
ગુજરાત ATSએ વડોદરા નજીકથી એક મોટા કાવતરાનો પર્દાફાશ કરીને 22 વર્ષીય મોહમ્મદ સહારુલ ઇસ્લામ કબીરુદ્દીન નામના આતંકીની ધરપકડ કરી છે. ATSના જણાવ્યા મુજબ આ આતંકી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો છે. તેની પાસેથી ઓટોમેટિક રાઇફલ, 23 જીવતા કારતૂસ, ખાલી મેગેઝિન, જૈશ-એ-મોહમ્મદનો ઝંડો, મોબાઇલ ફોન, સિમકાર્ડ અને રોકડ રકમ મળી આવી છે.
આતંકી મૂળ આસામના કરીમગંજ જિલ્લાનો રહેવાસી છે અને ત્યાં મદરેસામાં અભ્યાસ કરી ચૂક્યો છે. ગુપ્ત બાતમીના આધારે ગુજરાત ATS 6 મહિનાથી તેની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી અને આસામથી ગુજરાત પહોંચેલા આ આતંકીને ઝડપી પાડ્યો હતો. ATSના DIG સુનીલ જોશીએ જણાવ્યું હતું કે તે હથિયાર સાથે મહત્વપૂર્ણ સુરક્ષા કેન્દ્ર પર હુમલો કરવાની ફિરાકમાં હતો.
વડોદરા એરફોર્સ સ્ટેશન હતું ટાર્ગેટ પર
તપાસમાં સૌથી ચોંકાવનારી બાબત એ બહાર આવી છે કે આરોપી વડોદરા એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવાની યોજના ઘડી રહ્યો હતો. તેના મોબાઇલ ફોનની તપાસમાં એરફોર્સ સ્ટેશન અને અન્ય મહત્વપૂર્ણ સ્થળોના ફોટા અને વિડીયો મળ્યા છે. કેટલીક તસવીરો પર લાલ નિશાન પણ લગાવવામાં આવ્યા હતા, જે ટાર્ગેટ પોઇન્ટ દર્શાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
ATSનું કહેવું છે કે આ સમગ્ર કાવતરા પાછળ પાકિસ્તાનમાં બેઠેલા જૈશ-એ-મોહમ્મદના હેન્ડલર મુફ્તિ રફીક ઉર્ફે ઇબ્ન અબ્દુલ્લાહનો હાથ હોય શકે છે. સામે આવ્યું છે કે આતંકી છેલ્લા એક વર્ષથી વોટ્સએપ અને સોશિયલ મીડિયા દ્વારા તેના સંપર્કમાં હતો અને ત્યાંથી તેને સૂચનાઓ તથા વિડીયો મળતા હતા.
રોકડ, સીમકાર્ડ અને હથિયારો જપ્ત
તપાસમાં એ પણ ખુલ્યું છે કે હેન્ડલરે તેને આશરે ₹50,000 મોકલ્યા હતા. આ પૈસા ફોન ખરીદવા, રહેવા અને મુસાફરી માટે વાપરવાના હતા. ધરપકડ સમયે આતંકી પાસેથી જૈશ-એ-મોહમ્મદનો ઝંડો પણ મળ્યો છે. આ ઉપરાંત ખાલી મેગેઝિન, મોબાઇલ, સિમકાર્ડ અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. ATS હવે હથિયાર ક્યાંથી આવ્યાં તેની તપાસ કરી રહી છે.
તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આતંકીએ કોઈ આતંકવાદી કેમ્પમાં તાલીમ લીધી છે કે કેમ તેની ખાતરી નથી, પરંતુ તે યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર વિડીયો જોઈને હથિયાર ચલાવવાનું શીખ્યો હતો. તે હથિયાર મેળવવા માટે દાહોદ સુધી ગયો હોવાનું પણ સામે આવ્યું છે અને હથિયાર લીધા બાદ વડોદરા તરફ પરત ફરતી વખતે તેને પકડી લેવામાં આવ્યો હતો. વધુમાં તેણે દરગાહમાં અભ્યાસ કર્યો હોવાની માહિતી પણ સામે આવી છે.
પાકિસ્તાન જઈ જૈશ-એ-મોહમ્મદમાં જોડાવાની તૈયારી
અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપીની યોજના માત્ર હુમલા પૂરતી સીમિત નહોતી, પરંતુ હુમલા બાદ તે પાકિસ્તાન જઈને જૈશ-એ-મોહમ્મદમાં જોડાવા માંગતો હતો. તેણે આતંકી સંગઠનમાં જોડાઈને પોતાને ‘શહીદ ગણાવવા’ની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.
ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ગુજરાત ATS હવે એ તપાસ કરી રહી છે કે તેને હથિયાર કોણે પૂરાં પાડ્યાં, ગુજરાતમાં તેને કોઈ સ્થાનિક મદદગાર મળ્યા હતા કે કેમ અને આ નેટવર્કમાં બીજા કોણ-કોણ સામેલ છે. હવે કોર્ટમાં રજૂ થનારા પુરાવા અને આગળની તપાસ બાદ આ સમગ્ર કાવતરાની હકીકત વધુ સ્પષ્ટ થશે.

