Wednesday, July 2, 2025
More
    હોમપેજગુજરાતવિસાવદર પેટાચૂંટણી અને પર્સેપ્શનની રમત: ઇકોસિસ્ટમના ટાર્ગેટ પર ગુજરાત કેમ? 

    વિસાવદર પેટાચૂંટણી અને પર્સેપ્શનની રમત: ઇકોસિસ્ટમના ટાર્ગેટ પર ગુજરાત કેમ? 

    એક તકની રાહ જોવામાં આવી રહી હતી, જે વિસાવદર પેટાચૂંટણી પર આમ આદમી પાર્ટીની જીતમાં શોધી કાઢવામાં આવી છે. હવે આ ચૂંટણી પરિણામને એ રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે, જાણે આ કોઈ એક બહુ મોટી ક્રાંતિની શરૂઆત હોય.

    - Advertisement -

    2024ની લોકસભા ચૂંટણીમાં મરણિયા પ્રયાસો પછી પણ ભાજપ અને મોદીને સરકાર બનાવતાં રોકી ન શક્યા બાદ કે ત્યારપછી પણ ભરપૂર ધમપછાડા કર્યા છતાં સરકાર વિરુદ્ધ ખાસ માહોલ ન બની શક્યો કે ન મોદીની લોકપ્રિયતાને અસર પડી પછી કોંગ્રેસ અને ઇકોસિસ્ટમ ધીમે-ધીમે હવે રણનીતિ બદલવા માંડ્યાં છે અને ફરી એક વખત તેના કેન્દ્રમાં ગુજરાતને મૂકવા માંડ્યું છે. કારણ કે ગુજરાત એક એવું રાજ્ય છે, જ્યાં કોઈ પણ રીતે સત્તા પરિવર્તન આવે એ એક નહીં પણ અનેક વ્યક્તિઓ, સંસ્થાઓ, પાર્ટીઓ ઇચ્છે છે. સૌનાં પોતપોતાનાં કારણો છે, સૌનાં પોતપોતાનાં હિત છે, પણ ટાર્ગેટ સૌનો સમાન છે. 

    છેલ્લા થોડા સમયની રાજકીય ગતિવિધિઓ જોશો તો આ સમજાય જશે. એપ્રિલ 2025માં રાહુલ ગાંધીનું અચાનક ગુજરાત આવવું, આવીને નેતાઓ સાથે બેઠકો કરવી, કાર્યકર્તાઓને ઘોડા-ગધેડાનો ફેર સમજાવવો, કોંગ્રેસ પાર્ટીનું અમદાવાદમાં અધિવેશન કરવું, સોશિયલ મીડિયા પર કાયમ ગુજરાત અને ગુજરાતીઓ વિશે પ્રોપગેન્ડા ચાલતો રહેવો– આ બધું જ એક સુવ્યવસ્થિત ચેઇનમાં થતું જોવા મળે છે. 

    રાજકારણમાં પર્સેપ્શનનું, દૃષ્ટિકોણનું ઘણું મહત્ત્વ છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધી જાણે છે કે જ્યાં સુધી ભાજપ તેના ગઢમાં, સૌથી મજબૂત રાજ્યમાં ડામાડોળ નહીં થાય ત્યાં સુધી રાષ્ટ્રીય સ્તરે પણ મજબૂતાઈ અકબંધ રહેશે. ભાજપને ગુજરાતમાં હરાવવાથી જે પાર્ટી સદંતર નબળી પડી ગઈ હોવાનો પર્સેપ્શન ઘડી શકાય, તેનો સીધો લાભ રાષ્ટ્રીય સ્તરે અને અન્ય રાજ્યોમાં મળે. આ બધી હવામાં કહેલી વાતો નથી. એપ્રિલ 2025માં રાહુલ ગાંધીએ પોતે કહ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરે ભાજપને હરાવવાનો માર્ગ ગુજરાત થઈને જાય છે. 

    - Advertisement -

    ગુજરાતના ગઢમાં ગાબડું પાડવામાં કોને રસ?

    ભાજપના ગુજરાતના ગઢમાં ગાબડું પાડવામાં માત્ર કોંગ્રેસ જ નહીં પણ આખી ઇકોસિસ્ટમને રસ છે અને તેમાં આમ આદમી પાર્ટી પણ આવી ગઈ. AAP આમ તો જ્યાં કોંગ્રેસ નબળી હોય એ રાજ્યોમાં પગપેસારો કરવા જાય છે, પણ કોંગ્રેસ હવે ધીમેધીમે બધે જ નબળી પડતી જાય છે. બીજું, AAP માટે પણ મોદી અને ભાજપ મોટો પડકાર છે. 2022માં પાર્ટી તમામ બેઠકો પર લડીને માત્ર 5 બેઠકો જીતી હતી અને તે પણ એવી બેઠકો જ્યાં ઉમેદવારો જીત્યા હતા, પાર્ટીનું બેનર નહીં. આમ આદમી પાર્ટી પણ જાણે છે કે તેમનું ગુજરાતમાં ત્યારે જ કશુંક ઊપજી શકશે, જ્યારે ભાજપ અહીં નબળો પડે. કારણ કે કોંગ્રેસની સ્થિતિ પહેલેથી ખરાબ છે. ગુજરાતમાં તેના માટે ભાજપ સામે લડવું તેના કરતાં કોંગ્રેસ સામે લડવું એ બહુ સરળ બાબત છે. 

