મ્યાનમાર સરહદેથી પકડાયેલા વૈનડાઇકને છોડાવવા અમેરિકાના હસ્તક્ષેપની માંગ

અમેરિકન નાગરિક અને NIAની કસ્ટડી બાદ તિહાડ જેલમાં બંધ મૅથ્યૂ વૈનડાઇકને લઈને તેના પરિવારે હવે અમેરિકન સરકાર પાસે તાત્કાલિક રાજદ્વારી હસ્તક્ષેપની માંગ કરી છે. 30 ઑગસ્ટે વૈનડાઇકના સંગઠન સન્સ ઑફ લિબર્ટી ઇન્ટરનેશનલના (SOLI) માધ્યમથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં પરિવારે આરોપ લગાવ્યો છે કે તેને તિહાડની જેલ નંબર 8/9માં એકલવાયા કેદમાં રાખવામાં આવ્યો છે અને કેદી તરીકે મળવા જોઈએ તેવા મૂળભૂત અધિકારો પણ આપવામાં આવી રહ્યા નથી.

પરિવારના દાવા મુજબ વૈનડાઇકના એક પગમાં ઈજા થઈ છે, તેની દૃષ્ટિ નબળી પડી છે અને તેને પોતાની પ્રિસ્ક્રિપ્શન દવાઓ પણ આપવામાં આવી રહી નથી. પરિવારનો એવો પણ આરોપ છે કે તેને અમેરિકામાં રહેતા પરિવારજનો સાથે નિયમિત વાતચીત કરવાની મંજૂરી નથી. 80 વર્ષથી વધુ ઉંમરની તેની માતાને મહિનાઓ પહેલાં માત્ર પાંચ મિનિટની ઇમરજન્સી ફોનકૉલ કરવાની મંજૂરી મળી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. 

પરિવારનો દાવો: સારવાર અને ભોજનને લઈને પણ કોર્ટમાં પહોંચ્યો હતો મામલો

વૈનડાઇકના પરિવારે વધુમાં જણાવ્યું છે કે તેના વકીલોએ દિલ્હીની કોર્ટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાની તથા પરિવાર સાથે નિયમિત વાતચીતની મંજૂરી આપવાની માગ કરી હતી. પરિવારના જણાવ્યા અનુસાર બંને અરજીઓ 1 જૂને ફગાવી દેવામાં આવી હતી. વૈનડાઇકે મે મહિનાથી માત્ર પ્રવાહી લેતા ભૂખ હડતાળ શરૂ કરી હોવાનો પણ પરિવારનો દાવો છે.

આ પહેલાં જુલાઈમાં તિહાડના ભોજનને લઈને પણ વૈનડાઇક કોર્ટમાં પહોંચ્યો હતો. તેણે જેલનું ભોજન વધુ પડતું તીખું, તેલવાળું અને તળેલું હોવાનો દાવો કરીને પોતાની પસંદગીનું ભોજન તૈયાર કરવાની મંજૂરી માગી હતી. તેની અરજી બાદ કોર્ટે માનવતાવાદી ધોરણે ખોરાક અને કેટલીક જરૂરી વસ્તુઓની વ્યવસ્થા અંગે આદેશ આપ્યો હતો.

પરિવાર હવે અમેરિકન સરકારને આ મામલે હસ્તક્ષેપ કરીને વૈનડાઇકને ભારતમાંથી પરત અમેરિકા લાવવા માટે પગલાં લેવાની અપીલ કરી રહ્યો છે. બીજી તરફ, આ સમગ્ર મામલો ભારતની તપાસ એજન્સી દ્વારા ચાલી રહેલી ગંભીર આતંકવાદવિરોધી તપાસ સાથે જોડાયેલો છે અને વૈનડાઇક સામેની કાયદાકીય કાર્યવાહી હજુ ચાલુ છે.

મૅથ્યૂ વૈનડાઇકની ધરપકડ કેમ થઈ હતી?

મૅથ્યૂ વૈનડાઇક કોઈ સામાન્ય અમેરિકન નાગરિક તરીકે ભારતમાં પકડાયો નહોતો. માર્ચ 2026માં મ્યાનમાર સરહદ પાસેથી NIAએ એક અમેરિકન સહિત કુલ 7 વિદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. તેમાં 6 યુક્રેની નાગરિકોનો સમાવેશ થતો હતો. NIAના આરોપ મુજબ આ લોકો મિઝોરમના સંરક્ષિત વિસ્તારમાં જરૂરી પરવાનગી વગર પહોંચ્યા હતા અને ત્યારબાદ મ્યાનમારમાં જઈને ત્યાં સક્રિય સશસ્ત્ર જૂથો સાથે સંપર્ક સાધ્યો હતો. વૈનડાઇક સહિતના લોકો પર ડ્રોન યુદ્ધ, હથિયારોના ઉપયોગ અને અન્ય લશ્કરી તાલીમ સાથે જોડાયેલા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે.

વૈનડાઇકની આ ધરપકડ પાછળનું સમગ્ર કનેક્શન વધુ ગંભીર છે. તે પોતાને સિક્યોરિટી એનાલિસ્ટ, વૉર કોરસપોન્ડન્ટ અને ડોક્યુમેન્ટ્રી ફિલ્મમેકર તરીકે રજૂ કરે છે. 2011માં લિબિયાના ગૃહયુદ્ધ દરમિયાન તે મુઆમ્મર ગદ્દાફી વિરુદ્ધ લડનારા વિદ્રોહીઓ સાથે જોડાયો હતો અને બાદમાં કેદ પણ થયો હતો. 2014માં તેણે સન્સ ઑફ લિબર્ટી ઇન્ટરનેશનલ (SOLI) નામનું સંગઠન સ્થાપ્યું, જે દુનિયાના વિવિધ સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં સશસ્ત્ર જૂથોને તાલીમ અને સુરક્ષા સહાય આપતું હોવાનું કહે છે.

રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ વૈનડાઇક અને તેનું સંગઠન યુક્રેનિયન સૈનિકોને પણ તાલીમ આપતાં હતાં અને તે પોતે યુક્રેનિયન સેનામાં જોડાયો હોવાનો દાવો કરી ચૂક્યો છે. NIAની તપાસ મુજબ આ જ નેટવર્કનો એક હિસ્સો મ્યાનમાર સુધી પહોંચ્યો હતો અને ભારતના સંવેદનશીલ ઉત્તર-પૂર્વ વિસ્તારમાંથી પસાર થઈને ત્યાંના સશસ્ત્ર જૂથો સુધી પહોંચવાનો પ્રયાસ થયો હતો. ભારતે પોતાની જમીનનો ઉપયોગ કોઈ વિદેશી પ્રોક્સી વૉર માટે થવા ન દીધો અને NIAએ આ સમગ્ર કડીમાં વૈનડાઇક સહિત 7 વિદેશીઓને ઝડપી લીધા હતા.

વૈનડાઇકની અગાઉની ધરપકડ, તેનું લિબિયા-યુક્રેન કનેક્શન, SOLIની કામગીરી અને મ્યાનમાર સુધી પહોંચેલી સમગ્ર કડી વિશે ઑપઇન્ડિયાએ અગાઉ વિગતવાર અહેવાલ પ્રકાશિત કર્યો હતો. અહીં ક્લિક કરીને તે વાંચી શકાશે.