મોટેભાગે શાંત રહેતા ગુજરાતના રાજકારણને ચર્ચાસ્પદ વાતો કહેવા માટે જાણીતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એક પથ્થર નાખીને વલોવી નાખ્યું છે. શંકરસિંહે બ્રાહ્મણો, પટેલો અને વાણિયા– ત્રણ જ્ઞાતિઓને સંબોધીને કહેલી વાતનો ઠીકઠાક વિરોધ થયો અને મીડિયા-સોશિયલ મીડિયામાં પ્રત્યાઘાતો સાંભળવા મળ્યા. બાપુ જોકે માફી માગવાની ના પાડી રહ્યા છે અને કહે છે કે પોતે સાચું જ કહ્યું છે અને વિરોધ કરનારાઓ તેમની વાતો સમજી રહ્યા નથી.
2 ઑક્ટોબરે શંકરસિંહ નર્મદાના સાગબારામાં આદિવાસી સમુદાયની એક સભા સંબોધિત કરવા માટે ગયા હતા. અહીં કોંગ્રેસના નેતાઓ પણ હાજર હતા. અહીં શંકરસિંહે ભાષણ કરતાં કહ્યું કે અનામત પ્રથા એ આદિવાસી સમુદાયને દાયકાઓથી જે વેઠવું પડ્યું છે તેના વળતર સ્વરૂપે મળી છે અને તે તેમનો અધિકાર છે. સાથે ભાજપ સરકાર અનામતવિરોધી છે એવી વાતો પણ કહી.
શંકરસિંહ વાઘેલાના નિવેદનથી વિવાદ નર્મદાના સાગબારામાં એક સભા સંબોધતી વખતે કહ્યું– ‘પટેલ, વાણિયા, બ્રાહ્મણો– જે કોઈ અનામતના વિરોધી હોય, તેમને હું કહું છું કે હું મહિને પચાસ હજાર આપીશ, તમે મેલું ઉપાડો.’ 🔗https://t.co/bOVfdPfhfN https://t.co/zW1ehob82U
— ઑપઇન્ડિયા (@OpIndia_G) October 3, 2026
આગળ શંકરસિંહ કહે છે કે જો કોઈ અનામત પ્રથાના વિરોધી હોય તો પોતે તેમને કહેવા માગે છે કે તેઓ મેલું ઉપાડે અને પોતે 50,000 આપવા તૈયાર છે. અહીં તેમણે બ્રાહ્મણો, પટેલો અને વાણિયા એમ ત્રણ જ્ઞાતિઓનું નામ લીધું.
હવે આ કથનનો વિરોધ થઈ રહ્યો છે. સમુદાયો બહાર આવ્યા, શંકરસિંહનો વિરોધ થયો. તેમણે ચોખવટ કરી. માફી માગવાની ના પાડી અને તેની સાથે ફરી એક વખત ગુજરાત જ્ઞાતિઓના રાજકારણના વિષય પર ચડી ગયું છે.
હકીકત અહીં એ છે કે એવું નથી કે શંકરસિંહ જાણતા નથી કે પોતે શું કહી રહ્યા છે. ગણતરીપુર્વક અને જવાબદારીપૂર્વક જે કંઈ કહેવાયું હતું એ કહેવાયું છે. એવું પણ નથી કે એ સ્લીપ ઑફ ટંગ હતું કે તેઓ કશુંક બીજું કહેવા માગતા હતા. તેઓ એ જ કહેવા માગતા હતા જે વિડીયોમાં સંભળાય છે. આની પાછળ ચોક્કસ ગણતરીઓ છે.
