હોમપેજગુજરાતપીએમ મોદીએ સાણંદમાં CG સેમીના અદ્યતન સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું: અહીં ચિપ્સ...

પીએમ મોદીએ સાણંદમાં CG સેમીના અદ્યતન સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું: અહીં ચિપ્સ કેવી રીતે તૈયાર થશે અને OSAT પ્રક્રિયા શું છે- સરળ શબ્દોમાં સમજો

આ આખી પ્રક્રિયા વડા પ્રધાનના એ વિઝનને સાર્થક કરે છે જેમાં ભારતને સેમિકન્ડક્ટરના ક્ષેત્રમાં આત્મનિર્ભર અને વૈશ્વિક સ્તરે એક વિશ્વસનીય પાર્ટનર બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર સરકારનું લક્ષ્ય માત્ર સેમિકન્ડક્ટર ફેક્ટરીઓ સ્થાપવાનું નથી, પરંતુ સમગ્ર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ઉભી કરવાનું છે.

- Advertisement -

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદ જિલ્લાના સાણંદમાં CG સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ એટલે કે OSAT ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્લાન્ટના પ્રારંભ સાથે જ ભારતના સેમિકન્ડક્ટર ઉત્પાદનના ક્ષેત્રમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. પ્લાન્ટ લૉન્ચ થયા બાદ આ કંપની હવે દેશ અને વિદેશમાં સ્થિત તેના ગ્રાહકોને સેમિકન્ડક્ટર ચિપ્સ મોકલવાનું શરૂ કરશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કેબિનેટે ફેબ્રુઆરી 2024માં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) અંતર્ગત આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ સોલ્યુશન્સ લિમિટેડની સબસિડરી કંપની ‘CG સેમિ પ્રા. લિમિટેડે’ સાણંદમાં આ અત્યાધુનિક OSAT સુવિધા ઊભી કરી છે. આ પ્લાન્ટ કેન્દ્ર સરકારે મંજૂર કરેલ પ્રથમ ચાર સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ પૈકીનો એક છે.

શું છે આ OSAT પ્લાન્ટ અને તે કેવી રીતે કામ કરે છે?

ઘણા લોકોને પ્રશ્ન થતો હોય છે કે આ OSAT પ્લાન્ટમાં આખરે શું કામ થાય છે? ઘણા લોકોને લાગે છે કે સેમિકન્ડક્ટર પ્લાન્ટ એટલે અહીં ચિપ્સ બનાવવામાં આવતી હશે. પરંતુ આ OSAT પ્લાન્ટમાં ચિપ્સનું ઉત્પાદન થતું નથી. અહીં અન્ય કંપનીઓ દ્વારા તૈયાર કરાયેલી ચિપ્સ આવે છે. ત્યારબાદ તેનું એસેમ્બલી, પેકેજિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવે છે. એટલે કે ચિપ ગ્રાહકો સુધી પહોંચે તે પહેલાં તેને તૈયાર કરવાની આખી પ્રક્રિયા અહીં પૂર્ણ થાય છે. OSATનું પૂરું નામ નીચે મુજબ કામ કરે છે:

- Advertisement -
  • O – Outsourced (આઉટસોર્સ્ડ): એટલે કે આ પ્લાન્ટ બીજી અન્ય ટેકનોલોજી કંપનીઓ માટે કોન્ટ્રાક્ટ પર સેવાઓ પૂરી પાડે છે.
  • S – Semiconductor (સેમિકન્ડક્ટર): ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં વપરાતી મુખ્ય સેમિકન્ડક્ટર ચિપ્સ પર અહીં કામ થાય છે.
  • A – Assembly (એસેમ્બલી): બહારથી આવતી કાચી ચિપને પ્રોટેક્ટિવ પેકેજની અંદર વ્યવસ્થિત રીતે ગોઠવવાની પ્રક્રિયા અહીં થાય છે.
  • T – Test (ટેસ્ટ): તૈયાર થયેલી ચિપ બરાબર કામ કરે છે કે નહીં, તેનું ટેકનિકલ પરીક્ષણ કરવામાં આવે છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ચિપ ફોન, કાર કે અન્ય ડિવાઇસમાં ફિટ કરવા માટે માર્કેટમાં મોકલવામાં આવે છે.

સરળ શબ્દોમાં સમજીએ તો કોઈ કંપની ચિપની ડિઝાઇન અને ઉત્પાદન કરે છે, પરંતુ દરેક કંપની પાસે તેને પેકેજિંગ અને ટેસ્ટિંગ કરવાની સુવિધા હોતી નથી. આવી સ્થિતિમાં તે પોતાની ચિપ્સ OSAT પ્લાન્ટમાં મોકલે છે. અહીં તમામ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી જ ચિપ્સ બજારમાં મોકલવામાં આવે છે અથવા મોબાઇલ, કાર, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય ઉપકરણોમાં ઉપયોગ માટે તૈયાર થાય છે.