    આ બધાં પાછળ કારણો પણ ઘણાં છે. ગુજરાત ભાજપનો સૌથી મોટો અને સૌથી મજબૂત ગઢ છે. પાર્ટી અહીં ત્રણ દાયકાથી સત્તામાં છે એ તો ઠીક, પણ ત્રણ દાયકા પછી પણ વિધાનસભા ચૂંટણી થઈ તો 182માંથી 156 બેઠકો જીતી લાવી હતી. 2024ની લોકસભા ચૂંટણીમાં આખા દેશમાં ભાજપને અસર થઈ, પણ ગુજરાતમાં માત્ર એક બેઠકનું નુકસાન ગયું. અન્ય રાજ્યોની સરખામણીએ આ કંઈ ન કહેવાય. બીજું, અહીં જાતિવાદી ચળવળો ચાલી, પાર્ટીને નુકસાન કરવાના ભરપૂર પ્રયાસ થયા છતાં ફેર ન પડ્યો અને ત્યારબાદ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ તેમાં પણ પાર્ટીએ ન ભૂતો, ન ભવિષ્યતિ જેવું પ્રદર્શન કર્યું. મૂળ વાત એ છે કે અહીં ચૂંટણી પહેલાં ગમે તે થાય, પણ ચૂંટણી આવે એટલે લોકોનો વિશ્વાસ ભાજપ પર અકબંધ રહે છે. 

    બીજું એક મોટું પાસું નરેન્દ્ર મોદી અને ગુજરાતનું કનેક્શન પણ ખરું. વડાપ્રધાન બહાર ‘મોદીજી’ છે, પણ ગુજરાતમાં ‘નરેન્દ્રભાઈ’ છે. ગુજરાતી ગમે તે હોય અને ગમે તે પાર્ટીને મત આપતો હોય, મોદી માટે સૌને આદર-સન્માન છે. પરિવારના મોભીને અપાય એટલો આદર મોદીને ગુજરાતમાંથી મળે છે. અહીં ગ્રામ પંચાયતની ચૂંટણી પણ ‘મોદી સાહેબ’ના નામે લડાય છે અને મજાની વાત એ છે કે મોદીના નામે ભાજપને પંચાયતોની ચૂંટણીમાં પણ મત મળે છે. દર ચૂંટણીમાં નરેન્દ્રભાઈ માટેનો આ પ્રેમ ભાજપની અમુક બેઠકો લઈ આવે છે. એ ભાજપ પણ જાણે છે, મોદી પણ જાણે છે અને ઈકોસિસ્ટમ પણ જાણે છે. 

    2015નું ગુજરાત, 2025નું ગુજરાત

    પાછલાં થોડાં વર્ષોનો ગુજરાતના રાજકારણનો એક ટૂંકો ઇતિહાસ જોઈએ તો 2017ની વિધાનસભા ચૂંટણી ભાજપ માટે અત્યંત કપરી હતી અને કોંગ્રેસ માટે એ સુવર્ણ તક હતી. 2014માં મોદી કેન્દ્રમાં ગયા પછી ગુજરાતમાં અરાજકતા અને અસ્થિરતાએ પગપેસારો કરવા માંડ્યો હતો. અનામત આંદોલન અને ત્યારબાદ વિવિધ સમાજોનું સીધી-આડકતરી રીતે રાજકારણને અસર કરવું. અમુક કથિત યુવાનેતાઓનું રાજકારણમાં આવવું– આ બધાના કારણે ગુજરાતમાં ભાજપ માટે, સરકાર માટે એક કપરો સમય શરૂ થયો હતો. 

