
નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલથી જૂન) દરમિયાન ભારતીય અર્થતંત્રે અપેક્ષા કરતાં વધુ મજબૂત પ્રદર્શન કર્યું છે. મિનિસ્ટ્રી ઑફ સ્ટેટિસ્ટિક્સે (MoSPI) તાજેતરમાં જાહેર કરેલા ડેટા અનુસાર, આ ત્રણ મહિનામાં ભારતનો વાસ્તવિક જીડીપી ગ્રોથ રેટ 7.8% રહ્યો છે.
સરળ શબ્દોમાં કહીએ તો જીડીપી એટલે દેશની સીમા અંદર એક ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદિત થયેલી તમામ ચીજવસ્તુઓ અને સેવાઓનું કુલ નાણાકીય મૂલ્ય. જો ચાલુ ભાવે ગણવામાં આવતા નોમિનલ જીડીપીની વાત કરીએ તો તેમાં 10.3%નો વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષે વાસ્તવિક જીડીપી ₹75.46 લાખ કરોડ હતી, જે વધીને આ વર્ષે ₹81.36 લાખ કરોડ થઈ છે, જ્યારે નોમિનલ જીડીપી ₹80.00 લાખ કરોડથી વધીને ₹88.27 લાખ કરોડ પર પહોંચી છે.
આ સરકારી આંકડા જાહેર થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભારતની આ સિદ્ધિને બિરદાવી હતી.
તેમણે આ પરિણામોને દેશવાસીઓની સામૂહિક શક્તિનું પરિણામ ગણાવતાં કહ્યું કે, ક્રૂડ ઓઇલના ભાવમાં અચાનક થતા ફેરફારો, વૈશ્વિક પુરવઠા શ્રૃંખલાની અડચણો અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં ભારતે આ અસાધારણ આર્થિક ઝડપ મેળવી છે. તેમણે ઉમેર્યું કે ભારત વિશે નકારાત્મક વાતો કરનારાઓ ફરી એકવાર ખોટા સાબિત થયા છે અને ભારતનો વિકાસ સતત આગળ વધી રહ્યો છે.
India’s exemplary GDP growth of 7.8% during Q1 of FY 2026-27 is a herculean feat.
— Narendra Modi (@narendramodi) August 31, 2026
The collective strength of our people ensured India delivered such growth despite oil price shocks and supply chain issues in the midst of global uncertainties.
Doomsayers were doomed and India…
આ આંકડા RBIના અંદાજ કરતાં પણ વધુ સારા રહ્યા છે. RBIએ આ ત્રિમાસિક ગાળા માટે 7% ગ્રોથ રેટનો અંદાજ મૂક્યો હતો, પરંતુ વાસ્તવિક આંકડો 7.8% એ પહોંચ્યો છે. જોકે, આ અગાઉના ત્રિમાસિક ગાળાના 8.6% ગ્રોથ કરતાં થોડો ઓછો છે, પરંતુ ગયા વર્ષના એપ્રિલ-જૂન ગાળાના 6.9% ગ્રોથ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. આ આંકડા દર્શાવે છે કે ભારત હજુ પણ વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર બની રહ્યું છે.
જો અલગ-અલગ ક્ષેત્રોના ઉત્પાદન અને વપરાશના ઇન્ડિકેટર્સ પર નજર કરીએ તો વાહન વ્યવહાર અને ઉત્પાદન ક્ષેત્રે જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. કમર્શિયલ વાહનોના વેચાણમાં 18.3% અને થ્રી-વ્હીલરના વેચાણમાં 29.7%નો મોટો વધારો થયો છે. આ ઉપરાંત કેપિટલ ગુડ્સ અને ઈલેક્ટ્રિકલ ઈક્વિપમેન્ટના ઉત્પાદનમાં પણ બે આંકડામાં વૃદ્ધિ નોંધાઈ છે, જે દર્શાવે છે કે દેશમાં નવી ફેક્ટરીઓ, મશીનરી અને પાયાની સુવિધાઓમાં રોકાણ સતત વધી રહ્યું છે.
વિદેશી વેપારની દૃષ્ટિએ પણ આ ત્રિમાસિક ગાળો પ્રોત્સાહક રહ્યો છે. વસ્તુઓ અને સેવાઓના નિકાસમાં 25.8%નો સુધારો જોવા મળ્યો છે. ખાસ કરીને મશીનરી અને ટ્રાન્સપોર્ટ સાધનોની આયાત-નિકાસમાં ઝડપી વૃદ્ધિ નોંધાઈ છે.

