ભારતમાં કોઈ પણ વ્યક્તિની ભાષા, પ્રદેશ કે રાજ્યના આધારે તેની સામે પૂર્વગ્રહ રાખી શકાય નહીં. ખાસ કરીને કાયદાનું પાલન કરાવતી પોલીસ જેવી સંસ્થાએ આવી બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તમિલનાડુમાં એક છેતરપિંડીના કેસના આરોપી અંકુર કુમાર જૈનની જામીન અરજીનો વિરોધ કરતી વખતે તમિલનાડુ પોલીસે દલીલ કરી હતી કે તેઓ ‘નોર્થ ઇન્ડિયન’ હોવાથી ભાગી જવાની શક્યતા છે. આ વાતથી નારાજ થઈને મદ્રાસ હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું કે કોઈ પણ વ્યક્તિના મૂળ સ્થાનના આધારે તે ભાગી જશે એવું માની શકાય નહીં અને પોલીસે સોગંદનામાંમાં આવી અયોગ્ય દલીલ ન કરવી જોઈએ.
મદ્રાસ હાઇકોર્ટના જસ્ટિસ એન. રમેશે 7 ઑક્ટોબર, 2026ના રોજ આ ટિપ્પણી કરી હતી. અંકુર જૈન પર કોયમ્બતુરમાં વિદ્યાર્થીઓના વાલીઓની રિફંડેબલ ડિપોઝિટ પરત ન કરવાનો આરોપ હતો. પોલીસે તેમની ઉત્તર ભારતીય ઓળખને આધાર બનાવીને જામીનનો વિરોધ કર્યો હતો, પરંતુ કોર્ટે આ દલીલને ફગાવી દઈને આરોપીને શરતી જામીન મંજૂર કર્યા હતા.

શું હતો સમગ્ર કેસ?
આ વિવાદનું કેન્દ્ર વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી લેવામાં આવેલી સિક્યોરિટી ડિપોઝિટ છે. FIITJEE લિમિટેડ અને કોયમ્બતુરની સુગુણા PIP સ્કૂલ વચ્ચે JEE અને NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કોચિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વ્યવસ્થા અંતર્ગત દરેક વિદ્યાર્થીના વાલીએ ₹1 લાખની રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવાની હતી.
સંસ્થા તરફથી એવી ખાતરી આપવામાં આવી હતી કે અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ 60 દિવસની અંદર આ રકમ વાલીઓને પરત કરી દેવામાં આવશે. પરંતુ, અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયા પછી પણ ડિપોઝિટની રકમ પરત ન મળતાં એક વાલીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે FIITJEEના પ્રતિનિધિઓ અને સ્કૂલના સંચાલકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં કુલ 262 વાલીઓને આશરે ₹2.62 કરોડનું નુકસાન થયું હતું. અંકુર જૈન સામે દાવો કરવામાં આવ્યો હતો કે તેમણે 2011માં સ્કૂલ સાથેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેના કારણે આ કેસમાં તેમની પણ સંડોવણી માની લીધી હતી. જોકે, અંકુર જૈનનું મૂળ ફરિયાદ કે FIRમાં આરોપી તરીકે નામ નહોતું, પરંતુ તે કંપનીમાં કામ કરતાં હોવાના કારણે તેમને પાછળથી કેસ સાથે જોડી દેવામાં આવ્યા.
ધરપકડની પ્રક્રિયામાં કાયદાકીય ખામીઓ અને લેખિત કારણોનો અભાવ
આ કેસમાં માત્ર પ્રાદેશિક ટિપ્પણી સિવાય ધરપકડની પ્રક્રિયા પણ વિવાદનો મુદ્દો બની હતી. અંકુર જૈનની ધરપકડ 15 જુલાઈ, 2026ના રોજ અન્ય એક આર્થિક ગુનાના કેસમાં થઈ હતી અને ત્યારબાદ 11 ઑગસ્ટ, 2026ના રોજ કોઈમ્બતુરના આ કેસમાં તેમની ઔપચારિક ધરપકડ નોંધાવવામાં આવી હતી.
અંકુર જૈનના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે તેમને તમિલ ભાષામાં છાપેલો એક મેમો આપવામાં આવ્યો હતો, જે તેમને વાંચતાં નહોતું આવડતું. તેમાં તેમની સામે ચોક્કસ કયા આરોપો છે અથવા કયા પુરાવાઓના આધારે ધરપકડ કરવામાં આવી છે તેની પૂરતી અને સ્પષ્ટ વિગતો લેખિતમાં નહોતી. પોલીસે મૌખિક રીતે સમજાવવાનો દાવો કર્યો હતો, પરંતુ હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર મૌખિક ખુલાસાથી કાયદાકીય આવશ્યકતાઓ પૂરી થતી નથી.
બંધારણની કલમ 22 (1) અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 47 મુજબ ધરપકડ કરવામાં આવતી વ્યક્તિને તેના વિરુદ્ધના આરોપોની પૂરતી અને લેખિત જાણ કરવી અનિવાર્ય છે. હાઇકોર્ટે તારણ કાઢ્યું કે અંકુર જૈનને કાયદા મુજબ ધરપકડનાં કારણો લેખિતમાં આપવામાં આવ્યાં નહોતાં, જેના કારણે સમગ્ર ધરપકડ અને રિમાન્ડની પ્રક્રિયા કાયદાકીય રીતે ક્ષતિગ્રસ્ત બની હતી. આ ગંભીર ખામીને કારણે જ કોર્ટે જામીન મંજૂર કર્યા હતા.
