
ગુજરાતની સુરક્ષા સાચવવા માટે ગુજરાત ATS સતત કામ કરી રહી છે. હવે સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાત ATSએ વડોદરામાંથી એક આતંકીની ધરપકડ કરી છે, જે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો હતો. પકડાયેલા શખ્સ પાસેથી AK 47 અને જીવતા કારતૂસ મળી આવ્યા છે.
અહેવાલો મુજબ, ATSની ટીમે વડોદરાના જરોદ વિસ્તારમાં કાર્યવાહી કરીને આ શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લીધો હતો. તેની પાસેથી એક AK-47 રાઈફલ, અન્ય હથિયારો અને 20થી વધુ જીવતા કારતૂસ મળ્યાં છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે તેનો ખરેખર શું રોલ છે અને તેની પાછળ કોણ છે.
The Gujarat ATS has arrested a suspected terrorist linked to Jaish-e-Mohammed from Vadodara. The ATS has recovered a rifle and more than 20 live cartridges from the accused. A major operation by the ATS is currently underway: Gujarat ATS Official
— ANI (@ANI) November 27, 2026
વિગતો પ્રમાણે, આ શખ્સ આસામ તરફથી ગુજરાતમાં આવ્યો હતો. તેને વડોદરામાં બસ સ્ટેન્ડ પાસેથી પકડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ પૂછપરછ માટે અમદાવાદ લઈ જવાયો છે. આ હથિયારો તેને ક્યાંથી મળ્યાં, તે કોના સંપર્કમાં હતો અને ગુજરાતમાં શા માટે આવ્યો હતો, આ બધી બાબતોની તપાસ ચાલી રહી છે.
ઝડપાયેલા આતંકીને લઈને તપાસમાં વધુ એક મહત્વની બાબત સામે આવી છે. જાહેર સ્થળે આતંક ફેલાવવાના ઇરાદે તે આસામથી બસ અને ટ્રેન મારફતે ગુજરાત આવ્યો હતો અને વડોદરા રેલવે સ્ટેશન નજીક રોકાયો હતો. છેલ્લા છ મહિનાથી વધુ સમયથી ગુજરાત ATS તેની શોધખોળ કરી રહી હતી. દરમિયાન જરોદમાં દરોડો પાડીને ATSએ આતંકીને AK-47 રાઈફલ સાથે ઝડપી પાડ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આ રાઈફલ તે પડોશી રાજ્યમાંથી લઈને આવ્યો હતો. તેના મોબાઇલ ફોનમાંથી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલું સાહિત્ય પણ મળી આવ્યું છે.
નોંધનીય છે કે આ પહેલાં પણ ગુજરાત ATSએ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આતંકીઓ સામે પગલાં લીધાં હતાં. જુલાઈ 2026માં ATSએ ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી 8 લોકોની ધરપકડ કરી હતી. ત્યારે આરોપીઓ પાસેથી જેહાદી સાહિત્ય મળી આવ્યું હતું.