₹7,600 કરોડનું મોટું રોકાણ અને વૈશ્વિક ભાગીદારી

આ અદ્યતન પ્રોજેક્ટ પાછળ ₹7,600 કરોડ કરતાં વધુ રકમનું રોકાણ કરવામાં આવ્યું છે. ભારતની આ ક્ષમતાને વૈશ્વિક સ્તરે મજબૂત કરવા માટે આ પ્લાન્ટમાં જાપાનની પ્રખ્યાત કંપની ‘રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ’ (Renesas Electronics) અને થાઈલેન્ડની ‘સ્ટાર માઈક્રોઇલેક્ટ્રોનિક્સ’ (Stars Microelectronics) સંયુક્ત ભાગીદારીમાં જોડાયા છે. આ આંતરરાષ્ટ્રીય સહયોગના કારણે સાણંદમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ અત્યંત મજબૂત બનશે.

આ પ્લાન્ટ વૈશ્વિક સ્તરે ભારતની ભાગીદારી વધારવા માટે સક્ષમ બની ચૂક્યો છે. હકીકતમાં આ ફેસિલિટીએ તેની સંયુક્ત ભાગીદાર કંપની રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સના ગ્રાહકો માટે એસેમ્બલ કરેલી સેમિકન્ડક્ટર ચિપ્સનો પ્રથમ જથ્થો મલેશિયા ખાતે નિકાસ પણ કરી દીધો છે. ભારતના ઊભરતા OSAT ઉદ્યોગ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે.

વાર્ષિક 5 અબજ ચિપ્સ બનાવવાની પ્રચંડ ક્ષમતા

આ પ્લાન્ટ જ્યારે સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થઈ જશે, ત્યારે તે વાર્ષિક 5 અબજ (5 બિલિયન) સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવશે. હાલના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને હાઇ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગમાં જે ઝડપી પ્રગતિ થઈ રહી છે, તેના કારણે વૈશ્વિક સ્તરે મેમરી અને સ્ટોરેજ સોલ્યુશન્સની માંગ બહુ વધી ગઈ છે, જેને પૂરી કરવામાં આ પ્લાન્ટ મહત્વની ભૂમિકા ભજવશે.

CG સેમીની આ ફેસિલિટી એન્ડ-ટુ-એન્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સેવાઓ આપશે. તેમાં વેફર સોર્ટિંગ, ચિપ એસેમ્બલી, ટેસ્ટિંગ, પેકેજ ડિઝાઇન, ફેલ્યોર એનાલિસિસ, ટેસ્ટ પ્રોગ્રામ ડેવલપમેન્ટ, પ્રોડક્ટ કેરેક્ટરાઇઝેશન અને લોજિસ્ટિક્સ સપોર્ટ જેવી કામગીરીનો સમાવેશ થાય છે. એટલે કે ચિપ ગ્રાહક સુધી પહોંચે તે પહેલાંની લગભગ તમામ મહત્વની પ્રક્રિયાઓ અહીં કરવામાં આવશે.

આ પ્લાન્ટ ઓટોમોટિવ, ઇન્ડસ્ટ્રિયલ, ટેલિકોમ્યુનિકેશન, 5G અને ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (IoT) જેવા અનેક ક્ષેત્રોની જરૂરિયાતોને પૂરી કરશે. એટલે કે અહીં તૈયાર થયેલી ચિપ્સનો ઉપયોગ માત્ર મોબાઇલ ફોન પૂરતો સીમિત નહીં રહે, પરંતુ અનેક આધુનિક ટેક્નોલોજી આધારિત ઉદ્યોગોમાં થશે. આ ઉપરાંત અહીં QFN અને QFP જેવી લિગેસી ચિપ્સની સાથે સાથે એડવાન્સ્ડ FC-BGA અને FC-CSP ચિપ્સનું પણ નિર્માણ કરવામાં આવશે, જે પાવર એપ્લિકેશન અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં ખૂબ જ જરૂરી હોય છે.

રોજગારીની નવી તકોનું સર્જન

આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાનિક અર્થતંત્રને વેગ આપવાની સાથે રોજગાર નિર્માણમાં પણ મોટો ફાળો આપશે. હાલમાં આ કંપનીમાં 300થી વધુ કુશળ કર્મચારીઓ અને એન્જિનિયરો કાર્યરત છે. પરંતુ આગામી પાંચ વર્ષમાં જ્યારે પ્લાન્ટનો સંપૂર્ણ વિસ્તાર થશે, ત્યારે અંદાજે 5,000 જેટલી સીધી અને પરોક્ષ રોજગારીની નવી તકો ઊભી થશે.

