આજના સમયમાં ડેટા એટલે નવી સદીનું ‘તેલ’ કહેવાય છે. તમે મોબાઇલમાં ફોટો સાચવો, UPIથી પૈસા ટ્રાન્સફર કરો, OTT પર વેબ સિરીઝ જુઓ, ચેટજીપીટી જેવા AI ટૂલનો ઉપયોગ કરો કે પછી કોઈ સરકારી પોર્ટલ પર દસ્તાવેજ અપલોડ કરો, આ બધુ જ એક ડેટ સેન્ટરમાં સ્ટોર થતું હોય છે. દુનિયા જેમ-જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ડિજિટલ સેવાઓ તરફ ઝડપથી આગળ વધી રહી છે, તેમ ડેટા સેન્ટરોનું મહત્વ પણ અનેકગણું વધી રહ્યું છે. આ બદલાતા સમયને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે દેશમાં સૌપ્રથમ ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29’ જાહેર કરી છે, જે રાજ્યને દેશનું સૌથી મોટું હાઇપરસ્કેલ AI ડેટા સેન્ટર હબ બનાવવાનો રોડમેપ રજૂ કરે છે.
સરળ ભાષામાં કહીએ તો આજના ડિજિટલ યુગમાં આપણે જે પણ ઓનલાઈન પ્રવૃત્તિ કરીએ છીએ, જેમ કે યુટ્યુબ પર વિડીયો જોવો, UPI દ્વારા પેમેન્ટ કરવું, ઈ-કોમર્સ સાઈટ પરથી ખરીદી કરવી કે સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરવા, આ બધો જ ડેટા ક્યાંકને ક્યાંક સ્ટોર થાય છે. ડેટા સેન્ટર એ એક એવું વિશાળ સેન્ટ્રલાઇઝ્ડ બિલ્ડિંગ કે ફેસિલીટી છે, જ્યાં હજારો શક્તિશાળી કમ્પ્યુટર સર્વર્સ, સ્ટોરેજ ડિવાઇસ અને નેટવર્કિંગ સાધનો રાખવામાં આવે છે. તેને સરળ ભાષામાં ‘ડિજિટલ દુનિયાનું ગોડાઉન’ કહી શકાય.
આજે ડેટા સેન્ટરની જરૂરિયાત આટલી વધી કેમ?
ભૂતકાળમાં ડેટા સેન્ટર્સનો ઉપયોગ માત્ર માહિતી સ્ટોર માટે થતો હતો. પરંતુ આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્લાઉડ કમ્પ્યુટિંગ, મશીન લર્નિંગ અને 5G/6G ટેક્નોલોજીના આગમન સાથે ડેટા પ્રોસેસિંગની સ્પીડ ખૂબ મહત્વની બની ગઈ છે. ભારતમાં વિશ્વનો 20% ડેટા જનરેટ થાય છે, પરંતુ આપણી પાસે વૈશ્વિક ક્ષમતાના માત્ર 3% જ ડેટા સેન્ટર્સ છે. ડેટા સુરક્ષા, ડિજિટલ આત્મનિર્ભરતા અને હાઇ-સ્પીડ સેવાઓ માટે દેશમાં જ મોટાપાયે ડેટા સેન્ટર્સ હોવા અનિવાર્ય છે.
તેથી ગુજરાત સરકારે ત્રણ વર્ષ માટે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29’ જાહેર કરી છે. આ પોલિસીનો મુખ્ય હેતુ ગુજરાતને ભારતનું સૌથી મોટું ‘હાઇપરસ્કેલ AI ડેટા સેન્ટર ડેસ્ટિનેશન’ બનાવવાનો છે. સરકારનું લક્ષ્ય આગામી વર્ષોમાં લગભગ ₹6 લાખ કરોડનું રોકાણ આકર્ષવાનું અને 7.5 ગીગાવોટ ડેટા સેન્ટર ક્ષમતા વિકસાવવાનું છે. સરકારનું માનવું છે કે આ પોલિસી માત્ર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં, પરંતુ મોટાપાયે રોજગારીનું પણ સર્જન કરશે. આ પોલિસી હેઠળ લાભ મેળવવા માટે પ્રોજેક્ટની લઘુત્તમ ક્ષમતા 150 મેગાવોટ (MW) IT લોડ કે તેથી વધુ હોવી જરૂરી છે, જે મોટાપાયાના ‘હાઇપરસ્કેલ’ સેન્ટર્સને પ્રોત્સાહન આપશે.