    2015માં આ બધાની શરૂઆત થઈ અને 2016 આવતાં સુધીમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજીનામું ધરી દેવું પડ્યું. નિર્વાવાદી ચહેરો એવા વિજય રૂપાણીને સત્તા સોંપાઈ. દોઢ વર્ષ સરકાર ચાલી અને 2017ની ચૂંટણી આવી ત્યારે એ રૂપાણી, ભાજપ, મોદી-શાહ બધા માટે એક કપરી કસોટી હતી. પણ રૂપાણીની સ્વચ્છ છબી, મોદીની દીર્ઘદ્રષ્ટિ અને કુનેહ, અમિત શાહની જડબેસલાક રણનીતિઓ અને ભાજપની મહેનતના જોરે તેઓ નુકસાન સાથે તો નુકસાન સાથે પણ તરી ગયા અને 99 પર અટકીને પણ સત્તા જાળવી રાખી. કોંગ્રેસ 77 પર આવીને અટકી ગઈ. જો દસ બેઠક આમતેમ થઈ હોત તો આજે ગુજરાતનું અને સંભવતઃ દેશનું રાજકારણ અલગ હોત. 

    ભાજપની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ નિષ્ફળતાઓમાંથી તરત શીખી લે છે. 2017 પછી ગુજરાતમાં ભાજપે જે રણનીતિ સાથે કામ કર્યું તેના કારણે પાર્ટી ફરી મજબૂત બનતી ગઈ, કોંગ્રેસ સતત તૂટતી રહી અને પાંચ વર્ષ પછી યોજાયેલી ચૂંટણીમાં 182માંથી 156 બેઠકો જીતીને ભાજપે ઐતિહાસિક સત્તાવાપસી કરી. ત્યારબાદ લોકસભામાં પણ પ્રદર્શન યથાવત રહ્યું અને સ્થાનિક ચૂંટણીઓમાં પણ. 

    પર્સેપ્શનનું રાજકારણમાં કેટલું મહત્ત્વ?

    જ્યારે જમીન પર પાર્ટીની કે સરકારની સ્થિતિ આટલી મજબૂત હોય ત્યારે લડાઈ પર્સેપ્શન પર આવીને અટકે છે. વિપક્ષી પાર્ટીઓ, ઇકોસિસ્ટમ જાણે છે કે ભાજપને જો હરાવવો હોય તો પહેલાં ગુજરાતના મનમાંથી એ દૂર કરવું પડશે કે આ પાર્ટી અત્યંત મજબૂત છે અને તેને હરાવી શકાય એમ નથી. તમે નેતાઓનાં બયાનો સાંભળશો, ટીવીમાં સમાચારો જોશો કે યુટ્યુબરોના વિડીયો જોશો તો તેનો સાર આ જ નીકળશે. તેઓ પણ જાણે છે કે ભાજપ મજબૂત છે, પણ દ્રષ્ટિકોણ જ્યાં સુધી એવો રજૂ કરવામાં ન આવે કે આ પાર્ટી નબળી પડી રહી છે, ત્યાં સુધી તેમના પ્રયાસો કોઈ કાળે સફળ નહીં થાય એ તેઓ પણ જાણે છે. 

    બીજું, જ્યારે પર્સેપ્શન એ ઘડાય જાય કે ગુજરાતમાં ભાજપ ખરેખર હવે નબળો પડી રહ્યો છે કે તેની જમીન ખસી રહી છે, ત્યારે જ ફરીથી એવી સ્થિતિઓ સર્જી શકાય એમ છે જે 2014 પછી સર્જાવાની શરૂ થઈ હતી. એવું થાય તો 2017 જેવી સ્થિતિ ફરી સર્જાય અને એ સર્જાય તો શું કરવું કરતાં શું ન કરવું એ આ વખતે વિપક્ષને ખબર છે. એ પણ એક વાત છે કે મજબૂત સરકારો સામે કોઈ ઝંડા લઈને ન પડે, કારણ કે પરિણામો ખબર હોય છે. અને સરકાર મજબૂત છે કે નબળી એ કોઈ ગાંધીનગર જોવા જતું નથી, એ ટીવીમાં, યુટ્યુબ ચેનલો પર અને સોશિયલ મીડિયાથી આકલન કરવામાં આવે છે. આ બધું ઇકોસિસ્ટમના હાથમાં છે એ કહેવાની અલગથી જરૂર નથી. 

    આ બધા માટે એક તકની રાહ જોવામાં આવી રહી હતી, જે વિસાવદર પેટાચૂંટણી પર આમ આદમી પાર્ટીની જીતમાં શોધી કાઢવામાં આવી છે. હવે આ ચૂંટણી પરિણામને એ રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે, જાણે આ કોઈ એક બહુ મોટી ક્રાંતિની શરૂઆત હોય.

    આ બધી બાબતોને માત્ર ચૂંટણી પરિણામોના વિશ્લેષણ તરીકે જોવા કરતાં એક બૃહદ દૃષ્ટિકોણથી જોવું જરૂરી છે. પણ તે પહેલાં આટલી પ્રસ્તાવના બાંધવી જરૂરી હતી. બાકીનું આવતીકાલે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં