બોટાદ APMCના અમુક વિષયોને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓએ હળદળ ગામે બોલાવેલી મહાપંચાયત અટકાવવા માટે જ્યારે જિલ્લા પોલીસ ટીમ પહોંચી તો પથ્થર ફેંકવામાં આવ્યા. તેમનાં વાહનો તોડી નાખવામાં આવ્યાં. ઘટનામાં અમુક પોલીસકર્મીઓને ઈજા પહોંચી છે.
ઘટનામાં પોલીસ પોતાનું કામ કરી રહી હતી. કારણ કે મહાપંચાયત માટેની કોઈ પરવાનગી ન હતી. અગાઉથી સૂચના આપવામાં આવી હતી કે લોકો એકઠા ન થાય. છતાં જ્યારે સભા થઈ તો અટકાવવા માટે પોલીસે જવું પડ્યું. આ ઘટના પછી આમ આદમી પાર્ટીના પક્ષમાં નરેટિવ ગોઠવવા માટે મહેનત-મજૂરી કરનારાઓએ એવું ચિત્ર ઉપસાવવાનું શરૂ કરી દીધું છે જાણે પોલીસે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરનારાઓ પર હુમલો કર્યો હોય! હકીકત એ છે કે અહીં પોલીસ પર હુમલો થયો છે. પછી સ્વાભાવિક તેમણે લાઠીચાર્જ, બળપ્રયોગનો સહારો લેવો પડે.
સભા માટે પરવાનગી ન હતી તો તેની વિરુદ્ધ આમ આદમી પાર્ટીના નેતાઓ કોર્ટમાં જઈ શક્યા હોત કે શાંતિપૂર્ણ રીતે જે કંઈ થઈ શકે એ કરી શક્યા હોત. પણ હિંસાનો સહારો લેવાની વાત ક્યાંથી આવી? એ હિંસા જે ક્ષણિક આવેગ કે આક્રોશના કારણે થઈ હોય તેમ લાગતું નથી. જે રીતે મોટા-મોટા પથ્થરોનો ઉપયોગ થયો, ક્ષણવારમાં પથ્થરો ભેગા થઈ ગયા, પોલીસનાં વાહનો તોડી નાખવામાં આવ્યાં, તેને જોતાં પૂર્વનિયોજિત રીતે કરવામાં આવ્યું હોવાની શક્યતાઓ પ્રબળ છે. જિલ્લા પોલીસ વડા પણ કહી ચૂક્યા છે કે પથ્થર એવડા મોટા હતા કે કોઈનું મૃત્યુ પણ થઈ શક્યું હોત.
ઘટના પછી હવે પોલીસ કાર્યવાહી કરી રહી છે. તરત જ અમુકને રાઉન્ડ અપ કરી લેવાયા હતા. FIR પણ દાખલ કરવામાં આવી છે અને તેમાં AAP નેતાઓનાં પણ નામો છે. હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો લગાવવામાં આવી હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. કાયદો હવે કાયદાનું કામ કરશે. નેતાઓ તો કદાચ જામીન લઈને બહાર આવી જશે, પણ તેમની વાતોમાં આવીને, ઉશ્કેરાટમાં આવીને પથ્થર ફેંકી આવેલાઓ હવે દર મહિને તારીખ ભરતા થાકશે. ગુનેગાર સાબિત થયા તો કોર્ટનાં ચક્કર બમણાં-ત્રણ ગણાં થશે.
અહીં એ હકીકત ધ્યાને લેવા જેવી છે કે આ વિષય બોટાદ APMCનો છે. સમગ્ર ગુજરાતનો નહીં. છતાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને સોશિયલ મીડિયા પર તેમના ચેલાચપાટાઓએ માહોલ એવો ઉભો કર્યો જાણે આ સમગ્ર ગુજરાતના ખેડૂતોનો પ્રશ્ન હોય. નેતાઓને ‘મસીહા’ અને ખેડૂતો માટે લડનારાઓમાં ગણાવી દેવામાં આવ્યા, જે આમ આદમી પાર્ટીની વિશેષતા રહી છે. પણ હવે જ્યારે ઉશ્કેરાટમાં આવીને પથ્થરો ફેંકનારાઓની પોલીસ સર્વિસ કરી રહી છે તો કોઈ પડખે આવી રહ્યું નથી. બધા પોતપોતાના ઘરેથી વિડીયો બનાવીને ફાંકાફોજદારી જ કરી રહ્યા છે.