‘હાઇપરસ્કેલ ડેટા સેન્ટર’ એટલે શું?
સામાન્ય ડેટા સેન્ટર કરતાં હાઇપરસ્કેલ ડેટા સેન્ટર અનેક ગણું મોટું હોય છે. તેમાં લાખો સર્વર એકસાથે કામ કરી શકે છે અને ગૂગલ, માઈક્રોસોફ્ટ, એમેઝોન, મેટા જેવી વૈશ્વિક કંપનીઓ પોતાની ક્લાઉડ અને AI સેવાઓ માટે આવા ડેટા સેન્ટરનો ઉપયોગ કરે છે. ગુજરાતની નવી પોલિસી ખાસ કરીને આવી જ વૈશ્વિક કંપનીઓને આકર્ષવા માટે બનાવવામાં આવી છે.
સરકારે ખાસ કરીને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનને (SIR) આ પોલિસીનું કેન્દ્ર બનાવ્યું છે. ધોલેરામાં સ્થાપિત થનારા પ્રોજેક્ટને વિશેષ મૂડી સહાય, વ્યાજ સહાય અને અન્ય અનેક લાભ મળશે. ધોલેરાને વિશ્વનું સૌથી મોટું ‘ડેટા સેન્ટર સિટી’ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સનું (GCC) હેડક્વાર્ટર બનાવવાની દિશામાં કામ શરૂ થઈ ચૂક્યું છે. સરકારનો દાવો છે કે પોલિસી જાહેર થતાં પહેલાં જ વિશ્વની અગ્રણી કંપનીઓએ ખૂબ રસ દર્શાવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તો ધોલેરાને વિશ્વનું સૌથી મોટું ‘ડેટા સેન્ટર સિટી’ બનવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.
રોકાણકારોને કયા મોટા લાભ મળશે?
નવી પોલિસી હેઠળ ડેટા સેન્ટર સ્થાપનાર કંપનીઓને અનેક નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવશે. પોલિસી હેઠળ ધોલેરા ક્ષેત્રમાં સ્થપાનારા પ્રોજેક્ટ્સ માટે 10 વર્ષ સુધી 2.5% મૂડી સહાય (Capital Subsidy) આપવામાં આવશે. આ ઉપરાંત ટર્મ લોન પર 10 વર્ષ સુધી વાર્ષિક ₹25 કરોડની મર્યાદામાં 4% વ્યાજ સહાય મળશે. જમીનની લેતી-દેતીમાં સ્ટેમ્પ ડ્યૂટી અને રજીસ્ટ્રેશન ફીમાં 100% મુક્તિ આપવામાં આવી છે.
ડેટા સેન્ટર્સ ચોવીસે કલાક ચાલતા હોવાથી તેમાં વીજળીનો વપરાશ ખૂબ વધારે હોય છે. આ માટે સરકારે કમર્શિયલ ઑપરેશન શરૂ થયાના 20 વર્ષ સુધી પ્રતિ યુનિટ ₹1ની વીજ દર સહાય અને 100% વીજ શુલ્ક (Electricity Duty) મુક્તિ જાહેર કરી છે. આ ઉપરાંત પ્લાન્ટ, મશીનરી, બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઑપરેશનલ સર્વિસિસ પર લાગતા SGSTની 20 વર્ષ સુધી 100% ભરપાઈ (Reimbursement) કરી આપવામાં આવશે.
