હોમપેજદેશવાંગચુકનું અનશન, દિલ્હી પોલીસની કાર્યવાહી અને સંસદ માર્ચની આડમાં હિંસા ભડકાવવાનો અંતિમ...

વાંગચુકનું અનશન, દિલ્હી પોલીસની કાર્યવાહી અને સંસદ માર્ચની આડમાં હિંસા ભડકાવવાનો અંતિમ પ્રયાસ કરતી કોકરોચ ગેંગ

સોનમ વાંગચુકને પોલીસ લઈ ગઈ એટલે કોકરોચોએ એક પછી એક સોશિયલ મીડિયા પર પોસ્ટનો મારો ચલાવીને માહોલ બનાવવાનો શરૂ કરી દીધો અને વિદ્યાર્થીઓને, યુવાનોને ભડકાવવાના શરૂ કરી દીધા.

- Advertisement -

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે તેવી માંગ સાથે દિલ્હીના જંતર-મંતર પર ભૂખ હડતાળ પર બેઠેલા ‘એક્ટિવિસ્ટ’ સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે ઉઠાવી લઈ જઈને હોસ્પિટલમાં ભરતી કરી દીધા પછી જે કોકરોચોની જમાતે વાંગચુકને પકડી લાવીને ધરણા પર બેસાડી દીધા હતા તે જમાત હવે અંતિમ વિકલ્પ તરીકે હિંસા ભડકાવવાનાં અને રાજધાનીને ફરી એક વખત બાનમાં લેવાનાં કારસ્તાન કરવામાં લાગી ગઈ છે.

20મી જુલાઈએ સંસદનું ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે. તે પહેલાં સંસદ ભવન તરફ માર્ચ કરવાની ઘોષણા કોકરોચો કરી ચૂક્યા છે. દિલ્હી પોલીસ પાસેથી આ માટેની પરવાનગી લેવામાં આવી નથી. પરવાનગી મેળવવા માટે અરજી પણ થાય તો પોલીસ પરવાનગી નહીં આપે. કારણ કે સત્ર ચાલતું હોય ત્યારે સંસદ અને આસપાસનો વિસ્તાર સંવેદનશીલ ઘોષિત કરાય છે. અહીંની દરેક મૂવમેન્ટ પર નિયંત્રણો લાદવામાં આવે છે. ત્યાં સુધી માર્ચ કરવાનો પ્રશ્ન જ પેદા થતો નથી. કોઈ પણ સરકાર હોય, સુરક્ષા કારણોસર આવી માર્ચની પરવાનગી નહીં જ અપાય.

કોકરોચો આ વાત નથી જાણતા એવું નથી, પણ તેમણે માર્ચ કરવી જ નથી. ન તેમને વિદ્યાર્થીઓના કે તેમના શિક્ષણના મુદ્દાઓમાં કોઈ રસ છે. આ કોકરોચોની પાર્ટીની સ્થાપના શિક્ષણ મુદ્દે થઈ જ ન હતી. મુખ્ય ન્યાયાધીશની ટિપ્પણીઓને મિસ્કવોટ કરીને મીડિયા અહેવાલો છપાયા પછી અમેરિકામાં બેઠેલા એક નવરા આપિયા અભિજિત દીપકેને વિચાર આવ્યો અને તેણે સોશિયલ મીડિયામાં આ સટાયરિકલ પોલિટિકલ પાર્ટી ઊભી કરી દીધી. સોશિયલ મીડિયા પર આ નવું તૂત હતું એટલે થોડું ચાલી ગયું. બાકીનું કામ એ વિપક્ષી પાર્ટીઓએ કરી આપ્યું જેઓ અસ્તિત્વ ટકાવવા માટે હવે ફાંફાં જ મારી રહી છે.

- Advertisement -

બરાબર આ જ સમયે NEET UGનો મુદ્દો ચાલતો હતો એટલે કોકરોચો ત્યાં ફંટાયા. હવે શિક્ષણ પ્રધાનનું રાજીનામું માંગીને અનશન પર બેઠા હતા. અનશન પર જોકે એકને જ બેસાડ્યો હતો. બાકીના ત્યાં ચા-સમોસાની પાર્ટી કરતા હતા. રાત પડે એટલે આસપાસના સુવિધાજનક ફ્લેટમાં જઈને ઊંઘી જતા હતા. બીજા દિવસે સવારે આવીને વાંગચુકનો ફોટો પાડીને સોશિયલ મીડિયા પર મૂકીને રડારોળ ચાલુ કરતા!

