પાકિસ્તાનમાં મજહબી પ્રતાડના ભોગવીને ગુજરાત આવેલા 319 હિંદુઓને CAA હેઠળ ભારતીય નાગરિકતા, રાજકોટમાં હર્ષ સંઘવીએ સોંપ્યાં સર્ટિફિકેટ

પાકિસ્તાનમાં મજહબી પ્રતાડના અને અસુરક્ષાનો સામનો કરીને ભારત આવેલા 319 હિંદુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ગુરુવારે (15 ઑક્ટોબર, 2026) રાજકોટના પ્રમુખ સ્વામી ઑડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ લાભાર્થીઓને નાગરિકતાનાં પ્રમાણપત્રો સોંપ્યાં હતાં.

આ પ્રસંગે અનેક પરિવારો ભાવુક થઈ ગયા હતા અને કેટલાકની આંખોમાં ખુશીનાં આંસુ આવી ગયાં હતાં. સંઘવીએ લાભાર્થીઓને સંબોધતાં કહ્યું હતું કે, “હવે આજથી તમે બધા ભારતના નાગરિક છો.” તેમણે આ દિવસને પરિવારો માટે દિવાળી જેવા ઉત્સવ સમાન ગણાવ્યો હતો.

હર્ષ સંઘવીએ આ પરિવર્તન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાગરિકતા સંશોધન કાયદાના (CAA) અમલીકરણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં હિંદુ પરિવારોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને સ્વતંત્રતા સામે પડકારો હતા. પાકિસ્તાનના થરપારકર વિસ્તારથી સ્થળાંતર કરીને આવેલી મહિલાઓનો ઉલ્લેખ કરતા તેમણે મોરબીનાં કવિતાબેનનું ઉદાહરણ આપ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાનમાં કેટલાક હિંદુ પરિવારોને પોતાનો જીવ બચાવવા માટે નામ બદલવાની ફરજ પડતી હતી. હવે ભારતીય નાગરિકતા મળવાથી તેઓ પોતાની ઓળખ સાથે અને સન્માનપૂર્વક જીવન જીવી શકશે. હળવા અંદાજમાં તેમણે એમ પણ કહ્યું કે રાજકોટમાં ગરબા રમવાનો પાસ પાકિસ્તાની પાસપોર્ટ કરતાં વધુ મૂલ્યવાન છે.

રાજકોટના 259 સહિત સૌરાષ્ટ્ર-કચ્છના પરિવારોને નાગરિકતા

નાગરિકતાનાં પ્રમાણપત્રો મેળવનારા 319 લોકોમાંથી 259 રાજકોટ જિલ્લાના, 53 મોરબીના, 6 કચ્છના અને 1 સુરેન્દ્રનગરનો રહેવાસી છે. હર્ષ સંઘવીએ તમામ પરિવારોને અભિનંદન આપીને તેમનાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે નાગરિકતાનાં પ્રમાણપત્રો આ પરિવારોને ભારતમાં નવું જીવન શરૂ કરવા માટે મજબૂત આધાર આપશે.

આ કાર્યક્રમમાં સાંસદ પરષોત્તમ રૂપાલાએ પણ સંબોધન કર્યું હતું. તેમણે નાગરિકતા સંશોધન કાયદાને કેન્દ્ર સરકારની માનવીય પહેલ ગણાવી હતી. રૂપાલાએ કહ્યું હતું કે આ કાયદાનો હેતુ કોઈની નાગરિકતા છીનવી લેવાનો નહીં, પરંતુ પડોશી દેશોમાં મુશ્કેલીઓનો સામનો કરીને ભારતમાં આશ્રય લેનારા લોકોને સન્માન અને કાનૂની ઓળખ આપવાનો છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ પહેલ બદલ અભિનંદન આપ્યાં હતાં.

ગુજરાતમાં CAA હેઠળ 1,500થી વધુ લોકોને નાગરિકતા

સુજલ મયાત્રા, ડિરેક્ટર ઑફ સેન્સસ ઑપરેશન્સે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં CAA હેઠળ અત્યાર સુધીમાં 1,500થી વધુ લોકોને નાગરિકતા આપવામાં આવી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે નવા નાગરિકો નવી ઓળખ અને આત્મવિશ્વાસ સાથે દેશના વિકાસમાં યોગદાન આપશે.

આ પ્રસંગે એક બાળાએ ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા માટેના પ્રયાસો બદલ હર્ષ સંઘવીના કપાળે કુમકુમ તિલક કરીને અને તેમના કાંડા પર રાખડી બાંધીને આભાર વ્યક્ત કર્યો હતો. લાભાર્થીઓએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી CM હર્ષ સંઘવીનો આભાર માન્યો હતો. રાજકોટના જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે આભારવિધિ કરી હતી.

કાર્યક્રમમાં રાજકોટનાં મેયર ડૉ. નેહલ શુક્લ, સાંસદ કેસરદેવસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળિયા, ધારાસભ્યો ઉદય કાનગડ, રમેશ તિલાળા, ભાનુબેન બાબરિયા, અનિરુદ્ધ દવે અને મહેન્દ્ર પાડલિયા, પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી આનંદુ સુરેશ ગોવિંદ સહિતના અધિકારીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ રાજકોટમાં આગલી રાત્રે નોંધાયેલા સોનાની લૂંટ અને હત્યાના કેસમાં આરોપીઓને પકડવા બદલ રાજકોટ શહેર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય જિલ્લાઓની પોલીસ ટીમોની પ્રશંસા કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે આશરે 50 પોલીસ ટીમોએ સતત કામગીરી કરીને 24 કલાકમાં આરોપીઓને શોધી કાઢ્યા અને લૂંટાયેલો મુદ્દામાલ રિકવર કર્યો હતો. નવરાત્રિની ઉજવણીમાં વિક્ષેપ ન પડે તેની સાથે આ કાર્યવાહી કરવા બદલ પણ તેમણે પોલીસની સરાહના કરી હતી.