‘નોર્થ ઇન્ડિયન હોવાથી ભાગી જશે’- તમિલનાડુ પોલીસ
નોંધનીય છે કે જામીન અરજીની વિરુદ્ધમાં પોલીસે એક સોગંદનામું દાખલ કર્યું હતું. મદ્રાસ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા સોગંદનામાંમાં જણાવાયું હતું કે આરોપી તપાસના પ્રારંભિક તબક્કામાં જામીન પર છૂટશે તો ભાગી શકે છે. આ દલીલને સમર્થન આપવા માટે પોલીસે કહ્યું હતું કે આરોપી ‘નોર્થ ઇન્ડિયન’ હોવાથી તેના પોતાના રાજ્યમાં ભાગી જવાની શક્યતા છે.
જોકે કોર્ટે નોંધ્યું કે અંકુર જૈન બે દાયકાથી વધુ સમયથી ચેન્નાઈમાં રહેતા અને કામ કરતા હતા. તેમનું જીવન અને વ્યવસાય ત્યાં જ સ્થિર છે. તેથી માત્ર તેઓ ઉત્તર ભારતના છે એ કારણથી તેઓ ભાગી જશે એવી આશંકા વ્યક્ત કરવી યોગ્ય નહોતી.

જસ્ટિસ એન. રમેશે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે વ્યક્તિનું મૂળ સ્થાન તે ભાગી જશે એવી આશંકા રાખવાનો આધાર બની શકે નહીં. તેમણે વધુમાં નોંધ્યું કે પોલીસ અધિકારીએ સોગંદનામાંમાં આવી દલીલ જ નહોતી કરવી જોઈતી. એટલે કે કોર્ટનો વાંધો માત્ર જામીનનો વિરોધ કરવા પૂરતો નહોતો, પરંતુ કોઈ વ્યક્તિની પ્રાદેશિક ઓળખને તેની વિશ્વસનીયતા કે ભાગી જવાની સંભાવના સાથે જોડવાની પોલીસની રીત સામે પણ હતો.
પોલીસને પણ ટકોર
આ કેસમાં હાઇકોર્ટે માત્ર અંકુર જૈનને જામીન આપીને મામલો પૂરો કર્યો નહોતો. જસ્ટિસ એન. રમેશે નોંધ્યું હતું કે ધરપકડનાં કારણો લેખિતમાં આપવાની બાબતે સુપ્રીમ કોર્ટ અગાઉ પણ અનેક ચુકાદાઓમાં સ્પષ્ટ માર્ગદર્શિકા આપી ચૂકી છે. તેમ છતાં પોલીસ જૂની અને અપૂરતી વિગતો ધરાવતી ધરપકડ મેમોની પદ્ધતિનો ઉપયોગ કરી રહી હતી.
એટલે કોર્ટે તમિલનાડુના DGPને આ બાબતે જવાબ આપવા નિર્દેશ આપ્યો હતો. સાથે જ રાજ્યમાં ધરપકડનાં કારણો લેખિતમાં આપવાની પ્રક્રિયા અંગે જરૂરી સૂચનાઓ જારી કરવા પણ નિર્દેશ આપ્યો હતો. કોર્ટે એવું પણ કહ્યું હતું કે કાયદા મુજબ લેખિતમાં ધરપકડનાં ન આપવા એ જે-તે પોલીસ અધિકારીની ફરજમાં બેદરકારી ગણાય અને તેના માટે વિભાગીય કાર્યવાહી થઈ શકે.
આ અંગેનો અનુપાલન અહેવાલ રજૂ કરવા માટે મામલો 10 નવેમ્બર, 2026ના રોજ ફરીથી સૂચિબદ્ધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
શરતી જામીન
અંતે અદાલતે અંકુર જૈનને ₹50,000 બોન્ડ અને એટલી જ રકમની બે જામીનગીરીઓ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ કેટલીક કડક શરતો પણ લાદવામાં આવી હતી, જેમાં તપાસ માટે બોલાવવામાં આવે ત્યારે સહકાર આપવો, કોર્ટની પૂર્વ મંજૂરી વગર ભારત છોડીને ન જવું, તેમજ ફરિયાદી કે સાક્ષીઓનો સંપર્ક ન કરવો અને પુરાવાઓ સાથે કોઈ ચેડાં ન કરવા જેવી બાબતો સામેલ હતી.
કોર્ટે અંતમાં સ્પષ્ટ કર્યું હતું કે જામીન આપવાના આદેશનો અર્થ એ નથી કે આરોપી સામેના આરોપો ખોટા છે અથવા તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. નાણાકીય છેતરપિંડીના આ કેસની સત્યતા અને ટ્રાયલની કાર્યવાહી કાયદા અનુસાર તેની નિર્ધારિત દિશામાં ચાલુ જ રહેશે. આ સમગ્ર ચુકાદો એ વાતની સ્પષ્ટ યાદ અપાવે છે કે કાયદાકીય પ્રક્રિયામાં કોઈપણ નાગરિકની પ્રાદેશિક ઓળખના આધારે પૂર્વગ્રહ ન રાખી શકાય. આ સિવાય કાયદાનું પાલન કરાવતી સંસ્થાઓએ પણ બંધારણીય નિયમોનું પાલન કરવું જરૂરી છે.


