
વડોદરા મહાનગરપાલિકાના પ્લોટ પર ગેરકાયદેસર કબજા મામલે ચાલતા કેસમાં પૂર્વ ક્રિકેટર અને લોકસભા સાંસદ યુસુફ પઠાણે હાઇકોર્ટમાં દાખલ કરેલી અપીલ પરત લઈ લીધી છે. આ સાથે કોર્ટે કેસ બંધ કરી દીધો છે.
યુસુફ પઠાણ તરફથી કોર્ટમાં હાજર વકીલ શાલીન મહેતાએ કોર્ટને જણાવ્યું કે તેમને યુસુફ પઠાણ તરફથી અરજી પરત ખેંચી લેવા માટે જણાવવામાં આવ્યું છે. કારણ એ આપવામાં આવ્યું કે વડોદરા પાલિકાએ હજુ સુધી સાંસદની વિનંતીનો કોઈ જવાબ આપ્યો નથી.
વાસ્તવમાં યુસુફ પઠાણ તરફથી વકીલોએ દલીલ કરી હતી કે ગુજરાત સરકારની એક પોલિસી મુજબ પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને પ્લોટ આપી શકાય છે. વકીલોએ હાઇકોર્ટને કહ્યું કે હજુ સુધી તેમને પાલિકા તરફથી આ સર્ક્યુલર બાબતે કોઈ જવાબ મળ્યો ન હોવાથી અરજી પરત ખેંચી રહ્યા છે. સાથે કહ્યું કે હવે જે કંઈ પણ થશે એ કોર્ટની બહાર થશે.
હાઇકોર્ટની બેન્ચે આ સબમિશનની નોંધ લઈને અરજી ખેંચવાની પરવાનગી આપતાં કેસ બંધ કરી દીધો હતો.
યુસુફ પઠાણે આ અરજી હાઇકોર્ટની સિંગલ જજ બેન્ચના એક ચુકાદાને પડકારવા માટે ડિવિઝન બેન્ચ સમક્ષ દાખલ કરી હતી. અગાઉના ચુકાદામાં હાઇકોર્ટની સિંગલ જજ બેન્ચે યુસુફ પઠાણને પ્લોટ ખાલી કરવા માટે આદેશ આપ્યો હતો અને ઠરાવ્યું હતું કે તેમણે પ્લોટ પર ગેરકાયદેસર કબજો કર્યો છે.
જૂન 2026માં હાઇકોર્ટમાં દલીલ કરતી વખતે યુસુફ પઠાણ વતી વકીલોએ 1999ની રાજ્ય સરકારની એક પોલિસી રજૂ કરીને કહ્યું હતું કે આ નીતિ હેઠળ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને અમુક શરતોને આધીન પ્લૉટ ફાળવી શકાય છે. આ પોલિસી હેઠળ યુસુફ પઠાણને પ્લૉટ ફાળવી શકાય એમ છે કારણ કે પોલિસીની મોટાભાગની શરતો પઠાણના કિસ્સામાં પૂરી થઈ રહી છે.
રાજ્ય સરકારના વકીલે આ દલીલ પર વાંચો ઉઠાવીને કહ્યું હતું કે “આંતરરાષ્ટ્રીય ખેલાડી હોય તેથી તેમને સંપત્તિ મેળવવાનો કોઈ અધિકાર મળી જતો નથી અને ક્રિકેટર હોય તેનાથી પઠાણ એવું ન કહી શકે કે તેઓ એક પણ રૂપિયો ચૂકવશે નહીં. તેમણે આજ સુધી એક પણ રૂપિયો ચૂકવ્યો નથી અને હજુ જમીનનો કબજો તેમની પાસે છે.”
કોર્ટે પણ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે 1999ની ક્રિકેટરોવાળી નીતિની ચર્ચામાં કોર્ટ જઈ રહી નથી કારણ કે પ્લૉટની ફાળવણી કરતી વખતે આ પોલિસી પર ક્યાંય વિચાર કરવામાં આવ્યો ન હતો. સ્ટેન્ડિંગ કમિટીએ પણ જ્યારે નિર્ણય લીધો ત્યારે તેમાં આ 1999ની પોલિસીનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
જે-તે સમયે કોર્ટે યુસુફ પઠાણને કડક શબ્દોમાં પૂછ્યું હતું કે જો પ્લૉટની ફાળવણી માટેની દરખાસ્ત રાજ્ય સરકારે રદ કરી દીધી હોય, પઠાણે કોઈ ચૂકવણી ન કરી હોય તો પછી આટલાં વર્ષોથી તેઓ પ્લોટ કબજે કરીને કેમ બેઠા છે? સાથે જે અધિકારીઓએ તેમને પરવાનગી આપી હોય તેમનાં પણ નામો રજૂ કરવા માટે કોર્ટે જણાવ્યું હતું. સાથે વળતર ચૂકવવા માટે પણ તૈયાર રહેવા માટે કોર્ટે કહ્યું હતું.
આખરે યુસુફ પઠાણે અરજી પરત ખેંચી લીધી છે.
પાલિકાએ પ્લોટની કિંમત ₹20 કરોડ આંકી
એક તરફ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યાં તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકાએ પ્લોટની કિંમત આંકવા માટેની પ્રક્રિયા શરૂ કરી હતી. સ્ટેન્ડિંગ કમિટીએ ₹2.10 લાખ સ્ક્વેર મીટર લેખે પ્લોટની કિંમત ₹20.5 કરોડ આંકી હતી. જોકે આ પ્રક્રિયાનો વિરોધ પણ થયો અને કહેવામાં આવ્યું કે પ્લોટ હજુ ગેરકાયદેસર કબજામાં છે ત્યારે તેની કિંમત કેમ આંકવામાં આવી અને પહેલાં ત્યાંથી ગેરકાયદેસર દબાણ દૂર કરવું જોઈએ. સાથે આટલાં વર્ષો સુધી પ્લોટ કબજે કરવા બદલ પેનલ્ટી લગાવવાની પણ માંગ કરવામાં આવી.
પછીથી જનરલ બોર્ડે પ્રસ્તાવ કમિશરને મોકલી આપ્યો હતો અને એ મુદ્દો ઉઠાવ્યો હતો કે વેલ્યુએશન પ્રક્રિયા પહેલાં દબાણ મુદ્દે કાર્યવાહી કરવી જોઈએ કે કેમ. હવે આ મુદ્દે પાલિકા શું કરે છે એ જોવું રહ્યું.