નોંધનીય છે કે સાણંદમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ એક સ્નોબોલ ઇફેક્ટની જેમ વધી રહી છે. અગાઉ માઇક્રોન ટેક્નોલોજી અને કેન્સ સેમિકોનના પ્લાન્ટ્સ બાદ હવે CG સેમીની આ સુવિધા ઉમેરાઈ છે. CG સેમી અત્યારે આ જ સાઇટ પર પોતાનો બીજો પ્લાન્ટ બનાવવાની કામગીરી પણ કરી રહ્યું છે. જ્યારે આ બંને પ્લાન્ટ્સ સંપૂર્ણ રીતે શરૂ થઈ જશે, ત્યારે માત્ર CG સેમીની ફેસિલિટીઝ જ રોજની 1.5 કરોડ (15 મિલિયન) ચિપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતી હશે.

આ આખી પ્રક્રિયા વડા પ્રધાનના એ વિઝનને સાર્થક કરે છે જેમાં ભારતને સેમિકન્ડક્ટરના ક્ષેત્રમાં આત્મનિર્ભર અને વૈશ્વિક સ્તરે એક વિશ્વસનીય પાર્ટનર બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર સરકારનું લક્ષ્ય માત્ર સેમિકન્ડક્ટર ફેક્ટરીઓ સ્થાપવાનું નથી, પરંતુ સમગ્ર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ઉભી કરવાનું છે.

સેમિકન્ડક્ટર મિશનમાં ગુજરાત અગ્રેસર

ભારતના સેમિકન્ડક્ટર રેવલ્યુશનનું નેતૃત્વ અત્યારે ગુજરાત કરી રહ્યું છે. દેશમાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે સમર્પિત પોલિસી (Dedicated Semiconductor Policy) જાહેર કરનાર ગુજરાત દેશનું સર્વપ્રથમ રાજ્ય હતું. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ દેશભરમાં મંજૂર થયેલા પ્લાન્ટ્સમાંથી 6 મોટા પ્રોજેક્ટ્સ એકલા ગુજરાતને મળ્યા છે. જેમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ, માઇક્રોન ટેક્નોલોજી, CG સેમી, કેન્સ સેમિકોન, સુચિ સેમિકોન અને ક્રિસ્ટલ મેટ્રિક્સનો સમાવેશ થાય છે. કુલ મળીને લગભગ $14.7 બિલિયનનું રોકાણ આ ક્ષેત્રમાં થઈ રહ્યું છે.

એક સમય એવો હતો જ્યારે સાણંદની ઓળખ માત્ર એક મોટા ઓટોમોબાઇલ હબ તરીકે થતી હતી. પરંતુ માઇક્રોન, કેન્સ અને હવે CG સેમીના આગમનથી સાણંદ દેશનું પ્રથમ સંગઠિત ‘ચિપ પેકેજિંગ ક્લસ્ટર’ બની ગયું છે. વૈશ્વિક બજારના નિષ્ણાતો સાણંદના આ અસાધારણ ઔદ્યોગિક પરિવર્તનને તાઇવાનના ‘સિંશું’ (Hsinchu) અને દક્ષિણ કોરિયાના ‘ગ્યોંગી’ (Gyeonggi) જેવા વિશ્વપ્રસિદ્ધ સેમિકન્ડક્ટર ક્લસ્ટર્સ સાથે સરખાવી રહ્યા છે.

માત્ર ફેક્ટરી નહીં, આખી ઇકોસિસ્ટમ બનાવવાનું લક્ષ્ય: ISM 2.0

નોંધનીય છે કે વડા પ્રધાન મોદીએ ઘણી વાર સ્પષ્ટ કર્યું છે કે સરકારનું લક્ષ્ય માત્ર થોડીક ફેક્ટરીઓ સ્થાપવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ ભારતની અંદર જ એક સંપૂર્ણ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરવાનું છે. ભારત હવે ચિપ ડિઝાઇનિંગ, એન્જિનિયરિંગથી લઈને મશીનરી મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સ સુધીની આખી વેલ્યૂ ચેઇન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

આ જ વિઝનને આગળ ધપાવવા માટે સરકાર ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0’ (ISM 2.0) તરફ ડગ માંડી રહી છે. જેમ-જેમ સ્થાનિક સ્તરે ચિપ્સનું ઉત્પાદન વધશે, તેમ-તેમ તેને લગતા રો-મટિરિયલ અને અન્ય કમ્પોનન્ટ્સની માંગ પણ દેશમાં જ ઊભી થશે, જે ભારતના અન્ય નાના-મોટા સ્થાનિક ઉદ્યોગો માટે વિકાસની બહુ મોટી તકો લઈને આવશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં