અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે ભાવનગર સુધી લંબાવાશે: ત્રણ મહિનામાં શરૂ થશે કામ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને સીએમ ભૂપેન્દ્ર પટેલની બેઠકમાં નિર્ણય

ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ ગુજરાતમાં ચાલી રહેલા નેશનલ હાઈવે પ્રોજેક્ટોની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાનો હતો.

બેઠકમાં જાહેરાત કરાઈ કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે ભાવનગર સુધી લંબાવાશે જેનું કામ આગામી ત્રણ મહિનામાં શરૂ થશે. સાથે જ કેન્દ્રીય મંત્રીએ ગુજરાત સરકારને સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી (CRIF) વધુ નાણાંકીય સહાય મેળવવા માટે તાત્કાલિક દરખાસ્તો મોકલવા સૂચન કર્યું હતું.

નવેમ્બર-2025 પછી થયેલી કામગીરીનું મુખ્ય સચિવ અને મુખ્યમંત્રીના સલાહકારે પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેમાં વડોદરા-મુંબઈ NH-48, મોરબી-સામખિયાળી, રાજકોટ-જેતપુર, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે, જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે અને અમદાવાદ-શામળાજી સિક્સ લેન જેવા મહત્વના પ્રોજેક્ટોની પ્રગતિ તપાસવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર-સામખિયાળી કોરિડોરના કામમાં ઝડપ લાવવા કેન્દ્રીય મંત્રીને વિનંતી કરી હતી. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારના વિવિધ વિભાગો વચ્ચેના ઉત્તમ સંકલનને કારણે જ જમીન સંપાદન સહિતના કામો ઝડપી બન્યા છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જમીન સંપાદન માટેના ‘ગુજરાત મોડલ’ના વખાણ કર્યા હતા. રોડના DPR વખતે બિનખેતી (NA) મંજૂરીની પ્રક્રિયા 60 દિવસ માટે સ્થગિત રાખવાના ગુજરાત સરકારના નિર્ણયને તેમણે સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ ગણાવ્યો હતો.

પર્યાવરણની સુરક્ષા પર ભાર મૂકતા નીતિન ગડકરીએ સૂચન કર્યું કે રોડ વિસ્તરણમાં નડતરરૂપ વૃક્ષોને કાપવાને બદલે તે જ માર્ગ પર અન્યત્ર ટ્રાન્સપ્લાન્ટ કરવા જોઈએ. આ બેઠકમાં રાજ્ય સરકાર અને NHAIના અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.