NEET-UG 2026: અનેક ફરિયાદોમાં મળી AIથી બનાવેલી અને નકલી OMR શીટ્સ, NTAએ આપી કાનૂની કાર્યવાહીની ચેતવણી

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (NTA) NEET-UG 2026નાં પરિણામોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરી છે. એજન્સીએ જણાવ્યું છે કે પરિણામોની સ્ક્રુટિની માટે મળેલી અનેક ફરિયાદોમાં રજૂ કરવામાં આવેલી OMR શીટ્સ નકલી અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની (AI) મદદથી તૈયાર કરાયેલી હોવાનું સામે આવ્યું છે. NTAએ વિદ્યાર્થીઓ અને વાલીઓને માત્ર સત્તાવાર માધ્યમથી ડાઉનલોડ કરેલી મૂળ OMR શીટ જ રજૂ કરવાની સલાહ આપી છે અને ખોટા દસ્તાવેજો રજૂ કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

NTAએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે NEET-UG 2026નાં પરિણામ જાહેર થયાં બાદ મળેલી દરેક ફરિયાદની નજીકથી તપાસ કરવામાં આવી રહી છે. એજન્સીના જણાવ્યા અનુસાર સ્ક્રુટિની માટે મોકલવામાં આવેલી ઘણી OMR શીટ્સ તપાસ દરમિયાન ફેક અથવા AI-જનરેટેડ હોવાનું જણાયું છે. તેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ ફરિયાદ નોંધાવતી વખતે માત્ર અસલી OMR જ રજૂ કરે. નકલી અથવા AIથી તૈયાર કરાયેલી OMR રજૂ કરનાર ફરિયાદી સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે NEET-UG 2026ની પુનઃપરીક્ષાનું પરિણામ 16 જુલાઈએ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે કુલ 11.21 લાખ ઉમેદવારો MBBS, BDS, AYUSH અને અન્ય મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ક્વોલિફાય થયા છે. પરિણામ જાહેર થયાં બાદ દેશના વિવિધ રાજ્યોમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે ફાઇનલ આન્સર કી અને પોતાની OMRના આધારે ગણેલા ગુણની સરખામણીએ તેમને નોંધપાત્ર રીતે ઓછા ગુણ આપવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાંથી કેટલાક વિદ્યાર્થીઓના કેસોએ ખાસ ધ્યાન ખેંચ્યું હતું. સોહમ ગવટે નામના વિદ્યાર્થીના પરિવારનો દાવો છે કે સત્તાવાર આન્સર કીના આધારે તેને 522 ગુણ મળવા જોઈતા હતા, પરંતુ સ્કોરકાર્ડમાં માત્ર 95 ગુણ દર્શાવવામાં આવ્યા. તે જ રીતે વાડવાનીની જ્ઞાનેશ્વરી પવારે આરોપ લગાવ્યો કે NTAએ તેના એકાઉન્ટમાં અપલોડ કરેલી OMR તેણે પરીક્ષા દરમિયાન ભરેલી જ નથી. તેના પરિવારનો દાવો છે કે તેને 720માંથી 702 ગુણ મળવા જોઈતા હતા, જ્યારે પરિણામમાં માત્ર 87 ગુણ દર્શાવવામાં આવ્યા છે. કર્ણાટકમાંથી પણ આવા જ પ્રકારની ફરિયાદો સામે આવી છે.

જોકે NTAએ આ વ્યક્તિગત કેસો પર કોઈ ટિપ્પણી કરી નથી. એજન્સીનું કહેવું છે કે તમામ ફરિયાદોની તપાસ કરવામાં આવી રહી છે અને ઉમેદવારોએ માત્ર સત્તાવાર ફરિયાદ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. સાથે જ કોઈ પણ પ્રકારની એડિટેડ, છેડછાડ કરેલી અથવા AIથી તૈયાર કરાયેલી OMR શીટ રજૂ ન કરવા પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.