
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે ઉત્તરાખંડના હલ્દવાનીમાં પોલીસ ફરિયાદ (FIR) દાખલ કરવામાં આવી છે. આ કાર્યવાહી તેમણે દિલ્હીમાં યોજેલી એક પત્રકાર પરિષદ દરમિયાન હલ્દવાનીના રામલીલા મેદાન ખાતે યોજાયેલા એક સ્વચ્છતા અભિયાન અને હવનને જાતિવાદી રંગ આપીને હિંદુ સમાજ તેમજ વાલ્મીકિ સમાજ પર પ્રશ્નો ઊભા કરવા બદલ કરવામાં આવી છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હલ્દવાનીમાં યોજાયેલી સભા બાદ સ્થાનિક ટ્રસ્ટે રામલીલા મેદાન ખાતે સ્વચ્છતા અભિયાન અને ‘હવન’નું આયોજન કર્યું હતું. રાહુલ ગાંધીએ તથ્યોની કોઈ પણ ચકાસણી કર્યા વિના જ આ ધાર્મિક અનુષ્ઠાનને ‘અસ્પૃશ્યતા’ અને દલિતવિરોધી માનસિકતા ગણાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે પણ SC/ST એક્ટ હેઠળ કાર્યવાહીની માંગ કરી દીધી હતી. રાહુલે દાવો કર્યો હતો કે દલિત નેતા મલ્લિકાર્જુનના ગયા બાદ આ ‘શુદ્ધિકરણ હવન’ કરાયો હતો.
રાહુલ ગાંધીના આ હિંદુવિરોધી અને બેજવાબદાર એજન્ડાનો જવાબ સ્થાનિક વાલ્મીકિ સમાજે જ આપ્યો છે. હલ્દવાનીના જવાહર નગર વિસ્તારમાં રહેતા અને ‘શ્રીરામ સેના ધર્માર્થ સેવા ન્યાસ’ના હોદ્દેદાર 26 વર્ષીય અમિત કુમારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે ખુલાસો કર્યો છે કે તેઓ પોતે વાલ્મીકિ સમાજમાંથી આવે છે અને તેમણે પોતે અન્ય દલિત ભાઈઓ સાથે મળીને આ સ્વચ્છતા કાર્યક્રમ અને ધાર્મિક હવનનું આયોજન કર્યું હતું.
હિંદુ ધર્મને બદનામ કરવાના પ્રયાસોનો આરોપ
અમિત કુમારે પોતાની ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવ્યું કે આ ધાર્મિક વિધિ કોઈ વ્યક્તિ કે કોઈ ચોક્કસ જાતિ સામે નહોતી. તેમ છતાં રાહુલ ગાંધીએ માત્ર રાજકીય રોટલા શેકવા અને સનાતન સંસ્કૃતિના ધાર્મિક અનુષ્ઠાનને બદનામ કરવા માટે તેને અસ્પૃશ્યતા સાથે જોડી દીધું. રાહુલ ગાંધીના આ નિવેદનને કારણે સમાજમાં વૈમનસ્ય ફેલાયું છે અને સનાતન ધર્મના રીત-રિવાજોને પાલન કરનારા વાલ્મીકિ સમાજના લોકોને જ ‘અસ્પૃશ્યતા ફેલાવનારા’ તરીકે ચિત્રિત કરવાનો પ્રયાસ થયો છે.
પોલીસે અમિત કુમારની ફરિયાદના આધારે રાહુલ ગાંધી સામે BNSની વિવિધ કલમ 196 (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ ભડકાવવી), 299 (ધાર્મિક ભવનાઓને ઠેસ પહોંચાડવી) તેમજ SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામી અને ભાજપે પણ કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યું છે કે કોંગ્રેસ પાસે હવે કોઈ મુદ્દા બચ્યા નથી, તેથી તે ધાર્મિક કાર્યક્રમોને જાતિવાદી રંગ આપીને સમાજને તોડવાનું ષડયંત્ર રચી રહી છે.

