ડાંગના ખ્રિસ્તી પંથ અપનાવનારા 10 આદિવાસીઓની સુરતમાં ઘરવાપસી: જલેબી હનુમાન મંદિરે વૈદિક વિધિથી ફરી સ્વીકાર્યો હિંદુ ધર્મ

દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં અગાઉ ખ્રિસ્તી પંથ અપનાવનારા આશરે 10 આદિવાસી પરિવારના સભ્યોએ ફરીથી સનાતન હિંદુ ધર્મ સ્વીકાર્યો છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદા મંદિરે આયોજિત ‘ઘરવાપસી’ કાર્યક્રમ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ધાર્મિક વિધિઓ કરાવી તેમને સનાતન પરંપરામાં પરત લાવવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, ઘરવાપસી કરનારા લોકો ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના અંતરિયાળ ગામોના રહેવાસી છે. કાર્યક્રમ દરમિયાન પુરોહિતોએ વૈદિક વિધિ અનુસાર પૂજા-અર્ચના અને સંસ્કારો કરાવ્યા હતા. આયોજકોના જણાવ્યા અનુસાર આ સમૂહમાં 4 મહિલાઓ, 6 પુરુષો ઉપરાંત કેટલાક બાળકો અને યુવાનોનો પણ સમાવેશ થતો હતો. ધાર્મિક વિધિ બાદ તમામે જીવનભર કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહેવાનો સંકલ્પ પણ લીધો હતો.

આ કાર્યક્રમનું આયોજન દેવ બિરસા સેના દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખે દાવો કર્યો કે તેમની સંસ્થાના પ્રયાસોથી અત્યાર સુધીમાં કુલ 54 લોકો સનાતન હિંદુ ધર્મમાં ઘરવાપસી કરી ચૂક્યા છે.

આયોજકોએ વધુમાં દાવો કર્યો કે ડાંગના અનેક આદિવાસીઓને અગાઉ બીમારીઓ મટી જવાની લાલચ અને અન્ય પ્રલોભનો આપીને ખ્રિસ્તી પંથ અપનાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. જોકે બાદમાં તેમને હકીકતની જાણ થતાં તેમણે સ્વેચ્છાએ પોતાના મૂળ સનાતન ધર્મમાં પરત ફરવાનો નિર્ણય લીધો હોવાનું પણ આયોજકોનું કહેવું છે.

ઉલ્લેખનીય છે કે ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણનો મુદ્દો લાંબા સમયથી ચર્ચાનો વિષય રહ્યો છે. વિવિધ હિંદુ સંગઠનો સમયાંતરે આવા વિસ્તારોમાં જાગૃતિ અભિયાન અને ઘરવાપસી કાર્યક્રમો યોજતા રહ્યા છે, જ્યારે ધર્માંતરણના મુદ્દે રાજકીય અને સામાજિક સ્તરે પણ ચર્ચા થતી રહી છે.