ઝાઝા દિવસો થયા ને કોઈ સફળતા મળતી ન દેખાતાં આખી કોકરોચ ગેંગ ફ્રસ્ટ્રેટ થઈ ચૂકી હતી ને એક્ઝિટ પ્લાન જ શોધતી હતી. એટલે એક રીતે દિલ્હી પોલીસની કાર્યવાહી તેમના માટે તો આશીર્વાદ જ સાબિત થઈ. તેઓ પણ ઇચ્છતા હતા કે હવે કોઈ રીતે આ બધાં નાટકો પર પૂર્ણવિરામ મૂકાય, કારણ કે આ આંદોલન એવા પોઈન્ટ પર આવીને અટકી ગયું હતું જ્યાંથી આગળ વધવાનો અર્થ ન હતો અને પાછળ જઈ શકાય એમ ન હતું. એટલે સોશિયલ મીડિયા પર બહુ હોબાળો મચાવ્યો પણ વાંગચુકને હોસ્પિટલ લઈ જતા ન રોક્યા.

સોનમ વાંગચુકને પોલીસ લઈ ગઈ એટલે કોકરોચોએ એક પછી એક સોશિયલ મીડિયા પર પોસ્ટનો મારો ચલાવીને માહોલ બનાવવાનો શરૂ કરી દીધો અને વિદ્યાર્થીઓને, યુવાનોને ભડકાવવાના શરૂ કરી દીધા. સરકાર અને તેના ઈશારે કામ કરતી પોલીસ વાંગચુકને બળજબરીથી ઉઠાવી લઈ જઈ રહી છે, તેમને ડિટેન્શનમાં રાખવામાં આવ્યા છે જેવા દાવાઓ ફરતા કરવામાં આવ્યા.

અભિજિત દીપકેએ સોશિયલ મીડિયા પર પોલીસે તેને માર્યો હોવાના અને ડિટેન કર્યો હોવાના દાવા કર્યા. લોકોએ નીચે પૂછ્યું કે તો પછી આ સોશિયલ મીડિયા પોસ્ટ કોણ કરી રહ્યું છે? તેણે આમરણ ઉપવાસ કરવાની ઘોષણા કરી. લોકોએ ફરી પૂછ્યું કે તો આટલા દિવસ સોનમ વાંગચુકને સ્ટેજ પર બેસાડીને તું નીચે સમોસા ઝાપટતો હતો ત્યારે આ બધું યાદ નહતું આવ્યું? આ જોકરવેડા લોકો જાણી ગયા છે એવી ખબર પડી એટલે દીપકે ટાઢો પડ્યો.

તેની સાથે કોકરોચોના પ્રવક્તાઓ, જેમાં આશુતોષ રાંકા વાસ્તવમાં આમ આદમી પાર્ટીનો પ્રવક્તા છે તે અને બીજો એક સૌરવ દાસ નામનો પ્રોપગેન્ડાબાજ– આ બંને પણ એક પછી એક પોસ્ટ કરવા માંડ્યા.

પોલીસે અત્યાચાર કર્યો છે, પોલીસ મનસ્વી રીતે વર્તી રહી છે અને એક શાંતિપૂર્ણ આંદોલનને કચડવામાં આવી રહ્યું છે એવો માહોલ ઉભો કરવાના પૂરેપૂરા પ્રયત્નો થયા.

સૌરવ દાસે એવું લખી દીધું કે વાંગચુકને પોલીસ એક અજાણ્યા સ્થળે લઈ ગઈ છે અને હવે અમને તેમની સુરક્ષાની ચિંતા છે. વાસ્તવમાં પોલીસ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ હતી.

અમુક પોસ્ટમાં બધાને સાથે આવવા માટે અને ‘ભારતને બચાવવા માટેની લડાઈમાં’ સાથ આપવા માટે આહવાન કરવામાં આવ્યું. સોનમ વાંગચુકને બચાવવા માટેનાં એલાન થયાં. (કોઈએ કહેવું જોઈએ કે, મૂરખાઓ, બચાવી તો પોલીસ રહી છે. તમે એ માણસની જિંદગી જોખમમાં નાખી રહ્યા હતા.)

