અમેરિકાના હિંદુ મંદિર પર માસ શૂટિંગનું કાવતરું, રાઇફલ જામ થઈ જતાં ટળ્યો ઘાતકી હુમલો: પોતાને ‘વ્હાઇટ સુપ્રીમસિસ્ટ’ ગણાવતા 19 વર્ષીય શખ્સની ધરપકડ

નવરાત્રિ ચાલી રહી છે ત્યારે અમેરિકાના ઇલિનોયમાં એક હિંદુ મંદિરને નિશાન બનાવીને સામૂહિક ગોળીબાર (માસ શૂટિંગ) કરવાનું ષડયંત્ર ઉજાગર થયું છે. અમેરિકી પોલીસના જણાવ્યા અનુસાર એક 19 વર્ષીય શખ્સ એલેક્ઝાન્ડ્રોસ પેપોરાકિસ (Alexandros Paporakis) આ હુમલાની યોજના બનાવી હતી. તે રાઇફલ અને મોટી સંખ્યામાં કારતૂસ લઈને મંદિરના વિસ્તારમાં પહોંચ્યો હતો પરંતુ રાઇફલ જામ થઈ જતાં તે ગોળીબાર કરી શક્યો નહોતો. આખરે તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ કેસમાં પોલીસને એક આઠ પાનાંનું સાહિત્ય પણ મળ્યું છે, જેમાં ભારતીયો સહિત બિનશ્વેત સમુદાયોના લોકો પ્રત્યે નફરત અને માસ કિલિંગ જેવી બાબતો લખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે આરોપી મૂળ ઇલિનોય રાજ્યના પેલેટાઇનમાં રહે છે. હાલમાં તે ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટ ટેકો બેલમાં કેશિયર તરીકે કામ કરતો હતો.

પ્રાથમિક તપાસ અનુસાર પેપોરાકિસ ભારતીયો અને અન્ય બિન-શ્વેત સમુદાયો પ્રત્યે ઘૃણા ધરાવે છે. તેના સહકર્મીઓએ પોલીસને જણાવ્યું હતું કે તે પોતાની જાતને ‘વ્હાઇટ સુપ્રીમસિસ્ટ’ ગણાવતો હતો. તે નાઝી વિચારધારા અને હિંસા વિશે પણ વાતો કરતો હતો. (‘વ્હાઇટ સુપ્રિમસી’ એટલે શ્વેત લોકો (અન્યો કરતાં) શ્રેષ્ઠ છે, ચડિયાતા છે એવી ભાવના અથવા વિચારધારા.)

અમેરિકાની કૂક કાઉન્ટી પ્રોસિક્યુટર ઑફિસે કોર્ટમાં રજૂ કરેલી વિગતો અનુસાર, પેપોરાકિસ મોટાપાયે ભારતીયોની હત્યા કરવા માંગતો હતો અને ઓરોરામાં આવેલા સૌથી મોટા હિંદુ મંદિરને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યો હતો. આ યોજના અંગે તેણે તેના એક સહકર્મીને જાણ કરી હતી. તેણે તેના બીજા સહકર્મીને એમ પણ કહ્યું હતું કે 11 ઑક્ટોબર, રવિવારનો દિવસ ખાસ રહેવાનો છે.

રાઇફલ લઈને મંદિરના વિસ્તારમાં પહોંચ્યો, રાઇફલે કામ ન કર્યું એટલે ઘટના ટળી

પોલીસના જણાવ્યા મુજબ 11 ઑક્ટોબરના રોજ પેપોરાકિસ AR-સ્ટાઇલની રાઇફલ, લગભગ 300 કારતૂસ, બુલેટ પ્રૂફ જેકેટ અને અન્ય હથિયારો લઈને નીકળ્યો હતો. તેનો ઇરાદો ઓરોરામાં આવેલા હિંદુ મંદિરોને નિશાન બનાવવાની હતી. તે મંદિરે પહોંચ્યા બાદ રાઇફલ ચલાવવા જ માંગતો હતો પણ તેની રાઇફલ જામ થઈ જતાં કાવતરું નિષ્ફળ ગયું.

