોધતાં વડા પ્રધાને કહ્યું કે ગુજરાતના વ્યાપારીઓ અને સૂફી સંતો સદીઓ પહેલાં ભારતથી ઇન્ડોનેશિયા આવ્યા હતા અને પોતાની સાથે સંસ્કૃતિ-પરંપરાઓ પણ લઈને આવ્યા હતા. ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે એ જ કારણ છે કે ઇન્ડોનેશિયાની બાટિક પ્રિન્ટમાં પાટણનાં પટોળાંની ઝાંખી જોવા મળે છે.
ઇતિહાસનાં પાનાં ઉથલાવીએ તો સમજાય છે કે માત્ર ઇન્ડોનેશિયા નહીં પણ દક્ષિણ પૂર્વ એશિયાના અનેક દેશો સાથે ગુજરાતના સંબંધો વ્યાપાર પૂરતા સીમિત ન હતા. દરિયાઈ માર્ગોએ માત્ર ચીજવસ્તુઓની આપ-લે ન થઈ પણ સંસ્કૃતિ, પરંપરાઓ, માન્યતાઓનો પણ એક પ્રવાહ અવિરત વહેતો રહ્યો.
ગુજરાતી રાજકુમારે કરી ઈન્ડોનેશિયાની સ્થાપના, આજે પણ ‘ગુજરાતીપણું’ અકબંધ
આજનું ઈન્ડોનેશિયા અનેક ટાપુઓ ધરાવતો દેશ છે. ઇતિહાસમાં તેની ઓળખ ‘જાવા દ્વીપ’ તરીકે મળે છે. ઇન્ડોનેશિયાના પરંપરાગત ઇતિહાસ પર પ્રકાશ પાડતું પુસ્તક ‘તાના જાવા’ (તાનાનો અર્થ ધરતી, પ્રદેશ થાય) જણાવે છે કે અહીંની સંસ્કૃતિનો પાયો ગુજરાતી રાજકુમારે નાખ્યો હતો. અજી સકા તેમનું નામ.
ઇન્ડોનેશિયાનો પ્રથમ રાજા ગુજરાતી?
— ઑપઇન્ડિયા (@OpIndia_G) July 9, 2026
સાઉથ ઈસ્ટ એશિયાના દેશોમાં સૌરાષ્ટ્ર, સુરત અને તાપી પણ!
ગુજરાત-ઇન્ડોનેશિયા વચ્ચેના સદીઓ જૂના સંબંધોનો શું ઇતિહાસ છે અને કઈ રીતે સેંકડો કિલોમીટર દૂર સુધી વિસ્તર્યો આ વારસાનો વ્યાપ…
જાણો @Shh_Shaili સાથે pic.twitter.com/kc2mZSCttu
ગ્રંથ કહે છે કે ઈસવીસન 75માં અજી સકા સમુદ્રી માર્ગે ઈન્ડોનેશિયા પહોંચ્યા અને અહીં નવી સંસ્કૃતિ સ્થાપી. ઇતિહાસકારો નોંધે છે કે ત્યારથી અહીં એક કૅલેન્ડરની શરૂઆત થઈ, જે ‘સકા કૅલેન્ડર’ તરીકે ઓળખાય છે. એક લિપિ શરૂ થઈ, જે ‘હનાચરાકા’ કહેવાય છે.
ઈન્ડોનેશિયાની લોકસ્મૃતિમાં અજી સકા આજે પણ જીવંત છે. ત્યાંની અનેક પરંપરાઓમાં ગુજરાત સાથે જોડાતી સાંસ્કૃતિક સમાનતાઓ વારંવાર ચર્ચામાં રહે છે.
સમયે સદીઓનાં અંતર મૂક્યાં, રાજવંશો બદલાયા, સામ્રાજ્યો આવ્યાં અને ગયાં, સત્તાઓ બદલાતી રહી પણ અમુક પરંપરાઓ એવી હોય છે જે પેઢી દર પેઢી જીવંત રહે છે. ઇન્ડોનેશિયાના લોકોત્સવો અને લોકકલાઓ પર નજર નાખીએ તો આવું જ કશુંક જોવા મળે છે.
કચ્છના દરિયાખેડુઓ જેમ વહાણવટી માની પૂજા કરે છે તેમ ઈન્ડોનેશિયામાં પણ દરિયા અને જહાજો સાથે જોડાયેલાં દેવીની આરાધના થાય છે. ત્યાંનાં પરંપરાગત નૃત્યો જોઈએ તો ગુજરાતી રાસ-ગરબા અને રાસડાની યાદ અપાવતા તાલ જોવા મળે. કઠપૂતળીની કળામાં પણ કચ્છી કઠપૂતળી કળા સાથેની સામ્યતા જોવા મળે.