આ બધું જ દિલ્હી માટે દે’જા વુ જેવું છે. 2020માં રાજધાનીમાં કેન્દ્ર સરકારના નાગરિકતા સંશોધન કાનૂન (CAA) વિરુદ્ધ આવાં જ કેમ્પેઇન ચાલ્યાં હતાં. શાહીનબાગમાં એક અડ્ડો ઉભો કરવામાં આવ્યો. દિવસો સુધી ત્યાં પ્રદર્શનો ચાલ્યાં. મીડિયા કવરેજ મળ્યું. આખરે ત્યાં શું થયું? રમખાણો. તેમાં પચાસ નિર્દોષ હિંદુઓના જીવ ગયા.

કોઈ આંદોલન સ્વયંસ્ફુરિત હોતું નથી. તેની પાછળ કોઈ શક્તિઓ કામ ન કરતી હોય એવું ન બને. આટલા મોટા સ્તરનાં આંદોલનો કરવા માટે તગડા ફન્ડિંગ, મીડિયા-સોશિયલ મીડિયા મૅનેજમેન્ટની જરૂર પડે છે. તેની પાછળ એવી તાકાતો કામ કરતી હોય જે આંદોલનની આડમાં બીજા જ મકસદ પાર પાડવા માગતી હોય છે. ક્રાંતિ કરવાનો ફાંકો લઈને આંદોલન કરવા એકઠી થયેલી ભીડ આ સમજી રહે ત્યાં સુધીમાં આંદોલનનો વીંટો વાળવામાં આવી ચૂક્યો હોય છે.

આમાં પણ એવું જ થયું છે. વિદ્યાર્થીઓના શિક્ષણનો મુદ્દો સંવેદનશીલ છે. પેપર લીક ગંભીર વિષય છે. તેની ચર્ચા પણ આવશ્યક છે. નિદાન પણ જરૂરી છે. સરકારને સવાલો પણ જરૂરી છે. પણ આ કોકરોચોને સમસ્યાઓના જેન્યુઇન સમાધાનમાં કોઈ રસ નથી. તેમને રસ હોબાળો મચાવવામાં છે. અરાજકતા અને અવ્યવસ્થા સર્જવામાં છે. રાજધાનીને બાનમાં લેવામાં છે. કારણ કે તેમની પાછળ જે પોલિટિકલ પાર્ટીઓનું બેકિંગ છે તેઓ વર્ષોથી આ જ કરી રહી છે.

આના માટે જ સંસદ માર્ચની ઘોષણા કરવામાં આવી છે. આ માર્ચ ‘શાંતિપૂર્ણ’ હશે એવી વાતો કોકરોચો કરી રહ્યા છે. પણ આવી જ વાતો ભૂતકાળનાં દરેક હિંસક પ્રદર્શનો વખતે કરવામાં આવી હતી. વિરોધપ્રદર્શન થાય, સંસદ સુધી માર્ચ થાય, પોલીસ સ્વભાવિક અટકાવે અને બળપ્રયોગ કરવાનો વારો આવે તો ટોળાને ઉશ્કેરી શકાય. આવું જ અગાઉ કહ્યું એમ સીએએ વખતે થયું હતું. જ્યારે આંદોલનની આડમાં દંગા-ફસાદ કરાવવામાં આવ્યા. આ જ રમખાણોના એક કેસમાં પૂર્વ આપિયા કાઉન્સિલર તાહિર હુસૈનને હમણાં સજા પણ થઈ છે.

ખેડૂત આંદોલનની આડમાં 26 જાન્યુઆરી 2021ના દિવસે લાલ કિલ્લાને બાનમાં લેવાયો હતો. પ્રદર્શનના નામે ટ્રેક્ટરો રાજધાનીમાં ઘૂસાડી દેવામાં આવ્યાં અને લાલ કિલ્લા સુધી પહોંચીને ઉત્પાત મચાવવામાં આવ્યો. જે પ્રાચીર પરથી વડા પ્રધાન ઝંડો ફરકાવે ત્યાં ખાલિસ્તાની ઝંડો ફરકાવાયો. આંદોલનને આ બધા સાથે કોઈ સંબંધ ન હતો.

આવું જ ફરી એક વખત ન થાય એ માટે દિલ્હી પોલીસ તૈયાર હશે. આપણે માત્ર એટલું કરીએ કે પોલીસ એક્શન લે ત્યારે ભાવનાઓમાં વહી જવાને સ્થાને રાષ્ટ્રીય સુરક્ષાનું મહત્ત્વ સમજીએ. કારણ કે પોલીસ એક્શન ન લે તો પરિણામો અનેકગણાં ઘાતક આવી શકે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં