પહલગામ આતંકી હુમલા કેસમાં NIAની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ: આતંકી હાફિઝ સઈદને બનાવ્યો આરોપી, પાકિસ્તાની કાવતરાની વિગતો પણ જોડી

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકી હુમલા મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ (NIA) વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સોમવારે (6 જુલાઈ) NIAએ જમ્મુ સ્થિત વિશેષ અદાલતમાં સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી અને પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબાના (LeT) ચીફ હાફિઝ સઈદને આરોપી બનાવવામાં આવ્યો છે.

NIAએ હાફિઝ સઈદને વ્યક્તિગત રીતે આ આતંકી કાવતરામાં સંડોવાયેલો ગણાવવાની સાથે તેને LeTના ચીફ તેમજ તેના પ્રોક્સી આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના (TRF) વડા તરીકે પણ આરોપી બનાવ્યો છે. એજન્સીએ તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ વિવિધ કલમો લગાવી છે. ઉપરાંત ભારત સામે યુદ્ધ છેડવા અને સરહદપારથી આતંકી કાવતરું ઘડવાના આરોપો પણ સામેલ કરવામાં આવ્યા છે.

NIAના જણાવ્યા અનુસાર આ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ અગાઉ ડિસેમ્બર 2025માં દાખલ કરાયેલી 1,597 પાનાંની મૂળ ચાર્જશીટનો જ વિસ્તૃત ભાગ છે. તેમાં પહલગામ હુમલા પાછળ પાકિસ્તાનની ભૂમિકા, હાફિઝ સઈદની સંડોવણી અને વૈજ્ઞાનિક તપાસ તેમજ તપાસ દરમિયાન એકત્ર કરાયેલા પુરાવાઓની વિગત રજૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે NIAએ 15 ડિસેમ્બર, 2025ના રોજ દાખલ કરેલી પ્રથમ ચાર્જશીટમાં પાકિસ્તાની આતંકી હેન્ડલર સાજિદ સૈફુલ્લા જટ્ટ ઉર્ફે લેંગડા, હુમલો કરનારા ત્રણ પાકિસ્તાની આતંકીઓ તેમજ બે સ્થાનિક આરોપીઓને નામજોગ કર્યા હતા. એજન્સીએ પ્રતિબંધિત LeT અને તેના પ્રોક્સી સંગઠન TRFને પણ હુમલાના ષડયંત્ર, આયોજન અને અમલમાં સામેલ હોવાનું જણાવ્યું હતું.

તપાસમાં NIAએ એવો પણ નિષ્કર્ષ નોંધ્યો છે કે પહલગામમાં થયેલો હુમલો પાકિસ્તાન પ્રાયોજિત આતંકી ષડયંત્રનો ભાગ હતો અને તેમાં ધર્મના આધારે લોકોને નિશાન બનાવીને હત્યાઓ કરવામાં આવી હતી. એજન્સીના જણાવ્યા અનુસાર સમગ્ર ઑપરેશનનું આયોજન, આતંકીઓની હિલચાલ, ડ્રોન મારફતે હથિયારો પહોંચાડવા અને સંચાર વ્યવસ્થા સહિતની કામગીરી પાકિસ્તાનમાંથી સંચાલિત કરવામાં આવી હતી.

22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના બૈસરણ મેદાનમાં થયેલા આતંકી હુમલામાં 25 હિંદુઓ અને એક સ્થાનિક પોની સંચાલક સહિત કુલ 26 લોકોનાં મોત થયાં હતાં. આ હુમલા બાદ ભારતે 7 મે, 2025ના રોજ ‘ઑપરેશન સિંદૂર’ શરૂ કરીને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા આતંકવાદી ઠેકાણાંને નિશાન બનાવ્યાં હતાં. NIAએ જણાવ્યું છે કે સરહદપારના આતંકી કાવતરાના તમામ પાસાઓ બહાર લાવવા માટે તપાસ હજુ પણ ચાલુ છે.