ઉત્તરાયણ અને ગુજરાત આજે એકબીજાનાં પર્યાય બની ચૂક્યાં છે. પણ હજારો કિલોમીટર દૂર ઇન્ડોનેશિયામાં પણ પતંગોત્સવ ઉજવાય છે. એવી દલીલ થઈ શકે કે તહેવારમાં જે પતંગ ઉડાવવાનું મનોરંજન તત્ત્વ છે તે એક કારણ હોય શકે. પણ અહીં એવું નથી. ઇન્ડોનેશિયાના પતંગોત્સવ વખતે પતંગ સાથે ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા, આભાર માનતા સંદેશા મોકલાય છે. આ પરંપરા દર્શાવે છે કે ઉત્સવો માત્ર આનંદ પૂરતા નથી પણ સંસ્કૃતિ અને શ્રદ્ધા પણ એટલાં જ જડબેસલાક જોડાયેલાં રહ્યાં છે.
થાઈલેન્ડનું ‘સુરતથાની’ અને મા તાપી
દક્ષિણ પૂર્વ એશિયામાં ગુજરાત સાથેના સાંસ્કૃતિક સંબંધોની વાત માત્ર ઇન્ડોનેશિયા પૂરતી મર્યાદિત નથી. થાઈલેન્ડમાં એક શહેર છે, જેનું નામ છે સુરત થાની.
પર્યટન માટે જાણીતા ‘કોહ સમુઇ’ની નજીક આ શહેર આવેલું છે. ‘થાની’ શબ્દ સંસ્કૃતના ‘સ્થાન’નો અપભ્રંશ માનવામાં આવે છે. (જેમ આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં સિરામિક ઉદ્યોગ માટે પ્રખ્યાત થાન આવેલું છે). રસપ્રદ વાત એ છે કે થાઈલેન્ડ આ સુરતથાની શહેરનું નામ ગુજરાતના સુરત પરથી રાખવામાં આવ્યું છે.
ઇતિહાસકારો પ્રમાણે, થાઈલેન્ડના રાજા વાજીરાવૃદ્ધે 1915માં ‘બાન ડોન’ નામ બદલીને શહેરનું નામ ‘સુરતથાની’ કર્યું હતું. એક થિયરી પ્રમાણે સુરત નામની પ્રેરણા સંસ્કૃત શબ્દ ‘સુર રાષ્ટ્ર’ પરથી આવે છે, અર્થાત્ સારા લોકોનો પ્રદેશ. ગુજરાતના સૌરાષ્ટ્ર જેવું. પણ બંને કેસમાં, થાઈલેન્ડના સુરતથાનીનું ગુજરાત કનેક્શન દેખીતું છે અને દર્શાવે છે કે આ સંયોગ માત્ર ભૌગોલિક નથી.
બીજી એક રસપ્રદ વાત એ છે કે થાઈલેન્ડમાં પણ તાપી નદી છે. સુરતથાની વાસ્તવમાં આ તાપી નદીના કિનારે વસ્યું છે. આ નદીનું નામકરણ પણ ગુજરાતની તાપી નદી પરથી જ રખાયું છે.
સંસ્કૃતિ, વારસો, અર્થવ્યવસ્થા વગેરેની દૃષ્ટિએ ગુજરાત તે સમયે કેટલું સમૃદ્ધ રહ્યું તેનું ઉદાહરણ એ હકીકત પરથી પણ મળે છે કે રાજા વાજીરાવૃદ્ધ દુનિયા ફરી ચૂક્યા હતા. બ્રિટનની રૉયલ મિલિટરી કોલેજ અને ત્યારપછી ક્રાઈસ્ટ ચર્ચ, ઓક્સફર્ડમાં તેઓ ભણ્યા. લંડન વગેરે શહેરો જોયાં-જાણ્યાં હતાં. ગ્રેટ બ્રિટનની સંસ્કૃતિથી પૂરેપૂરા વાકેફ હતા, છતાં જ્યારે સ્વદેશ પરત ફર્યા ત્યારે એક શહેરનું નામ દુનિયાના બીજા કોઈ પ્રદેશ પરથી નહીં પણ ગુજરાતના શહેર પરથી રાખ્યું.
ગુજરાતનો ઇતિહાસ માત્ર વ્યાપાર પૂરતો સીમિત રહ્યો નથી. બંદરોએથી ગુજરાતીઓને લઈને નીકળેલાં વહાણો મસાલા, કપાસ અને કિંમતી ચીજવસ્તુઓ લઈને જતાં ન હતાં. તેમની સાથે ભાષા જતી હતી, માન્યતાઓ જતી જતી. પરંપરાઓ અને સંસ્કૃતિ વ્યાપારનાં સાથી બનીને સમુદ્રો ઓળંગતાં હતાં. ત્યાં પહોંચીને તેમનું એ જ આસ્થા અને આત્મીયતા સાથે સંવર્ધન થતું હતું અને લોકજીવનમાં આ પરંપરાઓ જીવંત રહેતી હતી.
એ જ કારણ છે કે આજે પણ દક્ષિણ પૂર્વ એશિયાના શહેરોના નામમાં, લોકકથામાં, કોઈ ઉત્સવ કે કળામાં ગુજરાતની ઝાંખી દેખાય આવે છે. સમય ઘણું બદલી નાખે છે, પણ અમુક છાપ અમિટ રહી જાય છે!