નોંધનીય છે કે ડેટા સેન્ટરોને સતત વીજળી અને પાણીની જરૂર પડે છે. તેથી ગુજરાત સરકારે પોલિસીમાં પર્યાવરણને પણ પ્રાથમિકતા આપી છે. દરેક ડેટા સેન્ટરે પોતાની કુલ વીજ જરૂરિયાતમાંથી ઓછામાં ઓછી 51 ટકા વીજળી ગ્રીન એનર્જીમાંથી મેળવવી ફરજિયાત રહેશે. આ ઉપરાંત પાણીની જરૂરિયાત માટે ડિસેલિનેશન પ્લાન્ટને પ્રોત્સાહન આપવામાં આવશે જેથી ખેડૂતો કે સામાન્ય લોકોના પાણી પર વધારાનો બોજ ન પડે.
ગુજરાત પાસે 69 GWથી વધુ સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા, સૌર અને પવન ઊર્જાનો વિશાળ આધાર, લાંબો દરિયાકિનારો, GIFT સિટી, ધોલેરા અને મંડળ-બેચરાજી જેવા ઔદ્યોગિક ઝોન છે. ઉપરાંત, ટૂંક સમયમાં વધુ કેબલ લેન્ડિંગ સ્ટેશન કાર્યરત થવાથી આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ કનેક્ટિવિટી પણ વધુ મજબૂત બનશે. આ તમામ બાબતો વૈશ્વિક ડેટા સેન્ટર કંપનીઓને આકર્ષવામાં મદદરૂપ બનશે.
તેથી આ પોલિસીનો લાભ લેવા માંગતા તમામ ડેટા સેન્ટરો માટે કુલ વીજ વપરાશના ઓછામાં ઓછા 51 ટકા વીજળી ગ્રીન (નવીનીકરણીય) ઊર્જામાંથી મેળવવી ફરજિયાત કરાઈ છે. સાથે જ ઉર્જાની વિશ્વસનીયતા માટે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) અપનાવવા પ્રોત્સાહિત કરાશે.
પાવરની જેમ જ સર્વર્સને ઠંડા રાખવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે. ખેડૂતો કે સ્થાનિક ઉદ્યોગોના ભોગે પાણી ન લેવાય તે માટે પોલિસીમાં સમુદ્રના ખારા પાણીને મીઠું કરવાના કેપ્ટિવ ડીસેલીનેશન પ્લાન્ટ (Desalination Plant) સ્થાપવા પર ભાર મૂકાયો છે. આ પ્લાન્ટ સ્થાપવા માટે મૂડી ખર્ચના 20% અથવા પ્રતિ MLD ₹2 કરોડ (બેમાંથી જે ઓછું હોય) સુધીની સરકારી સહાય આપવામાં આવશે.
આ પોલિસી માત્ર મોટી કંપનીઓ પૂરતી મર્યાદિત નથી. ડેટા સેન્ટરોના વિકાસથી ક્લાઉડ એન્જિનિયરિંગ, સાયબર સિક્યોરિટી, AI, નેટવર્કિંગ, સર્વર મેનેજમેન્ટ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નિકલ મેન્ટેનન્સ જેવા ક્ષેત્રોમાં હજારો ઉચ્ચ કૌશલ્ય ધરાવતી નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે. સ્ટાર્ટઅપ્સ, ટેક્નોલોજી કંપનીઓ અને સંશોધન સંસ્થાઓને પણ તેનો સીધો લાભ મળશે.
‘આવશ્યક સેવા’નો દરજ્જો
ઉલ્લેખનીય છે કે આ ડેટા સેન્ટર્સ એક સેકન્ડ માટે પણ બંધ થાય તો આખી ડિજિટલ ઇકોનોમી થંભી જાય. આ ગંભીરતાને સમજીને ગુજરાત સરકારે ડેટા સેન્ટર્સના ઑપરેશન અને મેન્ટેનન્સને ગુજરાત એસેન્શિયલ સર્વિસીસ મેઇન્ટેનન્સ એક્ટ (GESMA), 1972 હેઠળ ‘આવશ્યક સેવા’નો દરજ્જો આપ્યો છે. આનાથી કોઈપણ હડતાળ કે અવરોધ વગર ડેટા સેન્ટરનું કામકાજ સતત ચાલુ રહી શકશે.
