ભાજપ ધારાસભ્ય રમણલાલ વોરાએ ખરીદેલી 7.3 એકર જમીન શ્રી સરકાર કરવાના આદેશ, ખોટા દસ્તાવેજોના આધારે ખરીદી કર્યાનું ખૂલ્યું

પૂર્વ મંત્રી અને ઇડરના ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ પરિવારના સભ્યોના નામે ખરીદેલી 7 એકર ખેતીની જમીન શ્રી સરકાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. લગભગ એકાદ વર્ષ પહેલાં મામલો સામે આવ્યા બાદ તપાસના આદેશ અપાયા હતા. આખરે ઇડર મામલતદારે મુંબઈ ગણોત અને ખેતી જમીન અધિનિયમની કલમ 84(C) હેઠળ કાર્યવાહી કરી હતી.

આદેશમાં મામલતદારે કહ્યું કે ધારાસભ્યના પરિવારનો એક પણ સભ્ય પોતે ખેડૂત હોવાનું સાબિત કરી શક્યો નથી અને જમીન વાસ્તવમાં રમણભાઈ ઈશ્વરભાઈ પટેલના પ્રમાણપત્ર પર ખરીદવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ખેતીની જમીનની ખરીદી માટે ખરીદનાર ખેડૂત હોવો જરૂરી છે.

મામલો દાવડ ગામની કુલ 7.3 એકર જમીનનો છે. જેની ખરીદી ધારાસભ્ય રમણલાલ વોરા અને તેમના પરિવારે કરી હતી. જમીન રમણલાલ વોરા ઉપરાંત કુસુમ વોરા,આ સુહાગ વોરા અને ભૂષણ વોરાના નામે ખરીદાઈ હતી. રમણલાલ વોરા કે પરિવારમાંથી કોઈ ખેડૂત ન હોવાના કારણે જમીન ખરીદવા માટે બોગસ પ્રમાણપત્ર રજૂ કરવાના આરોપ લાગ્યા હતા. જે સાચા સાબિત થયા.

તપાસમાં જાણવા મળ્યું કે ખરીદી માટે ખેડૂત તરીકે રમણ ઈશ્વરનું ખેડૂત પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. ઑગસ્ટ 2025માં તપાસના આદેશ આપવામાં આવતાં રેકર્ડની ચકાસણી દરમ્યાન જાણવા મળ્યું કે પ્રમાણપત્ર વાસ્તવમાં રમણભાઈ ઈશ્વરભાઈ પટેલ નામના એક ખેડૂતનું છે, જેનો ઉપયોગ રમણલાલ ઈશ્વરભાઈ વોરા માટે કરવામાં આવ્યો હતો.

મામલતદારે ઑગસ્ટ 2025થી માર્ચ 2026 દરમ્યાન ધારાસભ્ય રમણલાલ વોરા અને તેમના પરિવારને ખુલાસો રજૂ કરવા માટે 7 વખત નોટિસ આપી હતી પરંતુ તેઓ પ્રમાણપત્ર રજૂ કરી શક્યા ન હતા. આખરે વેચાણ ગેરકાયદેસર જાહેર કરીને જમીન શ્રી સરકાર કરવાના આદેશ આપવામાં આવ્યા છે.