આ વિડીયો આવ્યો તેના બે-ત્રણ દિવસ પહેલાં જ એક સમાચાર આવ્યા. શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં આવશે એવો દાવો થયો. આમ તો 2017માં બાપુએ કોંગ્રેસ છોડી પછી અનેક વખત આ દાવો થઈ ચૂક્યો છે પણ આ વખતે બંને પક્ષેથી પુષ્ટિ થઈ. શંકરસિંહે કહ્યું કે તેઓ અનેક વખત જાહેરમાં કહી ચૂક્યા છે કે પોતે ભાજપને હરાવવા માટે કોંગ્રેસ માટે કામ કરવા તૈયાર છે. કોંગ્રેસના નેતાઓએ પણ કહ્યું કે તેમણે શંકરસિંહ સાથે બેઠક કરી છે અને હવે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરવામાં આવશે.
શંકરસિંહ વાઘેલાએ ભૂતકાળમાં પણ આવાં નિવેદનો આપ્યાં છે. તેઓ જાણે છે કે આ જનરલ જ્ઞાતિઓ મોટેભાગે ભાજપની કોર વોટબેન્ક રહી છે. પણ હવે પાર્ટી જનજાતીય પટ્ટામાં પણ વધુ મજબૂત બની રહી છે. આ વોટ તોડવા માટે આ સમુદાયોને ભાજપ વિરુદ્ધ કરવા જરૂરી છે. એટલે વારંવાર આવાં નિવેદનો અપાય છે.
રાજકારણ પર જ્યારે જ્ઞાતિઓ પર જતું રહે ત્યારે શું થઈ શકે એ ગુજરાતે ભૂતકાળમાં પણ જોયું છે.
એક દાયકો પાછળ જઈએ તો કોંગ્રેસ છેલ્લે ગુજરાતમાં સત્તાની સૌથી નજીક 2017માં આવી હતી. બે વર્ષ પહેલાં પાટીદાર અનામત આંદોલન થયું હતું, ત્યારબાદ બીજા સમાજો પણ સરકાર વિરુદ્ધ ઉતરી આવ્યા હતા. અરાજકતા અને અવ્યવસ્થાનો માહોલ હતો. જ્ઞાતિવાદી રાજકારણ બીજા તમામ મુદ્દા પર હાવી થઈ ગયું હતું.
આની સીધી અસર 2017ની વિધાનસભા ચૂંટણી પર પડી અને કોંગ્રેસ 77 સુધી પહોંચી ગઈ. ભાજપે સદંતર ઓછા માર્જિનથી સરકાર બચાવી લીધી એ ચમત્કાર જ કહેવાય. પણ ત્યારબાદ ભાજપે ભૂલો સુધારી, કોંગ્રેસ નબળી પડતી ગઈ અને 2022 સુધીમાં માહોલ એવો બદલાયો કે ભાજપ 156 પર પહોંચ્યો અને કોંગ્રેસ 17માં સમેટાઈ ગઈ.
હવે જેમ-જેમ 2027ની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ આખી એક ઇકોસિસ્ટમને ખબર પડતી ગઈ છે કે ભાજપ હજુ બહુ મજબૂત પક્ષ છે. તેની સાબિતી હમણાં જ ગયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળી. 2024ની લોકસભા ચૂંટણીમાં બીજાં રાજ્યોમાં ભાજપને જેટલું નુકસાન થયું એનાથી અનેકગણું ઓછું નુકસાન ગુજરાતમાં થયું અને 26માંથી 25 બેઠકો મળી. આ સંજોગોમાં ભાજપને જો હરાવવો હોય તો ગુજરાતમાંથી વિકાસ, હિંદુત્વ વગેરે મુદ્દાઓને સાઇડલાઇન કરીને રાજકારણ ફરી જ્ઞાતિવાદ પર લઈ જવું પડે.