ઘરે પરત ફર્યા બાદ તેણે રાઇફલ સરખી કરવા ઈન્ટરનેટ પર માહિતી શોધી હતી. ત્યારબાદ તેણે પોતાના સહકર્મીને ફોન કરીને રાઇફલ જામ થઈ ગઈ હોવાની વાત કરી હતી. આ સિવાય રાઇફલ ફાયર ન થતી હોવાનો વિડીયો અને ફોટો પણ મોકલ્યો હતો.

પેપોરાકિસે રાઇફલ જામ થઈ હોવાની વાત કર્યા બાદ તેના સહકર્મીઓને પરિસ્થિતિનો અંદાજ આવી ગયો હતો. તેણે હુમલાની યોજના અંગે અગાઉ પણ વાતો કરી હોવાથી એક સહકર્મી અને અન્ય કર્મચારીએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ કાર્યવાહીમાં પેપોરાકિસને તેના ઘરની બહારથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

પોલીસે તેના ઘરે તપાસ કરતાં એક AR-સ્ટાઇલની રાઇફલ, ભરેલી મેગેઝિન, સેંકડો વધારાના કારતૂસ, બુલેટપ્રૂફ જેકેટનું ટેક્ટિકલ વેસ્ટ અને અન્ય સાધનો મળી આવ્યાં હતાં. પોલીસના જણાવ્યા અનુસાર, કેટલીક વસ્તુઓ વ્હાઇટ સુપ્રમસી અને નાઝી વિચારધારા સાથે જોડાયેલાં ચિહ્નો પણ હતાં.

આઠ પાનાંના મેનિફેસ્ટોમાં ભારતીયો સહિત અનેક સમુદાયો પ્રત્યે નફરત

તપાસ દરમિયાન પોલીસને પેપોરાકિસનું આઠ પાનાંનું સાહિત્ય મળ્યું હતું. તેનું શીર્ષક હતું ‘Why I Fought: A.K.A. (Aurora Shooter’s Manifesto)’.પોલીસના જણાવ્યા અનુસાર, આ દસ્તાવેજમાં શ્વેત જાતિને શ્રેષ્ઠ માનવાની વિચારધારા, નિયો-નાઝી વિચારો અને સામૂહિક હત્યા કરવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.

દસ્તાવેજમાં ભારતીયો, યહૂદીઓ, આફ્રિકન અમેરિકનો અને અન્ય બિન-શ્વેત સમુદાયોના લોકો સામે નફરતભર્યું લખાણ હતું. આ સિવાય તેમાં શક્ય તેટલા વધુ લોકોને મારી નાખવાના ષડયંત્ર વિશે લખવામાં આવ્યું હતું. પોલીસ આ મેનિફેસ્ટો, મેસેજ અને અન્ય પુરાવાઓની તપાસ કરી રહી છે.

આરોપી એલેક્ઝાન્ડ્રોસ પેપોરાકિસ સામે ટેરર થ્રેટ અને ગેરકાયદે હથિયાર રાખવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. 14 ઑક્ટોબર, બુધવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ન્યાયાધીશે તેને ટ્રાયલ પહેલાં જેલમાં રાખવાનો આદેશ આપ્યો છે. તેની આગામી કોર્ટ સુનાવણી 30 ઑક્ટોબર, 2026ના રોજ નક્કી કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન કોઈ અન્ય વિગતો સામે આવશે તો આરોપી વિરુદ્ધ બીજા ગુના પણ નોંધવામાં આવશે. હાલમાં FBIની મદદથી તપાસ આગળ થઈ રહી છે અને ટાર્ગેટ પર કયાં-કયાં મંદિરો અને સ્થળો હતાં તેની ચકાસણી થઈ રહી છે.