નોંધનીય છે કે ગુજરાત સરકારે હાઇપરસ્કેલ ડેટા સેન્ટર્સના વિશિષ્ટ બાંધકામને વેગ આપવા માટે બિલ્ડિંગ રેગ્યુલેશનમાં મસમોટી છૂટછાટો જાહેર કરી છે. હવે પ્રોજેક્ટ્સ માટે 70% સુધી ગ્રાઉન્ડ કવરેજ, વધારાના ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ અને પાર્કિંગના નિયમોમાં મોટી રાહત મળશે. સાથે જ બિલ્ડિંગના ધાબા પર જાયન્ટ ચિલર્સ મુકવાની અને મલ્ટી-લેવલ ડીઝલ જનરેટર સેટ્સ ગોઠવવાની ખાસ ટેકનિકલ મંજૂરી પણ મળશે.
આ આખી મંજૂરી પ્રક્રિયા રોકાણકારો માટે ઝડપથી થાય તે માટે ‘ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ’ અને ‘DST ઇન્સેન્ટિવ મેનેજમેન્ટ પોર્ટલ’ દ્વારા સિંગલ-વિન્ડો ઓનલાઈન ક્લિયરન્સ સિસ્ટમ કાર્યરત કરાઈ છે, જેનું સીધું મોનિટરિંગ હાઈ પાવર્ડ કમિટીઓ કરશે.
બીજી તરફ વૈશ્વિક ક્લાઉડ ઑપરેટર્સને આકર્ષવા માટે રાજ્યમાં ટૂંક સમયમાં બે આંતરરાષ્ટ્રીય ‘કેબલ લેન્ડિંગ સ્ટેશન્સ’ (CLS) ધમધમતા થશે અને ત્રીજો પ્રોજેક્ટ પણ બહુ જલ્દી આવશે, જેનાથી સમુદ્રના પેટાળની વૈશ્વિક ઇન્ટરનેટ કેબલ્સ સીધી ગુજરાત સાથે જોડાતા ડેટા સ્પીડ સુપર-ફાસ્ટ થઈ જશે.
સામાન્ય લોકો માટે આ પોલિસીનો અર્થ શું?
આ પોલિસીનો સીધો અર્થ એ છે કે ભવિષ્યમાં વધુ ઝડપી ઇન્ટરનેટ સેવા, મજબૂત ક્લાઉડ સુવિધા, વધુ સુરક્ષિત ડિજિટલ સેવાઓ અને AI આધારિત નવી ટેક્નોલોજી ગુજરાતમાંથી વિકસશે. સરકારી સેવાઓથી લઈને બેન્કિંગ, ઓનલાઈન શિક્ષણ, હોસ્પિટલો અને ઉદ્યોગો સુધી દરેક ક્ષેત્રને વધુ મજબૂત ડિજિટલ આધાર મળશે. એટલે આ પોલિસી માત્ર રોકાણ માટે નહીં, પરંતુ રાજ્યની ડિજિટલ જીવનશૈલી બદલવા માટે પણ મહત્વપૂર્ણ છે.
વિશ્વભરમાં AI અને ડેટાની માંગ ઝડપથી વધી રહી છે. એવા સમયમાં ગુજરાતે સમયસર આ ક્ષેત્રમાં મોટી છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો છે. જો સરકારના લક્ષ્યાંકો મુજબ રોકાણ આવે, ડેટા સેન્ટરો ઉભા થાય અને વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓ ગુજરાતમાં આવે તો રાજ્ય માત્ર ભારતનું જ નહીં, પરંતુ એશિયાના મહત્વના ડિજિટલ હબમાં પણ સ્થાન મેળવી શકે છે. ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29’ને આ દિશામાં એક મહત્વપૂર્ણ અને લાંબા ગાળાનું પગલું માનવામાં આવી રહ્યું છે.