આ જ કારણ છે કે છાશવારે ગુજરાતમાં આવો માહોલ સર્જવાના પ્રયાસો ચાલતા રહે છે. વચ્ચે બોટાદમાં આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયત કરવાનો પ્રયાસ કર્યો અને પોલીસની પરવાનગી વગર યોજાયેલી સભા રોકવા માટે પોલીસ પહોંચી તો પથ્થર ફેંક્યા. ‘આપ’ મોટેભાગે સૌરાષ્ટ્ર અને પાટીદાર સમુદાય પર ફોકસ કરી રહી છે. સ્થળ પણ બહુ ગણતરીપૂર્વક પસંદ કરવામાં આવ્યું હતું. મુદ્દો પણ એવો હતો જે મોટેભાગે સૌરાષ્ટ્રના ખેડૂતોને લાગુ પડતો હતો.
કોંગ્રેસે પણ પછીથી ગાંધીનગરમાં એક ખેડૂતોની રેલી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો પણ હવે કોંગ્રેસ પાસે સંગઠનનો સદંતર અભાવ છે એટલે રેલી સદંતર ફ્લોપ ગઈ.
બીજી તરફ યુટ્યુબ મીડિયાની આખી ઇકોસિસ્ટમનું કવરેજ જોશો તો ઉડીને આંખે વળગે એવી હકીકત એક એ છે કે સતત જ્ઞાતિવાદ આગળ ધપાવવાના પ્રયાસો થતા રહે છે. આ બધું વ્યવસ્થિતપણે થાય છે જેથી રાજ્યમાં ફરી 2015-17 જેવી પરિસ્થિતિ સર્જી શકાય. જ્ઞાતિવાદી રાજકારણ વિકાસ, અર્થતંત્ર વગેરે મુદ્દા પર હાવી થઈ જાય, સમુદાયો વહેંચાઈ જાય અને ચૂંટણી આ બધા મુદ્દાઓ ઉપર થાય.
મુદ્દાઓના અભાવમાં કોંગ્રેસને રાજકારણ જ્ઞાતિવાદ પર લઈ જવાની જૂની આદત છે. યાદ કરો તો રાહુલ ગાંધી પણ કાયમ ‘જિતની આબાદી ઉતના હક’ની વાતો કરતા રહે છે. હવે ગુજરાતમાં પણ આ જ શરૂ થયું છે અને ઘણા સમયથી પ્રયાસો થતા રહ્યા છે.
આમાં જોકે એક બીજી પણ વાત છે અને એટલે કહી શકાય કે શંકરસિંહે સમય ખોટો પસંદ કર્યો છે.
જાન્યુઆરીમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક રેગ્યુલેશન પર મોટો વિવાદ થયા પછી સોશિયલ મીડિયા પર સતત એવો માહોલ બનતો ગયો જેનાથી જાણે જનરલ કેટેગરી જ ભાજપથી દૂર થતી ગઈ. તેમાં વળી અનામત વ્યવસ્થામાં સુધારાની ચર્ચા પણ ફરી શરૂ થઈ. પરંતુ હવે આ નિવેદને ફરીથી આ સમુદાયોને વિકલ્પ શોધતા અટકાવી દીધા છે.
આ નિવેદન ભલે શંકરસિંહે કોંગ્રેસમાં રહેતાં નથી આપ્યું, પણ તેમની કોંગ્રેસ સાથેની નિકટતા બહુ સ્પષ્ટ છે. બીજું, બાજુમાં કોંગ્રેસના નેતાઓ પણ હાજર હતા અને કોઈએ હજુ સુધી વખોડ્યું નથી. અર્થાત્ એ કોંગ્રેસના સ્ટેન્ડ તરીકે જોવામાં આવશે. એટલે હવે એક રીતે શંકરસિંહના કોંગ્રેસ પ્રવેશમાં એક નવી અડચણ ઉમેરાઈ છે.
2027 આવતાં સુધીમાં ગુજરાતમાં આવા પ્રયોગો થતા રહેશે. કારણ કે 2022ની ચૂંટણીએ સાબિત કર્યું હતું કે બાકીના બધા મુદ્દાઓ પર વિપક્ષ ભાજપ સામે લડી શકતો નથી, લડે તોપણ જીતી શકતો નથી.


