
રામ મંદિરમાં દાન ચોરી મામલે તપાસ ચાલી રહી છે, બીજી તરફ સોમવારે (6 જુલાઈ) રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની એક બેઠક યોજાઈ રહી છે. બેઠકમાં મહામંત્રી ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામાં અને હાલ ચાલી રહેલા ઘટનાક્રમો પર ચર્ચા કરવામાં આવશે તેવી શક્યતા છે. દરમ્યાન મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્યગોપાલદાસે એક નિવેદન બહાર પાડ્યું છે.
મંદિર ટ્રસ્ટ પ્રમુખે કહ્યું, “શ્રી રામલલા સરકારજીના મંદિરમાં થયેલી દાન-ચોરીથી દુઃખી થયો છું. જેમણે પણ આ પાપ કર્યું હોય તેમને કડકમાં કડક સજા થવી જોઈએ. મને ઉત્તર પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પર પૂર્ણ વિશ્વાસ છે કે તેઓ દરેક વ્યક્તિને, જે આ પાપ સાથે જોડાયેલી હોય, સજા અપાવશે.”
President of Ram Mandir Trust, Nitya Gopal Das wrote a letter stating that he is deeply pained by the alleged theft of offerings from the Ram Mandir, but he has full faith in Prime Minister Modi and Chief Minister Yogi Adityanath; he added that no one should politicise this… pic.twitter.com/rcJTh0Scrh
— ANI (@ANI) July 6, 2026
તેમણે આગળ ઉમેર્યું કે, “આ કરોડો હિંદુઓની આસ્થાનો પ્રશ્ન અને મારું નિવેદન છે કે આમાં કોઈ પણ પોતાના વ્યક્તિગત લાભ માટે રાજકારણ ન કરવું જોઈએ.”
મંદિર પરિસરમાં ટ્રસ્ટની બેઠક, ચંપત રાય-અનિલ મિશ્રાનાં રાજીનામાં સ્વીકારાશે
મંદિર ટ્રસ્ટની બેઠક અયોધ્યામાં યોજાઈ રહી છે, જેમાં ટ્રસ્ટના તમામ સભ્યો ભાગ લેશે. બેઠકમાં ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં ઔપચારિક રીતે સ્વીકારવામાં આવે એવી શક્યતા છે. બંનેએ 26 જૂનના રોજ રાજીનામાં આપી દીધાં હતાં, જેની પુષ્ટિ ટ્રસ્ટ તરફથી કરવામાં આવી ચૂકી છે.
એવું પણ જાણવા મળી રહ્યું છે કે ટ્રસ્ટે પહેલેથી બંનેને એક નોટિસ પાઠવીને તેમનો પક્ષ રજૂ કરવા માટે જાણકારી આપી દીધી છે, જેથી અંતિમ નિર્ણય લેતાં પહેલાં આ જવાબો પર પણ ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ 2/3 બહુમતીથી કોઈ પણ નિર્ણય લેવાશે.
મંદિર પરિસરમાં યોજાનારી બેઠકમાં ટ્રસ્ટ દાનચોરી કેસની તપાસ કરતી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રાથમિક રિપોર્ટનો પણ અભ્યાસ કરશે. ઉપરાંત એજન્ડામાં નાણાકીય વર્ષ 2025-26ની ઓડિટ પ્રક્રિયા અને મંદિર ટ્રસ્ટ સંબંધિત વ્યવસ્થાપન પર પણ વ્યાપક ચર્ચા કરવામાં આવે એવી સંભાવના છે.
એ પણ પહેલી વખત બની રહ્યું છે કે રામ મંદિર ટ્રસ્ટની બેઠક મંદિર પરિસરમાં મળશે. આ પહેલાં બેઠકો મણિરામદાસ છાવણી અયોધ્યા ધામમાં (જેના પણ અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસ છે અને ત્યાં જ તેમનો આશ્રમ પણ છે) મળતી હતી. મામલાની ગંભીરતા અને ગોપનીયતાને જોતાં આ વખતે બેઠક મંદિર પરિસરમાં મળી રહી છે. બેઠક બાદ કોઈ ઔપચારિક નિવેદન આવશે એવી સંભાવના છે.