હકીકત એ છે કે અમુકે નેતા બનવું છે, રાજકારણ ચમકાવવું છે અને ઇતિહાસ સાક્ષી રહ્યો છે કે તેના માટે તેમને કોઈ સમાજની, કોઈ જૂથની જરૂર પડે છે. કારણ કે મહેનત-મજૂરી કરીને, લોકો વચ્ચે જઈને તેમના ‘લીડર’ બનવું એ કપરું કામ છે. રાતોરાત નેતા બની જવાની ચળ મગજ પર હાવી થઈ ગઈ હોય તેમણે પછી આવાં કોઈ જૂથ, સમાજોના ખભે ચડીને આ ચળ સંતોષવી પડે છે.
તેમાં સૌથી વધુ ભોગવવાનું અંતિમ પંક્તિના માણસને આવે છે, જે આવાઓના વિડીયો જોઈને, ભાષણો સાંભળીને, ક્રાંતિ કરવાની ફાંકો મગજમાં રાખીને ઉશ્કેરાટમાં આવીને પથ્થર લઈને નીકળી પડે છે અને કોઈ પોલીસ પર, કોઈ સરકારી સંપત્તિ પર કે કોઈ નાગરિક પર ફેંકી આવે છે. પછી જ્યારે પોલીસ ઘરે તેડવા આવે અને પોતાની ભાષામાં સમજાવે ત્યારે જેના ભાષણ સાંભળીને એ ‘ક્રાંતિકારી’ બન્યો હતો તેઓ તેના ઘા પર મલમ લગાવી આપવા માટે આવતા નથી.
અગાઉ પણ ઑપઇન્ડિયાના વાચકોને ધ્યાન દોર્યું છે કે ગુજરાતમાં 2022ની ભાજપની ભવ્ય જીતથી એક નહીં પણ અનેક ખૂણે બળતરાઓ ઉપડી છે અને આ તમામની સામૂહિક ટોળકી હવે કોઈ પણ ભોગે સત્તા સુધી પહોંચવા પર છે. તેના માટે ભાજપને ફરી એ સ્થિતિ પર લાવવો પડે, જે સ્થિતિ 2017માં હતી. તેના માટે બે વર્ષ પહેલાં ફરી એવું કરવું પડે, જે 2015માં થયું હતું. હિંસા, અરાજકતા, અસ્થિરતાના માહોલ વચ્ચે સરકારને ઘૂંટણિયે પાડીને, કોઈ સમાજ, કોઈ જૂથના ખભે ચડીને નેતા બની જઈને સત્તા મેળવવાનાં અમુકનાં સપનાં ગુજરાત માટે ઘાતકી સાબિત થઈ શકે છે.
આમાં સરકાર પાસે સ્વાભાવિક રીતે આપણા કરતાં અનેકગણી વધુ માહિતી હોવાની, કારણ કે આપણી પાસે દોઢ જીબી ડેટા અને અમુક સીમિત માહિતી છે. સરકાર પાસે એજન્સીઓ છે. એટલે તેમને તેમનું કામ કરવા દઈએ. આપણું કામ માત્ર એટલું છે કે આવા અરાજકતાવાદીઓથી ચેતી જઈએ, એ ધ્યાન રાખીએ કે ગુજરાત આટલું વિકસિત છે તેનું કારણ અહીંની સ્થિરતા અને શાંત માહોલ છે. મોદીના શબ્દોમાં કહીએ તો આ ગુજરાત આપણે બહુ મહેનતે બનાવ્યું છે. અમુકની મહત્ત્વાકાંક્ષા સંતોષવા આખા રાજ્યે ભોગ ન આપવો પડે તેનું ધ્યાન રાખતા જઈએ એ જ સમયની માગ છે.


